પાઉન્ડ એઝરા વેસ્ટન લૂમિસ

January, 1999

પાઉન્ડ, એઝરા વેસ્ટન લૂમિસ (. 30 ઑક્ટોબર 1885, આઇડો, યુ.એસ.; . 1 નવેમ્બર 1972) : અમેરિકન કવિ અને વિવેચક. યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં શિક્ષણ લઈ, ઇન્ડિયાનામાં શિક્ષક તરીકે થોડો સમય કામ કરી, તેઓ 1908માં યુરોપ પહોંચ્યા; ત્યાં ઇટાલીથી તેમણે પોતાનાં કાવ્યોનો પ્રથમ સંગ્રહ, ‘અ લ્યૂમ સ્પેન્ટો’ (1908) પોતાને ખર્ચે પ્રસિદ્ધ કર્યો. યુરોપથી પછી તે લંડન ગયા; ત્યાં તત્કાલીન સાહિત્યવર્તુળોમાં સક્રિય બની તેમણે ક્રમે કરી પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી લીધું. આ સમય દરમિયાન તેમના ‘પરસોની’ (1909), ‘કેન્ઝોની’ (1911), ‘રિપોસ્ટ્સ’ (1912) અને ‘લસ્ટ્રા’ (1916)  એમ એકથી વધુ કાવ્યસંગ્રહો પ્રગટ થયા.

એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ

પ્રથમ વિશ્વયુદ્ધના સમયનાં આ વર્ષોમાં કવિતાના ક્ષેત્રમાં ખૂબ જ પ્રભાવક નીવડેલી ‘ઇમેજિઝમ’ એટલે કે કલ્પનવાદની હલચલના ઉદ્દેશો અને તેના સમગ્ર કાર્યક્રમને વેગ આપનાર એફ. એસ. ફિલૅન્ટ, આર. ઑલ્ડિંગટન, કવયિત્રી હિલ્ડા ડૂલિટલ જેવી પ્રતિભાઓના બનેલા કવિકુલની સાથે રહી તેમણે ઇંગ્લિશ અમેરિકન, તેમજ જરા વ્યાપક રીતે જોઈએ તો સમગ્ર યુરોપીય સાહિત્યને આ તબક્કે એક ચોક્કસ દિશા પૂરી પાડી. કલ્પનવાદી કવિતાનો ઝોક કાવ્યમાં ભાષાની એકાગ્રતા અને ચોકસાઈ, કલ્પનની નક્કરતા તથા કસબની ચુસ્તતા સાધવા તરફ હતો. પાઉન્ડના જ એક બહુ જાણીતા વિધાન પ્રમાણે, કવિ તેના સકલ જીવન દરમિયાન એકાદ કલ્પન પણ જો પૂર્ણપણે આત્મસાત્ અને સાકાર કરી શકે તો તે તેની ઘણી મોટી સિદ્ધિ લેખાય. કલ્પનવાદી કવિતાએ છંદોમુક્તિની પ્રક્રિયામાં પણ સારો એવો ફાળો આપ્યો. આમ વીસમી સદીના આરંભના દશકાઓમાં પ્રસરેલી આધુનિકતાવાદી (modernist) હલચલના પાયામાં રહેલા મુખ્ય ઉદ્દેશોની વ્યાખ્યા બાંધવામાં અને તેને પોષવામાં પાઉન્ડનું અર્પણ મુખ્ય રહ્યું. આ જ વલણથી પ્રેરાઈને તેમણે જેમ્ઝ જૉઇસ, વિન્ડમ લૂઈ અને ખાસ કરી ટી. એસ. એલિયટ જેવી અગ્રિમ આધુનિક પ્રતિભાઓના સર્જનને પ્રતિષ્ઠા આપી, તેને સ્વીકૃતિ-સન્માન અપાવ્યાં. એલિયટની ‘ધ વેસ્ટ લૅન્ડ’ જેવી આધુનિકતાવાદના કેન્દ્રવર્તી આવિષ્કાર સમી કાવ્યકૃતિના સર્જન અને સંમાર્જનમાં પાઉન્ડે પોતે યોગ્ય ફેરફારો વગેરે સૂચવી પ્રત્યક્ષ ભાગ ભજવ્યો, જેનો એલિયટે સન્માન સાથે ઋણ-સ્વીકાર કર્યો છે. પાઉન્ડના આ સમયગાળા દરમિયાનના કાવ્યસર્જનમાં તેમની ‘હ્યુ સેલ્વિન મોબરલી’ (1920) કૃતિનો સમાવેશ થાય છે.

પાઉન્ડના સતત વિકસતા રહેલા કાવ્યદર્શનમાં વળી એક નવો વળાંક આવે છે. કલ્પનવાદના આદર્શો વધુ પડતા સાંકડા લાગતાં તે હવે ભાષા-સંસ્કૃતિના અત્યાર સુધી અણપ્રીછેલા પ્રદેશોનો તાગ લઈ તે દ્વારા વધુ મોકળાશ અને મુક્તતા અનુભવવા તરફ વળે છે. પાઉન્ડ મુખ્યત્વે ભાષાંતરપ્રવૃત્તિ દ્વારા આ દિશામાં કાર્યરત થાય છે. આ રીતે તેઓ પ્રોવેન્સાલ અને પૂર્વકાલીન ઇટાલિયન કૃતિઓ; જૂના ઇંગ્લિશમાં લખાયેલી ‘ધ સીફેરર’ જેવી કૃતિ; ચાઇનીઝ કવિ લી પોની કૃતિઓ  એમ એકથી વધુ સાંસ્કૃતિક સંદર્ભોને ભાષાંતર અથવા અનુસર્જન દ્વારા પોતાના કાવ્યકસબમાં ઝીલવા, પોતાની કલમને સક્ષમ બનાવવા જાણે કે સ્વાધ્યાય-રિયાઝ કરતા રહે છે. આ ઉન્મેષનું સુફલ તેમના ‘કૅન્ટોઝ’ એટલે કે કાવ્યસર્ગોના નિર્માણમાં મળે છે. આ ‘કૅન્ટોઝ’ના પ્રથમ ત્રણ સર્ગો ‘પોઇટ્રી’ સામયિકમાં 1917માં પ્રસિદ્ધ થયા ત્યારથી માંડી આ સુદીર્ઘ કૃતિના છેલ્લા અંશો ‘ડ્રાફ્ટ્સ ઍન્ડ ફ્રૅગ્મન્ટ્સ ઑવ્ કૅન્ટોઝ CX થી CXVII’ 1970માં પ્રસિદ્ધ થયા ત્યાં સુધી પાઉન્ડના સમગ્ર કવિકર્મમાં કેન્દ્રસ્થાને રહેલી આ કૃતિએ વીસમી સદીના આધુનિક એટલે કે સુનિશ્ર્ચિત રીતે મૉડર્નિસ્ટ પ્રકારના સર્જનને દિશા આપવા-ઘડવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. આ સાથે પાઉન્ડની પ્રતિભાની વિશિષ્ટ દુર્બોધતા અને સંકુલતા પણ આ તેમજ તેમની ‘હ્યુ સેલ્વિન મોબરલી’ જેવી કૃતિઓમાં પડઘાય છે.

1920 પછી થોડાં વર્ષો માટે પાઉન્ડ પૅરિસમાં વસ્યા. ત્યાં અર્નેસ્ટ હેમિંગ્વે તથા ગર્ટુડ્ર સ્ટાઇન જેવાં અગ્રિમ મેધાવી સાહિત્યકારોનાં વર્તુળોમાં તે સક્રિય બની રહ્યા. 1925 પછી તે રેપેલો ખાતે સ્થાયી થયા, જ્યાં તેમણે ‘કૅન્ટોઝ’ પર કામ કરવાનું ચાલુ રાખ્યું. બીજા વિશ્વયુદ્ધનાં પહેલાંનાં અને તે દરમિયાનનાં વર્ષોમાં ખાસ કરીને અર્થશાસ્ત્ર અને સમાજવ્યવસ્થા વિશે તેમના બદલાયેલા વિચારોથી પ્રેરાઈને તે ઇટાલીના મુસોલીનીની વિચારધારાથી આકર્ષાયા. આ કારણથી તેમની કવિ તરીકેની પ્રતિભા સારી એવી ઝંખવાઈ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇટાલિયન રેડિયો પરથી લોકશાહી-વિરોધી પ્રવચનો કર્યાં; 1945માં તેમના પર દેશદ્રોહનો આરોપ મુકાયો. યુદ્ધ પછી તેમને અમેરિકા ખસેડવામાં આવ્યા. ચિત્તભ્રમિત જાહેર થયેથી ત્યાં તેમને મનોરોગની સંસ્થામાં રાખવામાં આવ્યા. અહીંથી 1958માં છુટકારા પછી તે ફરીથી ઇટાલી જઈ સ્થાયી થયા.

આધુનિકતાવાદી કાવ્યાદર્શના પ્રમુખ ઉદગાતા સમા આ સર્જકમાં પરંપરાના સંસ્કારો પણ એટલા જ દૃઢ છે અને એથી જ એમનું સર્જન તેમજ એમનો કાવ્યવિચાર આટલાં બધાં પ્રભાવક બન્યાં છે.

દિગીશ મહેતા