પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ) : પ્રાકૃત ભાષામાં લખાયેલી 12 કથાઓનો સંગ્રહ. પદ્મચન્દ્રસૂરિના કોઈ અજ્ઞાત નામના શિષ્યે ‘વિક્રમસેનચરિત્ર’ નામની પ્રાકૃત કૃતિની (ઈ. સ. 1342 પહેલાં) રચના કરી હતી. આ કથાપ્રબંધમાંની ચૌદ કથાઓમાંથી ‘પાઇઅકહાસંગહો’માં બાર કથાઓ સંગૃહીત કરવામાં આવી છે. આ કથાસંગ્રહના કર્તા કે સમય અંગે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી.

આ સંગ્રહમાં દાન, શીલ, તપ, ભાવના, સમ્યક્ત્વ, નવકાર અને અનિત્યતાવિષયક રસપ્રદ કથાઓ છે. દાનનું માહાત્મ્ય દર્શાવવા ધનદેવ-ધનદત્તકથા, સમ્ય-ક્ત્વનો પ્રભાવ બતાવવા માટે ધનશ્રેષ્ઠી-કથાનક, દાનવિષયક ચંડગોળ-કથાનક, દાન આપવામાં કૃપણ એવા કૃપણશ્રેષ્ઠીની કથા, શીલવિષયક જયલક્ષ્મીદેવી અને સુંદરીનું કથાનક, નવકારમંત્રનું ફળ દર્શાવવા સૌભાગ્યસુંદરનું કથાનક, તપનું માહાત્મ્ય બતાવવા માટે મૃગાંકરેખા અને અઘટનું કથાનક, ભાવનાવિષયક ધર્મદત્ત અને બહુબુદ્ધિની કથા તેમજ અનિત્યતા અંગે સમુદ્રદત્તનું કથાનક આપવામાં આવ્યાં છે.

આ સંગ્રહમાં સંયોગ કે દૈવી ઘટના પર આધારિત કથાનકો, સમકાલીન સમાજની સમસ્યાઓનું નિરૂપણ, કુટુંબજીવનના કટુ પ્રસંગો અને જીવનનાં અનેકવિધ રૂપોનું આલેખન જોવા મળે છે; જેમ કે, કૃપણશ્રેષ્ઠીની કથામાં લક્ષ્મીનિલય નામના શેઠનું વર્ણન છે. તેઓ એટલા કંજૂસ હતા કે પૈસા ખર્ચવાની સંભાવનાએ સમાજમાં લોકોને હળતામળતા ન હતા. ખાવાપીવામાં પણ પૈસા ખર્ચતા ન હતા. પોતાના પુત્રને યોગ્ય આહાર પણ ન આપતા. તેથી કંટાળીને તેમના પુત્રે દીક્ષા સ્વીકારી. જયલક્ષ્મીદેવીની કથામાં અઘોર યોગીન્દ્રના મંત્ર-તંત્ર, નભોગામિની વિદ્યા વગેરેના ઉલ્લેખો મળે છે. સુંદરીની કથા રોચક છે. રત્નપુરના ધનસાર શ્રેષ્ઠીની સર્વગુણસંપન્ન પુત્રી સુંદરી વિક્રમ રાજાની કીર્તિ સાંભળી મનોમન તેમના પ્રેમમાં પડે છે. અન્ય યુવક સાથે તેનાં લગ્ન નક્કી થતાં તે પોતાના ભાઈ સાથે રત્નોનો થાળ તેમજ પોપટની ભેટ વિક્રમરાજાને મોકલે છે. એ પોપટના ઉદરમાં સુંદર હાર અને કસ્તૂરીથી લખેલો પ્રણયનિવેદન કરતો પત્ર હોય છે. એ પત્ર વાંચી રાજા તુરત તેને પ્રાપ્ત કરવા પહોંચી જાય છે. આ બધી ઘટનાઓનું ખૂબ સુંદર અને રસપ્રદ વર્ણન છે.

ધર્મદત્તકથામાં નીતિવિષયક ઉપદેશ સચોટ રીતે આપવામાં આવ્યો છે. કથાઓમાં વચ્ચે વચ્ચે ધાર્મિક સિદ્ધાંતોને ગૂંથી લેવામાં આવ્યા છે. જીવનનાં શાશ્વત મૂલ્યો પ્રેમ, ત્યાગ, શીલ વગેરે દર્શાવવામાં આવ્યાં છે. આ સંગ્રહની કથાઓની ભાષા સરળ, સહજ અને આસ્વાદ્ય છે.

આ પુસ્તક વિજયાનંદસૂરીશ્વરજી જૈન ગ્રંથમાલા, ભાવનગરથી 1952માં પ્રકાશિત થયું છે.

સલોની નટવરલાલ જોશી