પાંડરા : ચોથા ધ્યાની બુદ્ધ અમિતાભની બુદ્ધશક્તિ. જેમ ધ્યાની બુદ્ધ અમિતાભને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા માનવામાં આવે છે તેમ તેની બુદ્ધશક્તિ પાંડરાને વર્તમાન કલ્પની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે.  તે રક્તવર્ણની, એક મુખવાળી અને દ્વિભુજ છે. જમણો હાથ લટકતો અને ડાબો હાથ અભય મુદ્રામાં છે. બંને હાથમાં કમળ ધારણ કરેલાં છે. મસ્તકે રત્નજડિત મુકુટમાં અમિતાભની પ્રતિમા અંકિત કરેલી છે. સુંદર વસ્ત્રાલંકારો ધારણ કર્યાં છે. પૂર્ણ વિકસિત કમળ ઉપર લલિતાસનમાં બેઠેલ છે. તેનું લાંછન પદ્મ અને વાહન મયૂર કમળ ઉપર કંડારેલ હોય છે. તેના બોધિસત્વનું નામ પદ્મમણિ છે.

ભારતના મહાયાન વિહારોમાં અમિતાભ અને તેની બુદ્ધશક્તિ પાંડરાની પૂજા થતી હોવાનું ચીની પ્રવાસીઓએ નોંધેલું છે. ગુજરાતમાં મૈત્રકકાલમાં વલભીના મહાયાન વિહારોમાં અમિતાભ અને પાંડરાની પૂજા પ્રચલિત હોવાનું વલભીના મૈત્રક રાજા દ્રોણસિંહના દાનશાસનમાં જણાવેલ પાંડરા દેવીના ઉલ્લેખ પરથી જણાય છે. પાંડરાની પૂજા-ઉપાસના તિબેટ તેમજ ચીનમાં વિશેષ પ્રચલિત હોવાનું જણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ