પહેલવી, મોહમ્મદ રેઝા શાહ (જ. 26 ઑક્ટોબર 1919, તહેરાન; અ. 27 જુલાઈ 1980, કેરો) : 1941થી 1979 સુધી ઈરાનના શાહ. 1925ની સાલમાં ઈરાનમાં રેઝા શાહ પહેલવી, પહેલવી સલ્તનતના સ્થાપક બન્યા. તેઓ લશ્કરના અધિકારી હતા.
મોહમ્મદ રેઝા, રેઝા શાહ પહેલવીના જ્યેષ્ઠ પુત્ર હતા. મોહમ્મદ રેઝાનું ભણતર સ્વિટ્ઝર્લૅન્ડમાં થયેલું અને તેઓ 1935ની સાલમાં ઈરાન પાછા ફરેલા. 1941ની સાલમાં સોવિયેટ યુનિયન અને બ્રિટનને ભય હતો કે રેઝા શાહ જર્મની સાથે સહકાર કરી એ બે સત્તાઓના આધિપત્યને ફગાવી દેશે. એ સંજોગોમાં સોવિયેટ યુનિયન અને બ્રિટને ઈરાનનો કબજો કરેલો અને રેઝા શાહને દેશવટો ભોગવવો પડેલો. તે વખતે રેઝા શાહના પુત્ર મોહમ્મદ રેઝા શાહે પોતે ઈરાનના શહેનશાહ તરીકે 16 સપ્ટેમ્બર, 1941ને દિવસે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. ત્યારથી તેઓ પહેલવી મોહમ્મદ રેઝા શાહ તરીકે ઓળખાયા.
1950ના દાયકાના પૂર્વાર્ધમાં ઈરાનની સરકારનો કબજો લેવા પહેલવી મોહમ્મદ રેઝા શાહ અને રાષ્ટ્રવાદી મોસાદ્દેક વચ્ચે સત્તાસંઘર્ષ થયેલો. માર્ચ, 1951માં મોસાદ્દેકે તે વખતની ઈરાનની સંસદ ‘મજલિસ’માં ખરડો પસાર કરી ઈરાનમાંના બ્રિટનના વિશાળ ખનિજતેલ સંકુલનું રાષ્ટ્રીયકરણ કર્યું. એપ્રિલ, 1951માં મોસાદ્દેકને વડાપ્રધાન બનાવવાની મોહમ્મદ રેઝા શાહને ફરજ પડી હતી. તે પછી ચાલેલા બે વર્ષના સંઘર્ષ બાદ એપ્રિલ, 1953માં ઈરાનના શાહે મોસાદ્દેકને બરતરફ કરવા પ્રયત્ન કરેલો, પણ એમાં તે વખતે સફળતા ન મળવાને લીધે શાહને દેશ છોડી જવું પડેલું. તે પછી અમેરિકાની મદદથી મોહમ્મદ રેઝા શાહ ફરીથી પોતાની સત્તાનાં સૂત્રો સંભાળી શક્યા.
મોહમ્મદ રેઝા શાહે ઈરાનના સર્વતોમુખી વિકાસ માટે ચોક્કસ કાર્યક્રમ અમલમાં મૂક્યો. એમણે અમેરિકાની સહાયથી મોસાદ્દેકનો રાષ્ટ્રીયકરણનો કાર્યક્રમ પડતો મૂક્યો. એમણે રાષ્ટ્રના વિકાસનો કાર્યક્રમ ઘડ્યો, જે હેઠળ રસ્તાઓ, રેલવે અને હવાઈ માર્ગોનું વિસ્તૃત નેટવર્ક આખા ઈરાનમાં ઊભું કર્યું. તે સાથે અનેક બંધો અને સિંચાઈની યોજનાઓ શરૂ કરાવી. આ ઉપરાંત મલેરિયા જેવા રોગોની નાબૂદી માટે વ્યાપક ઝુંબેશ કરી અને તે ક્ષેત્રે નક્કર સુધારો લાવી શક્યા. વળી એમણે ઔદ્યોગિક વિકાસને ઉત્તેજન આપ્યું. સાથે સાથે જમીનસુધારણાની દિશામાં સંખ્યાબંધ પગલાં લીધાં. આ ઉપરાંત, ઈરાનની વિશાળ પણ વિખૂટી પડી ગયેલી ગ્રામીણ પ્રજા માટે એમણે નિરક્ષરતાનિવારણ અને આરોગ્ય માટે ખાસ તંત્ર ઊભું કરી એ બંને ક્ષેત્રોમાં મોટું પ્રદાન કર્યું.
‘શ્વેત ક્રાંતિ’ (White Revolution) નામે ઓળખાયેલી આ કાર્યવહીને લીધે પહેલવી મોહમ્મદ રેઝા શાહના આધુનિક અને ગતિશીલ નેતૃત્વનો ઈરાનમાં પ્રભાવ પડ્યો. 1960ના અને 1970ના દાયકામાં શાહના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર વિદેશનીતિએ આકાર લીધો. ઈરાને સોવિયેટ યુનિયન અને પૂર્વ યુરોપના દેશો સાથે સંબંધો બાંધ્યા.
પરંતુ ‘શ્ર્વેત ક્રાંતિ’ની કાર્યવહી સામે ઈરાનનાં રાજકીય પરિબળોનો વિરોધ અને ટીકા સમય જતાં વધતાં ગયાં. તે માટે મુખ્ય બે કારણો હતાં : (1) સુધારણાનો કાર્યક્રમ ઝડપથી આગળ વધ્યો નહિ અને એનો વ્યાપ વધ્યો નહિ; (2) શાહના પશ્ચિમીકરણના કાર્યક્રમ સામે ઈરાનના શિયા પંથના મુસ્લિમ વડાઓ સૈદ્ધાંતિક રીતે વિરુદ્ધમાં હતા. એમનું કહેવું હતું કે શાહની કાર્યવહી ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે.
ઈરાનના શાહના એકહથ્થુ શાસન સામે વિરોધ વધતો ગયો. 1970ના દાયકાના ઉત્તરાર્ધમાં સરકારી તંત્રમાં વધેલા ભ્રષ્ટાચાર સામે પ્રજાનો રોષ વધતો ગયો. તે સાથે સંપત્તિની અસમાન વહેંચણી ટીકાપાત્ર બની. ઉપરાંત, શાહની ગુપ્ત પોલીસ ‘સાવાક’ની પ્રવૃત્તિઓ સામે પણ પ્રજાનો વિરોધ હતો. આ બધાં પરિબળોને કારણે 1978માં પ્રજામાં વ્યાપક અસંતોષ ફેલાયો. મોટાં શહેરોમાં રમખાણો થયાં. પૅરિસમાં દેશવટો ભોગવતા ઇસ્લામના શિયા પંથના વડા આયતોલ્લા ખોમૈનીની રાહબરી હેઠળ પ્રજાકીય આંદોલન થયું અને સોળમી જાન્યુઆરી, 1979ને દિવસે શાહે ઈરાન છોડીને અમેરિકામાં આશ્રય લીધો.
ઈરાનને આધુનિક રાષ્ટ્ર બનાવવામાં શાહની સરકારે ભરેલાં પગલાં મહદ્અંશે કારણભૂત હતાં. આમ છતાં શાહના 1970ના દાયકાના એકહથ્થુ અને મનસ્વી શાસનને કારણે ઈરાનમાં લોકશાહીનાં વળતાં પાણી થયાં.
આનંદ પુ. માવળંકર