પહેલવી ભાષા અને સાહિત્ય

January, 1999

પહેલવી ભાષા અને સાહિત્ય : પ્રાચીન ફારસી ઝંદ ભાષામાંથી ઉદભવેલી ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. મહાન સિકંદરના આક્રમણે (ઈ. પૂ. 331) ઈરાનનું પ્રાચીન સામ્રાજ્ય નષ્ટ થયું. તે પછી સાસાનિયન સામ્રાજ્ય(ઈ. સ. 226-641)ના પ્રભુત્વ તળે રાષ્ટ્રનું પુનર્નિર્માણ થયું. આ સમય દરમિયાન ઈરાનની પ્રાચીન સંસ્કૃતિનું દ્યોતક સ્વરૂપ પ્રગટ કરનાર ભાષા તે પહેલવી. સાસાનિયન ભાષા પહેલવી હતી. તેને ઉકેલવી અને તેનું અર્થઘટન કરવું મુશ્કેલ છે. તેમાં કાલગ્રસ્ત હુઝવારિશ નામે ઓળખાતા સેમિટિક તત્વની ભેળસેળ થઈ હોય તેમ લાગે છે. કેટલાક દેશભક્ત ઈરાનીઓએ આ ભાષા સામે વિરોધ વ્યક્ત કર્યો. તેમણે ‘પાઝેન્દ’ ભાષા શરૂ કરી. આ પાઝેન્દ ભાષામાંના પરદેશી શબ્દોને બાદ કરી નાંખ્યા પછી જે ભાષા રહી તે પહેલવી. જોકે ઊણપવાળી (defective) અને ક્લિષ્ટ (intriguing) પહેલવી બારાખડીનો વપરાશ જેમનો તેમ ચાલુ જ રહ્યો. આરબોના આક્રમણ અને વિજય પછી પહેલવીના મૂળાક્ષરોમાં અરબીનો પ્રભાવ ઊતર્યો. ઈરાનના લોકોએ અરબી મૂળાક્ષરોનો સહર્ષ સ્વીકાર કર્યો. તેમાં અનેક અરબી શબ્દો પણ પ્રવેશ્યા. આમાંથી જે ભાષા જન્મી, તે પર્શિયન.

અવેસ્તાની પ્રાચીન ભાષા ‘ક્લેનાચી’ હતી. દરાયસની ભાષા દુર્બોધ બની હતી. વળી સાસાનિયન રાજકર્તાઓએ જરથુષ્ટ્રના ધર્મોપદેશનો સ્વીકાર કર્યો હતો અને તે ધર્મને રાજકીય પ્રતિષ્ઠા મળી હતી. પરિણામે અવેસ્તા તથા ઈરાનની બોલાતી ભાષા પહેલવીને માનભર્યું સ્થાન પ્રાપ્ત થયું. સાસાનિયન સામ્રાજ્યના સ્થાપક આર્તરિવ્શર-ઈ પાપકાન અને તેના વંશજોએ લખાવેલ શિલાલેખો પહેલવી ભાષાનાં પ્રાચીન લખાણો છે. અવેસ્તા ભાષાના અનુવાદો અને કેટલાંક લખાણો દ્વારા પહેલવી ભાષા સમૃદ્ધ થતી ગઈ. તેમાં ધાર્મિક અને લૌકિક સાહિત્યનું નિર્માણ થતું ગયું.

પહેલવી સાહિત્ય : પહેલવી ભાષાનાં ઉપલબ્ધ લખાણોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) પ્રાચીન અવેસ્તા ગ્રંથોમાંથી પહેલવીમાં થયેલ ભાષાંતર, (2) પહેલવીમાં લખાયેલ ધાર્મિક લખાણો, તથા (3) ઐતિહાસિક અને પ્રકીર્ણ લખાણો.

આમાં પહેલવીમાં ભાષાંતરિત થયેલ લખાણો મહત્વનાં છે. મૂળ ગ્રંથોમાંથી ભાષાંતર થતાં પહેલવીમાં અનેક નવા શબ્દો પ્રચારમાં આવ્યા. મૂળ અવેસ્તા શબ્દોનો અર્થ સુસ્પષ્ટ ન થતાં પહેલવી લિપિમાં તે જેમના તેમ મુકાયા. અનુવાદની મર્યાદાને લક્ષમાં લેતાં આનું મૂલ્ય મોટું છે.

બીજા વર્ગનાં લખાણોમાં ધાર્મિક લખાણોનું મૂલ્ય વિશેષ છે. આ લખાણો દ્વારા પારસીઓના ધર્મ વિશે અધિકૃત જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ સંદર્ભમાં ‘દિનકર્દ’ ખંડ 3 થી 9 ઉલ્લેખનીય છે. પારસીઓની ધર્મનિષ્ઠા આ ગ્રંથોમાં વ્યક્ત થાય છે. તેમનું સામ્રાજ્ય નષ્ટ થવા છતાં આ બધું જળવાઈ રહ્યું છે. ‘નસ્ક’ના 21 ધર્મગ્રંથો પૈકી 19 ગ્રંથોનો સંક્ષેપ ‘દિનકર્દ’ના આઠમા અને નવમા ખંડમાં આપ્યો હોવાથી તે ખંડનું મહત્વ વિશેષ છે. ‘બુંદાહિશ્ન’ ગ્રંથમાં વિશ્વની ઉત્પત્તિની જરથુષ્ટ્ર-પ્રણીત કથાની રજૂઆત થઈ છે. ‘દાસ્તાન-ઇ-દૈનિક’ પ્રશ્ર્નોત્તર રૂપે રચાયો છે. પારસી કોમ તેને પોતાનો પવિત્ર માર્ગદર્શક ગ્રંથ માને છે. વિવિધ ધાર્મિક ક્રિયા અને વિષયો પર દસ્તૂરોએ કરેલ ધર્મોપદેશની અનેક ગાથાઓનો આમાં સંગ્રહ છે.

ત્રીજા વર્ગમાં ઐતિહાસિક અને પ્રકીર્ણ લખાણોમાં અનેક વિષયો છે. તેમાં સાસાનિયન સામ્રાજ્યની સ્થાપના કઈ રીતે થઈ તે બતાવ્યું છે. આમાં કાર્નામક-ઇ-આર્તરિવ્શર-ઇ-પાપકાનનો ઇતિહાસ છે. ‘પાતકાર-ઇ-ઝરિરાન’માં ખ્યોનિઅનાંચાનો સમ્રાટ અર્જાસ્ય અને તેની વિરુદ્ધ થયેલ પવિત્ર યુદ્ધની કથા આલેખાઈ છે. તેમાં વિશ્તાર (પાંચમો) નામના સમ્રાટનો ભાઈ ઝરિરહ્યાન યુદ્ધમાં મહત્વનો ભાગ ભજવે છે તેનું બયાન છે. ‘માદીગાન-ઇ હઝાર દાતેસ્તાન’માં કાયદાનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. ઈરાનનાં મહત્વનાં શહેરોની માહિતી આપતો એક ભૌગોલિક સ્વરૂપનો ગ્રંથ પણ ઉપલબ્ધ છે. આ શહેરો કોણે વસાવ્યાં તે સંબંધી માહિતી આમાં મળે છે. શતરંજની રમત વિશેનો એક ગ્રંથ પહેલવીમાં લખેલો મળે છે. ઈરાનના બુદ્ધિશાળી માણસો માટેની પરીક્ષા વગેરે વિષયક માહિતી એમાં મળે છે. સિગિસ્તાન(સિસ્તાન)ની અદભુત ગોષ્ઠિનું વર્ણન કરતો ગ્રંથ પણ પહેલવીમાં છે.

વિ. પ્ર. ત્રિવેદી