પહાડપુરનાં શિલ્પો : ઉત્તર બંગાળના પહાડપુર(રાજશાહી જિલ્લો)ના મંદિરની દીવાલો પર પ્રાપ્ત અનેકવિધ પ્રસંગો અને સજાવટી શિલ્પો ગુપ્તકાલ(350-550)ની પ્રશિષ્ટ શિલ્પશૈલીના મનોરમ નમૂનાઓ હોવાનું જણાય છે. મંદિરની દીવાલો પર રામાયણ અને મહાભારતની કથાઓ ઉપરાંત કૃષ્ણચરિતને લગતા પ્રસંગો સુંદર રીતે આલેખાયા છે. એમાં કૃષ્ણજન્મ, બાળકૃષ્ણને ગોકુળ લઈ જવા, ગોવર્ધન-ધારણ વગેરે પ્રસંગો ખાસ ધ્યાન ખેંચે છે. એક દૃશ્યમાં બે રાક્ષસોને એમના પૂછડાં પકડી જોરથી પગ નીચે દબાવતા બાળકૃષ્ણનું આલેખન થયું છે. અહીંની ગોવર્ધનધારી કૃષ્ણની વિશાળ મૂર્તિ ભારત-કલા-ભવન મ્યુઝિયમ, બનારસમાં સુરક્ષિત છે.
પહાડપુર અનુગુપ્તકાલ (550-700 A.D.) દરમિયાન પણ શિલ્પકેન્દ્ર તરીકે ચાલુ રહ્યું હતું. અહીંના આ કાળનાં શિલ્પોમાં કામાસક્તિભાવ અગાઉના મુકાબલે વધેલો જણાય છે. હવે અગાઉ જેવી પ્રશિષ્ટતા કે રૂપક્ષમતા અને નજાકત જ્વલ્લેજ જોવામાં આવે છે. જોકે એમાં વિષયાસક્તિના ભાવ શુદ્ધ સ્વરૂપે પ્રસ્ફુટ થતા નજરે પડે છે. એમાં સાધારણ સ્થૂળતા અને સ્થાનિક પ્રજામાં લોકપ્રિય બનેલાં કલાસ્વરૂપો વિશેષ પ્રયોજાયાં છે. યમુનાની મૂર્તિ આનું સરસ દૃષ્ટાંત છે. ચૌડાગ્રામ અને કાકદીધીમાંથી મળેલાં ધાતુશિલ્પો પણ આ શૈલીના સારા નમૂના પૂરા પાડે છે. સમય જતાં આ કલાશૈલીમાંથી પાલકલાનો વિકાસ થયો.
પ્રવીણચંદ્ર પરીખ