પહલવ : એ નામની એક જાતિ. પહલવો મૂળ ઈરાનના વતની હતા. ઈરાનમાંથી શકોને પહલવોના દબાણથી ભારત આવવું પડેલું. શકોની જેમ પહલવોએ પણ ભારતમાં પ્રવેશ કર્યો અને તે ઈ. સ.ની બીજી શતાબ્દીના મધ્ય સુધીમાં ભારતીય થઈ ગયા હતા. રુદ્રદામન(પ્રથમ)ના શાસનકાળમાં એનો એક અમાત્ય પહલવ જાતિનો હતો, જેનું નામ સુવિશાખ હતું. સુવિશાખ નામ ભારતીયતાનું સૂચક છે. ભારતના પહલવો(પારદ અથવા પાર્થિયન રાજાઓ)નો ઇતિહાસ અંધકારમય છે. એમના ઇતિહાસ પર સિક્કાઓ અને અભિલેખોને આધારે પ્રકાશ પડે છે. પાર્થિયા સીરિયા સામ્રાજ્યનો એક પ્રાન્ત હતો, જેના ગવર્નર અર્સકીજે સ્વતંત્ર થઈ પારદ (પાર્થિયન) રાજ્યની સ્થાપના કરી. ત્રીજા સૈકાના બીજા ચરણમાં પાર્થિયન સામ્રાજ્યનો નાશ થયો. ઈ. સ. પૂ. 75ના અરસામાં કંદહાર અને બલૂચિસ્તાનમાં પહલવ જાતિનો વોનોન અને એના ઉત્તરાધિકારીઓ રાજ્ય કરતા હતા.

પ્રારંભમાં પહલવોએ કાબુલ, ગાંધાર અને સિંધુપ્રદેશને જીતી લીધા હોવાની જાણકારી એમના પ્રાપ્ત સિક્કાઓને આધારે મળે છે.

પહલવ-વંશનો પ્રથમ જ્ઞાત રાજા વોનોન કે વોનોનિસ હતો. એણે અર્કોસિયા અને સીસ્તાન(સિયાલકોટ)માં પોતાની સત્તા સ્થાપિત કરી અને ‘મહારાજાધિરાજ’નું બિરુદ ધારણ કર્યું. તેના સિક્કા પર પોતાના ભાઈઓ સ્પેલિરાઇસિસ અને સ્પલહોરિસ તથા ભત્રીજા સ્પલગદમિસનાં નામો નજરે પડે છે. આ રાજવંશમાં મુખ્ય રાજા સાથે ઉપરાજા સંયુક્ત રીતે રાજ્ય કરતો, તેથી સિક્કાના પૃષ્ઠભાગે ઉપરાજાને લગતું લખાણ મળે છે. તેમના ચાંદીના સિક્કાના અગ્રભાગ પર અશ્ર્વારૂઢ રાજાની આકૃતિ અને પૃષ્ઠભાગ પર ઝ્યૂસની આકૃતિ અને ખરોષ્ટી લિપિમાં પ્રાકૃત ભાષાનું લખાણ હોય છે.

વોનોન પછી સ્પેલિરાઇસિસ્ ઉત્તરાધિકારી થયો. એના કેટલાક સિક્કા પર ગ્રીક અક્ષરો ઉપરાંત ખરોષ્ટી લિપિમાં પ્રાકૃત લેખ જોવા મળે છે.

ગોન્ડોફરનિસ કે ગોંદોફર પહેલો પહલવ-કુળનો શક્તિશાળી રાજા હતો. એનું રાજ્ય વિશાળ હતું. પૂર્વી ઈરાન, પેશાવર તથા ઉત્તર-પશ્ચિમ ભારતમાં તેની સત્તા હોવાનું અભિલેખ તથા સિક્કાઓ પરથી જાણી શકાય છે. ખ્રિસ્તી અનુશ્રુતિઓમાં તેને ‘ભારતનો રાજા’ કહ્યો છે અને તેનો સંબંધ સેન્ટ ટૉમસ સાથે જોડવામાં આવે છે. સેન્ટ ટૉમસ એના દરબારમાં ગયા હતા અને એમને પોતાના ધાર્મિક પ્રચારમાં સફળતા મળી હતી.

ગોંદોફર પહેલાના ચાંદીના સિક્કા ભાગ્યે જ મળે છે. એના તાંબાના અને બિલનના સિક્કા પ્રાપ્ત થયા છે. બિલનના સિક્કાના અગ્રભાગે રાજાની અશ્ર્વારૂઢ આકૃતિ કે ઉત્તરાંગ નજરે પડે છે. પૃષ્ઠ ભાગ પર નાયિકી, પલસ કે ઝ્યૂસની આકૃતિ જોવા મળે છે. ગોંદોફરની સાથે શક અસ્પવર્માની અને પછીથી ભત્રીજા સસની આકૃતિ જણાય છે.

ગોંદોફર રાજા ઈ. સ.ની પહેલી સદીના પૂર્વાર્ધમાં થયો એ સમયે કુશાનોએ ભારતમાં આવી શક  પહલવોના આધિપત્યનો અંત આણ્યો. ગોંદોફરના ઉત્તરાધિકારીઓનું રાજ્ય ભારતની ઉત્તર-પશ્ચિમે સીમિત થઈ ગયું.

શક રાજા ઇન્દ્રવર્માના પુત્ર અસ્પવર્માનું નામ પહલવ-રાજા ગોંદોફર પહેલાના સિક્કાઓ પર જોવા મળે છે. આ પરથી શક અને પહલવ-વંશો વચ્ચેનો સંબંધ સૂચિત થાય છે. વસ્તુત: આ બે જાતિઓ વચ્ચે સગાઈનું અને સંસ્કૃતિનું એવું મિશ્રણ થતું કે એના ઘણા રાજાઓની જાતિ અલગ તારવવી મુશ્કેલ છે. આથી તેમને શક-પહલવ તરીકે ઓળખવામાં આવે છે.

રામજીભાઈ ઠા. સાવલિયા