પસ્રીચા રામનાથ

January, 1999

પસ્રીચા, રામનાથ (Pasricha, RamNath) (. 17 નવેમ્બર 1926, અમૃતસર; . 11 જાન્યુઆરી 2002) : કલ્પનાશીલ તરંગી (ફેન્ટાસ્ટિક) આધુનિક ભારતીય ચિત્રકાર. દિલ્હી ખાતે તેમણે શાલેય અભ્યાસ કર્યો અને વિજ્ઞાન વિષયમાં સ્નાતક પણ થયા. અને તેમણે સરકારી નોકરી લીધી. એ દરમિયાન તેમણે કોઈ તાલીમ વિના જ ચિત્રો આલેખવાનું શરૂ કર્યું અને સ્વશિક્ષિત ચિત્રકાર તરીકે હિમાલયનાં નિસર્ગ ચિત્રો ચીતરવા માંડ્યા. તેમનાં નિસર્ગ-ચિત્રોમાં રંગોની ભભક ખાસ આકર્ષક નીવડે છે. તિબેટ, કાશ્મીર, લડાખ, રોહતંગ ઘાટ, કુલુ, મનાલી, ચંબા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નેપાળ, ભુતાન ખૂંદી વળીને – એ પ્રદેશોના હિમાલયનાં રમણીય ચિત્રો તેમણે આલેખ્યાં છે. તેમણે દહેરાદૂન, ચંડીગઢ, વારાણસી અને દિલ્હી ખાતે 1952થી 1977 સુધીમાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સ સોસાયટી(AIFACS)નો ઍવૉર્ડ બે વાર 1963માં તેમ જ 1968માં મળ્યો છે. 1966માં કેન્દ્રીય લલિતકલા અકાદમીએ તેમને ‘કલાવિભૂષણ’ ઍવૉર્ડથી નવાજ્યા હતા. કલા અંગે તેમણે લખેલા લેખો ‘રૂપલેખા’ તથા ‘લલિતકલા કન્ટેમ્પરરી’ અને ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જેવાં સામયિકોમાં છપાયા છે. નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ (દિલ્હી), ચંડીગઢ ખાતેના પંજાબ યુનિવર્સિટી મ્યુઝિયમ તથા દિલ્હી ખાતેની સાહિત્ય કલા પરિષદમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. હિમાલયનાં વિવિધ દૃશ્યો રજૂ કરતી તેમની ચિત્રશ્રેણી ‘હિમાલયન ટ્રાવેલ્સ’ લોકપ્રિય થઈ. આ ચિત્રશ્રેણીને નૅશનલ બુક ટ્રસ્ટે પુસ્તક રૂપે છાપી છે.

અમિતાભ મડિયા