પશ્ચિમ સામોઆ

January, 1999

પશ્ચિમ સામોઆ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડથી આશરે 2,400 કિમી. દૂર ઈશાન તરફ આવેલું અને ટાપુઓથી બનેલું સ્વતંત્ર રાષ્ટ્ર.

ભૌગોલિક સ્થાન : 13o 30′ થી 14o 32′ દ. અ. અને 168o 02’થી 172o 50′ પ. રે. વચ્ચે આ ટાપુઓ આવેલા છે. તેમાં સવાઈ (ક્ષેત્રફળ આશરે 1,820 ચોકિમી.) અને ઉપોલુ (ક્ષેત્રફળ અંદાજે 714 ચોકિમી.) નામના બે મુખ્ય ટાપુઓ તથા સાત નાના ટાપુઓ આવેલા છે. નવેય ટાપુઓનું કુલ ક્ષેત્રફળ 2,842 ચોકિમી. જેટલું થાય છે.

ભૂપૃષ્ઠ : આ ટાપુઓ જ્વાળામુખી-પ્રસ્ફુટનથી તૈયાર થયેલા છે અને તે મૃત જ્વાળામુખો ધરાવે છે. તેમના કિનારા નજીક પરવાળાંના ખરાબા આવેલા છે. સવાઈ ટાપુમાં લાવાના પ્રવાહને કારણે ભૂમિ ઉપયોગને યોગ્ય રહી નથી. અહીંનો સૌથી ઊંચો ભાગ સવાઈ ટાપુમાં આવેલો પર્વત મોગા સીલીસીલી છે, તેની ઊંચાઈ 1,830 મીટરની છે; જ્યારે ઉપોલુ ટાપુમાં આવેલો પર્વત 1,083 મીટર ઊંચાઈવાળો છે. દરિયાકિનારા નજીક સપાટ મેદાન છે.

આબોહવા : આ ટાપુઓ વિષુવવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે આવેલા હોવાથી ઉનાળા ગરમ અને શિયાળા સમધાત રહે છે. ડિસેમ્બર સૌથી ગરમ હોય છે, જ્યારે તાપમાન 36o સે. જેટલું પહોંચે છે; જુલાઈનું તાપમાન 22o સે. રહે છે. તાપમાનની વાર્ષિક સરેરાશ 26o સે. જેટલી રહે છે. ડિસેમ્બરથી એપ્રિલ દરમિયાન સરેરાશ વરસાદ 3,000 મિમી. જેટલો પડે છે.

વનસ્પતિજીવન-પ્રાણીજીવન : અહીંના લગભગ 46 % વિસ્તારમાં જંગલો આવેલાં છે, તેમાંથી કઠણ ઇમારતી લાકડું મળે છે. 16 પ્રકારનાં જુદાં જુદાં પક્ષીઓ પૈકી દાંત જેવી ચાંચવાળું કબૂતર (tooth-billed pegion) અહીંનું વિશિષ્ટ પક્ષી છે. ભુંડ, ઢોર, મરઘાં આયાત કરાયેલાં છે.

ખેતી : જમીન ખડકાળ અને પાતળા પડવાળી છે. કિનારાનાં મેદાનો કે ઢોળાવો પર ટારો, યામ, બ્રેડફ્રૂટ, પપૈયાં, કૉફી, રબર, તમાકુ વગેરે ઉગાડાય છે. રાજધાની આપિયાના ઉત્તર ભાગમાં ફળો, તજ અને લવિંગના બગીચા આવેલા છે.

ઉદ્યોગો : અહીં પ્રક્રિયા કરેલા ખાદ્ય-પદાર્થો, બિયર, હળવો ઇજનેરી ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, લાકડાં વહેરવાની મિલો, કાષ્ઠ-ઉદ્યોગ, હસ્તકલાની ચીજવસ્તુઓ વગેરેનો વિકાસ થયેલો છે.

પરિવહન : અહીંનું મુખ્ય નગર, રાજધાની અને બંદર આપિયા છે. અન્ય એક બંદર અસૌ છે. બંને ઊંડાં પાણીવાળાં છે. ટાપુઓ પર આશરે 425 કિમી. લંબાઈના રસ્તાઓ છે. ટાપુઓ વચ્ચે અવરજવર તેમજ હેરફેર માટે ફેરી-સેવાની સુવિધા છે. અનાજ, માંસ, ખાંડ, કપડાં, તૈયાર માલસામાન, યંત્રસામગ્રી, પેટ્રોલિયમ અને કોલસાની આયાત; જ્યારે ઇમારતી લાકડાં, ટારોકંદ, કોપરું, નાળિયેર, કેળાં, કોકો વગેરેની નિકાસ થાય છે. આપિયા ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, આ ઉપરાંત આંતરિક ઉપયોગ માટે ત્રણ વિમાનઘરો પણ છે.

લોકો : ઈ. પૂ. 1000ના અરસામાં અહીં ટોગોથી માઓરીને મળતા આવતા પૉલિનેશિયન લોકોની મુખ્ય વસ્તી છે, બાકીના યુરોનેશિયન, યુરોપિયન તથા ચીનાઓ છે. 99 % લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. લોકો અંગ્રેજી અને પૉલિનેશિયન ભાષાનો ઉપયોગ કરે છે. 7થી 15 વર્ષની વય સુધી શિક્ષણ ફરજિયાત છે. પશ્ચિમ સામોઆની વસ્તી 1991 મુજબ 1,90,000 જેટલી હતી, રાજધાની આપિયાની વસ્તી 33,170 હતી.

ઇતિહાસ : ડચ વહાણવટી જેકબ રોગ્ગેવીને 1772માં આ ટાપુઓની શોધ કરી હતી. 1830માં ‘લંડન મિશનરીઓ’ આવ્યા હતા. જર્મનો, બ્રિટિશરો અને અમેરિકનો ક્રમશ: વેપાર અર્થે અહીં આવ્યા હતા. 1879માં આ પ્રદેશ ઉપર્યુક્ત પ્રજાઓની સંયુક્ત દેખરેખ હેઠળ હતો, પરંતુ ત્યારે સામોઅન રાજવીનું સ્વતંત્ર અસ્તિત્વ પણ હતું. 1889માં બર્લિન કૉંગ્રેસના ઠરાવ અનુસાર પશ્ચિમ સામોઆ જર્મન આધિપત્ય હેઠળ આવ્યું. 1900માં રાજાશાહી નાબૂદ થયા બાદ સમગ્ર ટાપુ-વિસ્તાર જર્મનો અને અમેરિકનોના કબજા નીચે આવ્યો. અમેરિકનોને હસ્તક માત્ર 197 ચોકિમી. પ્રદેશ જ હતો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે 1919થી 1961 સુધી રાષ્ટ્રસંઘના આદેશથી ન્યૂઝીલૅન્ડે મૅન્ડેટ પ્રદેશ તરીકે તેનો વહીવટ સંભાળ્યો. 1-1-1962થી તે સ્વતંત્ર બન્યું – છે. 1970માં તે કૉમનવેલ્થમાં અને 1976માં યુનોના સભ્ય તરીકે જોડાયું. અહીં ચાર મુખીઓ (chiefs) ક્રમશ: રાજ્યના વડા તરીકે કામ કરે છે. 47 સભ્યોની ધારાસભા હોય છે. આ સભ્યોમાંથી ચૂંટણી દ્વારા વડાપ્રધાનની પસંદગી થાય છે.

શિવપ્રસાદ રાજગોર