પશ્ચિમીકરણ

January, 1999

પશ્ચિમીકરણ : ભારતીય સમાજમાં થઈ રહેલા પરિવર્તનની સમજૂતી આપવા માટેનો એક મહત્વનો ખ્યાલ. દોઢસો વર્ષથી વધારે સમયગાળાના અંગ્રેજ શાસનકાળને પરિણામે ભારતીય સમાજ અને સંસ્કૃતિનાં વિવિધ પાસાં પર તેની પ્રબળ અસર થઈ. શિક્ષણ, વહીવટ, અર્થકારણ, યંત્રવિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણી તથા મૂલ્યોના ક્ષેત્રે પશ્ચિમના સમાજના પ્રભાવથી જે જે પરિવર્તનો આવ્યાં તેને ભારતીય સમાજનું પશ્ચિમીકરણ કહેવામાં આવ્યું છે.

પશ્ચિમીકરણના વધુ ઊંડાણમાં જઈએ તો મૂળ ખ્યાલ આધુનિકીકરણનો છે. નવજાગૃતિ, ધર્મસુધારણા તથા ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે કેટલાક સમુદાયોમાં નોંધપાત્ર પરિવર્તનો આવ્યાં. પરંપરાઓ બદલાવા માંડી. ધર્મને બદલે વિજ્ઞાન, પરલોકને બદલે ઇહલોક, ભૂતને બદલે વર્તમાન તથા ભવિષ્ય, જન્મગતને બદલે પુરુષાર્થપ્રાપ્ત, પ્રારબ્ધને બદલે પ્રયત્ન, સ્થિરતાને બદલે વિકાસની વાતો આવી. આ બધાં આધુનિકીકરણનાં લક્ષણો છે.

ભારતીય સમાજમાં આ બધાં પરિવર્તનોની શરૂઆત પશ્ચિમના દેશોના ભારત પરના પ્રભાવ થકી આવવાની શરૂઆત થઈ હોવાથી આવા પ્રકારનાં પરિવર્તનોને ‘પશ્ચિમના પવન’ તરીકે ઓળખવામાં આવ્યાં. ભારતીય સમાજના અભ્યાસ માટે ‘આધુનિકીકરણ’ને બદલે ‘પશ્ચિમીકરણ’ની વિભાવનાની તરફેણ કરતાં શ્રીનિવાસે જણાવ્યું છે તેમ, આધુનિકીકરણમાં ધ્યેયોની બૌદ્ધિક પસંદગી અભિપ્રેત છે, જે સ્વીકારી શકાય તેમ નથી. માનવધ્યેયો જે તે લોકોનાં સ્વીકૃત મૂલ્યોથી નિર્ધારિત થાય છે; નહીં કે વ્યક્તિગત બૌદ્ધિક પસંદગીથી. આથી આવું આધુનિકીકરણ તેમના મતે માત્ર સાધનો પૂરતું જ મર્યાદિત હોઈ શકે, સાધ્ય પૂરતું નહિ.

પશ્ચિમીકરણની વિભાવનાથી ભારતીય સમાજમાં આવતાં તમામ પરિવર્તનોને સમજાવી ન શકાય. ભારતીય પરંપરા અથવા ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવતાં ભારતીય સંસ્કૃતિનાં જે તે પાસાં પર પશ્ચિમી સંસ્કૃતિનાં જે તે પાસાંની કેટલી અસર પડે છે તે જ સમજાવી શકાય. ભારતીય સમાજમાં આવી રહેલા માળખાકીય પરિવર્તનની સમજૂતી આપી શકાતી નથી. વળી ઐતિહાસિક રીતે જોતાં બહુ ઓછા સમયગાળામાં આવેલાં પરિવર્તનોને જ સમજાવી શકાય. આ મર્યાદાનું કારણ આ સિદ્ધાંતની મર્યાદામાં છે. પશ્ચિમીકરણની વિભાવના માનવશાસ્ત્રના સાંસ્કૃતિક પ્રસારવાદના સિદ્ધાંતનો એક ભાગ છે. આ સિદ્ધાંત એમ માને છે કે વિકસિત સંસ્કૃતિના સંપર્કમાં આવવાથી અવિકસિત સંસ્કૃતિનો વિકાસ થાય છે. આમાં જે તે સમાજની માળખાકીય બાબતોને ધ્યાનમાં લેવાતી નથી.

પશ્ચિમીકરણનો ખ્યાલ થોડો શિથિલ પણ છે. કઈ બાબતને પશ્ચિમની ગણવી, કઈ બાબતને અસર ગણવી એ બધા અર્થઘટનના સવાલો છે; તેમ છતાં એક વાત સ્પષ્ટપણે કહેવી જોઈએ કે પશ્ચિમીકરણનો ખ્યાલ અનુભવજન્ય નિરીક્ષણોના આધાર પર રચાયો છે અને તેટલે અંશે તે વૈજ્ઞાનિક છે.

ભારતીય સમાજમાં રાજા રામમોહન રાયથી શરૂ કરીને સમાજસુધારાના અનેક પ્રયાસો થયા અને સમાજસુધારાની સંસ્થાઓ સ્થપાઈ. ગુજરાતમાં કરસનદાસ મૂળજી, નર્મદ તથા બીજા અનેકે આવા પ્રયાસો કર્યા. આ બધા સમાજસુધારાઓમાં વિધવાવિવાહ, બાળલગ્નવિરોધ, દહેજવિરોધ, સ્ત્રીશિક્ષણ, જ્ઞાતિબંધનોથી મુક્તિ, લગ્નસુધારા, સ્ત્રીપુરુષસમાનતા વગેરે બાબતો મુખ્ય રહી છે. આ બાબતો પશ્ચિમી સમાજની વ્યક્તિવાદી અને ઉદારમતવાદી વિચારસરણીની અસર રૂપે છે. શિક્ષણમાં પાઠશાળાને બદલે ધર્મની અસરથી મુક્ત અને વૈજ્ઞાનિક આધારોવાળું શિક્ષણ આપવાની વાત જ મૅકૉલેથી આવી. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય નેતૃત્વના ખ્યાલોના પાયા પણ પાશ્ચાત્ય અસર નીચે વિકસ્યા. કૉંગ્રેસની સ્થાપના જ એક અંગ્રેજે કરી હતી. આધુનિક રાજ્યવ્યવસ્થા અને તેના ભાગરૂપ વહીવટીતંત્ર બ્રિટિશ અસરનું પરિણામ છે. ધર્મને બદલે વિજ્ઞાનને તથા પરલોકને બદલે ઇહલોકને મહત્વ આપવાની વાત પણ પશ્ચિમની સાંસ્કૃતિક અસરથી વ્યાપક પ્રમાણમાં શરૂ થઈ. કારખાના-પદ્ધતિ, બૅંકિંગ, શૅરબજાર, ચલણ-વ્યવસ્થા વગેરે આર્થિક બાબતોમાં તો આ અસર સ્પષ્ટ જોઈ શકાય છે. આથી પશ્ચિમીકરણની વિભાવનાનો ઉપયોગ કરીને ભારતીય સમાજનાં પરિવર્તનોને સમજાવવાના અનેક પ્રયાસો થયા છે, પરંતુ આ ‘અસર’ને તાર્કિક રીતે ક્યાં સુધી ખેંચવી તે એક સવાલ છે. પશ્ચિમીકરણના ખ્યાલને શ્રીનિવાસે બ્રિટિશ અસર કહી છે. સ્વાતંત્ર્ય પછી બ્રિટિશ અસર ઘટતી જાય છે અને પાશ્ચાત્ય જગતની વ્યાપક ફલક પર અસર વધતી જાય છે, જે વૈશ્વિકીકરણની પ્રક્રિયાના એક ભાગ રૂપે પ્રતીત થાય છે.

આમ પશ્ચિમીકરણનો ખ્યાલ દોઢ સો વર્ષના બ્રિટિશ અમલ દરમિયાન ભારતીય સમાજ અને સંસ્કૃતિનાં કેટલાંક પાસાંને અને તેમાં આવેલાં પરિવર્તનને સમજાવવામાં સફળ થાય છે; પરંતુ તે ખ્યાલ સમગ્ર ભારતીય પરંપરાના દેશકાળ-સાપેક્ષ જે રૂપાંતરો છે તે સર્વનો પૂર્ણપણે ખુલાસો આપી શકતો નથી. એ સંદર્ભમાં તેની મર્યાદા સ્પષ્ટ છે.

પશ્ચિમીકરણની લગોલગ રહેતી વિભાવના સંસ્કૃતીકરણ-(sanskritisation)ની છે. જ્ઞાતિના માળખામાં અને એ કોટિક્રમમાં આવતાં પરિવર્તનોને સમજાવવા માટે શ્રીનિવાસે આ વિભાવના પ્રયોજી હતી. નીચલી ગણાતી જ્ઞાતિઓ પોતાના સ્થાનમાં ઉચ્ચ ગતિશીલતા લાવવા માટે ઉપલી જ્ઞાતિઓના વ્યવહારો, પ્રતીકો વગેરેનું અનુકરણ કરે છે તેને શ્રીનિવાસે સંસ્કૃતીકરણ કહ્યું છે. આમ નીચાં ગણાતાં જૂથો પરિવર્તન-ગતિશીલતા માટે ઊંચાં ગણાતાં જૂથોનું અનુકરણ કરે તે પ્રક્રિયાને પશ્ચિમીકરણ અને સંસ્કૃતીકરણ – એવી બે વિભાવનાઓથી શ્રીનિવાસે સમજાવી. ત્યારબાદ ઘણા સમાજવિજ્ઞાનીનોએ આ વિભાવનાઓને પ્રયોજી છે.

વિદ્યુત જોશી