પશ્ચિમ વર્જિનિયા

January, 1999

પશ્ચિમ વર્જિનિયા : યુ.એસ.નાં આટલાન્ટિક મહાસાગરના કિનારા પરનાં રાજ્યો પૈકીનું નાનકડું પર્વતીય રાજ્ય. તે લગભગ 37o 10′ થી 40o 40′ ઉ. અ. અને 77o 45’થી 82o 30′ પ. રે. વચ્ચે આવેલું છે. તેની પૂર્વ અને દક્ષિણ દિશાએ વર્જિનિયા, નૈર્ઋત્ય ખૂણે કેન્ટકી રાજ્ય, વાયવ્ય તરફ ઓહાયો અને ઉત્તર દિશાએ પેન્સિલવેનિયા રાજ્યો આવેલાં છે. તેની ઉત્તર અને પૂર્વ બાજુનો ભૂમિભાગ હાથાનો આકાર ધરાવતો હોવાથી તેને ‘પેનહૅન્ડલ’ (panhandle) રાજ્ય પણ કહેવાય છે. તેની 1,800 કિમી. લાંબી સરહદનો  ભાગ નદીઓ અને ડુંગરધારોથી અંકિત છે. તેનું કુલ ક્ષેત્રફળ 62,759 ચોકિમી. જેટલું છે. રાજ્યમાં કુલ 55 પરગણાં આવેલાં છે. ચાર્લ્સ્ટન એ રાજ્યનું ફિલાડેલ્ફિયા પછીનું બીજા ક્રમે આવતું મોટું શહેર અને પાટનગર છે.

યુ.એસ.માં પશ્ચિમ વર્જિનિયાનું ભૌગોલિક સ્થાન

ભૂપૃષ્ઠ : પશ્ચિમ વર્જિનિયાનું ભૂપૃષ્ઠ બે કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલું છે : એક કુદરતી પ્રદેશ ઍપેલેશિયનનો ઉચ્ચપ્રદેશ છે, તે ‘ઍલિગેની ફ્રન્ટ’ની પશ્ચિમે આવેલો છે. સમુદ્ર-સપાટીથી તેની સરેરાશ ઊંચાઈ 450 મીટર છે. ઍલિગેની પર્વત-વિસ્તારમાં આવેલું 1,482 મીટર ઊંચાઈ ધરાવતું ‘સ્પ્રૂસ નૉબ’ અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ છે. બીજો કુદરતી પ્રદેશ ઍલિગેની ફ્રન્ટની પૂર્વ બાજુએ આવેલો ઍપેલેશિયન ખીણપ્રદેશ છે. ત્યાં સાંકડી ખીણો, ગોળાકાર ટેકરીઓ અને સપાટ શિરોભાગ ધરાવતા ઊંચાણવાળા પ્રદેશો છે. આમ રાજ્યનો 80 %થી વધુ ભાગ ડુંગરાળ છે. બહુ જ ઓછા ભાગો સમતળસપાટ છે. બ્લૂરિજ પર્વતો રાજ્યના પૂર્વ છેડાને સ્પર્શે છે, બાકીની પૂર્વ સીમા ઍપેલેશિયન ડુંગરધારો અને ખીણવિસ્તારોમાં આવી જાય છે. ડુંગરધારો, ટેકરીઓ અને ઊંડી ખીણોનો પ્રદેશ ખેતી માટે અયોગ્ય, પરંતુ ઢોરોના ચરિયાણ માટે અનુકૂળ પડે છે. ઉચ્ચપ્રદેશો અને ખીણોની કાંપ અને રેતીમિશ્રિત જમીનો ફળદ્રૂપ છે. પોટોમૅક નદીની ખીણની જમીન ચૂનાના તત્વવાળી છે. ઍલિગેની ઉચ્ચપ્રદેશની જમીન જળકૃત ખડકોમાંથી બનેલી ચૂનાયુક્ત અને ચીકણી માટીવાળી છે.

આબોહવા : પર્વતીય અને નીચાણવાળા પ્રદેશનું ઉનાળાનું સરેરાશ તાપમાન અનુક્રમે 19 સે. અને 23 સે. જેટલું તથા શિયાળાનું સરેરાશ તાપમાન અનુક્રમે -3o સે. અને -1o સે. જેટલું રહે છે. પર્વતોના ઊંચાણવાળા ભાગમાં 1.8 મીટર જેટલો બરફ રહે છે. સરેરાશ વરસાદ 1,090 મિમી. જેટલો પડે છે. સાંકડી ખીણોમાં ક્યારેક અચાનક પૂર આવે છે.

વનસ્પતિ-પ્રાણીજીવન : ખૂબ ઊંચા પ્રદેશો ગીચ ઝાડીવાળા છે. રાજ્યનો લગભગ 80 % વિસ્તાર જંગલોવાળો છે. 125 જાતનાં વૃક્ષો પૈકી હેમલૉક, – સ્પ્રૂસ, પાઇન, ફર, ઓક, મેપલ, આસ્પેન, રહોડોડેન્ડ્રૉન, ફર્ન, હીકોરી, ઍશ, વૉલનટ, લૉકસ્ટ, લિન્ડેન, બકઆઈ, બટરનટ, પૉપ્લર સખત તેમજ પોચું ઇમારતી લાકડું આપે છે. મોટાભાગનાં વૃક્ષો પર્ણપાતી (deciduous) અને શંકુદ્રુમ પ્રકારનાં છે.

પશ્ચિમ વર્જિનિયાની સમૃદ્ધ ખનિજ કોલસાની ખાણ

અગાઉ જંગલી ભેંસો અને એલ્કનનાં ધણ રખડતાં રહેતાં. હાલ કાળું રીંછ, હરણ, જંગલી બિલાડી, રુવાંટીવાળાં બીવર, ઑટર, મારટેન, રૅકૂન, મિન્ક, સ્કુંક, ઓપોસ્સમ, શિયાળ, સસલાં, ખિસકોલી વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે. નદીઓમાં પુષ્કળ માછલીઓ છે. કૉપરહેડ અને રૅટલ પ્રકારના ઝેરી સાપો પણ જોવા મળે છે.

પક્ષીઓમાં જંગલી ટર્કી, ઘુવડ, બાજ, સોનેરી ગરુડ, ટિટમાઉસ, રૉબિન, વુડથ્રશ, ભૂખરો થ્રેશર, ચકલી, કૅટબર્ડ, બ્લૅક બર્ડ અને કાગડો મુખ્ય છે.

ખેતી અને ખાણપેદાશો : વસ્તીનો માત્ર 1% ભાગ જ ખેતીમાં રોકાયેલો છે. ખેતીલાયક જમીન પૈકી  ભાગમાં તમાકુ, મકાઈ, ઘાસ, સફરજન અને પીચ તથા ગ્રીનહાઉસ અને નર્સરીઓમાં શાકભાજી-ફૂલનાં છોડ-ઝાડ ઉગાડાય છે.

અહીંથી ખનિજતેલ અને કુદરતી વાયુ ઉપરાંત કોલસો, ચૂનો વગેરે ખનિજો મળે છે.

આર્થિક પ્રવૃત્તિ : રાજ્યમાં ખેતીનું પ્રમાણ ઓછું હોવાથી પશુપાલન એ અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે. ગાય, ભૂંડ, ઘેટાં, ટર્કી, મરઘાં વગેરે ઉછેરાય છે. ઘેટાં ઊન અને માંસ આપે છે; મરઘાંઉછેરથી મરઘીનાં બચ્ચાં અને ઈંડાં મળે છે. દૂધમાંથી માખણ, પનીર જેવી ડેરીની પેદાશો મળે છે. રાજ્યની આશરે 25% આવક ખેતી-સહિત પશુપાલનમાંથી મેળવાય છે. જંગલોને કારણે લાકડાનો, રાચરચીલાનો અને કાગળનો ઉદ્યોગ વિકસ્યો છે.

લોખંડ-પોલાદનાં કારખાનાં ઉપરાંત, કાચ, ટિનપ્લેટ, માટીનાં વાસણો અને પાઇપો, રસાયણો, કાપડ, વીજળીનાં સાધનો, યંત્રસામગ્રી, ધાતુની ચીજવસ્તુઓ, ઍલ્યુમિનિયમનાં પતરાં અને વાસણો, મીઠું, ખાદ્યપદાર્થો વગેરેનાં કારખાનાં અહીં આવેલાં છે.

રાજ્યના મોટાભાગના લોકો વેપારી અને નાણાકીય પેઢીઓમાં તેમજ સરકારી ખાતાંઓમાં નોકરીઓ કરે છે. કેટલાક લોકો લોખંડ-પોલાદના અને કોલસાના ઉદ્યોગમાં તેમજ બીજાં કારખાનાંઓમાં રોકાયેલા છે.

પરિવહન : રાજ્યમાં 76,250 કિમી.ના ધોરી માર્ગો અને રસ્તા તથા 763 કિમી.ના આંતરરાજ્યમાર્ગો આવેલા છે. ઓહાયો, કનાહ્વા, મોનોનગહેલા જેવી નદીઓવાળા 4,800 કિમી.ના જળવ્યવહારમાર્ગો છે. 60 જેટલાં વિમાની મથકો છે, તે પૈકીનાં મોટાભાગનાં ખાનગી માલિકીનાં છે.

વસ્તી-લોકો : રાજ્યની કુલ વસ્તી 17.18 લાખ (2022) જેટલી હતી. મોટાભાગની વસ્તી ત્રણ નદીઓને કિનારે તેમજ રેલમાર્ગ પરનાં ઔદ્યોગિક શહેરોમાં વસે છે. 64% લોકો ગ્રામીણ પ્રદેશોમાં રહે છે. મુખ્ય વસ્તી મૂળ અંગ્રેજ, સ્કૉટ, વેલ્શ, આઇરિશ, સ્પૅનિશ, જર્મન, ઇટાલિયન અને હંગેરિયન પ્રજાની છે; જ્યારે થોડા આફ્રિકી હબસીઓ તથા થોડા સ્થાનિક રેડ ઇન્ડિયનો પણ છે. રાજ્યમાં વસ્તીની ગીચતાનું પ્રમાણ ચોકિમી. દીઠ 31 વ્યક્તિઓનું છે. મોટાભાગના લોકો મેથડિસ્ટ, બૅપ્ટિસ્ટ અને રોમન કૅથલિક પંથના – ખ્રિસ્તી-ધર્મીઓ છે.

રાજ્યમાં 5થી 21 વર્ષની વય સુધી શિક્ષણ મફત છે, 16 વર્ષની વય સુધી તે ફરજિયાત છે. 1863માં પશ્ચિમ વર્જિનિયાને રાજ્યનો દરજ્જો મળ્યો તે અગાઉ અહીં પૂર્વ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણનું સંચાલન ચર્ચ તથા ખાનગી સંસ્થાઓને હસ્તક હતું. ‘લૅન્ડ ગ્રાન્ટ’ કૉલેજો પણ શરૂ થયેલી. હાલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વહીવટ કાઉન્ટી કાઉન્સિલ શિક્ષણ બોર્ડ સંભાળે છે. મૉર્ગનટાઉનમાં વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટી (1867) અને હટિંગ્ટન ખાતે માર્શલ યુનિવર્સિટી છે. આ ઉપરાંત મોટાં શહેરોમાં કૉલેજો, મૉન્ટગોમરી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી તથા શિક્ષકો માટે તાલીમની નૉર્મલ સ્કૂલો, બે અને ચાર વર્ષના અભ્યાસક્રમો ધરાવતી કેટલીક કૉમ્યુનિટી કૉલેજો પણ છે. રાજ્યમાં કૉલેજો હસ્તક 25 જેટલાં પુસ્તકાલયો છે, 85 % લોકો પુસ્તકાલયોનો ઉપયોગ કરે છે. માઉન્ડ્ઝવિલે અને ચાર્લ્સટન ખાતે બે સંગ્રહસ્થાનો ઉપરાંત બાળકો માટેનું પ્લૅનેટોરિયમ સહિતનું સંગ્રહસ્થાન છે. ચાર્લ્સટન અને વ્હીલિંગ ખાતે સિમ્ફની ઑરકેસ્ટ્રા છે. હટિંગ્ટન ખાતેની આર્ટ-ગૅલેરીમાં નામી ચિત્રકારોનાં ચિત્રો છે. રાજ્યભરમાં 50 જેટલા બગીચા છે. હાર્પર ફેરી ખાતે જૉન બ્રાઉનનું સ્મારક જોવાલાયક છે. ગ્રામ-પ્રદેશના લોકો તેમના સંસ્કાર અને પરંપરાની જાળવણી માટે ખાસ આગ્રહ અને કાળજી રાખે છે.

ઇતિહાસ : પશ્ચિમ વર્જિનિયાના પ્રદેશમાં યુરોપના જુદા જુદા ભાગોમાંથી વસાહતીઓ આવ્યા તે અગાઉ અહીં અમેરિકી ઇન્ડિયનો રહેતા હતા. સત્તરમી સદીની શરૂઆતમાં આ પ્રદેશ અંગ્રેજ વસાહતનો એક ભાગ બની રહેલો. 1727માં પેન્સિલવેનિયામાંથી આવીને ન્યૂ મૅક્લેનબર્ગ (હવે શેફર્ડ્ઝટાઉન) ખાતે જર્મન વસાહતીઓ વસ્યા. 1742માં રેસીન નજીકથી કોલસો મળી આવતાં વિકાસમાં વેગ આવ્યો.

ડુંગરાળ અને જંગલપ્રદેશમાં વસતા લોકો સ્વતંત્ર મિજાજના અને ગુલામી પ્રથાના વિરોધીઓ હતા, તેથી પશ્ચિમ વર્જિનિયાનો પ્રદેશ 1861માં વર્જિનિયાથી છૂટો પડેલો. આ અગાઉ 1859માં જૉન બ્રાઉનની આગેવાની હેઠળ ગુલામી નાબૂદ કરવા હાર્પર ફેરી નજીક લોકોએ બળવો કરેલો, પરંતુ પૂરતા ટેકાને અભાવે તે નિષ્ફળ ગયેલો. અહીં તેનું સ્મારક પણ છે. 1861માં પશ્ચિમ વર્જિનિયાનાં પરગણાંના લોકોએ અમેરિકી આંતરવિગ્રહમાં દક્ષિણનાં રાજ્યો સાથે જોડાવાની ના પાડી. 1863ના જૂનની 20મીએ તે યુ.એસ.નું 35મું રાજ્ય બન્યું.

શિવપ્રસાદ રાજગોર