પશ્ચિમી ચાલુક્ય શિલ્પશૈલી

April, 2024

પશ્ચિમી ચાલુક્ય શિલ્પશૈલી : બાદામીના ચાલુક્યવંશના રાજાઓના આશ્રયે પાંગરેલી વિશિષ્ટ શિલ્પશૈલી. અનુગુપ્તકાલ(ઈ. સ. 550-700) દરમિયાન દક્ષિણાપથના દખ્ખણ વિસ્તારમાં વાકાટકોના અનુગામી ચાલુક્યોની સત્તા પ્રવર્તી. આ વંશના રાજા પુલકેશી 1લાએ વાતાપિ (બાદામી) વસાવી ત્યાં રાજધાની ખસેડી. તે અને તેનો પુત્ર કીર્તિરાજ અને પૌત્ર પુલકેશી 2જો વિદ્યા અને કલાના પ્રોત્સાહક હતા. આથી શિલ્પકલાને પણ ભારે ઉત્તેજ મળ્યું. ઈ. સ. 550થી 700 દરમિયાન અસ્તિત્વમાં આવેલી વિશિષ્ટ શિલ્પશૈલી તેમના રાજવંશ પરથી પશ્ચિમી ચાલુક્ય શૈલી તરીકે ઓળખાવા લાગી. આ શૈલીમાં પૌરાણિક ઉપાસનાનું જોમ-જુસ્સાપૂર્વક પુનઃજાગરણ થતું જોવામાં આવે છે. શિલ્પો તેમનાં સમતુલન, ઘડતર અને કદમાં સપ્રમાણ, સામર્થ્યયુક્ત અને ભાવપૂર્ણ છે. આથી આ શિલ્પોને એમની સુસંવાદિતાની બાબતમાં કલા-વિવેચક ગ્રોસેટ (Grousset) જેવા વિદ્વાને એથેન્સ અને ફ્લોરેન્સનાં શિલ્પો કરતાં ચડિયાતાં ગણાવ્યાં છે. આમાં થયેલું ઊડતા ગંધર્વોનું આલેખન સર્વાધિક પ્રશંસા પામ્યું છે. દિલ્હીના નૅશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત આ પ્રકારનું ગંધર્વ-યુગલનું શિલ્પ એનું શ્રેષ્ઠ દૃષ્ટાંત ગણાય છે. એમાં એ યુગલને આકાશમાં છટા અને ગૌરવપૂર્વક સંચાર કરતું દર્શાવ્યું છે. આમાં આકૃતિને લાલિત્યપૂર્ણ બનાવવાનું અને દેહને પાતળાપણું આપવાનું વલણ વધતું જતું જણાય છે.

ઐહોળેની શિલ્પકૃતિઓ મધ્યકોટિની છે. અલબત્ત એમાં મૃદુતા અને સમતુલા દૃષ્ટિગોચર થાય છે. આ શિલ્પો પૂર્વકાલીન વૅંગી (આન્ધ્ર) અને ઉત્તરકાલીન પલ્લવ કલાને સાંધતી કડીરૂપ જણાય છે. દુર્ગામંદિરની ફરતી પરસાળમાં કરેલા ગવાક્ષોમાં કંડારેલાં શિવ, વિષ્ણુ, લક્ષ્મી, નૃસિંહ અને વરાહ અવતાર તથા મહિષાસુર મર્દિનીનાં શિલ્પો આનાં દૃષ્ટાંતરૂપ છે. બાદામીમાં આ કાલમાં ત્રણ બ્રાહ્મગુફાઓ અને એક જૈન ગુફા કંડારાઈ હતી. આ બધી ગુફાઓ શિલ્પથી ભરચક સુશોભિત છે. અહીં દેવોની આકૃતિઓ શાસ્ત્રીય નિયમાનુસાર નહિ પણ સ્વેચ્છાએ વિગતવાર કંડારેલી છે. અગાઉ ગુપ્તકાલમાં સારનાથ વગેરેની મૂર્તિઓમાં દેવતાઓની દિવ્યશક્તિ પ્રચ્છન્ન રહેતી હતી. તે અહીં મુખ્ય દેવતામાં પૂરા જોમ સહિત અંતરના ઊંડાણમાંથી ક્રિયાશીલતા સાથે પ્રસ્ફુટ થતી જણાય છે. એને સચોટ રીતે વ્યક્ત કરવા માટે શિલ્પના ફલકની નિર્ધારિત મર્યાદાને અતિક્રમીને મુખ્ય દેવનાં અંગો અને આયુધોને બહાર નીકળતાં દર્શાવ્યાં છે. અલૌકિક સામર્થ્યને આ રીતે વ્યક્ત કરવાની પદ્ધતિ અન્યત્ર અજ્ઞાત છે.  બદામીની ગુફા નં. 1 માં તાંડવ નૃત્ય કરતા શિવ, મહિષાસુરમર્દિની દુર્ગા, દેવોના સેનાપતિ મહાસેન (કાર્તિકેય) ગુફા નં. 2માંનું હિરણ્યકશિપુથી પૃથ્વીને મુક્ત કરાવતા વરાહ અવતાર વિષ્ણુનું વિખ્યાત શિલ્પ દૃષ્ટિગોચર થાય છે. વરાહ અવતારમાં શરીરમાં પ્રાણીશક્તિને જાગ્રત કરીને તેની સાથે પોતાનું વિશ્વકાર્ય આનંદપૂર્વક પાર પાડતા વરાહનું રૂપાંકન અદ્વિતીય છે. જૈન ગુફામાં ગૌતમસ્વામી તેમના ચાર સર્પઅનુચરોસહિત અને પાર્શ્વનાથ તેમના નિયત અનુચરોસહિત કંડારેલા છે. આ જૈન શિલ્પોમાં પણ ચાલુક્ય સુઘાટ્ય કલા પૂર્ણપણે વિકસેલી દૃષ્ટિગોચર થાય છે. પટ્ટડકલનાં પાપનાથ અને વિરૂપાક્ષ મંદિરોની શિલ્પકલામાં પણ ચાલુક્ય શૈલીનો પૂર્ણ વિકાસ નજરે પડે છે.

પ્રવીણચંદ્ર પરીખ