પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે બારમી સદીથી આ સામ્રાજ્ય પવિત્ર રોમન સામ્રાજ્ય તરીકે જાણીતું બન્યું. 1806માં આ સામ્રાજ્યનો અંત આવ્યો.
ઉદભવ : ખ્રિસ્તી જગતના રાજકીય સંગઠન અને પ્રાચીન રોમન સામ્રાજ્યની ભવ્યતાની પુન:સ્થાપનાના ખ્યાલમાંથી આ સામ્રાજ્યનો ઉદભવ થયો હતો. ત્રીજી સદીમાં રોમન સામ્રાજ્ય ખ્રિસ્તી ધર્મ પાળતી પ્રજાના રાજકીય સંગઠનનું પ્રતીક બન્યું હતું. પાંચમી સદીથી પૂર્વીય રોમન સામ્રાજ્યે આ સ્થાન સંભાળ્યું. આઠમી સદીમાં રોમન સમ્રાટો અને પોપ વચ્ચેના મતભેદો ઉગ્ર બન્યા. પોપ પોતાના અને રોમના દેવળના પ્રભાવવાળી રાજકીય સત્તાની પુન:સ્થાપનાની મહેચ્છા સેવતા હતા. આઠમી સદીમાં પોપ લિયો ત્રીજો રોમમાં પોતાના હરીફ સાથે સંઘર્ષમાં ઊતર્યો હતો અને દેશ-નિકાલની સ્થિતિમાં મુકાયો હતો. પોતાના પદની પુન:પ્રાપ્તિ માટે તે શક્તિશાળી રાજકીય સત્તાનું સમર્થન શોધી રહ્યો હતો. ઇટાલીની ઉત્તરે આવેલા શક્તિશાળી જર્મન રાજ્યના ઈસાઈધર્મી રાજવી શાર્લમૅનની મદદથી તેણે પોતાની ગુમાવેલી ગાદી પાછી મેળવી. ઉપકારવશ લિયોએ ઈ. સ. 800ની 25મી ડિસેમ્બરના પવિત્ર દિવસે શાર્લમૅનની રોમન સમ્રાટ તરીકે તાજપોશી કરી. કેટલાક વિદ્વાનો આ ઘટનાને પવિત્ર રોમન સામ્રાજ્યના ઉદભવ તરીકે ઓળખાવે છે. ઈ. સ. 814માં શાર્લમૅનના મૃત્યુ પછી તેના નબળા વારસોના સમયમાં સામ્રાજ્યની મહત્તા ઓસરી ગઈ.
પુન:પ્રતિષ્ઠા : દશમી સદી દરમિયાન સૅક્સન વંશના રાજવી ઑટો મહાને (શાસન 936થી 973) સામ્રાજ્યની સત્તાની પુન:સ્થાપના કરી. ઈ. સ. 936માં શાર્લમૅનની જૂની રાજધાની એશેન મુકામે તેનો રાજ્યાભિષેક થયો. મોટાભાગના જર્મન ઉમરાવોએ તેના પ્રત્યે વફાદારીના શપથ લીધા. અન્ય બળવાખોર ઉમરાવોની જાગીરો આંચકી લઈ ઑટોએ પોતાનાં સગાંસંબંધીઓમાં વહેંચી દીધી અને તેમની વફાદારીના આધાર પર સામ્રાજ્યને મજબૂત બનાવવા પ્રયાસ કર્યો. ખ્રિસ્તી ધર્મનાં મહત્વનાં મથકોના બિશપોને જાગીરો તથા વહીવટી સત્તા સોંપીને તેણે રાજ્યપ્રભાવિત ધાર્મિક વ્યવસ્થા ઊભી કરી. આંતરિક અવ્યવસ્થા તથા હંગેરીનાં આક્રમણો સામે સામ્રાજ્યની સુરક્ષા કરી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. આ સમયે પોપ જૉન બારમો ઇટાલીમાં પોતાના હરીફો સામે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. તેણે ઑટોની મદદ માગી. ઑટોએ ઇટાલી પર સફળ આક્રમણ કરી રોમમાં વિજયપ્રવેશ કર્યો. પોપે તેનું સ્વાગત કરી શાર્લમૅનની જેમ રોમન સમ્રાટ તરીકે તેની તાજપોશી કરી (ઈ. સ. 962). અલબત્ત, ઑટો આજીવન જર્મન સંસ્કારો નીચે રહ્યો. તેના વારસો ઑટો દ્વિતીય (973983) અને ઑટો તૃતીય (983-1002) દ્વારા રોમન પરંપરાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ થયો. ઈ. સ. 1022માં ઑટો ત્રીજાનું નાની વયે અવસાન થતાં આ પ્રયાસો અધૂરા રહ્યા. સૅક્સન વંશના આ ત્રણ રાજવીઓએ ‘પવિત્ર રોમન સામ્રાજ્ય’ને શક્તિશાળી બનાવ્યું તથા ધાર્મિક ક્ષેત્રે રાજ્યનો પ્રભાવ વધાર્યો. વખત જતાં તેમાંથી સમ્રાટ તથા પોપ વચ્ચેનો સત્તાસંઘર્ષ શરૂ થયો.
પોપ તથા સમ્રાટો વચ્ચે સત્તાસંઘર્ષ : સમ્રાટો દ્વારા ધર્મગુરુઓની નિયુક્તિ તથા જાગીરોની વહેંચણીને કારણે ધાર્મિક ક્ષેત્રે રાજ્યસત્તાનો પ્રભાવ સ્થપાયો હતો. પોપને આ સ્થિતિ સ્વીકાર્ય ન હતી. અગિયારમી સદીમાં પોપ ગ્રેગરી સાતમાએ સમ્રાટની સત્તાને અંકુશિત કરવા માટે કેટલાક બિશપોને પોતાનું સ્થાન છોડી દેવા હુકમ કર્યો. તત્કાલીન રોમન સમ્રાટ હેન્રી ચોથા (શાસન 1056-1106) એ તથા તેના સમર્થક બિશપોએ પોપના આ પગલાનો વિરોધ કરી તેના રાજીનામાની માંગણી કરી. આમ રાજ્ય અને દેવળ વચ્ચે ખુલ્લા સંઘર્ષનો પ્રારંભ થયો. ઇટાલી તથા જર્મનીના ઉમરાવો અને જનતા બંને પક્ષે વહેંચાઈ ગયાં. શરૂઆતમાં સમ્રાટનો પક્ષ નબળો રહ્યો. તેણે ઈ. સ. 1077માં કેનોસા મુકામે પોપ સાથે અપમાનજનક સમજૂતી કરવી પડી; પરંતુ ટૂંક સમયમાં તેણે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. પોપને સમ્રાટનાં સૈન્યોના ડરથી રોમ છોડી નાસી જવું પડ્યું. પોપ અને સમ્રાટો વચ્ચેનો સંઘર્ષ ચાલુ રહ્યો. ઈ. સ. 1122માં વર્મ્સની સમજૂતી દ્વારા થોડા સમય માટે આ સંઘર્ષ અટક્યો. બારમી સદીમાં હોહેનસ્ટોફેન વંશનો ફ્રેડરિક પહેલો બાર્બારૉસા (શાસન 1152-1190) શક્તિશાળી રોમન સમ્રાટ હતો. તેના સમયમાં સામ્રાજ્ય માટે પ્રથમ વખત ‘પવિત્ર રોમન સામ્રાજ્ય’ શબ્દોનો પ્રયોગ થયો. પોતાની સર્વોપરીતાનો દાવો કરી તેણે પોપ સાથે સંઘર્ષ શરૂ કર્યો. તેમાં તેને પીછેહઠ કરવી પડી. ઈ. સ. 1190માં ધર્મયુદ્ધોમાં ભાગ લેવા જતાં એશિયા માઇનોરમાં એક નદીમાં ડૂબી જતાં તેનું અવસાન થયું. તેના મૃત્યુ પછી સમ્રાટ તથા સામ્રાજ્યની અવનતિ શરૂ થઈ.
અવનતિ અને પતન : ફ્રેડરિક બાર્બારૉસાના મૃત્યુ પછી વિવિધ રાજવંશોએ સમ્રાટપદ સંભાળ્યું. આંતરિક સત્તાસંઘર્ષને કારણે સામ્રાજ્ય નબળું પડતું ગયું. રોમ તથા ઇટાલી સામ્રાજ્યથી સ્વતંત્ર થઈ ગયાં. ઈ. સ. 1438માં ઑસ્ટ્રિયાના હેપ્સબર્ગ વંશના હાથમાં સત્તા આવી. સોળમી સદીમાં ચાર્લ્સ પાંચમો (શાસન 1519થી 1556) આ વંશનો પ્રભાવશાળી શાસક હતો. તેના ગાદીત્યાગ (1556) પછી સામ્રાજ્યનું વિઘટન શરૂ થયું. ધર્મસુધારણાની ચળવળે સામ્રાજ્યની સત્તાના ધાર્મિક દાવાને નબળો પાડ્યો. તે પછી સામ્રાજ્ય નાનાં સ્વતંત્ર રાજ્યો અને જાગીરોના શિથિલ સંઘ જેવું બની ગયું. ‘પવિત્ર રોમન સામ્રાજ્ય’ શબ્દ ઉપહાસને પાત્ર બની ગયો. અઢારમી સદીમાં પ્રખ્યાત ફ્રેન્ચ ફિલસૂફ વૉલ્તેરે તેને માટે ‘પવિત્ર પણ નહિ, રોમન પણ નહિ અને સામ્રાજ્ય પણ નહિ’ એવી ટીકા કરી હતી. ઓગણીસમી સદીના પ્રારંભમાં ઑસ્ટ્રિયન સમ્રાટ ફ્રાન્સિસ પહેલો નામમાત્રનો પવિત્ર રોમન સમ્રાટ હતો. ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટે તેને પરાજિત કરી 1806માં આ બિરુદ ત્યજી દેવા ફરજ પાડી અને તે સાથે આ સામ્રાજ્યનો પણ અંત આવ્યો.
રોહિત પ્ર. પંડ્યા