પવાર, શરદ (. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી ખાતે, માધ્યમિક શિક્ષણ પુણે ખાતે અને ઉચ્ચ  શિક્ષણ પુણે ખાતેના વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન બૃહદ મહારાષ્ટ્ર કૉલેજ ઑવ્ કૉમર્સ ખાતે થયું હતું. તેમની પુત્રી સુપ્રિયા સુખે હાલ (2015) પંદરમી લોકસભાનાં સભ્ય છે. તેમના ભત્રીજા અજિત પવાર થોડાક સમય માટે મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે જ્યારે તેમના નાના ભાઈ પ્રતાપ પવાર ‘સકાળ’ દૈનિક મરાઠી વૃત્તપત્રના સંચાલક છે. આમ શરદ પવારનું લગભગ સમગ્ર કુટુંબ જાહેર જીવનમાં સક્રિય છે.

શરદ પવાર

વિદ્યાર્થીઅવસ્થા દરમિયાન રાજકારણ પ્રત્યે આકર્ષાયા, મહારાષ્ટ્ર યુવક કૉંગ્રેસમાં દાખલ થયા અને તેને નક્કર ઘાટ આપ્યો. યુવક કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે શરદ પવારે યુનેસ્કોના નિમંત્રણથી યુરોપ-અમેરિકાજા-પાનનો પ્રવાસ ખેડ્યો. તદ્ઉપરાંત તેમણે કેરો તથા ટોકિયો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યુવક પરિષદમાં ભાગ લઈને ત્યાં ચાલતી યુવા પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો.

શરદ પવાર વર્ષ 1967માં બારામતી મત વિસ્તારમાંથી મહારાષ્ટ્ર ધારાસભ્યના સભ્યપદે ચૂંટાયા હતા અને એ રીતે 1967-2015ના ગાળામાં તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવ ચવાણને શરદ પવારના રાજકીય ગુરુ ગણવામાં આવે છે. વર્ષ 1978માં શરદ પવાર કૉંગ્રેસમાંથી બહાર પડ્યા હતા અને જનતા પક્ષમાં જોડાયા હતા તથા પહેલી વાર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ચૂંટાયા હતા. વર્ષ 1984માં તેઓ બારામતી લોકસભા મતવિસ્તારમાંથી પ્રથમ વાર લોકસભા માટે ચૂંટાયા હતા. વર્ષ 1985માં તેઓ મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભા માટે પણ ચૂંટાયા હતા. તેમણે આ બેમાંથી વિધાનસભાનું સભ્યપદ ચાલુ રાખવાનું પસંદ કર્યું હતું. વર્ષ 1987માં તેઓ કૉંગ્રેસ પક્ષમાં પાછા આવ્યા. વર્ષ 1988માં તેમની મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન પદે વરણી થઈ હતી. તે જ પદ પર વર્ષ 1990માં તેમની ફરી વાર ચૂંટણી થઈ હતી અને તે માટે તેમને 12 સ્વતંત્ર સભ્યોનો ટેકો મળ્યો હતો. વર્ષ 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી કેન્દ્રમાં પી. વી. નરસિંહરાવના નેતૃત્વ હેઠળ જે સરકાર બની તેમાં શરદ પવારની દેશના સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી (1991-93). માર્ચ 1993માં શરદ પવાર ફરી વાર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા. આ વખતની તેમની મુખ્યમંત્રી તરીકેની કારકિર્દી વિવાદાસ્પદ બની હતી.

વર્ષ 1994માં 13મી લોકસભાની ચૂંટણી થઈ રહી હતી તે દરમિયાન શરદ પવારે તારિક અન્ના અને પી.એ. સંગમાની મદદથી (નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી(NCP)ની સ્થાપના કરી કારણ કે વિદેશમાં જન્મેલી કોઈ વ્યક્તિ (સોનિયા ગાંધી) ભારતના પ્રધાનમંત્રી બને એ અંગે તેમને વિરોધ હતો.

વર્ષ 2004માં આયોજિત થયેલ લોકસભાની ચૂંટણી પછી શરદ પવાર ડૉ. મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની UPA કેન્દ્ર સરકારમાં કૃષિમંત્રી તરીકે જોડાયા. વર્ષ 2012માં તેમણે જાહેર કર્યું કે વર્ષ 2014માં લોકસભાની જે ચૂંટણી થશે તેમાં તેઓ કોઈ પણ પક્ષની (ઉમેદવારી) કરશે નહીં જેથી યુવા પેઢીના ઉમેદવારોને મોકો મળી શકે.

રાજકારણ ઉપરાંત શરદ પવારને કેટલીક રમતગમતોમાં સક્રિય રુચિ રહી છે અને તે રૂએ તેઓ રમતગમતની કેટલીક સંસ્થાઓના વહીવટમાં સક્રિય રહ્યા છે. દા. ત., મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન, મહારાષ્ટ્ર  ઍસોસિયેશન, મહારાષ્ટ્ર કબડ્ડી ઍસોસિયેશન મહારાષ્ટ્ર ખો ખો ઍસોસિયેશન, મહારાષ્ટ્ર ઑલિમ્પિક ઍસોસિયેશન, બૉર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (2005-2008 પ્રૅસિડેન્ટ), ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ઉપાધ્યક્ષ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રૅસિડેન્ટ.

તેમના જાહેરજીવનમાં તેઓ ઘણા વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે. (1) વર્ષ 1993માં બૃહત મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી કમિશનર જી. આર. ખૈરનારે તેમના પર જાહેરમાં ભ્રષ્ટાચારના તથા ગુનેગારોને શરણ આપવાના આરોપો કર્યા હતા. (2) વિવિધ પક્ષના નેતાઓએ રાજ્યના જંગલ ખાતાના 12 અધિકારીઓને ભ્રષ્ટાચાર માટે બરતરફ કરવાની માગણી કરી હતી જે માટે સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ આમરણ ઉપવાસ હાથ ધર્યા હતા. (3) વર્ષ 1992-93માં મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી સુધાકર નાઇકે પવાર પર એવો આક્ષેપ કર્યો હતો કે પવારે તેમને ગુનેગારીમાં સપડાયેલા પપ્પુ કાલાની નામના ગુનેગાર સામે ‘હળવાશ’થી કામ લેવાની સલાહ આપી હતી. નાઇકે પવાર પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેટલાક ગુનાહિતોને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે પવારે ટેકો આપ્યો હતો. (4) મુંબઈના ‘અંધારી આલમ’ (underworld) દાઉદ ઇબ્રાહીમ સાથે પવારની સાઠગાંઠ હોય છે એવો આક્ષેપ પણ પવાર સામે કરવામાં આવ્યો હતો. (5) અબ્દુલ કરીમ તૈલગીને જે સેંકડો નકલી સ્ટૅમ્પ પેપર વેચવા માટે સજા કરવામાં આવી હતી તે કૌભાંડના એક લાભાર્થી તરીકે શરદ પવારનું નામ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. (6) વર્ષ 2007માં ભારતે પરદેશથી કરોડો રૂપિયાની કિંમતની ઘઉંની આયાતો કરી હતી જેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પવાર પર કરવામાં આવ્યો હતો.

વારંવાર પક્ષાંતરને કારણે તેઓ દેશના તથા મહારાષ્ટ્રના રાજકારણ અને સમાજકારણમાં કોઈ વિશિષ્ટ પ્રભાવ ઉપજાવી શક્યા નહિ.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે