પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે. કોઈનો મહિમા મોટેભાગે જોરશોરથી પ્રગટપણે કરવામાં આવે છે તેથી તેને ‘પવાડઉ’ કહે છે. કેટલીક વાર તે કટાક્ષમાં રચાયેલું નિંદાત્મક કાવ્ય પણ હોય છે. મરાઠીમાં ‘જ્ઞાનેશ્વરી’માં તથા ‘તુકારામ ગાથા’માં ‘પવાડુ’ શબ્દ અનેક વાર પ્રયોજાયો છે. હિંદુપત-પાતશાહીના વખતમાં મહારાષ્ટ્રમાં જેમનાં શૌર્ય અને પરાક્રમ પ્રજામાં તરવરી રહ્યાં તે ઐતિહાસિક વ્યક્તિઓ અને પ્રસંગોને અનુલક્ષીને ‘પ(પો)વાડા’ રચાયા છે. પવાડો ગાનારો એક વિશિષ્ટ વર્ગ (શાહીર) પણ મહારાષ્ટ્રમાં અસ્તિત્વમાં આવેલો છે. આજે પણ સાભિનય પવાડાગાયન એ એમનો વિશિષ્ટ આનંદનો વિષય બની રહે છે. પંદરમા શતકમાં રચાયેલા ‘ત્રિભુવન-દીપક પ્રબંધ’ અથવા ‘પ્રબોધચિંતામણિ’માં ‘પવાડા’ શબ્દ ત્રણ સ્થળે વખાણ-વિસ્તાર, ગીત-વિશેષ-એ અર્થમાં પ્રયોજાયેલો છે.

રચનાબંધની દૃષ્ટિએ પવાડામાં મુખ્યત્વે ચોપાઈ-બંધ હોય છે. વચ્ચે જૂજ પ્રમાણમાં દુહા અને અન્ય છંદો તથા જુદા જુદા રાગમાં ગવાતાં પદો આવે છે. જુદા જુદા ‘ખંડ’માં વહેંચાયેલાં સળંગ ગેય રાસકાવ્યોને ‘પવાડા’ નામથી ઓળખાવી શકાય. ગુજરાતીમાં અસાઇતનો ‘હંસાઉલી પ્રબંધ’, ભીમનો ‘સદયવત્સવીર પ્રબંધ’ તથા શાલિસૂરિનું ‘વિરાટપર્વ’ આવા ‘પવાડા’ના રચનાબંધમાં છે. હીરાણંદસૂરિનો 1485માં રચાયેલો ‘વિદ્યાવિલાસ પવાડો’ વિદ્યાવિલાસ રાજાનું ચરિત્ર છે. સતી સકુબાઈનો પવાડો (સં. 1873) અમદાવાદમાં રચાયેલો પવાડો છે. ‘ગોપરાસ કાવ્યો’નો રચનાપ્રકાર આગળ જતાં આખ્યાનકાવ્યમાં વિકાસ પામ્યો તેમ પવાડાનો રચનાપ્રકાર શિવદાસ તથા શામળ ભટ્ટ જેવાની પદ્યાત્મક લોકવાર્તાઓમાં ઉત્તરોત્તર ખીલ્યો જણાય છે. શામળે ‘રુસ્તમનો પવાડો’ આપ્યો છે તો અર્વાચીન કાળમાં ખબરદાર જેવા કવિએ ‘ગાંધી બાપુનો પવાડો’ નામની રચના 1948માં આપી છે.

વીણા શેઠ