પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે.

‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે, જે ત્રણ સ્કંધોમાં વિભાજિત છે : જ્ઞાનતત્વ, જ્ઞેયતત્વ અને ચરણતત્વ. ત્રણેય ક્રમશ: 92, 108 અને 75 ગાથાઓ ધરાવે છે. બીજો પાઠ ટીકાકાર જયસેન અનુસાર 311 ગાથાઓનો છે, જે ત્રણ અધિકારમાં ક્રમશ: 101, 113 અને 97 ગાથાઓ ધરાવે છે. પ્રથમ અધિકારમાં ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયજન્ય સુખને હેય બતાવીને અતીન્દ્રિય જ્ઞાન અને સુખને સિદ્ધ કરીને આત્માની સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. સમ્યગ્ દર્શનયુક્ત ચારિત્રવાળા જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિશ્ચિશ્ચિયચારિત્ર્યનું સ્વરૂપ; આત્માના શુભ, અશુભ અને શુદ્ધ ભાવ; દ્રવ્ય, ગુણ, પર્યાય; શુભોપયોગથી ઇન્દ્રિયજન્ય સુખની પ્રાપ્તિ અને શુદ્ધોપયોગથી મોક્ષપ્રાપ્તિ; અશુભોપયોગનાં ફળ, શુદ્ધોપયોગવાળી વ્યક્તિના ગુણ; મોહ, પ્રમાદ આદિને કેવી રીતે જીતવાં વગેરે બાબતોનું નિરૂપણ છે. બીજા અધિકારમાં દ્રવ્યની ચર્ચા કરી છે.  તેમાં દ્રવ્યને સત, ઉત્પાદ અને ધ્રૌવ્યાત્મક તેમ જ તેનાં ગુણપર્યાયાત્મક રૂપલક્ષણોનું પ્રતિપાદન અને સમન્વય; આત્માના કર્તૃત્વાકર્તૃત્વનો વિચાર તથા કાલાણુના અપ્રાદેશિકત્વનું નિરૂપણ છે. પ્રાણની ઉત્ત્પત્તિનાં કારણ, તેની સંખ્યા; જીવસ્વરૂપ આત્માનુબંધના હેતુ; ભાવબંધ અને દ્રવ્યબંધનું સ્વરૂપ; અન્ય દ્રવ્યથી જીવનો ભેદ; ધ્યાતાનું સ્વરૂપ તેમજ શુદ્ધાત્માની પ્રાપ્તિ જ મોક્ષમાર્ગ છે  એ સર્વની ચર્ચા કરવામાં આવી છે. સંસારનાં દુ:ખોથી છૂટવા માટે જેણે સંયમ સ્વીકાર્યો છે તેવા આદર્શ સાધુનું ચિત્રણ ત્રીજા અધિકારમાં જોવા મળે છે. આંતર-બાહ્ય શુદ્ધિ એ તેનું પહેલું લક્ષણ છે અને સંપૂર્ણ મુક્તિવીતરાગ બનવું  એ તેનું ચરમ લક્ષ્ય છે. અહીં શ્રામણ્ય ગ્રહણ કરવાની રીત, 28 મૂળ ગુણોનું પાલન, તેમાં જો પ્રમાદ થાય તો પ્રાયશ્ચિત્ત કરી ફરી સંયમમાર્ગમાં કેવી રીતે લીન થવું તેનું નિરૂપણ છે. મોક્ષમાર્ગનું મૂળ સાધન આગમજ્ઞાન છે માટે શ્રમણે તે મેળવવું જોઈએ. આગમબોધ, તત્ત્વાર્થમાં શ્રદ્ધા અને સંયમભાવથી આત્મજ્ઞાન થાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં એકસાથે પ્રયત્નશીલ બની પરિપૂર્ણ શ્રામણ્ય પામી શકાય છે. ઉત્તમ સાધુની સેવા, ભક્તિ, વિનય; શ્રમણાભાસનાં લક્ષણો, કુસંગતિનો નિષેધ; સંસારતત્વ, મોક્ષતત્વના સાધક તત્વનું કથન વગેરે પર આ અધિકારમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પ્રવચનસાર ઉપર આ ટીકાઓ ઉપલબ્ધ થાય છે : અમૃતચન્દ્રકૃત ‘તત્વદીપિકા’; મલ્લિષેણરચિત ટીકા; જયસેનરચિત ‘તાત્પર્યવૃત્તિ’; બાલચન્દ્રકૃત કન્ડ ‘તાત્પર્યવૃત્તિ’; હેમરાજકૃત ‘હિન્દી બાલાવબોધ’; કવિ દેવીદયાલકૃત ‘પ્રવચનસાર છન્દ’; કવિ વૃન્દાવનકૃત હિન્દી ભાષામાં ટીકા અને પ્રભાચન્દ્રકૃત ‘સરોજભાસ્કર’. જૈન દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગનો મુકુટમણિ કહી શકાય તેવો આ ગ્રંથ છે.

સલોની નટવરલાલ જોશી