પલુસ્કર, વિષ્ણુ દિગંબર

February, 1998

પલુસ્કર, વિષ્ણુ દિગંબર (. 18 ઑગસ્ટ 1872, બેળગાંવ; . 21 ઑગસ્ટ 1931) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેમણે પોતાનું સમગ્ર જીવન સંગીતના પ્રચારમાં અર્પણ કર્યું હતું. પિતાનું નામ દિગંબર ગોપાલ અને માતાનું નામ ગંગાદેવી. પિતા સારા કીર્તનકાર હતા. નાનપણમાં દીપાવલીમાં ફટાકડાથી વિષ્ણુની આંખો પર અસર થઈ અને ઝાંખું જોવા લાગ્યા તેથી સારા કામધંધાની આશા રહી નહિ એટલે વિવશતાથી પિતાએ સંગીતશિક્ષા આપવાનો વિચાર કર્યો અને મીરજના પં. બાલકૃષ્ણ બુવા ઇચલકરંજી પાસે સંગીત-શિક્ષણ લેવા મોકલી આપ્યા. તે રિયાસતના તત્કાલીન મહારાજાએ તેમની પ્રતિભાથી પ્રસન્ન થઈને તેમને રાજ્યાશ્રય આપ્યો તથા સંગીતની શિક્ષા માટે દરેક પ્રકારની સુવિધા આપી.

વિષ્ણુ દિગંબર પલુસ્કર

એક પ્રસંગે તેમના ગુરુને તેમની પ્રતિષ્ઠા મુજબ કોઈક સમારંભનું નિમંત્રણ ન મળ્યું, તેથી પં. પલુસ્કરજીને બહુ દુ:ખ થયું અને તે જ ક્ષણે તેમણે સંગીતજ્ઞોની દશા સુધારવાનો, સમાજમાં સંગીતને ઉચ્ચ સ્થાન અપાવવાનો તેમજ સંગીતનો પ્રચાર કરવાનો નિશ્ચય કર્યો. 1896માં તેઓ રાજ્યાશ્રય છોડી દેશાટન કરવા નીકળી પડ્યા. સર્વપ્રથમ સાતારા, તે પછી ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહાર, ઓરિસા, મહારાષ્ટ્ર જેવા અલગ અલગ પ્રાંતોનાં શહેરોમાં ગયા અને દરેક સ્થળે સંગીત પ્રત્યે રુચિ ઉત્પન્ન કરી.

1901માં લાહોરમાં સંગીતસંસ્થા ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના કરી. વિદ્યાર્થીઓની અલ્પ સંખ્યાથી તેઓે નિરાશ થયા નહિ. ધીરે ધીરે સંસ્થા વદ્ધિંગત થતી ગઈ. તેમનામાં સમર્પણની ભાવના એટલી કે પિતાનું મૃત્યુ થયું છતાં ઘરે ગયા નહિ.

1908માં મુંબઈમાં ગાંધર્વ મહાવિદ્યાલયની એક શાખા ખોલી. લાહોરની તુલનામાં ત્યાં અધિક સફળતા મળી. પંદર વર્ષ સુધી વિદ્યાલયનું કામકાજ સુચારુ રૂપે ચાલ્યું. સંસ્થા માટે મકાન ખરીદવામાં કરેલું કરજ નહિ ચૂકવી શકવાથી સંસ્થાનું મકાન ઋણમાં ગયું અને વિદ્યાલય બંધ પડ્યું. નિરાશ થઈને પંડિતજી રામ-નામ પ્રત્યે ખેંચાયા, કેસરી વસ્ત્ર પહેરવા લાગ્યા અને રઘુપતિ રાઘવ રાજારામનો અખંડ જપ કરવા લાગ્યા. તે પછી તેમણે નાસિકમાં રામ-નામ-આશ્રમની સ્થાપના કરી.

વૈદિક કાલમાં પ્રચલિત પ્રણાલીના આધાર પર પલુસ્કરજીએ પોતાના બધા શિષ્યોને તૈયાર કર્યા. અધિકાંશ શિષ્ય તેમની સાથે નિ:શુલ્ક રહેતા. તેમના શિષ્યોમાં વી. એ. કશાળકર, ઓમકારનાથ ઠાકુર, બી. આર. દેવધર, વી. એન. ઠકાર, વિનાયકરાવ પટવર્ધન અને નારાયણરાવ વ્યાસ ઉલ્લેખનીય છે. પંડિતજીએ નવી સ્વરલિપિ-પદ્ધતિની રચના કરી, જે ‘પં. વિષ્ણુ દિગંબર પલુસ્કર લેખનપદ્ધતિ’ તરીકે ઓળખાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતને લગતાં પચાસ પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘સંગીત બાલપ્રકાશ’, ‘સંગીત બાલબોધ’, વીસ ભાગમાં ‘રાગપ્રવેશ’, ‘સંગીત-શિક્ષક’, ‘રાષ્ટ્રીય સંગીત’, ‘મહિલા સંગીત’નો સમાવેશ થાય છે. ‘સંગીતામૃત પ્રવાહ’ નામક સામયિક પણ લાંબા સમય સુધી તેમણે પ્રકાશિત કર્યું. 1930માં લકવો થયો છતાં અવસાન સુધી સંગીતના ઉત્કર્ષ માટેની તેમની મથામણો ચાલતી રહી. તેમના એકમાત્ર પુત્ર દત્તાત્રેય વિષ્ણુ પલુસ્કર પણ 1955માં 34 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. ત્યાં સુધી પિતાને પગલે સંગીતની સેવા કરી.

મંદાકિની અરવિંદ શેવડે