પલ્લવ (1928) : હિંદીના છાયાવાદી કવિ સુમિત્રાનંદન પંતનાં કાવ્યોનો સંગ્રહ. તેમાં કવિનાં 1918થી 1925 દરમિયાન રચાયેલાં 32 કાવ્યોનો સમાવેશ છે. તેમાં ભાષા, છંદ અને ભાવ વચ્ચેની સમરસતા સાથે તેને અનુરૂપ માધુર્ય અને કલ્પના જોવા મળે છે. કવિની સહજસિદ્ધ સર્જકતા ને કલાત્મકતા અહીં અનુભવાય છે.

ભાવ તથા શૈલીની દૃષ્ટિએ આ કાવ્યસંગ્રહની રચનાઓના જુદા જુદા પ્રકાર પડી શકે; દા. ત., ‘ઉચ્છ્વાસ’, ‘આંસુ’ અને ‘સ્મૃતિ’ જેવાં કાવ્યો એક વર્ગમાં આવે; કેમ કે તેમાં વિરહની પ્રધાનતા છે તથા ભાવની સાથે રચનાગત કલાત્મકતાની નવી ભૂમિકા સાંપડે છે. ‘વિનય’, ‘વસંતશ્રી’, ‘મુસ્કાન’, ‘નિર્ઝરગાન’, ‘સોને કા ગાન’, ‘નિર્ઝરી’, ‘આકાંક્ષા’, ‘યાચના’ તથા ‘સ્યાહી કી બૂંદ’ જેવી રચનાઓ જુદા વર્ગની છે; કારણ કે તેમાં જિજ્ઞાસા, અદ્ભુત પ્રત્યેનું આકર્ષણ, તથા કોમળ ભાવોની ઉપાસના જોવા મળે છે. ‘પરિવર્તન’ સિવાયની ત્રીજા પ્રકારની રચનાઓમાં પંતજી જાણે અંગ્રેજીના શેલી તથા વર્ડ્ઝવર્થ જેવા રોમૅન્ટિક કવિઓની હરોળમાં ઊભા રહ્યા જણાય છે. કલ્પના, અસ્ખલિત વાક્પ્રવાહ, ચિત્રાત્મક ભાષાશૈલી, સ્વરમાધુર્યની સાથે ભાવોની કોમલતા આ રચનાઓની લાક્ષણિકતાઓ ગણાય. આ રચનાઓમાં છાયાવાદની વિશેષતાઓની સંપૂર્ણ અભિવ્યક્તિ છે. આ સંગ્રહમાંની છેલ્લી તથા લાંબી રચનાઓ ચોથા વર્ગમાં મૂકી શકાય. તેમાં કવિના જીવનદર્શન અંગે તથા કાવ્યરીતિના પ્રયોગો અંગેના નવા વળાંકોનો સંકેત મળે છે. આ રચનાઓમાં પ્રકૃતિના કઠોર રૂપનું દર્શન થાય છે; તેમ છતાં અંત સુધી પહોંચતાં પહોંચતાં કવિ પ્રકૃતિની ભયાનકતાને આનંદરૂપ સત્ય સાથે સાંકળીને તેનું દર્શન કરે છે.

‘પલ્લવ’માં અનુભૂતિનો આવેગ છે તો સાથોસાથ તેની શૈલી પણ અનુરૂપ વેગ ધરાવે છે. ખડી બોલીને ભાવપૂર્ણ ભાષા રૂપે છતાં દૃઢતાપૂર્વક સ્થાપવાનું શ્રેય આ રચનાઓને ફાળે જાય છે. તેમાં સંસ્કૃતના મધુર તથા અનુપ્રાસવાળા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. હિંદીની શબ્દાવલીને સંસ્કૃતની કોમળ પદાવલીના આદર્શને અનુરૂપ ઢાળવામાં આવી છે. છંદોના બંધારણ પર અંગ્રેજી કવિતાનો પ્રભાવ જણાય છે.

પંતજીનો આ કાવ્યસંગ્રહ તેમની કાવ્યપ્રતિભા તથા છાયાવાદના સર્વોચ્ચ શિખર સમાન છે.

ગીતા જૈન

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે