પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ

February, 1998

પલુસ્કર, દત્તાત્રેય વિષ્ણુ (. 18 મે 1921, કુરૂન્દવાડ; . 26 ઑક્ટોબર 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અદ્વિતીય ગાયક. ગાયનાચાર્ય પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરનાં બાર સંતાનોમાંના એકમાત્ર પુત્ર અને છેલ્લું સંતાન હતા.

10 વર્ષની ઉંમર સુધી તેઓ નાસિકમાં રહ્યા. દત્તાત્રેયને સામે બેસાડીને પિતા સંગીતની નાનીમોટી ચીજો તેમને શિખવાડતા હતા. 1931માં પિતાનું અવસાન થતાં તેમણે કાકાના દીકરા (ભાઈ) ચિન્તામણરાવ પલુસ્કરજી પાસેથી અને તે ઉપરાંત કેશવરાવ દાતાર પાસેથી સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી. 1935થી 1942 સુધી તેમણે પં.  વિનાયકરાવ પટવર્ધન પાસેથી અને તે સાથે પં. મિરાશીબુવા પાસેથી પણ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. 1935માં જલંધરના હરિવલ્લભ સંગીત મેળામાં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ સફળતાથી રજૂ થયો. 1938માં મુંબઈના આકાશવાણી કેન્દ્ર પર પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના સ્મૃતિદિને તેમનો પહેલો આકાશવાણી-કાર્યક્રમ થયો. સમય જતાં તે લોકપ્રિય કલાકાર તરીકે પ્રતિષ્ઠિત થયા. ઉત્તર તથા દક્ષિણ ભારતમાં તેઓ લોકપ્રિય બન્યા. દક્ષિણી રાગ સિહેન્દ્રમધ્યમામાં તેમણે ગાયેલી ત્યાગરાજની કૃતિ ‘નિંદુ ચરણ મુક્કે’ દક્ષિણ ભારતમાં ખૂબ લોકપ્રિય બની.

દત્તાત્રેય વિષ્ણુ પલુસ્કર

પં. દત્તાત્રેય પલુસ્કર ખ્યાલ ગાયકી સાથે ભજનગાયનમાં પણ કુશળ હતા. તેમણે ગાયેલાં ભજનો ‘ચલો મન ગંગા જમુના તીર’, ‘પાયોજી મૈંને’, ‘ઠુમક ચલત’, ‘જબ જાનકીનાથ સહાય’ તથા ‘રઘુપતિ રાઘવ રાજારામ’ – સાધારણ શ્રોતાઓ તેમજ સંગીતમર્મજ્ઞોએ બહુ જ પસંદ કર્યાં છે. સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને તેઓ ગાયન રજૂ કરતા અને હંમેશાં સફળ રહેતા. સંગીત-પ્રેમી અને સંગીતજ્ઞો વચ્ચેની તેમની મહેફિલો અલાયદી રહેતી. તેમનું સંપૂર્ણ ગાયન સંતુલિત રહેતું, જેમાં ભાવ અને રસનો સુંદર સમન્વય થતો. ગાયનમાં પ્રારંભિક આલાપ પછી સ્થાયી-અંતરાનું સ્પષ્ટ ઉચ્ચારણ અને ત્યારપછી સ્વર-વિસ્તાર – આમ ક્રમશ: બોલ, આલાપ, બોલતાન અને તાન આવતાં હતાં.

તેમની પરંપરા ગ્વાલિયર ઘરાનાની હતી. છતાં તેમની ગાયકીમાં બધાં ઘરાનાંની વિશેષતા આવરી લેવાતી હતી. આગરા ઘરાનાની બોલતાન, કિરાના ઘરાનાની બઢત અને સુરીલાપણું અને જયપુર ઘરાનાની વકતાનો તેમને વિશેષ પસંદ હતી.

1954માં ભારતીય સાંસ્કૃતિક મંડળ સાથે ચીનનો પ્રવાસ ખેડીને ત્યાં પણ ભારતીય સંગીતને તેમણે પ્રતિષ્ઠા અપાવી હતી.

‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ કંપનીએ તેમની કેટલીક રેકર્ડો બહાર પાડી છે. તેમની ખાસ પસંદગીના રાગોમાં ગૌડ સારંગ, યમન, માલકૌંસ, ભૂપાલી, કેદાર, માલગુંજા, મુલતાની વગેરેનો સમાવેશ થતો હતો. ‘બૈજુ બાવરા’ ફિલ્મમાં ઉસ્તાદ અમીરખાં સાથે ‘દેશી’ રાગમાં તેમણે સહગાન પ્રસ્તુત કર્યું હતું. તેઓ પોતે એક શ્રેષ્ઠ રચનાકાર પણ હતા.

તેમણે પોતાના પિતાએ લખેલાં પુસ્તકોનું સંપાદન કર્યું હતું. માત્ર ચોત્રીસ વર્ષની નાની ઉંમરે તેમનું અવસાન થયું હતું.

મંદાકિની અરવિંદ શેવડે