પલટૂદાસી પંથ : ઉત્તર પ્રદેશનો નિર્ગુણ બ્રહ્મને માનનારા લોકોનો પંથ.

ઈ. સ.ની અઢારમી સદીમાં અયોધ્યામાં મહાત્મા પલટૂદાસે આ પંથની સ્થાપના કરી હતી. પલટૂદાસ અવધના નવાબ શુજાઉદ્દૌલાના સમકાલીન હતા. પલટૂદાસની વિચારધારા પર સૂફી મતનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. તેમણે હિંદુ અને મુસલમાન વચ્ચે કોઈ ભેદરેખા દોરી નહોતી. તેમના સ્વતંત્ર વિચારોને કારણે અયોધ્યાના વૈરાગીએ તેમને જીવતા જલાવી દીધા હતા. પલટૂદાસી પંથ ઘણે અંશે કબીર-પંથને મળતો આવે છે. એમાં મૂર્તિપૂજાને સ્થાન નથી. તેઓ નિર્ગુણ બ્રહ્મને માને છે. રામ-નામનું સ્મરણ અને યોગ-સાધનાને તેઓ મૂળ સાધનરૂપ માને છે. ઉત્તરપ્રદેશ અને નેપાળમાં આ મતના ઘણા અનુયાયીઓ છે.

પ્રવીણચંદ્ર પરીખ