પલ પલ જો પલૉઉ (1977) : સિંધી કવિ હરિ દરિયાણી ‘દિલગીર’- રચિત કાવ્યસંગ્રહ. 1979માં તેને કેન્દ્રીય સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો છે. કવિએ પારંપરિક સિંધી કવિતા અને લલિતપદ, દોહા, રુબાઈઓ, ગઝલો ઉપરાંત અછાંદસ કવિતાના પ્રયોગો કરેલ છે. કવિના કથનાનુસાર અસ્તિત્વવાદના પાયે રચાયેલ નવી અછાંદસ નિરાશાવાદી કવિતાના સ્થાને તેમણે આશાવાદી અછાંદસ રચનાઓનો પ્રયોગ કરેલ છે.

આધ્યાત્મિકતાના સૂર આલાપતા આશાવાદી કવિ હરિ દિલગીરે ‘પલ પલ જો પલૉઉ’માં સહઅસ્તિત્વની ભાવના કેળવવાનું કહેતાં, રૂઠેલાને મનાવી લઈને ભાઈચારો કેળવવાની વાત કરેલ છે. ‘પ્રકાશ પર અંધકારની છાયા ઘેરાતાં જ હું કલમ ચલાવું છું’ કહેતાંની સાથે તેમણે સાંપ્રત સ્થિતિમાં મૂલ્યોના હ્રાસ પ્રત્યે બળાપો વ્યક્ત કરતાં સામાજિક, સાંસ્કૃતિક તથા રાજનૈતિક સ્વાર્થી તત્ત્વો ઉપર આકરા પ્રહારો પણ કરેલ છે. તેઓ કહે છે કે સાંપ્રત યુગમાં સાચકલો માનવી એકલો ને અટૂલો પડી ગયો છે.

જયંત રેલવાણી