પરીક્ષિત : પાંડવ વંશના અર્જુનનો પૌત્ર અને અભિમન્યુનો પુત્ર. ઉત્તરા એની માતા હતી. પત્નીનું નામ માદ્રવતી અને પુત્રનું નામ જનમેજય હતું. ઇન્દ્રપ્રસ્થના રાજા પરીક્ષિત પ્રજાપાલક ધર્મનિષ્ઠ રાજવી તરીકે પ્રખ્યાત હતા. કલિયુગ પરીક્ષિતના સમયથી અવતરિત થયો. રાજ-ખજાનાની કીમતી વસ્તુઓના નિરીક્ષણ કરતાં તેનું ધ્યાન જરાસંધના મુકુટ પર પડ્યું. એ મુકુટ ધારણ કરવાની સાથે તેનામાં કળી પ્રવેશ્યો. પોતે મુકુટ પહેરીને શિકારે નીકળી પડ્યો. અનેક પ્રાણીઓને હણ્યાં અને રાજધાનીથી ઘણે દૂર નીકળી જતાં ભૂખતરસથી વ્યાકુળ થયો. નજીક શમીક ઋષિનો આશ્રમ હતો. ઋષિ ધ્યાનમગ્ન હતા. રાજાએ ઋષિને ઢોંગી માની લીધા અને આંગણે આવનારને સત્કાર નહિ કરનારા એ ઋષિના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો. સમાધિસ્થ ઋષિનું આવું અપમાન થયેલું જાણીને ઋષિપુત્ર શૃંગીએ ક્રોધપૂર્વક શાપ આપ્યો કે મારા પિતાનું અપમાન કરનારનું આજથી સાતમે દિવસે તક્ષક નાગ કરડવાથી અવસાન થશે. પરીક્ષિતે મહેલમાં આવી મુગટ ઉતારતાં પોતાની ભૂલ સમજાઈ. પોતે ઋષિનું અપમાન કર્યું છે જાણી ઘોર પશ્ચાતાપ કર્યો. અન્નજળનો ત્યાગ કરી ગંગાકિનારે એક આસને બેસી શુકદેવજી પાસેથી સાત દિવસ સુધી ભાગવતની કથા સાંભળી પોતાના જીવન અને મૃત્યુને મંગલમય બનાવ્યું. તક્ષક નાગ કરડે  તે પૂર્વે રાજાની સદેહે મુક્તિ થઈ ગઈ હતી. શ્રીમદભાગવતની સમગ્ર કથા આ મુખ્ય તંતુની આસપાસ વણાયેલી છે.

પ્રવીણચંદ્ર પરીખ