પરીક્ષાગુરુ (1882) : હિંદીની મૌલિક નવલકથા. લેખક શ્રીનિવાસ દત્ત. લેખકે તેને સાંસારિક વાર્તા કહી છે. નવલકથામાં દિલ્હીના કુછંદે ચઢેલા ધનવાનોની અધોગતિ તથા ઉદ્ધાર નિમિત્તે આંગ્લ જીવનશૈલીના પ્રભાવ સામે ભારતીયતાની રક્ષાની સમસ્યા રજૂ કરવામાં આવી છે. મદનમોહન વિદેશી માલ બમણી કે ચારગણી કિંમત ચૂકવીને ખરીદવામાં ગૌરવ માને છે અને પોતાના સ્વાર્થી મિત્રો વચ્ચે પોતાની કૃત્રિમ પ્રતિષ્ઠા સાચવી રાખવાના પ્રયાસમાં સર્વસ્વ ગુમાવી બેસે છે. આવા સંજોગોમાં તેનો મિત્ર વ્રજકિશોર મદનમોહનને આર્થિક પાયમાલી તથા સામાજિક માનહાનિમાંથી બચાવી લે છે. સુધર્યા પછી મદનમોહનના મનમાં વિચાર આવે છે કે સો વખત સમજાવવા છતાં ન સમજાયેલી વાત માત્ર એક જ પરીક્ષા-અનુભવથી તરત જ સ્પષ્ટ સમજાઈ જાય છે અને તેથી જ લોકો ‘પરીક્ષા’ને ‘ગુરુ’ માને છે. નવલકથાનો મુખ્ય સૂર એ છે કે લોકોએ મદનમોહન જેવા નહિ પરંતુ વ્રજકિશોર જેવા થવું જોઈએ.

નવલકથાનો પ્રારંભિક ભાગ સાંકેતિક અને નાટકીય છે. તે યથાર્થવાદી ચિંતનશીલતાનો સંકેત આપે છે. નવલકથાનાં કુલ પાંચ પાત્રોમાં માત્ર એક જ સ્ત્રીપાત્ર છે અને તે પણ સમગ્ર કથાનકમાં કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવતું નથી. નવલકથાની ભાષા ઉપદેશાત્મકતાથી ભરપૂર છે. નવલકથાનાં પ્રકરણોનું વિભાજન, કથાવસ્તુનો વિકાસક્રમ તથા તેની ધીમી ગતિ વગેરેમાં નૂતન રજૂઆત-રીતિ આ નવલકથામાં પહેલી વાર જોવા મળે છે.

ગીતા જૈન

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે