પરિફેફસીકલા અને તેના વિકારો (pleura and its disorders)
February, 1998
પરિફેફસીકલા અને તેના વિકારો
(pleura and its disorders)
ફેફસાંની આસપાસનું આવરણ અને તેના વિકારો થવા તે. ફેફસાંની આસપાસ પરિફેફસીકલાનું આવરણ આવેલું છે. તેનાં બે પડ હોય છે : અવયવી (viscual) અને પરિઘીય (parietal). ફેફસાંને અડીને બનતું આવરણ અવયવી પરિફેફસીકલા કહેવાય છે જ્યારે છાતીના હાડ-સ્નાયુના પિંજરને સ્પર્શતું પડ પરિઘીય પરિફેફસીકલા કહેવાય છે. બંને એકબીજા સાથે સળંગ જોડાઈને એક 5થી 10 મિલી. પ્રવાહી (પરિફેફસી-પ્રવાહી, pleural fluid) ભરેલી કોથળી બનાવે છે. તેને પરિફેફસી-ગુહા (pleural cavity) કહે છે, જે એક સંભવિત અવકાશ (potential space) ધરાવે છે. પરિફેફસીકલા મધ્યત્વકીય (mesencymal) કોષોની બનેલી છે અને તે લીસી અને અર્ધપારદર્શક હોય છે. તેને સંધાનપેશી-(connective tissue)ના તંતુઓ, સ્થિતિસ્થાપકતંતુઓ તેમજ લસિકાવાહિનીઓ (lymphotic) અને નસોનું એક જાળું આધાર આપે છે. મધ્યત્વકીય કોષો પર સૂક્ષ્માંકુરિકાઓ (microvilli) આવેલી હોય છે. તેમના દ્વારા હાઇલ્યુરોનિક ઍસિડવાળું ગ્લાયકોપ્રોટીનયુક્ત પ્રવાહી પરિફેફસી ગુહામાં ઝરે છે, જે પરિફેફસીકલાનાં બંને પડ વચ્ચે, શ્વસનકાર્ય દરમિયાન, ઘર્ષણ થતું અટકાવે છે. પરિફેફસીકલાનો પરિઘીય ભાગ છાતીની દીવાલ, છાતી અને પેટની વચ્ચે આવેલા અને સ્નાયુના બનેલા ઉરોદરપટલ(diaphragm)ની છાતી પરની સપાટીનું તથા બે ફેફસાં વચ્ચે આવેલા મધ્યવક્ષ (medistinem) નામના ભાગનું આવરણ બનાવે છે અને તે ફેફસાંમાં જ્યાંથી શ્વસનનલિકાઓ અને નસો પ્રવેશે છે તે પ્રવેશદ્વાર (hilum) આગળ વળીને અવયવી પરિફેફસીકલા સાથે સળંગ જોડાય છે. અવયવી પરિફેફસીકલા ફેફસાના ખંડોની સપાટી પર ચોંટેલી હોય છે અને તેથી બે ખંડ વચ્ચેની ફાડ(fissurle)માં પણ તેનું જ આવરણ હોય છે. બે ફેફસી ખંડો વચ્ચેની ફાડને આંતરખંડીય ફાડ (interlobar fissure) કહે છે. પરિઘીય પરિફેફસીકલાને દેહવ્યાપી રુધિરાભિસરણની નસો મળે છે અને તેમાં સંવેદનાલક્ષી ચેતાઓ (nerves) પણ હોય છે. અવયવી પરિફેફસીકલામાં ફેફસીરુધિરાભિસરણની ઓછા દબાણવાળી નસો હોય છે અને સંવેદનાલક્ષી ચેતાઓ હોતી નથી.
પરિફેફસીગુહામાં આવેલા પરિફેફસી પ્રવાહી(pleural fluid)માં પ્રોટીનનું પ્રમાણ ઓછું રહે છે (2 ગ્રા/લિ.થી ઓછું). જોકે તેનું pH મૂલ્ય અને ગ્લુકોઝનું પ્રમાણ લોહીના જેટલું હોય છે. પરિફેફસીકલાનાં બંને પડમાં આસૃતિદાબ (25 સેમી. H2O) સરખો હોય છે; પરંતુ તેમનો જળસ્થાયી દાબ (hydrostatic pressure) જુદો જુદો હોય છે. પરિઘીય પડમાં તે 30 સેમી. H2O છે અને અવયવી પડમાં 10 સેમી. H2O છે તેથી પરિઘીય પડમાંથી પ્રવાહી પરિફેફસી-ગુહામાં ઝરે છે, જે અવયવી પડ વડે શોષાય છે. જોકે પરિફેફસી-ગુહામાંનું પ્રવાહી શોષાઈને પરિઘીય પડ નીચેની લસિકાવાહિનીઓ દ્વારા પણ દેહવ્યાપી રુધિરાભિસરણમાં પાછું ફરે છે. સામાન્ય સંજોગોમાં આસૃતિદાબને કારણે ઝમતું પ્રવાહી ઓછા પ્રોટીનવાળું હોય છે અને તેને પારઝરણ (transudate) કહે છે અને તે ક્રિયાને પારઝરણન (transudation) કહે છે. જો લસિકાવાહિનીઓમાં રોગને કારણે અવરોધ થાય તો 3 ગ્રામ/લિ.થી વધુ પ્રોટીનવાળું પરિફેફસી-પ્રવાહી જોવા મળે છે. તેને બહિ:સ્રાવ (exudate) કહે છે અને તે પ્રક્રિયાને બહિ:સરણ (exudation) કહે છે.
પરિફેફસી–કલાના વિકારો : પરિફેફસી-કલામાં ચેપને કારણે સોજો આવે, લોહીના કોષો ભરાય અને તેને કારણે દુખાવો થાય તેવા વિકારને શોથનો વિકાર અથવા પરિફેફસીશોથ (pleuritis) કહે છે.
પરિફેફસી-ગુહામાં પ્રવાહી, લોહી, પરુ કે વાયુ ભરાય તો તેને અનુક્રમે પરિફેફસી-સજલતા (pleural fluid) અથવા સજલવક્ષતા (hydro- thorax), રુધિરવક્ષતા (haemothorax), પરિફેફસી-સપૂયતા (empyema) અથવા સપૂય-વક્ષતા (pyothorax) અને વાતવક્ષતા (pneumothorax) કહે છે. જો પાણી અને હવા સાથે હોય તો તેને સજલવાતવક્ષતા (hydropneumothorax), પરુ અને વાયુ ભરાય તો સપૂયવાતવક્ષતા (pyopheumothorax) કહે છે. પરિફેફસીગુહામાં પ્રવાહી ભરાવાનાં કારણો સારણી 1માં દર્શાવ્યાં છે :
સારણી 1 : પરિફેફસીગુહામાં પ્રવાહી ભરાવાનાં કારણો
પ્રવિધિ (mechanism) | કારણરૂપ ઉદાહરણ | |
1 | રુધિરાભિસરણમાં વધેલો જલસ્થાયી દાબ | હૃદયની લાંબા સમયની નિષ્ફળતા |
2. | લોહીનો ઘટેલો આસૃતિદાબ | લોહીમાં પ્રોટીનની ઊણપ |
3. | પરિફેફસી-ગુહામાં ઘટેલું દબાણ | ફેફસું દબાઈ જવું |
4. | લોહીની નસો તથા પરિફેફસીકલાની પારગમ્યતા(permeability)માં વધારો | ન્યુમોનિયા |
5. | લસિકાવાહિનીઓમાં અવરોધ | ફેફસાંનું કે પરિફેફસીકલાનું કૅન્સર |
6. | પેટમાંના પોલાણમાંથી પ્રવાહીનો પ્રવેશ | જલોદર (ascites) |
લક્ષણો, ચિહ્નો અને નિદાન : છાતીમાં થતો દુખાવો, ખાંસી અને શ્વાસ ચઢવો જેવાં ચિહ્નો ક્યારેક જોવા મળે છે. ઘણી વખત ખૂબ પ્રવાહી ભરાયું હોય અથવા દર્દીની તબિયત અતિશય ખરાબ હોય ત્યારે તે ન પણ હોય. જો દુખાવો હોય તો તે છાતીમાં એક બાજુ, અતિતીવ્ર અને ખાંસી સાથે વધતો હોય છે અને તે ખભા, ડોક કે પેટ સુધી ફેલાય છે. શારીરિક તપાસમાં છાતીના જે તે ભાગમાં હવાનું આવાગમન ઓછું હોય છે અને ટકોરા મારીને તપાસ કરવાથી બોદો અવાજ મળે છે.
એક્સ-રે-ચિત્રણ નિદાનસૂચક તપાસ છે. સૌપ્રથમ પાંસળીઓ અને ઉરોદરપટલથી બનતા ખૂણામાં પ્રવાહી ભરાય છે. સામાન્ય રીતે મધ્યરેખા કરતાં પાંસળી તરફ વધુ ઊંચાઈએ પાણી ભરાયેલું હોય એવું એક્સ-રે-ચિત્રણ આવે છે. જો ફેફસાંની નીચે ઉરોદરપટલનો વિસ્તાર એક બાજુ ઉપર તરફ ઊપસેલો હોય તો ફેફસાંની નીચે પ્રવાહી ભરાયેલું હોવાની સંભાવના દર્શાવે છે. બેઠાં બેઠાં લેવાયેલા એક્સ-રે-ચિત્રણમાં 300 મિલી.થી વધુ પ્રવાહી ભરાયેલું હોય તો તે પકડી શકાય છે. પરંતુ દર્દીને પડખે સુવાડીને એક્સ-રે-ચિત્રણ લેવાય તો 150 મિલી.થી વધુ પ્રવાહીનું નિદાન કરી શકાય છે. ચત્તા સૂતેલા દર્દીમાં પ્રવાહી પાછળ(પીઠ)ના ભાગમાં ફેલાઈ જતું હોવાથી સાદા એક્સ-રે-ચિત્રણમાં તે દર્શાવી શકાતું નથી. ક્યારેક પ્રવાહી આંતરખંડીય ફાડમાં જ ભરાયેલું હોય તો તે પાર્શ્ર્વબહિર્ગોળ દૃગકાચની જેમ અથવા વેલણની જેમ વચ્ચેથી ફૂલેલો અને છેડાઓ પર પાતળી દોરી જેવો અપારદર્શક વિસ્તાર બનાવે છે. ક્યારેક કોઈ એક જગ્યાએ પ્રવાહી ભરાઈ રહેલું હોય તો તે જાણે ગાંઠ થઈ હોય તેવો દેખાવ કરે છે. જો પરિફેફસી- અવકાશમાં હવા અને પ્રવાહી બંને ભરાયાં હોય તો પ્રવાહીની ઉપર હવા રહે છે અને બંને વચ્ચેની સપાટી સમક્ષિતિજ રહે છે. ફેફસાંમાંની હવા અને પરિફેફસી-અવકાશમાંની હવામાં એક મહત્ત્વનો તફાવત એ છે કે ફેફસાંમાં શ્વસનિકાઓ અને વાહિનીઓની રેસા જેવી છાયાઓ જોવા મળે છે, જે વાતવક્ષના પરિફેફસી-અવકાશના હવા ભરેલા ભાગમાં હોતી નથી. એક્સ-રે-ચિત્રણ પરથી પરિફેફસી-અવકાશમાં ભરાયેલું પ્રવાહી પાણી જેવું છે કે પરુ કે લોહી છે તે જાણવું મુશ્કેલ હોય છે. પરિફેફસી પ્રવાહીને દર્શાવવા માટે અલ્ટ્રાસોનોગ્રાફી તથા સી.એ.ટી. સ્કૅન ઉપયોગી રહે છે. સામાન્ય રીતે તે જાણવા માટે સોય વડે તેને બહાર કાઢવું પડે છે. પ્રવાહીને શોષીને બહાર કાઢવાની પ્રક્રિયાને અભિશોષણ (aspiration) કહે છે. તેને શાસ્ત્રીય રીતે વક્ષજળનિષ્કાસન (thoracentesis) પણ કહે છે.
આમ નિદાન તેમ જ સારવાર માટે ફેફસાંની આસપાસનું પ્રવાહી બહાર કઢાય (વક્ષજળનિષ્કાસન) છે. બે પાંસળી વચ્ચે જ્યાં સૌથી વધુ બોદો અવાજ આવતો હોય ત્યાં ચામડીને બહેરી કરીને સોય નંખાય છે. દ્વિમાર્ગી વાલ્વવાળી નળી વડે સિરિંજ દ્વારા પ્રવાહીને બહાર ખેંચી કાઢવામાં આવે છે. તેમાં નીકળેલા પ્રવાહીનું પૃથક્કરણ કરવાથી 75 % કિસ્સામાં નિદાન થાય છે. નિદાન માટે 30થી 50 મિલી. જેટલું પ્રવાહી પૂરતું થઈ પડે છે. સારવાર માટે એકસામટું 1,000થી 1,500 મિલી.થી વધુ પ્રવાહી કઢાતું નથી. પ્રવાહી કાઢતા પહેલાં લોહી વહેવાનો રોગ કે દવાઓ લીધી ન હોય, અને શ્વસનકાર્ય સામાન્ય હોય તે જોઈ લેવાય છે. બહાર કઢાયેલા પ્રવાહીમાં જો પ્રોટીનનું પ્રમાણ 300 ગ્રામ/લિ. થી ઓછું હોય તો તેને પારઝરણ કહે છે અને તેથી વધુ હોય તો તેને બહિ:સાર કહે છે. આ તફાવત કેટલાક રોગોના નિદાનમાં ઉપયોગી રહે છે. આ ઉપરાંત પારઝરણમાં લૅક્ટિક ડિહાઇડ્રોજિનેઝનું પ્રમાણ 200 ઇન્ટરનેશનલ યુનિટ/લિ.થી ઓછું, ગ્લુકોઝનું પ્રમાણ 60 મિગ્રા/ડેસીલિ.થી વધુ અને શ્વેતકોષોની સંખ્યા 1,000થી ઓછી હોય છે. લોહીમાં પ્રોટીન ઓછું થાય તો તેનું આસૃતિબળ ઘટે છે અને જો દર્દીને લાંબા સમયની હૃદયની નિષ્ફળતા કરતો દીર્ઘકાલી હૃદયનિષ્ફળતા(chronic cardiac failure, CCF)નો રોગ થાય તો નસોમાં લોહીનો ભરાવો થવાથી નસોમાં જલસ્થાયી દાબ (hydrostatic pressure) વધે છે. આ બંને સ્થિતિમાં પારઝરણ થાય છે. પરિફેફસીકલામાં ચેપ પ્રસરે કે ગાંઠ (કૅન્સર) થાય તો બહિ:સાર થાય છે. તે સમયે લોહીના પ્રોટીનના 50 % જેટલું પ્રોટીન અને લોહીના લૅક્ટિક ડિહાઇડ્રોજિનેઝના 60 % જેટલું દ્રવ્ય પરિફેફસી પ્રવાહીમાં હોય છે. ક્ષય, પરુ, ફૂગનો ચેપ, લ્યુપ્સનો રોગ, લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડનું વધેલું પ્રમાણ કે કૅન્સરમાં બહિ:સાર જોવા મળે છે. પ્રવાહીમાંના કોષોના અભ્યાસને નિદાનીય કોષવિદ્યા (diagnostic cytology) કહે છે. ઘણી વખત હૃદયરોગમાંના ઍૅસિડફાસ્ટ જીવાણુ દર્શાવી શકાય છે. તેની મદદથી કૅન્સરના કોષોને ઓળખી શકાય છે. વિવિધ રોગોમાં બહિ:સાર કેવું હોય છે તે સારણી 2માં દર્શાવ્યું છે.
સારણી 2 : બહિ:સારી પરિફેફસી–પ્રવાહીનાં કારણો
કસોટી | પરિણામ | શક્યનિદાન | |
1. | pH | 7.2થી ઓછું | પરિફેફસી અવકાશમાં પરુ, કૅન્સર, અન્નનળીનું ફાટવું, ક્ષય, સંધાનપેશીના રોગો; દા. ત., આમવાતાભ સંધિવા (rheumatoid arthritis) અને વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus
erythematosus). |
2. | ગ્લુકોઝ | 60 મિ.ગ્રામથી ઓછું | ચેપ, આમવાતાભ સંધિવા, ક્ષય, રક્તકોષભક્ષિતા, અન્નનળીનું ફાટવું |
3. | એમાયલેઝ | 200 માઇક્રોગ્રામ/ ડેસીલી.થી વધુ | સ્વાદુપિંડ(pancreas)ના રોગ, અન્નનળીનું ફાટવું, કૅન્સર, અન્યસ્થાની સગર્ભાવસ્થાનું ફાટવું |
4. | હ્યુમેટૉઇડ આર્થરાઇટિસ ફૅક્ટર, ઍન્ટી ન્યૂક્લિયર ઍન્ટીબૉડી, રક્તકોષ-ભક્ષી કોષો | હકારાત્મક પરિણામ | સંધાનપેશી(connective tissue)ના રોગો |
5. | કૉમ્પિમેન્ટ | ઘટેલું પ્રમાણ | સંધાનપેશીના રોગો |
6. | રક્તકોષો | 5,000/માઇક્રોલિ.થી વધુ | ઈજા, કૅન્સર, ફેફસી ગુલ્મસ્થાનાંતરતા (embolism) |
7. | ઘી જેવું પ્રવાહી | ટ્રાઇગ્લિસાઇડ-110 મિ.ગ્રામ/ડેસીલિ.થી વધુ | વક્ષસ્થનલિકા (thoracicduct)માં ઈજા, કૅન્સર |
8. | પેશીપરીક્ષણ | હકારાત્મક પ્રમાણ | ક્ષય, કૅન્સર |
પરિફેફસી-કલાના ક્ષય અને કૅન્સર જેવા રોગોમાં બહારની ચામડી બહેરી કરીને સોય વડે પેશીનો ટુકડો મેળવી શકાય છે. તેને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. તેને પરિફેફસી-પેશીપરીક્ષણ (pleural biopsy) કહે છે. ક્ષયના રોગનું 75 % કિસ્સામાં અને કૅન્સરનું 60 % કિસ્સામાં આ રીતે નિદાન થાય છે. 5 %થી 10 % કિસ્સામાં દૂરબીન જેવા વક્ષાંત:દર્શક (thoracoscope) નામના સાધન વડે અથવા શસ્ત્રક્રિયા કરીને પરિફેફસી-કલાનું નિરીક્ષણ કરાય છે અને તેમાંથી પેશી-પરીક્ષણ માટે પેશીનો ટુકડો લેવાય છે.
પારઝરણનાં મુખ્ય કારણોમાં લોહીમાં પ્રોટીનનું ઘટેલું પ્રમાણ, લાંબા સમયની હૃદયની નિષ્ફળતા, યકૃતકાઠિન્ય (cirrhosis of liver) અને ક્યારેક અંડપિંડના રોગોમાં પેટ અને પરિફેફસી-ગુહામાં પ્રવાહી ભરાય છે તેવો મિગ્ઝ(Meigs)નું સંલક્ષણ નામનો વિકાર વગેરેનો સમાવેશ થાય છે, ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતામાં પરિતનીય પારગલન (peritoneal dialysis) કરાય ત્યારે પણ આ પ્રકારે પ્રવાહી ભરાય છે.
પરિફેફસી–સપૂયતા : ફેફસાંમાં થતો ન્યુમોનિયા નામનો કે ફેફસી-ગૂમડું નામનો ચેપ પરિફેફસી-ગુહામાં પ્રવાહીનો સંગ્રહ સર્જે છે. તેને પરાફેફસીશોથી સજલતા (parapneumonic effusion) કહે છે. જો આનુષંગિક વિકાર રૂપે તે ગૂમડું પરિફેફસી-ગુહામાં ફાટે અથવા માર્ગ બનાવે તો પરિફેફસી-ગુહામાં પરુ ભરાય છે. તેને પરિફેફસી-સપૂયતા (empyena) કહે છે. ક્યારેક તેમાં પરુ સાથે હવા પણ ભરાતી હોય છે. યોગ્ય સારવારનો અભાવ રહે તો પરિફેફસી-ગુહા અને શ્વસનનલિકા વચ્ચે જોડાણ કરતી એક સંયોગનળી (fistula) બને છે. તેને શ્વસનનલિકા-પરિફેફસી સંયોગનળી (broncho-pleural fistula) કહે છે. સાદી સપૂયતામાં બે પાંસળી વચ્ચે એક રબરની નળી નાંખીને તેમાંથી આવતા પરુને જલબંધ (water seal) નીચે બાટલીમાં એકઠું કરાય છે, જેથી બહારની હવા અંદર ન પેસી જાય. જો સંયોગનળી બની હોય અથવા લાંબા સમયની સપૂયતા હોય તો શસ્ત્રક્રિયા કરીને પાંસળી તથા જાડી થયેલી પરિફેફસીકલાનો પરિઘીય ભાગ કાઢી નાખવાની શસ્ત્રક્રિયાને પરિઘીય કલા-ઉચ્છેદન (decortication) કહે છે. કેટલાક દર્દીઓ માટે તે જીવનરક્ષક સારવાર ગણાય છે.
ક્યારેક પેટમાંના ગૂમડાને કારણે પણ પરિફેફસી-સપૂયતા થાય છે; દા. ત., યકૃતનું ગૂમડું; જઠર કે આંતરડાંમાં કાણું પડવું વગેરે. તેમાં શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. તેવી જ રીતે સ્વાદુપિંડશોથ-(pancreatitis)માં પણ ડાબી બાજુ કે બંને બાજુ પરિફેફસી-સપૂયતા થાય છે. તેમાં થતા બહિ:સારમાં લોહી અને એમાયલેઝ હોય છે. અન્નનળી ફાટે ત્યારે પણ આવી જ સ્થિતિ થાય છે. તે જીવનને જોખમી પરિસ્થિતિ ગણાય છે. અન્નનળી કાં તો આપોઆપ અથવા તેને અન્નનળીદર્શક વડે તપાસતાં કે પહોળી કરતાં તે ફાટી જાય તો આ વિકાર થાય છે. દર્દીને તાવ અને શ્વાસ ચઢે છે. સંકટ-સમયમાં આવી તાત્કાલિક શસ્ત્રક્રિયા જીવનરક્ષક બની રહે છે.
ક્ષય : ક્ષયના રોગમાં પરિફેફસી-સજલતા ઘણી વખતે જોવા મળે છે. તે એક પ્રકારની અતિસંવેદનશીલતાજન્ય પ્રતિક્રિયા (hypersensitiviy reaction) છે. દર્દીને તાવ તથા ક્યારેક છાતીમાં દુખાવો હોય છે. જો પ્રાથમિક ચેપ વખતે આવો વિકાર થયો હોય તો તે વગર સારવારે શમે છે; પરંતુ 2/3 ભાગના દર્દીઓમાં 5 વર્ષની અંદર ફેફસાંનો ક્ષય જોવા મળે છે. ક્યારેક ક્ષયના રોગનો દોષવિસ્તાર જો પરિફેફસીકલાની નીચે આવેલો હોય તો તે ફાટીને પરિફેફસી-ગુહામાં ચેપનો ફેલાવો કરે છે. ત્યારે તેમાં બહિ:સારી પ્રવાહી (exudative fluid) એકઠું થાય છે. આવા પ્રવાહીમાં પ્રોટીન 4 ગ્રા/ડેસીલિ.થી વધુ, શ્વેતકોષો 5,000 થી વધુ, લસિકાકોષો 90 %થી વધુ, ગ્લુકોઝ અને pH ઓછું હોય છે. ક્ષયના જીવાણુનું સંવર્ધન કરીને કે તેના પ્રતિજનનું નિર્દેશન કરીને પણ નિદાનલક્ષી માહિતી મેળવી શકાય છે. પરિફેફસી-પેશીપરીક્ષણથી 50 %થી 80 % કિસ્સામાં જીવાણુઓનું નિર્દેશન થાય છે અને 30 %થી 70 % કિસ્સામાં તેમનું સંવર્ધન પણ કરી શકાય છે. બધી જ પદ્ધતિઓ અજમાવીએ તો 95 % કિસ્સામાં ચોક્કસ નિદાન શક્ય છે. ભારતમાં ક્ષયના રોગનું વ્યાપક પ્રમાણ જોતાં, જો અન્ય ચિહ્નો અને લક્ષણો હોય તો, ક્ષયના રોગની સારવાર આપી જોવાય છે. ક્યારેક ક્ષય-નિદાન-કસોટી (tuberculin test) ઉપયોગી રહે છે. 6થી 9 મહિનાની ક્ષયવિરોધી સારવાર ઉપરાંત બે મહિનામાં કૉર્ટિકોસ્ટીરોઇડ પણ આપવાનું સૂચવાયેલું છે.
અન્ય ચેપ : અન્ય ચેપમાં ઍક્ટિનોમાયકોસિસ, નોકાર્ડિઆ, એસ્પરજિલોસિસ, પેરાગોનિમિયાસિસ વગેરે વિકારોનો સમાવેશ થાય છે. તે બહિ:સારી સજલતા કરે છે. ઍક્ટિનોમાયકોસિસમાં ચામડી પર ખૂલતી સંવેગનળીમાંથી સલ્ફર કણિકાઓવાળું પ્રવાહી નીકળે છે. એમિબિઆસિસ કે એડિનોકોકોસિસ નામના રોગો પણ ક્યારેક પરિફેફસી-સજલતા કરે છે.
રુધિરવક્ષ (haemothorax) : ઈજા કે લોહી વહેવાના વિકારોમાં પરિફેફસી-ગુહામાં લોહી ભરાય છે. ક્યારેક મહાધમની ફાટવાથી તેવું થયું હોય તો ડાબા પડખામાં જ લોહી ભરાય છે. તેનાં ચિહ્નો પરિફેફસી-સજલતા જેવાં જ હોય છે. વધુ લોહી વહેતું હોય તો મોટી નાળી વડે તેને બહાર કઢાય છે અને ઍન્ટિબાયૉટિક વડે સારવાર અપાય છે. લોહી જો સતત વહ્યા કરે તો શસ્ત્રક્રિયા કરાય છે.
લસિકાવક્ષ (chylothorax) : મધ્યવક્ષની લસિકાગ્રંથિઓ-(lymph-nodes)માં લસિકાર્બુદ (lymphoma) નામનું કૅન્સર થયું હોય તો લસિકાતરલ (lymph) નામના પ્રવાહીનું વહન અટકે છે અને પરિફેફસી-ગુહામાં ભરાય છે. તેને લસિકાવક્ષ કહે છે. છાતીમાંથી લસિકાતરલને લઈ જતી વક્ષસ્થ નલિકા (thoracid duct) નામની નસને જો ઈજા થાય તો પણ આ વિકાર સર્જાય છે. પરિફેફસી-પ્રવાહી દૂધ જેવું સફેદ અને જાડું હોય છે. તેમાં ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ 100 મિ.ગ્રામ/ડેસિલિ. જેટલું કે તેથી વધુ હોય છે. સારવાર રૂપે પ્રવાહીને નળી દ્વારા પરિફેફસી-ગુહામાંથી બહાર કઢાય છે. જો લિમ્ફોમાનો રોગ થયો હોય તો તેની કૅન્સરવિરોધી દવાઓ વડે સારવાર કરાય છે અને વક્ષસ્થનલિકાને ઈજા થઈ હોય તો તેની શસ્ત્રક્રિયા કરાય છે.
પ્રતિરક્ષાલક્ષી પરિફેફસી–સજલતા : આમવાતાભ સંધિશોથ (rheumatoid arthritis), વ્યાપક રક્તકોષભ (lupus erythormatoses) જેવા રોગોમાં પરિફેફસી-સજલતા થાય તો તેમાં લૅક્ટિક ડિહાઇડ્રોજિનેઝનું પ્રમાણ ઘણું વધેલું હોય છે, ગ્લુકોઝ અને pH ઘટેલાં હોય છે. તાવ આવવો, શ્વાસ ચઢવો અને છાતીનો દુખાવો થવો જેવાં લક્ષણો દર્દીમાં જોવા મળે છે. ક્યારેક પ્રવાહી લોહીવાળું હોય છે. સાર્કોઇડોસિસ, વેજનરની ચિરશોથગડતા (granulamatosis), જોગ્રનનું સંલક્ષણ અને પ્રતિરક્ષાબીજકોષી લસિકાગ્રંથિ-રુગ્ણતા(immunoblastic lymphadenopathy)-માં પણ આ પ્રકારનું પ્રવાહી ભરાય છે.
પરિફેફસીકલાને અસરગ્રસ્ત કરતું કૅન્સર : ફેફસાંના કે પરિફેફસી-કલાના કૅન્સરમાં પરિફેફસી-ગુહામાં પ્રવાહી ભરાય છે. તેમાં દુખાવો થાય છે. ઝડપથી ભરાતું પ્રવાહી હોવાને લીધે વારંવાર પ્રવાહી કાઢવા છતાં તે ભરાઈ જઈને શ્વાસ ચઢવાની ક્રિયા કરે છે. 5 % કિસ્સામાં અંડપિંડનું અને 7 % કિસ્સામાં જઠરનું કૅન્સર પણ તેમાં કારણરૂપ હોય છે. પ્રવાહીને બહાર કાઢીને તેનું પૃથક્કરણ કરવાથી બહિ:સારી પ્રવાહી હોવાનું તથા તેમાં ક્યારેક રક્તકોષોનું વધુ પ્રમાણ હોવાનું જણાય છે. તેમની કોષવિદ્યાલક્ષી તપાસમાં કૅન્સરના કોષો દર્શાવી શકાય છે. કેટલાક કિસ્સામાં પેશીનો ટુકડો લઈને પેશી-પરીક્ષણ કરવું પડે છે. અન્ય કૅન્સરમાં લિમ્ફોમા અને હોજકિનના રોગનો સમાવેશ થાય છે. પરિફેફસી-કલાના કૅન્સરને મધ્યત્વકીય અર્બુદ (mesothelioma) કહે છે. 80 %થી 90 % કિસ્સામાં ઍઝ્બેસ્ટૉસના કારખાનામાં કામ કરતા કામદારમાં તે થાય છે. ધૂમ્રપાન કરનારાઓમાં તેનું પ્રમાણ વધારે હોતું નથી. ઍઝ્બેસ્ટૉસના સંસર્ગ સિવાય પણ આ પ્રકારનું કૅન્સર થઈ શકે છે. આ રોગ થતાં જીવનકાળ 6થી 12 મહિનાનો ગણાય છે. જો તે સૌમ્ય પ્રકારની નાની ગાંઠવાળો રોગ હોય તો શસ્ત્રક્રિયાથી મટે છે.
પરિફેફસી–સજલતાના અન્ય વિકારો : તેમાં ઍઝ્બેસ્ટૉસનો સંસર્ગ અને મૂત્રપિંડની નિષ્ફળતાનો સમાવેશ થાય છે. અંડપિંડના વિકારમાં જળોદર (ascites) અને પરિફેફસી સજલતા થાય તો તેને મિગ્ઝનું સંલક્ષણ કહે છે. મૂળ રોગની સારવારથી આ વિકાર શમે છે.
વાતવક્ષ (pneumothorax) : ફેફસાનાં આવરણોમાં હવા ભરાવાની ક્રિયાને વાતવક્ષ કહે છે. તેનાં મુખ્ય 3 કારણો છે : (1) ફેફસાંમાંથી હવાનો પ્રવેશ, (2) છાતીની દીવાલમાંથી હવાનો પ્રવેશ અને (3) વાયુ ઉત્પન્ન કરતા જીવાણુના ચેપથી પરિફેફસી-ગુહાનું અસરગ્રસ્ત હોવું. જો કોઈ કારણ જાણમાં ન આવે તો તેને સાદો વાતવક્ષ કહે છે. 20થી 40 વર્ષના તંદુરસ્ત માણસમાં ક્યારેક ફેફસાંનો કોઈ એક ફૂલેલો ભાગ ફૂટી જતાં તે થાય છે. દર્દીને સતત દુખાવો, ખાંસી અને શ્વાસ ચઢવાની તકલીફો થાય છે. તે વિસ્તારમાં હવાનું આવાગમન ઘટે છે અને ટકોરા મારીને કરાતી તપાસમાં ઢોલ જેવો (tympanic) અવાજ ઉત્પન્ન થાય છે. થોડાક પ્રમાણમાં પ્રવાહી પણ ભરાય છે. નાના અને તકલીફ વગરના વાતવક્ષમાં કોઈ ખાસ સારવાર અપાતી નથી, પરંતુ જો ફેફસાંના ઈજાવાળા ભાગમાં વાલ્વ જેવી સંરચના થઈ જાય તો વાતવક્ષમાં દબાણ વધે છે. તેને સદાબ વાતવક્ષ (tension pneumothorax) કહે છે. તેમાં વાતવક્ષની તીવ્રતા વધે છે અને ત્યારે જળબંધવાળી શીશીમાં હવા નીકળે એવી રીતે બહારથી નળી મૂકીને હવા બહાર કઢાય છે. સામાન્ય રીતે 2થી 4 દિવસ નળી રાખવી પડે છે.
ઈજા કે ફેફસાંના રોગમાં થતા વાતવક્ષને આનુષંગિક વાતવક્ષ કહે છે. તેમાં ઘણી વખત પરિફેફસી-ગુહામાં લોહી કે પરુ પણ ભરાય છે. તે દમ તથા ફેફસાંના વિવિધ અંતરાલીય પેશી(interstitial tissue)ના રોગોમાં જોવા મળે છે. કેટલાક કિસ્સામાં શસ્ત્રક્રિયા જીવનરક્ષક બને છે, પરંતુ તે ઘણી જોખમી પણ પુરવાર થાય છે.
શિલીન નં. શુક્લ
નિલય રા. ઠાકોર