પરિપ્રેક્ષ્ય-આલેખન (perspective-drawing)

February, 1998

પરિપ્રેક્ષ્યઆલેખન (perspective-drawing) : વસ્તુના યથાર્થદર્શન માટેનું આલેખન. પરિપ્રેક્ષ્ય આલેખનમાં એક ચોક્કસ દૃષ્ટિબિંદુથી વસ્તુ વાસ્તવમાં જેવી દેખાય તેવી એક સમતલ સપાટી ઉપર દોરવામાં આવે છે. એ આયોજનના તબક્કે ઊપસતી વસ્તુની તસવીર છે. વાસ્તવિક તસવીર માટે વસ્તુની હયાતી હોવી જરૂરી છે, જ્યારે પરિપ્રેક્ષ્ય-આલેખન એ હયાતી વિના અનુપ્રક્ષેપ (plan) તથા ઉત્-વિક્ષેપ-આલેખન(elevation)ની મદદથી કરવામાં આવેલું આલેખન છે. ખાસ કરીને મકાન, બહુમાળી મકાન, બંગલા વગેરે બની ગયા બાદ કેવાં દેખાશે તેનો અંદાજ મેળવવા તથા મકાનની અંદરના રાચરચીલાની ગોઠવણીનો અંદાજ મેળવવા પરિપ્રેક્ષ્ય-આલેખન કરવામાં આવે છે.

લાક્ષણિકતા : (1) પરિપ્રેક્ષ્ય આલેખનનું કદ દ્રષ્ટા અને દર્શનપટના સ્થાન ઉપર આધારિત છે. જેમ જેમ દર્શનપટ દ્રષ્ટાથી દૂર અને વસ્તુની નજીક જાય તેમ તેમ પરિપ્રેક્ષ્ય-આલેખનનું કદ મોટું થતું જાય છે. (2) પરિપ્રેક્ષ્ય-આલેખનમાં દર્શનપટને સમાંતર ઊભી રેખાઓ ઊભી અને આડી રેખાઓ આડી દેખાય છે. (3) દર્શનપટ સાથે ખૂણો બનાવતી રેખા પરિપ્રેક્ષ્ય-આલેખનમાં લોપમાન બિંદુમાંથી પસાર થાય છે.

પ્રકારો : (1) એકબિંદુ પરિપ્રેક્ષ્ય – આલેખન (one-point perspective-drawing) : ત્રિપરિમાણીય પદાર્થનાં ત્રણ પૈકી બે પરિમાણ જો દર્શનપટને સમાંતર હોય તો પરિપ્રેક્ષ્ય-આલેખનમાં આ બંને પરિમાણ સમાંતર રહે છે એટલે કે એક બિંદુમાં મળતાં નથી. તેના માટે કોઈ લોપબિંદુ હોતું નથી. બાકીનું ત્રીજું પરિમાણ જે દર્શનપટ સાથે ખૂણો બનાવે છે તે પરિપ્રેક્ષ્ય-આલેખનમાં ત્રાંસી રેખાઓથી બતાવવામાં આવે છે. આ ત્રાંસી રેખાઓ લોપબિંદુમાં મળે છે. આમ ત્રણ પરિમાણ પૈકી એક જ પરિમાણ માટે એક જ લોપબિંદુ હોવાથી આવા આલેખનને ‘એકબિંદુ પરિપ્રેક્ષ્ય-આલેખન’ કહેવાય છે.

આકૃતિ 1

આ પ્રકારનો ઉપયોગ મુખ્યત્વે મકાનની આંતરસજાવટનું આલેખન કરવા માટે થાય છે.

(2) દ્વિબિંદુ પરિપ્રેક્ષ્યઆલેખન (two-point perspective drawing) : ત્રિપરિમાણીય પદાર્થમાં ત્રણ પૈકી એક જ પરિમાણ જો દર્શનપટને સમાંતર હોય તો પરિપ્રેક્ષ્ય-આલેખનમાં આ પરિમાણ સમાંતર રહે છે. બાકીનાં બે પરિમાણ જે દર્શનપટ સાથે ખૂણો બનાવે છે તે પરિપ્રેક્ષ્ય-આલેખનમાં ત્રાંસી રેખાઓથી બતાવવામાં આવે છે. આ બંને પરિમાણની ત્રાંસી રેખાઓ માટે બે લોપબિંદુઓ મળે છે (દરેક પરિમાણ માટે એક). આમ બે લોપબિંદુઓ હોવાથી આવા આલેખનને ‘દ્વિબિંદુ પરિપ્રેક્ષ્ય-આલેખન’ કહેવાય છે.

આ પ્રકારનો ઉપયોગ મકાનના બહારના દેખાવનું આલેખન કરવા માટે થાય છે.

આકૃતિ 2

(3) ત્રિબિંદુ પરિપ્રેક્ષ્યઆલેખન (three-point perspective drawing) : ત્રિપરિમાણીય પદાર્થમાં ત્રણેય પરિમાણ દર્શનપટ સાથે ખૂણો બનાવે તો દરેક પરિમાણ માટે એક લોપબિંદુ મળે છે. આમ ત્રણ પરિમાણ માટે ત્રણ લોપબિંદુઓ મળતાં હોવાથી આવા આલેખનને ‘ત્રિબિંદુ પરિપ્રેક્ષ્ય-આલેખન’ કહેવાય છે. તેને વિહંગાવલોકન (bird’s eye-view) પણ કહેવાય છે.

આ  પ્રકારનો ઉપયોગ બાંધકામના મોટા સંકુલના વિહંગાવલોકન માટે થાય છે.

આલેખનની પદ્ધતિ : પરિપ્રેક્ષ્ય-આલેખનમાં વસ્તુનાં ત્રણેય પરિમાણનું નિરૂપણ થાય છે. વસ્તુની લંબાઈ અને પહોળાઈનાં માપ અનુપ્રક્ષેપ-આલેખનમાંથી અને ઊંચાઈનું માપ ઉત્-વિક્ષેપ-આલેખનમાંથી મળે છે. આમ પરિપ્રેક્ષ્ય-આલેખન માટે અનુપ્રક્ષેપ અને ઉત્-વિક્ષેપ-આલેખનનો ઉપયોગ થાય છે.

સૌપ્રથમ દર્શનપટ માટેની રેખા દોરવામાં આવે છે. ત્યારબાદ પદાર્થનું અનુપ્રક્ષેપ-આલેખન કરવામાં આવે છે. દર્શનપટથી યોગ્ય અંતરે દ્રષ્ટાનું સ્થાનચિહ્ન મૂકવામાં આવે છે. સ્થાનચિહ્નમાંથી પદાર્થનું જે પરિમાણ ખૂણો બનાવે તેને સમાંતર રેખા દોરવામાં આવે છે. (એક-બિંદુ આલેખનમાં સ્થાનચિહ્નમાંથી એક રેખા, જ્યારે દ્વિબિંદુ આલેખનમાં સ્થાનચિહ્નમાંથી બે રેખા દોરાશે.) અને દર્શનપટ સાથે મિલનબિંદુ મેળવવામાં આવે છે. આ મિલનબિંદુમાંથી ઊભી રેખા દોરવામાં આવે છે. અનુપ્રક્ષેપ-આલેખનની નીચે એક આડી સમાંતર રેખા દોરવામાં આવે છે, જેને જમીનરેખા કહેવામાં આવે છે. આ રેખાની ઉપર દ્રષ્ટાની ઊંચાઈ પ્રમાણે બીજી સમાંતર રેખા દોરવામાં આવે છે. દર્શનપટના મિલન-બિંદુમાંથી દોરેલી ઊભી રેખા તથા દ્રષ્ટાની ઊંચાઈ પ્રમાણે દોરેલી આડી રેખાના મિલન-બિંદુને ‘લોપમાન-બિંદુ’ કહે છે.

પદાર્થનું પરિપ્રેક્ષ્ય-આલેખન મેળવવા માટે પદાર્થના દરેક ખૂણાને સ્થાનચિહ્ન સાથે જોડવામાં આવે છે અને દર્શનપટ સાથેનું મિલનબિંદુ મેળવવામાં આવે છે. આ દરેક મિલનબિંદુમાંથી ઊભી રેખાઓ દોરવામાં આવે છે. હવે અનુપ્રક્ષેપ-આલેખનમાં પદાર્થનો જે ખૂણો દર્શનપટને અડેલો હોય તે જ બિંદુમાંથી દોરેલી ઊભી રેખા ઉપર પદાર્થની વાસ્તવિક ઊંચાઈ મૂકી શકાય છે. આ રેખા ઉપર પદાર્થની વાસ્તવિક ઊંચાઈ મૂકી, પદાર્થનું જે પરિમાણ ખૂણો બનાવે તેની રેખા લોપબિંદુમાંથી પસાર કરવામાં આવે છે અને ત્યારે પદાર્થના ખૂણાથી દોરેલી ઊભી રેખા વચ્ચે પદાર્થની બાજુ દોરવામાં આવે છે. જે પરિમાણ દર્શનપટને સમાંતર હોય તે પરિમાણ માટેની રેખા પરિપ્રેક્ષ્ય-આલેખનમાં પણ સમાંતર રહે છે. ઊભી રેખા માટે ઊભી રેખા અને આડી રેખા માટે આડી સમાંતર રેખા દોરવામાં આવે છે.

અનુપ્રક્ષેપ-આલેખનનો કોઈ ખૂણો દર્શનપટને અડેલો ન હોય તો તેવા કિસ્સામાં કાલ્પનિક રીતે એક બાજુને લંબાવીને દર્શનપટ સાથે અડાડવામાં આવે છે. આ બિંદુમાંથી દોરેલ ઊભી રેખા પર વાસ્તવિક માપ લેવામાં આવે છે અને જરૂરી બે ઊભી રેખા વચ્ચે પદાર્થની બાજુ મેળવવામાં આવે છે.

ગિરીશચંદ્ર ભાનુશંકર મોઢા

વિનોદ મણિલાલ પટેલ