પરિતનગુહા (peritoneal cavity) : પેટના પોલાણની અંદરની દીવાલની  સતરલકલા(serous membrane)ના પડવાળી ગુહા. પરિતનકલા (peritoneum) તંતુમય પેશીના આધારવાળા મધ્યત્વકીય (mesenchymal) કોષોની બનેલી હોય છે.  તે પેટના પોલાણની દીવાલનું તથા અવયવોના બહારના ભાગનું આવરણ બનાવે છે. તેમાંથી  રસમય અથવા સતરલ (serous) પ્રવાહી ઝરે છે, જે અવયવોના હલનચલન વખતે લીસી અને લસરતી સપાટી બનાવી આપે છે. તે એક બંધ ગુહા છે અને તેમાં ઘણા અવયવો અંત:ગડીઓ (invaginations) પાડે છે. તેને કારણે તેના બે ભાગ પડે છે : બહારનું પરિઘીય (parietal) પડ પેટની અંદરની દીવાલ-ઉરોદરપટલની નીચલી સપાટી અને શ્રોણિ(pelvis)ની દીવાલ પર ગોઠવાયેલું હોય છે અને બીજું અંદરનું અવયવી પડ (visceral layer) અવયવોનું આવરણ બને છે. આ ઉપરાંત પરિતનકલાની કેટલીક ગડીઓ જેવાં પટલો પણ છે, જે અવયવોને પરિતનગુહામાં લટકાવી રાખે છે. આ બધાને લીધે પરિતનગુહા એક સંકુલ પોલાણ બને છે. નાનું આંતરડું આંત્રપટ (mesentry) નામના એક પડદા જેવી પરિતનીય ગડીથી જોડાયેલું રહે છે, જેથી તેનું હલનચલન શક્ય બને છે અને તેની નસો પણ વ્યવસ્થિત રીતે લોહીનું વહન કરી શકે છે. જઠરના નાના વળાંક પર લઘુ અને મહા ગુહા વચ્ચે વિન્સ્લેટનું છિદ્ર આવેલું હોય છે. ત્યાં ઉદરાગ્રપટલ (lesser omentum) નામનો પડદો આવેલો હોય છે અને તેની મોટી વક્રકિનારી પર મહાઉદરાગ્રપટલ (greater omentum) આવેલો હોય છે. મહાઉદરાગ્રપટલ પેટમાં ક્યાંય ચેપ લાગે તો તેને ત્યાં સીમિત કરવાનું કાર્ય કરે છે. લઘુ અને મહાઉદરાગ્રપટલ અને જઠરની પાછળ આવેલા પોલાણને લઘુપરિતનગુહા (lesser sac) કહે છે. મોટું આંતરડું, મૂત્રપિંડ તથા સ્વાદુપિંડ પરિઘીય પરિતનકલાની પાછળ, પેટની પાછલી દીવાલ સાથે ચોંટેલાં રહે છે. તેમને પશ્ચપરિતની (retroperitoneal) અવયવો કહે છે. પરિતનકલા અવયવોના હલનચલનને સરળ બનાવે છે. તેમાંથી પ્રવાહી ઝરે છે અને પાછું શોષાય છે. તે અવયવોનું રક્ષણ કરે છે. તે ચેપના ફેલાવાને સીમિત કરે છે અને ત્યાં રૂઝ લાવવામાં મદદ કરે છે. ચરબી જમા કરવા માટેની મોટી જગ્યા પણ તે આપે છે.

પરિઘીય પરિતનકલામાં સંવેદનાલક્ષી ચેતાઓ (sensory nerves) ઘણી હોય જ્યારે અવયવી પડમાં ઓછી છે; તેથી અવયવના વિકારોમાં દુખાવાનું સ્થાન પૂર્ણતયા નિશ્ચિત થઈ શકતું નથી. પરિતનકલામાંથી ઝરતા પ્રવાહીને પરિતન પ્રવાહી (તરલ) કહે છે. તે ફિક્કા પીળા રંગનું સહેજ ચીકણું પ્રવાહી છે, જેમાં લોહીના શ્વેતકોષો હોય છે. તેમાં હવા ભરેલા અવયવો તરતા રહે છે. જો તેમાં પ્રવાહી ભરાય તો તે નીચલા ભાગમાં ભરાય છે અને જો તેમાં હવા ભરવામાં આવે તો હવા ઉપલા ભાગમાં જતી રહે છે. પરિતનકલાની પ્રવાહી શોષી લેવાની ક્ષમતા ઘણી છે અને તેથી તેનો ઉપયોગ મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીઓમાં પરિતનીય પારગલન (peritoneal dialysis) માટે થાય છે.

પરિતનગુહાના વિકારો મુખ્યત્વે બે રીતે જોવા મળે છે : પેટમાં દુખાવો થવો અને પેટમાં પ્રવાહી ભરાવું. તેના વિકારોને પણ બે જૂથમાં વહેંચાય છે : (1) જળોદર (ascites) અથવા પેટના પોલાણમાં પાણી ભરાવું તે અને (2) પરિતનકલાશોથ (peritonitis) અથવા પરિતનકલાને ચેપજન્ય શોથ (inflammation). પીડાકારક સોજાના વિકારને શોથ કહે છે.

જળોદર (જલોદર) : પરિતનગુહામાં સતરલ પ્રવાહી (serous fluid) ભરાય એવા વિકારને જળોદર કહે છે. 90 % કિસ્સાઓમાં તેનું મુખ્ય કારણ નિવાહિકાતંત્ર(portal system)માં વધેલું દબાણ હોય છે. આંતરડાંમાંથી પચેલા ખોરાકનાં દ્રવ્યોને તથા બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં લઈ જતી નસોનો સમૂહ તે નિવાહિકાતંત્ર છે. 5 % કિસ્સામાં જળોદરનું કારણ પરિતનગુહાના રોગો છે અને 5 % કિસ્સામાં અન્ય કારણોસર જળોદર થાય છે.

સારણી : 1 જળોદર થવાનાં કારણો

પ્રકાર   રોગ/વિકાર   નોંધ
1. નિવાહિકાતંત્રમાં અતિદાબ (અ) યકૃતકાઠિન્ય. (cirrhosis) (અ) મુખ્ય કારણ
(આ) ઝડપથી થતી યકૃતની (આ) ક્યારેક જળોદર
નિષ્ફળતા.
(ઇ) હૃદયની લાંબા સમયની નિષ્ફળતા. (ઇ થી ઊ) યકૃતમાંથી હૃદયમાં લોહી જતું અટકે તેવા રોગોમાં જળોદર સામાન્ય રીતે થાય છે.
(ઈ) સંકીર્ણનકારી હૃત્સ્નાયુ-રુજા (constrictive cardiomyopathy)
(ઉ) બડ-ચિયારી સંલક્ષણ રૂપે યકૃતશિરા (hepatic vein) કે અધ:મહાશિરા-(inferior vena cava)માં અવરોધ
(ઊ) શિરા-અવરોધી (veno occlusive) રોગો
(ઋ) નિવાહિકા શિરા-અવરોધ (portal vein obstruction). (એ) ક્યારેક જળોદર.
2. કૅન્સર પેટના અવયવો પેટના 50 % કૅન્સરના દર્દીઓમાં જળોદર થાય.
3. ચેપ (અ) પરિતનગુહાનો ક્ષય. (અ) 80 %થી 100 % દર્દીઓમાં જળોદર
(આ) એઇડ્ઝના વિષાણુનો ચેપ.
(ઇ) ઈજા-ચેપ અને ગોનોરિ કે ક્લે માડિયા ટ્રેકોમૅટિસનો ચેપ. (ઇ) ફિટ્ઝ-હ્યુગ-કર્ટિસ સંલક્ષણ અથવા તંતુમય બહિ:સારવાળો પરિયકૃતશોથ (perihepatitis).
4. મૂત્રપિંડ (અ) મૂત્રપિંડ શોફ-સંલક્ષણ (nephrotic syndrome). (અ) અને (આ) યકૃતકાઠિન્યનો વિકારે સાથે નથી તે શોધી કઢાય છે.
(આ) રુધિરી પારગલન (haemodialysis).
5. અંત:સ્રાવી ગ્રંથિઓ (endocrine glands) (અ) અલ્પગલગ્રંથિતા (hypothyrodism).
 

 

(આ) મિગ્સ સંલક્ષણ (અંડપિંડની ગાંઠ કે કોષ્ઠ).
6. સ્વાદુપિંડ (pancreas) (અ) સ્વાદુપિંડશોથ (pancreatitis). (અ) એમાયલેઝનું વધેલું પ્રમાણ.
7. પિત્તઝરણ (biliary leak) (અ) પિત્તમાર્ગ પર શસ્ત્રક્રિયા કે ઈજા.
(આ) યકૃતનું પેશી-પરીક્ષણ (biopsy).
8. મૂત્રજન્ય જળોદર (અ) મૂત્રમાર્ગને ઈજા
9.  પ્રકીર્ણ (અ) વ્યાપક રક્તકોષ-ભક્ષિતા (lupus erythematosus).
(આ) HIV ચેપથી થતો અવિશિષ્ટ પરિતનકલા-શોથ.

ચિહ્ન, લક્ષણ અને નિદાન : પેટનું ફૂલવું, વજનમાં ઝડપી વધારો તથા ટકોરા મારીને કરાતી તપાસમાં કેડનાં પડખાં અને નીચેના ભાગમાં બોદો વિસ્તાર, જે પડખું ફરવાની સાથે પ્રવાહી ખસી જવાને કારણે ખસે વગેરે વિવિધ લક્ષણો અને ચિહ્નો જળોદર હોવાનું દર્શાવે છે. 1.5 લિ.થી ઓછા પ્રવાહીને આ રીતે શોધી શકાતું નથી. જ્યારે પણ જળોદરની શંકા પડે ત્યારે અલ્ટ્રાસોનોગ્રાફી કે સી.એ.ટી. સ્કૅન કરાય છે.

બહારની ચામડીને બહેરી કરી સોય વડે જળોદરના પ્રવાહીને બહાર કાઢીને તેનું પરીક્ષણ કરાય છે. તેને પરિતનગુહા-નિષ્કાસન (peritoneal centesis) અથવા પરાનિષ્કાસન (paracentesis) કહે છે. બહાર કાઢેલા પ્રવાહીનું જૈવ રાસાયણિક અને કોષવિદ્યાલક્ષી (cytological) પૃથક્કરણ કરાય છે. પરિતનગુહાંત:નિરીક્ષા (peritoneoscopy) અથવા ઉદરાંત:નિરીક્ષા (laparoscopy) એમ બંને નામે ઓળખાતી દૂરબીન જેવી નળી દ્વારા પેટમાં નિરીક્ષણ કરવાની પદ્ધતિ વડે પરિતનકલામાંની ગાંઠનો ટુકડો કાપી કાઢી શકાય છે અને તેને સૂક્ષ્મદર્શક વડે તપાસાય છે. તેને પરિતનકલા પેશી-પરીક્ષણ (peritoneal biopsy) કહે છે. પરિતનગુહામાંના પ્રવાહીના પરીક્ષણ અને તેના પરિણામે કરાતાં નિદાનોને સારણી 2માં દર્શાવ્યાં છે.

યકૃતકાઠિન્યમાં જળોદર થવાનાં વિવિધ પરિબળો જોવા મળે છે. નિવાહિકાતંત્રમાં વધેલા દબાણને કારણે જળસ્થાયી દાબ (hydrostatic pressure) વધે છે. લોહીમાં પ્રોટીન ઘટવાથી તેનો આસૃતિદાબ (osmotic pressure) ઘટે છે. આ ઉપરાંત મૂત્રપિંડ દ્વારા સોડિયમનો સંગ્રહ થાય છે તથા અવયવોમાં લસિકાતરલ(lymph)નું વહન પણ વધે છે. જો પરિતનગુહામાં પ્રવાહીમાં પ્રોટીનનું પ્રમાણ 2.5 ગ્રા./ડેસી લિ.થી ઓછું હોય તો તેને પારઝરણ (transudate) કહે છે અને તે મોટેભાગે યકૃતકાઠિન્યથી થાય છે.

પરિતનકલાશોથમાં બહિ:સાર (exudate) થતો હોવાથી પ્રોટીનનું પ્રમાણ 2.5 ગ્રા.થી વધુ રહે છે. જોકે હૃદયરોગમાં થતા જળોદરમાં પ્રોટીનનું પ્રમાણ વધુ રહેતું હોવાથી આ પદ્ધતિએ નિદાન કરવામાં ભૂલ થાય છે એવું નોંધાયું હોવાથી હવે રુધિરરસ (serum) અને પરિતનગુહાના પ્રવાહીમાંના પ્રોટીનના પ્રમાણનો તફાવત (gradient) ગણી કાઢીને પણ રોગોનું નિદાન કરાય છે. 1.1 ગ્રા./ડેસી લિ.થી વધુ તફાવતવાળા રોગોમાં યકૃતકાઠિન્ય, મદિરાજન્ય યકૃતશોથ (alcoholic hepatitis), હૃદયની લાંબા ગાળાની નિષ્ફળતા, ઝડપથી થતી અતિ તીવ્ર યકૃતીય નિષ્ફળતા, બડ-ચિયારી સંલક્ષણ, નિવાહિકા-શિરામાં અવરોધ, સગર્ભાવસ્થામાં થતી તીવ્ર મેદયુક્ત યકૃતની બીમારી અને અલ્પગલગ્રંથિતા(hypothyroidism)નો સમાવેશ થાય છે. ક્ષય, સ્વાદુપિંડશોથ (pancreatitis), પિત્તઝરણ (biliary leak), મૂત્રપિંડી શોફસંલક્ષણ (nephrotic syndrome), વ્યાપક  રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus) તથા આંત્રરોધ(intestinal obstruction)માં પરિતનગુહામાં શોથજન્ય વિકાર થાય છે. તેમાં તથા પરિતનગુહામાં ફેલાયેલ કૅન્સરમાં જળોદર થાય ત્યારે રુધિરરસ-પરિતનગુહા પ્રવાહી વચ્ચેનો પ્રોટીનનો તફાવત 1.1 ગ્રા./ડેસી લિ.થી ઓછો રહે છે.

સારણી 2 : વિવિધ રોગોમાં જળોદરના પ્રવાહીનું પૃથક્કરણ

રોગ જળોદરમાં શ્વેતકોષોની સંખ્યા (દર ઘન મિ.મી) જળોદરમાં રક્તકોષોની સંખ્યા કોષવિદ્યામાં કૅન્સર-કોષો જોવા મળે (%) જૈવરાસાયણિક પૃથક્કરણ રુધિરરસ જળોદરના પ્રોટીનનો તફાવત અન્ય નોંધ
1. યકૃતકાઠિન્ય 250થી ઓછા જવલ્લે 0 પ્રોટીન 2.5 ગ્રા.થી ઓછું 1.1થી વધુ
2. હૃદયનિષ્ફળતા 250થી ઓછા જવલ્લે 0 1 ગ્રામથી ઓછું આલ્બ્યુમિન 1.1થી વધુ
3. પરિતનગુહામાં ફેલાયેલું કૅન્સર 500થી વધુ જવલ્લે 100 પ્રોટીન 2.5 ગ્રા.થી વધુ 1.1થી ઓછો
4. યકૃતમાં ફેલાયેલું કૅન્સર 500થી ઓછા જવલ્લે 0 પ્રોટીન 2.5 ગ્રા.થી ઓછું અથવા વધારે 1.1થી વધુ લોહીમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝ વધે.
5. 3 + 4 500થી વધુ જવલ્લે 80
6. કૅન્સરજન્ય લસિકાયુક્ત જળોદર (chylous ascites) 300થી વધુ જવલ્લે 0 ટ્રાઇગ્લિસરાઇડ 200 મિ.ગ્રા.થી વધુ 1.1થી ઓછું
7. યકૃતકૅન્સર અને જળોદર 500થી વધુ ઘણા 0 પ્રોટીનપ્રમાણ વધુ/ઓછું 1.1થી વધુ આલ્ફાફીટો- પ્રોટીન વધે.
8. ક્ષયજન્ય પરિતનકલાશોથ 500થી વધુ ઘણે ભાગે વધે. 0 1.1થી વધુ
9. સ્વાદુપિંડશોથ ઘણી વખતે વધે. ઘણી વખતે વધે. 0 એમાયલેઝ વધે.

ઝડપથી અને વારંવાર ભરાતું જળોદર કૅન્સરનું નિદાન સૂચવે છે. મુખ્ય કૅન્સરોમાં મધ્યત્વકીય અર્બુદ (mesothelioma), જઠર અને મોટા આંતરડાનું કૅન્સર, સ્વાદુપિંડ, અંડપિંડ, યકૃતનું કૅન્સર, સ્યુડોમિક્ઝોમા પેરિટોનાઇ, સ્તન અને ફેફસાંમાંથી ફેલાયેલું કૅન્સર તથા લસિકાર્બુદ(lymphona)નો સમાવેશ થાય છે.

પરિતનકલાશોથ : પરિતનકલામાં પીડાકારક સોજો આવે તેને પરિતનકલાશોથ કહે છે. તેના મુખ્ય 4 પ્રકાર પડે છે : ઉગ્ર પરિતનકલાશોથ, સ્વત: જીવાણુજન્ય પરિતનકલાશોથ (spontaneous bacterial peritonitis), ક્ષયજન્ય પરિતનકલાશોથ અને પ્રકીર્ણ પ્રકારો.

જઠર, આંતરડું, પિત્તમાર્ગમાં છિદ્ર પડે કે સ્વાદુપિંડ-રસ બહાર આવે ત્યારે તે પરિતનગુહાની દીવાલ પર સંક્ષોભન (ચચરાટ) કરીને શોથ સર્જે છે. ક્યારેક તે છિદ્ર દ્વારા જીવાણુ પણ પરિતનગુહામાં પ્રવેશે છે. આ કારણોસર રાસાયણિક કે જીવાણુજન્ય ઉગ્ર શોથનો વિકાર થાય છે, જેને ઉગ્ર પરિતનશોથ કહે છે. ઍપેન્ડિસાઇટિસ કે અંધનાલિશોથ (diverticulitis) થાય અથવા ટાઇફૉઈડ કે પેપ્ટિકવ્રણ રોગનાં ચાંદાં કે વ્રણ(ulcer)માં જ્યારે છિદ્ર પડે ત્યારે જઠર કે આંતરડામાંનું પ્રવાહી પરિતનગુહામાં પ્રવેશે અને ચચરાટ કરે છે. તેથી ત્યાં લોહીનું પરિભ્રમણ વધે છે, સોજો આવે છે અને પીડા થાય છે. તેને પરિતનકલાશોથ કહે છે. ક્યારેક ઈજા કે શસ્ત્રક્રિયાને કારણે પણ આવું બને છે. જો પરિતનગુહામાં ક્યાંક ગૂમડું લાંબા સમય માટે રહી જાય તો તેને તૃતીયક (tertiary) પરિતનકલાશોથ કહે છે. સામાન્ય તબિયતવાળા દર્દીમાં ઍપેન્ડિક્સ કે પેપ્ટિકવ્રણમાંથી પરિતનકલાશોથ થાય તો સારવારનું પરિણામ સારું રહે છે, પરંતુ શસ્ત્રક્રિયા બાદ, ઈજા બાદ કે સ્વાદુપિંડશોથ બાદ તે થાય તો ઘણું સંકટ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે આવા દર્દીઓને સંકટ-સારવારકક્ષ(critical care unit)માં સારવાર અપાય છે.

પરિતનગુહા : (અ) પેટનો આડછેદ, (આ) જઠર અને ઉદરાગ્રપટલ દર્શાવતું ચિત્ર, (ઇ) અને (ઈ) મોટું આંતરડું અને ઉદરાગ્રપટલ દર્શાવતું ચિત્ર. નોંધ : (1) પેટની દીવાલ, (2) પરિઘીય પરિતનકલા, (3) પેટનું પોલાણ – પરિતનગુહા, (4) અવયવી પરિતનકલા, (5) આંત્રપટ, (6) નસ, (7) અવયવ પરની પરિઘીય પરિતનકલા, (8) નાનું આંતરડું, (9) મોટું આંતરડું, (10) ઉરોદરપટલ, (11) જઠરનો તંતુબંધ, (12) બરોળ, (13) જઠર, (14) ઉદરાગ્રપટલ, (15) મોટું આંતરડું, (16) આંત્રપુચ્છ, (17) ઍપેન્ડિસાઇટિસને સ્થાને ચોંટેલું ઉદરાગ્રપટલ.

સામાન્ય રીતે દર્દીઓ પેટમાં સખત દુખાવો, સ્પર્શવેદના (tenderness), પેટના સ્નાયુઓની અક્કડતા તથા આંતરડાંની અટકેલી લહરગતિ (peristalsis) લઈને આવે છે. વળી તે સાથે તાવ, ઝડપી નાડી, લોહીનું ઘટેલું દબાણ અને વ્યાપક અમ્લતા (acidosis) તેમનામાં હોય છે. જોકે સ્વત: (spontaneous) જીવાણુજન્ય પરિતનકલાશોથ, વૃદ્ધાવસ્થા, ઘટેલી રોગપ્રતિકારક્ષમતા કે તૃતીયક પરિતનકલાશોથમાં આટલો તીવ્ર વિકાર થતો નથી. ઊભા ઊભા લીધેલા પેટના એક્સ-રે-ચિત્રણમાં ઉરોદરપટલ નીચે હવા જોવા મળે તો તે આંતરડાં કે જઠરના છિદ્રણનું નિદાનસૂચક ચિહ્ન છે. જો પેટમાં પ્રવાહી છે કે ગૂમડું છે એવું લાગે તો અલ્ટ્રાસોનોગ્રાફી કે સી.એ.ટી. સ્કૅન કરાય છે. પેટમાં પ્રવાહી હોય તો તેને તપાસ માટે અચૂક બહાર કઢાય છે. સારવારમાં મુખ્ય 3 ક્રિયાઓ છે : પુન:સંજીવની ક્રિયા (resuscitation), શસ્ત્રક્રિયા અને ઍન્ટિબાયૉટિક વડે સારવાર. દર્દીના શ્વસન, હૃદયધબકારા અને લોહીના દબાણને સમસ્થિતિમાં લાવવાની ક્રિયાને પુન:સંજીવની ક્રિયા કહે છે. શસ્ત્રક્રિયા વડે છિદ્રણને સંધાય છે, મૃત આંતરડાને કે વિકારયુક્ત ઍપેન્ડિક્સને કઢાય છે અને ગૂમડું હોય તો તેને પરુ સહિત દૂર કરાય છે. જારક, અજારક જીવાણુઓ અને ફૂગ સામે કામ કરતી અતિ સક્ષમ ઍન્ટિબાયૉટિક દવા અપાય છે.

સ્વત: જીવાણુજન્ય પરિતનકલાશોથ ફક્ત યકૃતકાઠિન્યના દર્દીમાં થાય છે, પરંતુ ક્યારેક તે ઉગ્ર યકૃતશોથ(acute hepatitis)ના દર્દીમાં પણ થાય છે. તેની સારવાર સેફોટેક્ઝિમ કે અન્ય ત્રીજી પેઢીની સિફેલોસ્પોરિન ઍન્ટિબાયૉટિક વડે કરાય છે.

પરિતનગુહાનો ક્ષય થવાનાં વિવિધ કારણો છે :  ગરીબાઈ, પાશ્ચુરીકરણ (pasturization) કર્યા વગરનું દૂધ, ક્ષયના રોગનો વ્યાપક ઉપદ્રવ, મોટી ઉંમર, પ્રતિરક્ષા ઘટે તેવી સારવાર કે એઇડ્ઝ જેવા રોગ, વ્યસનાસક્તિ કરતી દવાની કુટેવ, દારૂની લત, યકૃતકાઠિન્ય, હૉસ્પિટલમાં લાંબું રોકાણ અથવા વારંવાર પરિતનીય પારગલન. આ રોગમાં પેટ ફૂલે, પેટમાં દુખાવો થાય, તેમાં પ્રવાહી ભરાય, તાવ આવે, વજન ઘટે, પાંડુતા (anaemia) થાય વગેરે વિવિધ લક્ષણો જોવા મળે છે. જ્યાં ક્ષય વ્યાપકપણે જોવા મળતો નથી તેવા પશ્ચિમી દેશોમાં હકારાત્મક ક્ષયનિદાન-કસોટી (tuberculin test) અગત્યની તપાસ ગણાય છે. જીવાણુ-સંવર્ધન અથવા પેશીપરીક્ષણ ઉપયોગી તપાસ-પ્રક્રિયા ગણાય છે; પરંતુ ભારતમાં, જ્યાં ક્ષયરોગનું પ્રમાણ હજુ ઘણું છે ત્યાં, તેનો ઉપયોગ ઓછો રહે છે.

પ્રકીર્ણ પરિતનકલાશોથ : જેમને વારંવાર પરિતનીય પારગલન (peritoneal dialysis) કરાતું હોય એવા મૂત્રપિંડના રોગના દર્દીઓમાં, સ્ટેફાયલોકોકસ ઍપિડર્મિડિસ નામના જીવાણુનો ચેપ લાગે છે, જેમાં વ્યાપક અસર કરતી ઍન્ટિબાયૉટિક દવાઓ વપરાય છે. કૌટુંબિક ભૂમધ્ય-સમુદ્રીય જ્વર(familial mediterranean fever)ના રોગોમાં પેટમાં પાણી ભરાવું, તાવ આવવો અને પેટમાં દુખાવો થવાના વારંવાર હુમલા થાય છે. તેમાં કોલ્ચિસિન ઉપયોગી ઔષધ બની રહે છે.

કૅન્સર : પરિતનગુહામાં અંડપિંડ, જઠર, યકૃત, મોટું આંતરડું, સ્વાદુપિંડ વગેરે વિવિધ અવયવોનું કૅન્સર ફેલાય ત્યારે તેમાં પ્રવાહી ભરાય છે. પરિતનકલાના કોષોમાં પણ કૅન્સર ઉદ્ભવે છે જેની અંડપિંડના કૅન્સરની માફક સારવાર અપાય છે. ક્યારેક પીળી લૂગદી જેવો પદાર્થ પરિતનગુહામાં ભરાય છે. તેને pseudomyxoma peritoni કહે છે. તેની સારવાર ઘણી મુશ્કેલ રહે છે.

પરિતનગુહા નિરીક્ષા (laparoscopy) : પરિતનગુહાનું નિરીક્ષણ કરીને નિદાન તથા સારવારની પ્રક્રિયાઓ કરી શકાય છે. તે માટેના સાધનને પરિતનગુહાંત:દર્શક (peritoneoscope) અથવા ઉદરગુહાંત:દર્શક (laparoscope) કહે છે. પરિતનગુહાની નિરીક્ષાને ઉદરગુહા નિરીક્ષા (laparoscopy) પણ કહે છે. સામાન્ય રીતે દર્દીને બેભાન કરીને નાભિ પાસેના 6 મિમી.ના છેદમાંથી ઉપર્યુક્ત સાધનને પેટમાં નાંખવામાં આવે છે. તે પહેલાં સોય દ્વારા 1થી 1.5 લિટર જેટલો કાર્બન-ડાયૉક્સાઇડ વાયુ તેની અંદર નાંખવામાં આવે છે. અંત:દર્શક વડે તપાસ કરીને યોગ્ય સ્થળેથી પેશીનો ટુકડો કાપી લેવાય છે અને તેનું પેશી-પરીક્ષણ કરાય છે. ક્યારેક અંદર લોહી વહેવાની કે વાયુની લોહીમાં પ્રવેશી જવાની આનુષંગિક તકલીફ થાય છે. હાલ ઍપેન્ડિક્સ કે પિત્તાશયને પરિતનગુહા-નિરીક્ષણની પ્રક્રિયા દ્વારા કાપીને કાઢવાની શસ્ત્રક્રિયા પણ શક્ય બની છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ  ત્રિવેદી