પરિત્રાણ (1967) : ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’. મહાભારતના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રમવાસિક પર્વમાંથી કથાવસ્તુ લઈને દર્શકે પોતાની જીવનદૃષ્ટિ પ્રમાણે તેમાં જરૂરી ફેરફારો કરી તેને નાટ્ય રૂપ આપ્યું છે. દ્યૂતમાં પરાજિત થયા બાદ પાંડવો 13 વર્ષનો આકરો વનવાસ સહન કરીને વિરાટનગરમાં પ્રગટ થાય છે અને કૌરવો પાસે પોતાના હકનું અર્ધું રાજ્ય પાછું માગે છે. આ ઘટનાબિંદુથી આ નાટકનો આરંભ થાય છે તથા યુધિષ્ઠિરના રાજ્યારોહણને 15 વર્ષ થયાં પછી ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી સ્વેચ્છાએ વાનપ્રસ્થ સ્વીકારી વનમાં પ્રયાણ આદરે છે – એ ઘટના સાથે શાંતરસમાં નાટકનો અંત આવે છે.

નાટ્યકાર દર્શકે કૌરવો-પાંડવોના યુદ્ધની કથાને કેન્દ્રીય વિષય બનાવ્યો નથી, પણ યુદ્ધપ્રસંગોને પશ્ચાદ્ભૂમાં રાખી સત અને અસત્ વચ્ચેના સંઘર્ષને કુશળતાથી નિરૂપ્યો છે. અહીં સમગ્ર પાત્રસૃષ્ટિ મુખ્યત્વે બે વિભાગમાં વહેંચાઈ જાય છે : પશુબળનો મહિમા ગાતા શકુનિપક્ષે દુર્યોધન, દુ:શાસન, કર્ણ વગેરે છે અને ધર્મનો મહિમા ગાતા કૃષ્ણપક્ષે પાંડવો, દ્રૌપદી, ગાંધારી, કુંતી વગેરે છે. નાટ્યકારે શકુનિ અને કૃષ્ણના પાત્રને જોડાજોડ મૂકી પશુબળ અને ધર્મને સામસામે મૂકી આપ્યાં છે. તાર્કિક દલીલો અને કૂટનીતિમાં નિષ્ણાત શકુનિ પોતાના સાથીદારોને દૃઢતાથી સમજાવે છે કે ‘આ યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નથી; કે પાંચાલો ને દ્રૌપદો વચ્ચેનુંય નથી. આ યુદ્ધ તો છે કૃષ્ણ ને શકુનિ વચ્ચેનું. કૃષ્ણની જોડે જે નથી તે બધા આપણી જોડે છે; અને આપણી જોડે નથી તે બધા કૃષ્ણ જોડે ગયા છે. મહર્ષિ કણિકનો શિષ્ય હું એમ કહું છું કે બળથી સૃષ્ટિ ટકી છે; કૃષ્ણ કહે છે ધર્મથી. હું કહું છું કે બળવાન કહે તે ધર્મ, કૃષ્ણ કહે છે કે ધર્મ પાળે તે બળવાન.’ (અંક 1, પ્રવેશ 2, પૃ. 13)

નાટ્યકાર દર્શકે કૃષ્ણને માનવ તરીકે નહિ પણ મહામાનવ એટલે અતીન્દ્રીય શક્તિવાળા ભગવાન તરીકે નિરૂપ્યા છે. તેઓ ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ વગેરે મહારથીઓને યુદ્ધમાં મા’ત કરવા અગાઉથી યોગ્ય મહોરાં ગોઠવી શકે છે. વિષ્ટિકાર તરીકે પધારેલા કૃષ્ણને બંદીવાન બનાવવા દુર્યોધન પેંતરા રચે છે ત્યારે કૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કરી સૌને દિઙ્મૂઢ કરી શકે છે. ભીષ્મ જેવા જ્ઞાની પુરુષ કૃતકૃત્ય થઈ ઉચ્ચારે છે, ‘ધન્યવાદ તને, દુર્યોધન, કે તારી હઠને પ્રતાપે અમને હરિના વિરાટસ્વરૂપનાં દર્શન થયાં. તારા પ્રતાપે અમે તો તરી ગયા, તું છો ડૂબતો.’ (અંક 2, પ્રવેશ 3, પૃ.51). નાટ્યકારે કૃષ્ણના પાત્ર દ્વારા પોતાને અભીષ્ટ એવા ધર્મજયની વાત તારસ્વરે મૂકી આપી છે, પણ કૃષ્ણને અવતારી પુરુષ તરીકે સ્થાપ્યા હોવાથી સંઘર્ષનું તત્ત્વ પાંખું પડી જાય છે.

વિશાળ પાત્રસૃષ્ટિ, વિસ્તૃત સમયગાળો, પ્રત્યેક દૃશ્યે બદલાતો સંનિવેશ વગેરેને કારણે નાટક શિથિલ પડતું હોય તેમ વરતાય છે, પણ દર્શકની આકર્ષક સંવાદકલા, પ્રશિષ્ટ પદાવલિ; ગાંધારી, કુંતી અને દ્રૌપદીના પાત્રાલેખનમાં નિરૂપાયેલું માનવસંવેદન, ભીષ્મ-શિખંડીના પ્રસંગનું કલાત્મક આયોજન, યુદ્ધવિરામ સમયે આસવ પીતા શકુનિ-કૃષ્ણની ચર્ચા વગેરેને દર્શકે એવી ખૂબીથી અને કુશળતાથી કંડાર્યાં છે કે ‘પરિત્રાણ’ નાટક ગુજરાતી સાહિત્યની એક નોંધપાત્ર પ્રશિષ્ટ કૃતિ બને છે.

પીઢ દિગ્દર્શક જશવંત ઠાકરે પરંપરાગત રંગભૂમિને ખપમાં લઈ સમૂહ-અવાજો, કૉરિયોગ્રાફી અને પ્રતીકાત્મક સાધનોની સહાયથી ‘પરિત્રાણ’ નાટકનું રંગમંચન કર્યું હતું અને તેના 70 જેટલા પ્રયોગો કર્યા હતા. નાટ્યવિદ માર્કણ્ડ ભટ્ટે અગણિત પાત્રોને રજૂ કરવા માટે બહુસ્તરી સ્ટેજનો ઉપયોગ કરી, સ્થૂલ સામગ્રીને ઓગાળી નાખી, પ્રકાશ આયોજન અને વિવિધ અવાજો દ્વારા યુદ્ધની ભયાનકતાનાં દૃશ્યોને તાદૃશ કરી આપ્યાં હતાં અને ભાસના ‘દૂતવાક્યમ્’ની સૂચનાત્મક શૈલીનો વિનિયોગ કરીને કૃષ્ણના વિરાટ સ્વરૂપને સાક્ષાત્ કરી આપ્યું હતું.

લવકુમાર દેસાઈ