પરાગ્વે (દેશ) : દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ-મધ્યભાગમાં આવેલો દેશ. તે આશરે 19° 20´ થી 27° 40´ દ. અ. અને 54° 15´ થી 62° 40´ પ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું ક્ષેત્રફળ 4,06,752 ચોકિમી. છે. વાયવ્ય-અગ્નિ-તરફી અંતર આશરે 992 કિમી.નું અને પૂર્વ-પશ્ચિમ અંતર આશરે 660 કિમી.નું છે. તેની મોટાભાગની રાજકીય સીમાઓ નદી-નિર્મિત છે, જે પૂર્વ તરફ બ્રાઝિલ, ઉત્તર અને વાયવ્ય તરફ બોલિવિયા અને નૈર્ઋત્ય, દક્ષિણ તથા અગ્નિ તરફ આર્જેન્ટીનાને સ્પર્શે છે. આ દેશ ખંડના અંદરના ભાગમાં આવેલો હોવાથી સાગરકાંઠો ધરાવતો નથી, પરંતુ ચારે બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. એ રીતે જોતાં તેનું ભૌગોલિક સ્થાન તેના વિકાસમાં અવરોધક બની રહેલું જણાય છે.

પરાગ્વેનું ભૌગોલિક સ્થાન

પ્રાકૃતિક રચના : પ્રાકૃતિક રચનાના સંદર્ભમાં પરાગ્વેને મુખ્ય ત્રણ એકમોમાં વહેંચી શકાય : (1) પરાગ્વે-પારાના નદીઓનાં મેદાનો : પરાગ્વે નદી દેશના મધ્ય ભાગમાંથી, પારાના નદી દેશના દક્ષિણ અને અગ્નિ ભાગમાંથી તેમજ પિલકોમાયો નદી દેશના નૈર્ઋત્ય સીમાવિસ્તારમાં થઈને પસાર થાય છે. આમ દેશનો હાર્દરૂપ પ્રદેશ નદીઓનાં પૂરથી પથરાયેલાં કાંપનાં સપાટ મેદાનોનો બનેલો છે. આ મેદાનો સમુદ્રસપાટીથી આશરે 140 મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના પૂર્વ તરફના થોડાક ભાગો આજુબાજુ કરતાં વધુ ઊંચા અને અસમતળ છે. (2) પૂર્વનો ડુંગરાળ પ્રદેશ : દેશના પૂર્વ ભાગમાં બ્રાઝિલના ‘પારાના ઉચ્ચપ્રદેશ’ના અનુસંધાન રૂપે આશરે 300થી 600 મી. ઊંચાઈ ધરાવતો ડુંગરાળ પ્રદેશ આવેલો છે. વિલારિકા નજીક સમુદ્રસપાટીથી વધુમાં વધુ ઊંચાઈ 680 મીટર છે, જ્યારે ઓછામાં ઓછી ઊંચાઈ પરાગ્વે-પારાના નદીઓના સંગમસ્થાને 55 મીટર છે. અહીં ઊંડાં કોતરોમાં થઈને વહેતી પારાના નદીએ જળધોધ તથા વિવિધ ભૂમિસ્વરૂપો(landforms)ની રચના કરી છે. (3) ચાકો પ્રદેશ : દેશની પશ્ચિમે આવેલી ઍન્ડીઝ પર્વતમાળાની પડખે ગ્રાનચાકોના ભાગ રૂપે પરાગ્વેયન ચાકો પ્રદેશ વિસ્તરેલો છે, જે સમુદ્રસપાટીથી 200 મી.થી વધુ ઊંચાઈ ધરાવે છે. પૂર્વતરફી આછા ઢોળાવવાળું ચાકોનું મેદાન નદીઓ અને ઝરણાં દ્વારા ઘસડી લવાયેલા કાંપના સ્તરોનું બનેલું છે. વર્ષાઋતુમાં નદીઓનાં પૂરનાં પાણી આજુબાજુના પ્રદેશમાં ફેલાઈ જાય ત્યારે તેના કેટલાક ભાગો કાદવકીચડવાળા બની રહે છે; તેમ છતાં આ સમગ્ર પ્રદેશ અર્ધશુષ્ક અને વેરાન જેવો દેખાય છે.

આબોહવા : પરાગ્વેનું ભૌગોલિક સ્થાન સમુદ્રથી દૂર, ભૂમિખંડના અંદરના ભાગમાં આવેલું છે, મકરવૃત્ત દેશની મધ્યમાંથી પસાર થાય છે; તેથી તે ઉપોષ્ણીય (sub-tropical), ખંડીય અને વિષમ આબોહવાનાં લક્ષણો ધરાવે છે. દેશનું ઉનાળા અને શિયાળાનું તાપમાન અનુક્રમે 27° સે. તથા 18° સે. જેટલું રહે છે. શિયાળામાં ક્યારેક ક્યારેક ઍન્ટાર્ક્ટિકાની શીતલહેરો પ્રસરી જાય ત્યારે તાપમાન 0° સે.ની લગોલગ પહોંચી જાય છે. ચાકો પ્રદેશની ગરમ અને સૂકી આબોહવા માનવવસવાટ માટે સાનુકૂળ નથી. આ પ્રદેશને બાદ કરતાં બાકીના ભાગોમાં લગભગ બારે માસ વરસાદ પડે છે. તેમાં પણ પૂર્વના ડુંગરાળ ભાગો સારો વરસાદ મેળવે છે, પરંતુ પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. દેશના પાટનગર આસુન્સિયૉનનો વાર્ષિક વરસાદ લગભગ 1,595 મિમી. જેટલો છે.

કુદરતી વનસ્પતિ અને જંગલની સંપત્તિ : પૂર્વના ડુંગરાળ પ્રદેશોમાં સદાહરિત તથા પાનખર જંગલો છવાયેલાં છે, જ્યારે મેદાનો અને ચાકોપ્રદેશ ઘાસ, દલદલભૂમિની વનસ્પતિ, તાડ-સૅવાના (palm-savana), કાંટાળાં ઝાંખરાં જેવી વનસ્પતિથી આચ્છાદિત છે. જંગલો મુખ્યત્વે ઇમારતી લાકડાંની ઊપજ આપે છે. ચાકોમાં થતાં કઠણ લાકડું આપતાં ક્વૅબ્રેચો વૃક્ષોમાંથી ટૅનિન અર્ક (ચામડાં કમાવવા માટેનો પદાર્થ) મેળવાય છે. આ દેશમાં યર્બા મૅટની ઝાડી ઊગે છે. ચાની જેમ તેનાં પાંદડાં ઉકાળીને તેમાંથી પીણું બનાવાય છે. આજે તો હવે તેની બાગાયતી ખેતી પણ કરવામાં આવે છે.

ખેતી અને પશુપાલન : દેશનો મોટાભાગનો ભૂમિવિસ્તાર જંગલો, ઘાસનાં બીડ અને ગોચરોથી છવાયેલો છે. તેથી વાસ્તવમાં ખૂબ થોડા ભૂમિવિસ્તારમાં જ ખેતીના પાક લેવાય છે. દેશની 75 % વસ્તી ખેતી, પશુપાલન તેમજ સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા રોજી મેળવે છે. અહીંની ખેતી નિર્વાહલક્ષી પ્રકારની છે. ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદનની બાબતમાં આજે આ દેશ સ્વાવલંબી છે. ઘઉં, ડાંગર, મકાઈ, કસાવા, શેરડી, શાકભાજી અને ખટમીઠાં ફળો (નારંગી, ગ્રેપફ્રૂટ) જેવા પાકો અહીંની સ્થાનિક જરૂરિયાતો પૂરી પાડે છે. વળી અહીં કપાસ, તમાકુ, કૉફી, યેર્બા મૅટ, તેલીબિયાં વગેરે નિકાસલક્ષી પાકોની પણ ખેતી થાય છે. જાપાન અને અન્ય દેશોના વસાહતીઓ તેમને ફાળવેલી જમીનોમાં આવા પાકો વધુ પ્રમાણમાં ઉગાડે છે.

વિશાળ પશુવાડા(ranches)માં થતી પશુસંવર્ધનની પ્રવૃત્તિ ખાસ કરીને દેશના દક્ષિણ ભાગમાં, પરાગ્વે તથા પારાના નદીઓ વચ્ચેના પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે. આસુન્સિયૉનમાં આવેલાં વિશાળ અદ્યતન કતલખાનાંમાં ઠારેલું માંસ અને કૉર્ન્ડ બીફ (corned beef) તૈયાર થાય છે. વસાહતીઓ મુખ્યત્વે ડુક્કર ઉછેર-પ્રવૃત્તિ કરે છે. મુખ્ય પેદાશો ખેતી અને જંગલો સાથે સંકળાયેલી છે. ઉત્પાદન-પેદાશોમાં પ્રક્રિયા કરેલી ખાદ્ય પેદાશો, પીણાં, કાષ્ઠપેદાશો, કાપડ, સિમેન્ટ અને ચર્મઉદ્યોગ મુખ્ય છે.

ખનિજો, ઊર્જાસંસાધનો અને ઉદ્યોગો : આ દેશમાં લોહ-મૅંગેનીઝ-તાંબાનાં ખનિજો મળે છે. અહીં મળી આવતા ચૂનાખડકોનો ઉપયોગ સિમેન્ટ બનાવવામાં થાય છે. પૂર્વના પહાડી ક્ષેત્રમાં જળવિદ્યુતસ્રોતો આવેલા છે. આકારઈ  તથા મન્ડે નદીઓ પરનાં જળવિદ્યુતમથકો દેશની વીજજરૂરિયાત પૂરી પાડે છે. પારાના નદી પરની બ્રાઝિલ સાથેની સહિયારી 12,600 મૅગાવૉટ-ક્ષમતા ધરાવતી ઇતાઇપુ પરિયોજના પૂર્ણ થઈ છે, જ્યારે આ જ નદી પરની આર્જેન્ટીના સાથેની સહિયારી યાકીરેતા જળવિદ્યુત-પરિયોજના(6,000 મૅગાવૉટ-ક્ષમતા)નું બાંધકામ ચાલુ છે.

પ્રમાણમાં પછાત ગણાતા આ દેશમાં ખાસ કરીને નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેમાં કૃષિ, પશુ અને વનપેદાશો પર આધારિત માંસ-પૅકિંગ, કપાસ-જિનિંગ, ખાદ્યતેલ અને લાકડાં વહેરવાનો મિલ-ઉદ્યોગ, ટૅનિન-નિષ્કર્ષણ અને ખાંડ-ઉદ્યોગ વગેરે મુખ્ય છે. આ સિવાય રેયૉન અને સુતરાઉ કાપડ, સિમેન્ટ, રમ (rum), આલ્કોહૉલ, પગરખાં, રાચરચીલું, સિગારેટ, પીણાં, સાબુ, દીવાસળી વગેરેને લગતા ઉદ્યોગો પણ છે. મોટાભાગની ઔદ્યોગિક પ્રવૃત્તિ આસુન્સિયૉનમાં કેન્દ્રિત થયેલી છે. અહીં ખનિજતેલની રિફાઇનરી પણ છે.

પરિવહનસાધનો અને વ્યાપાર : આ દેશમાં પરિવહનનાં સાધનોનો વિકાસ મર્યાદિત પ્રમાણમાં થયેલો છે. આશરે 440 કિમી. લંબાઈનો મુખ્ય અને મધ્યસ્થ રેલમાર્ગ પાટનગર આસુન્સિયૉન અને એન્કાર્નાસિયૉનને સાંકળે છે. આ સિવાય પાંચ ટૂંકા રેલમાર્ગો ચાકો પ્રદેશ તરફ લંબાયેલા છે. રેલમાર્ગની લંબાઈ 441 કિમી. છે. બધા જ પ્રકારના સડક-માર્ગોની કુલ લંબાઈ 29,500 કિમી. જેટલી છે. પૂર્વ ભાગમાં સાત જેટલા ધોરીમાર્ગો બાંધવાનું સરકારનું આયોજન છે. આ પૈકી આસુન્સિયૉનથી જુદી જુદી દિશામાં જતા, આર્જેન્ટીના તથા બ્રાઝિલને સાંકળતા, ત્રણ ધોરીમાર્ગો તો બંધાઈ ચૂક્યા છે; જેથી આ દેશનું ભાવિ ઘણું જ ઊજળું હોવાનું જણાય છે. આસુન્સિયોન અહીંનુ હવાઈ મથક છે. પરાગ્વેમાં આશરે 2,985 કિમી.લંબાઈના નદીના જળમાર્ગો છે. આંતરિક પરિવહન સેવાઓ તથા મોટાભાગનો વિદેશ-વ્યાપાર સાનુકૂળ દિશામાં વહેતી પરાગ્વે તથા પારાના જેવી મોટી નદીઓના જળમાર્ગ પર અવલંબિત છે. દેશનો લગભગ 75 % જેટલો આયાત-નિકાસ વ્યાપાર પરાગ્વે નદીકાંઠાના આસુન્સિયૉન બંદર મારફત ચાલે છે. પરાગ્વે નદીમાં કૉન્સેપ્સિયૉન સુધી તેમજ પારાના નદીમાં પ્યુર્ટો સ્ટ્રોએસ્નર સુધી વિશાળ નદી-સ્ટીમરો અવરજવર કરે છે. આ દેશ મુખ્યત્વે યુ.એસ., આર્જેન્ટીના, જર્મની, યુ.કે. વગેરે દેશો સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે. માંસની પેદાશો, વહેરેલાં લાકડાં, તમાકુ, ટૅનિન, સુગંધીદાર દ્રવ્યો વગેરે તેની મુખ્ય નિકાસો છે; જ્યારે યંત્રસામગ્રી, વાહનો, ખાદ્ય ચીજો વગેરે તેની મુખ્ય આયાતો છે.

ઊંચા અને ગીચ ઘાસનું મેદાન પ્રેરી દક્ષિણ પરાગ્વે

વસ્તી અને વસાહતો : દેશની વસ્તી લગભગ 67,83,272(2015) જેટલી છે. દેશના વિસ્તારની દૃષ્ટિએ વસ્તીનું પ્રમાણ ઓછું ગણાય. શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ અનુક્રમે 48 % અને 52 % છે. 98 % લોકો મેસ્ટિઝો સ્પૅનિશ-ઇન્ડિયન મિશ્ર પ્રજાજાતિના છે. બાકીના લોકોમાં ઇન્ડિયન મેન્નોનાઇટ અને અન્ય દેશના વસાહતીઓનો સમાવેશ થાય છે. દેશના વિસ્તારની તુલનામાં ઓછી વસ્તીની સમસ્યાના ઉકેલની દિશામાં એક ખાસ કાર્યક્રમ હેઠળ આંતરરાષ્ટ્રીય ધોરણે અહીં થયેલાં વસ્તી-સ્થળાંતરોએ મદદ કરી છે. સરકાર દ્વારા જર્મન, ઇટાલિયન, ચેક, રશિયન, જાપાની વગેરે વસાહતીઓને સુવિધાઓ અને જમીનો ફાળવીને તેમને અહીંનાં મોટાં શહેરોની આસપાસ વસાવવામાં આવ્યા છે.

દેશની મોટાભાગની વસ્તી પૂર્વ અને દક્ષિણનાં ફળદ્રૂપ મેદાનોમાં કેન્દ્રિત થયેલી છે. આ દેશમાં શહેરી વસ્તીનું પ્રમાણ 48 % અને શિક્ષણનું પ્રમાણ 95 % જેટલું છે. અહીંના લોકો મુખ્યત્વે સ્પૅનિશ ભાષાનો ઉપયોગ કરે છે, તદુપરાંત ગ્વારાની નામ ધરાવતી ભાષાનો પણ ઉપયોગ થાય છે. લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. આસુન્સિયૉન (વિસ્તાર : 117 ચોકિમી. વસ્તી : 5,25,294 (2016) દેશનું પાટનગર છે, પરાગ્વે નદીકાંઠાનું મુખ્ય બંદર છે તેમજ ઔદ્યોગિક અને વ્યાપારિક મથક છે. દેશનાં બીજાં અગત્યનાં શહેરોમાં કોન્સેપ્સિયૉન, એન્કાર્નાસિયૉન, કોરોનેલ ઓવ્યેડો, પેદ્રો હ્વાન કેબેયેરો વગેરેનો સમાવેશ થાય છે. 1811ના મેની 14મી તારીખે આ દેશ સ્પેનના કબજામાંથી સ્વતંત્ર થયો છે.

રાજકીય : બંધારણીય પ્રજાસત્તાક રાજકીય વ્યવસ્થા ધરાવતો આ દેશ પરાગ્વે નદી પર વસેલો હોવાથી તે આ નામ  ધરાવે છે. પરાગ્વે નદીનો 3000 કિમી. લાંબો પટ વહાણવટા માટે યોગ્ય છે તેથી વાહનવ્યવહારમાં પણ સુવિધા ઊભી થાય છે.

1954માં આરંભાયેલી આલ્ફ્રેડો સ્ટ્રૉસનરની 35 વર્ષ જૂની સરમુખત્યારશાહી સરકારને 1989માં ઉથલાવી દેવામાં આવી. કૉલોરાડો પક્ષના હૉરાશિયો કાર્ટેસ પ્રમુખ ચૂંટાયા. 2008 સુધીના છ દસકા દરમિયાન કૉલોરાડો પક્ષ સત્તા પર રહ્યો હતો. ત્યારપછી ફર્નાન્ડો લુગો પર મહાઅભિયોગ(ઇમ્પીચમેન્ટ)ની જોગવાઈ અનુસાર કામ ચલાવવામાં આવ્યું જેમાં તે સજાપાત્ર ઠર્યા. તે પછી હૉરાશિયો કાર્ટેસ 2012થી ફરી વાર પ્રમુખ ચૂંટાયા અને હોદ્દા પર છે.

આ દેશ ગુઆરાની નામનું ચલણ ધરાવે છે. સ્પૅનિશ અને ગુઆરાની (નામની) ભાષાઓ  તે ધરાવે છે. 89 ટકા પ્રજા રોમન કૅથલિક છે. તે દ્વિગૃહી ધારાસભા ધરાવે છે, જે કૉંગ્રેસ નામથી ઓળખાય છે. તેનું ઉપલું ગૃહ ચેમ્બર ઑવ્ સેનેટર્સ છે અને નીચલું ગૃહ ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝ છે. પ્રમુખ રાજ્ય અને સરકારના વડા છે.

બીજલ પરમાર

રક્ષા મ. વ્યાસ