પરાગ્વે (નદી) : દક્ષિણ અમેરિકાના પરાગ્વે દેશની મુખ્ય નદી. તે દક્ષિણ બ્રાઝિલના માટો ગ્રોસો ઉચ્ચપ્રદેશના દક્ષિણ ઢોળાવો પરથી નીકળે છે. ત્યાંથી આગળ વધીને તેનો ઉપરવાસનો શરૂઆતનો પ્રવાહપથ બ્રાઝિલ-બોલિવિયાની સરહદ નજીક થઈને દક્ષિણ તરફ જાય છે. બ્રાઝિલ-બોલિવિયા-પરાગ્વે ત્રણ દેશોની સરહદ જ્યાં ભેગી થાય છે ત્યાં બાહિયા નેગ્રા પાસેથી આ નદી પરાગ્વેમાં પ્રવેશે છે. પરાગ્વે દેશમાંનો તેનો દક્ષિણતરફી પથ દેશના બે સરખા ભાગ પાડે છે. દેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલા પાટનગર આસુન્સિયૉન નજીકથી તે પરાગ્વે-આર્જેન્ટીનાની સરહદ પર વહે છે. આર્જેન્ટીનાના કોરીએન્ટ્સથી આશરે 30 કિમી. દૂર ઈશાનમાં તે પારાના નદીને મળે છે. તેની લંબાઈ 2,549 કિમી. જેટલી છે. આમ ઈશાનમાં તે બ્રાઝિલ-પરાગ્વે વચ્ચેની તેમજ નૈર્ઋત્યમાં તે પરાગ્વે-આર્જેન્ટીના વચ્ચેની ભૌગોલિક સરહદ બની રહે છે. આ નદીનો મોટાભાગનો પ્રવાહપથ ઉત્તરથી દક્ષિણ તરફનો છે, પૂર્વ તથા પશ્ચિમ તરફથી ઘણી શાખા-નદીઓ તેને આવી મળે છે. જરૂરી જળપુરવઠો પૂરી પાડતી તેની મુખ્ય શાખા-નદીઓમાં આપા, ઍક્વિદાબાન, યપને, જેજુઈ-ગ્વાઝુ અને ટેબીક્વેરીનો સમાવેશ થાય છે. પિલકોમાયો, બરમેયો જેવી પ્રમાણમાં નાની શાખાનદીઓ પણ તેને મળે છે, પરંતુ તે ઓછો જળપુરવઠો પૂરો પાડે છે.

ઉનાળામાં તેમાં પૂર આવે છે. તે સિવાયના બાકીના સમયગાળા માટે તેનો જળવેગ ઓછો રહે છે. તેનો પટ સ્થાનભેદે આશરે 400થી 800 મીટર જેટલો જોવા મળે છે. આ નદીએ કાંપથી ભરપૂર પહોળાં પૂરનાં મેદાનો રચ્યાં છે. તેનો પશ્ચિમ તટવિભાગ નીચાણવાળો હોવાથી, વર્ષમાં ત્રણ મહિના ત્યાં પૂરનાં પાણી અને કાંપનો જથ્થો છવાઈ જાય છે, જ્યારે પૂર્વ તટ-વિભાગ ઊંચી ભેખડોવાળો હોવાથી ત્યાં પૂરની અસર થતી નથી. પૂરને કારણે ક્યાંક ક્યાંક તેનો જળપ્રવહનમાર્ગ બદલાતો રહે છે,  પરંતુ જ્યાં આ પરિસ્થિતિ પ્રવર્તતી નથી ત્યાં તે આંતરિક જળવાહનવ્યવહાર માટે ઉપયોગી બની રહે છે. આ નદીમાં કોઈ પણ જગાએ જળપ્રપાત તથા ટાપુ-અવરોધો ન હોવાથી 3.6 મીટર ડ્રાફટ(નિમજ્જન સીમા)ની સ્ટીમરો પાટનગર આસુન્સિયૉન અને પારાનાના સંગમ સુધી જઈ શકે છે. નાનાં વહાણો તથા સપાટ તળવાળી હોડીઓ કોરુમ્બા, બ્રાઝિલ અને ત્યાંથી વધુ ઉત્તર તરફના ઉપરવાસમાં હેરફેર કરી શકે છે. યેર્બા મૅટ (પરાગ્વેનું ચા સમકક્ષ પીણું), ક્વેબ્રેચો લાકડાના પાટડા તથા તેના અર્ક(જે ટૅનિક ઍસિડની બનાવટમાં વપરાય છે)ની હેઠવાસ-તરફી હેરફેર માટે આ નદી ઉપયોગી બની રહે છે. આ નદી આર્જેન્ટીનાનાં સાન્ટા ફે, રોઝારિયો અને બ્યુનોસ એરિસ જેવાં બંદરોને પણ સુવિધા પૂરી પાડે છે.

ગિરીશભાઈ પંડ્યા