પરશુરામ (. 16 માર્ચ 1880 કૉલકાતા; . 27 એપ્રિલ 1960) : બંગાળી લેખક. મૂળ નામ રાજશેખર બસુ. શિક્ષણ કૉલકાતા શહેરમાં. તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી રસાયણ-વિજ્ઞાનનો વિષય લઈને એમ.એસસી.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કર્યા બાદ બૅંગૉલ કૅમિકલ્સ કંપનીમાં મૅનેજર તરીકે જોડાયા. એ પછી એમણે લેખન-પ્રવૃત્તિ શરૂ કરી.

એમની પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ પ્રસિદ્ધ માસિક ‘સબુજ પત્ર’માં પ્રગટ થઈ. એ વ્યંગ્ય-કથા એટલી બધી લોકપ્રિય થઈ કે બંગાળી કથા-સાહિત્યમાં એમને મોખરાનું સ્થાન મળ્યું. એ પછી કથાનક અને શૈલીની દૃષ્ટિએ વૈવિધ્યપૂર્ણ વાર્તાસંગ્રહ ‘ગડ્ડલિકા’ 1924માં પ્રગટ થયો. એ વાર્તાસંગ્રહ વાંચીને કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બૅંગૉલ કૅમિકલ્સના માલિક તથા વિખ્યાત વૈજ્ઞાનિક પ્રફુલ્લચન્દ્ર રેને પ્રશંસાપત્ર લખ્યો. આ પત્ર પ્રગટ થતાં જ પરશુરામ આગલી હરોળના લેખક બની ગયા. તે પછી તો એમના અનેક વાર્તાસંગ્રહો પ્રગટ થયા, જેમાં ‘કજ્જલિ’ (1927), ‘કૃષ્ણકબિ’ (1929), ‘નીલતારા’ (1931), ‘હનુમાનેર સ્વપ્ન’ (1937) મુખ્ય છે.

વાર્તાઓ ઉપરાંત એમણે કાવ્યલેખનમાં પણ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું. એમની વાર્તાઓ વિશેષત: વ્યંગ્યાત્મક છે, પણ એમનો વ્યંગ્ય કે વિનોદ મનુષ્યમાત્રની નબળાઈઓને જ પોતાનું લક્ષ્ય બનાવે છે. વાર્તાઓને કારણે બંગાળના હાસ્યલેખક તરીકે પણ એમણે પ્રશસ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ ઉપરાંત એમના લલિતનિબંધના ‘લઘુગુરુ’ (1939) અને ‘વંચિતા’ (1955) નામના બે ગ્રંથો પ્રગટ થયા છે. એમણે ‘વાલ્મીકિરામાયણ’ તથા વ્યાસના ‘મહાભારત’નો સંક્ષેપ તેમજ મેઘદૂતનો સટીક અનુવાદ પણ પ્રગટ કર્યા છે. તેમના વાર્તાસંગ્રહ ‘આનંદીબાઈ ઇત્યાદિ ગલ્પ’(1957)ને 1958ના વર્ષનો સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો હતો.

તેમના લેખન માટે તેઓ જગતતારિણી અને સરોજિની મેડલથી, 1957માં જાદવપુર યુનિવર્સિટી દ્વારા ડી.લિટ્.થી, 1955માં રવીન્દ્ર પુરસ્કારથી અને 1956માં ‘પદ્મભૂષણ’થી સન્માનિત થયા હતા.

ચન્દ્રકાન્ત મહેતા