પરશુરામ : વિષ્ણુનો અવતાર ગણાયેલા વીર ઋષિ. પોતાના પ્રિય શસ્ત્ર પરશુ(કુહાડી, ફરશી)ને કારણે ‘પરશુરામ’ નામથી સુપ્રસિદ્ધ છે. બ્રહ્માના દશ માનસપુત્રોમાંના એક એવા ભૃગુઋષિના વંશમાં જન્મેલા જમદગ્નિ અને રેણુકાના આ સુપુત્રની શાસ્ત્ર-શસ્ત્રાસ્ત્ર તથા તપશ્ચર્યાની સિદ્ધિઓનો પ્રભાવ એવી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે હિંદુ ધર્મની પૌરાણિક પરંપરાએ માન્ય કરેલા, ભગવાન વિષ્ણુના દશ અવતારોમાં, રામના પુરોગામી છઠ્ઠા અવતાર તરીકે તેઓ પ્રતિષ્ઠા પામ્યા.

ભગવાન શંકર પાસે ધનુર્વેદનું અધ્યયન કરતા પરશુરામે, એક વાર, મહાદેવ-પુત્ર કાર્તિકેય સાથેની સ્પર્ધામાં, પોતાનાં સુતીક્ષ્ણ બાણ વડે હિમાલય-પૌત્ર ક્રૌંચ-પર્વતને વીંધી નાખ્યો અને એ શસ્ત્રકલહમાં કાર્તિકેયને પરાજિત કર્યા. ત્યારપછી, આ ‘ક્રૌંચરન્ધ્ર’ માનસ-સરોવર જતા-આવતા હંસો માટે, ‘ભૃગુપતિયશોવર્ત્મ’ એવા ‘હંસદ્વાર’ તરીકે પ્રસિદ્ધ થયું.

શીલ, શક્તિ, વિદ્યા અને તપથી મંડિત પ્રતિભા ધરાવનાર પરશુરામને બ્રાહ્મ તેજનું અતિશય ગૌરવ અને સ્વાભિમાન હતું. એમના વ્યક્તિત્વના આ પાસાને કારણે, એમની કારકિર્દીમાં એક વિલક્ષણ વળાંક આવ્યો અને એમનું અન્યથા અનવદ્ય વ્યક્તિત્વ વિવાદાસ્પદ બન્યું. ક્ષત્રિય રાજા અર્જુન કાર્તવીર્ય જમદગ્નિના આશ્રમમાંથી હોમધેનુ ઉપાડી ગયો ત્યારે, પરશુરામે એકલે હાથે રાજાના સૈન્યને હરાવ્યું અને કાર્તવીર્યને હણ્યો. ત્યારપછી, પરશુરામની ગેરહાજરીમાં કાર્તવીર્યના પુત્રોએ આશ્રમમાં જઈને જમદગ્નિની હત્યા કરી. પરમપવિત્ર બ્રાહ્મણ અને મુનિશ્રેષ્ઠ પિતાની ક્ષત્રિયને હાથે હત્યા થતાં, પરશુરામ સમસ્ત ક્ષત્રિયવર્ણ પ્રત્યેના વૈરાગ્નિથી રોમ રોમ પ્રજ્વલી ઊઠ્યા, અસંખ્ય ક્ષત્રિયોનો સંહાર કરીને તેમણે કુરુક્ષેત્રમાં એમનાં રુધિર વડે પાંચ સરોવરો ભર્યાં અને પછી એ જ રુધિર વડે પિતાની અંત્યેદૃષ્ટિક્રિયા સંપન્ન કરી. આમ છતાં, એમનો રોષ શમ્યો નહિ અને એ જ રોષાવેશમાં, પૃથ્વીને ‘ન-ક્ષત્રી’ કરવાની પ્રતિજ્ઞા લીધી, અને એક વાર નહિ, પરંતુ એકવીશ વાર પૃથ્વીને ‘ન-ક્ષત્રી’ કરીને તેમણે પોતાની પ્રતિજ્ઞા પરિપૂર્ણ કરી. ‘ક્ષત્રિયાન્તક’ તરીકેની એમની એ રૌદ્રરસાત્મક કથા પુરાણ-પ્રસિદ્ધ છે.

પરશુરામ (ચિત્રકાર : રવિશંકર રાવળ)

ક્ષત્રિય હોવા છતાં, બ્રાહ્મણ-વેષે પરશુરામ પાસેથી શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખનાર કર્ણને, સાચી વાત જાણ્યા પછી, ‘ખરે સમયે તારું બ્રહ્માસ્ત્ર નિર્વીર્ય થઈ જશે’ એવો શાપ પરશુરામે આપ્યો હતો. તેમાં પણ એમનો ક્ષત્રિય-દ્વેષ જ નિમિત્ત હતો. પરંતુ એમના વ્યક્તિત્વના આ પાસાની કરુણાંતિકા તો ત્યારે સર્જાઈ, જ્યારે એમના અનુગામી વિષ્ણુ-અવતારી રામે, સીતા-સ્વયંવરમાં શિવ-ધનુષ્ય ભાંગ્યું તેથી તેના વિરોધમાં, પોતાના વિદ્યાગુરુના આ અપમાનનું વેર લેવા પરશુરામ પ્રચંડ ક્રોધાવેશમાં રામ સામે યુદ્ધે ચઢતાં તેમના હાથે પરાજય પામ્યા. આ પરાજયનો, હસતે મુખે અને નિખાલસતાપૂર્વક, એકરાર કરીને, રામને તેમણે આશીર્વાદ આપ્યા. એ એમની ખેલદિલી પણ પુરાણોમાં યોગ્ય રીતે પ્રશસ્તિ પામી છે.

કાશીરાજે પુત્રીઓ માટે સ્વયંવર રચ્યો ત્યારે, ભીષ્મે પોતાના નાના ઓરમાન ભાઈ વિચિત્રવીર્ય માટે એ ત્રણેયનું અપહરણ કર્યું; પરંતુ સૌથી મોટી અંબા તો મનોમન શાલ્વરાજને વરી ચૂકી હતી, તેથી ભીષ્મે તેને જવા દીધી, કિંતુ અપહૃત એવી તેને શાલ્વે પણ ન સ્વીકારી અને ભીષ્મની તો આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા હતી. ભીષ્મને હાથે આ રીતે અન્યાય અને અપમાન પામેલી નિર્દોષ અંબા(પછીના જન્મનો ‘શિખંડી’)નો પક્ષ લઈને પરશુરામે ભીષ્મને યુદ્ધનું આહ્વાન આપ્યું. ત્રેવીશ દિવસ બંને લડ્યા, પણ અંતે પરશુરામ હાર્યા. આ હારનો પણ તેમણે શિષ્ય તરફની ભેટ તરીકે સહર્ષ સ્વીકાર કર્યો હતો.

રેણુકાના કામોદ્વિગ્ન દશાના નૈતિક સ્ખલનથી ક્રુદ્ધ થયેલા જમદગ્નિએ જ્યારે તેનો શિરચ્છેદ કરવાનો આદેશ પાંચેય પુત્રોને આપ્યો ત્યારે, માતૃહત્યા જેવું અધમ પાપ આચરીને પણ પિતૃ-આજ્ઞા શિરોમાન્ય કરનાર પુત્ર તો એક પરશુરામ જ હતા. અલબત્ત, પુત્રના આજ્ઞાપાલનથી પ્રસન્ન થયેલા પિતાએ આપેલા વરદાનમાં તેમણે માતાનું પુનર્જીવન, પોતાનું ચિરંજીવિત્વ અને અજેયત્વ માગી લીધાં હતાં.

વસિષ્ઠના પ્રપૌત્ર અને વિશ્વામિત્રના ભાણેજ એવા પરશુરામે, પોતાનું અવતારકાર્ય સમાપ્ત કર્યા પછી, અશ્વમેધ યજ્ઞમાં, કાશ્યપમુનિને અઢાર દ્વીપ સહિતની પૃથ્વી દાનમાં આપી દીધી. ત્યારપછી, સમુદ્ર પાસેથી, પરશુની સહાયથી, નિવાસ માટે મેળવેલા મહેન્દ્ર-પર્વત પર પરશુરામ તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા. ત્યાં આજે પણ તપશ્ચર્યા કરી રહ્યા છે, એવી માન્યતાને કારણે, પુરાણોએ તેમને સાત ‘ચિરંજીવીઓ’માં સમાવિષ્ટ કર્યા છે.

જયાનંદ દવે