પરસાઈ, હરિશંકર (. 22 ઑગસ્ટ 1924, જમાની, જિ. જબલપુર, મધ્યપ્રદેશ; . 10 ઑગસ્ટ 1995, જબલપુર, મધ્યપ્રદેશ) : જાણીતા હિંદી વ્યંગ્યકાર અને નવલકથાકાર. તેમને તેમની કૃતિ ‘વિકલાંગ શ્રદ્ધા કા દૌર’ (વ્યંગ્યિકા) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી વિવિધ શાળાઓ અને કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. 1957માં અધ્યાપકપદેથી નિવૃત્ત થઈને સ્વતંત્ર રીતે તેમણે લેખનકાર્ય કરવા માંડ્યું.

આમ તો 1947થી તેમણે લેખનકાર્ય શરૂ કરેલું. તેમની પ્રથમ કૃતિ 1949માં પ્રગટ થઈ ત્યારથી માંડીને આજ સુધીમાં તેમની અનેક કૃતિઓ પ્રગટ થઈ છે. તેમાં નિબંધો અને ટૂંકી વાર્તાઓનો સમાવેશ થાય છે. તેઓ નિયમિતપણે હિંદી સામયિક ‘કરન્ટ’ તથા દૈનિક ‘જનયુગ’માં લેખો લખતા રહ્યા. 1955થી 1958 દરમિયાન તેમણે હિન્દી સાહિત્યમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર માસિક ‘વસુધા’નું સંપાદન કર્યું હતું. જબલપુર અને રાયપુરથી પ્રકાશિત થતું ‘દેશબંધુ’માં ‘પૂછીયે પરસાઈ સે’ નામની કૉલમ આવતી તેમાં પ્રારંભમાં વાચકો ફિલ્મને લગતા સવાલો પૂછતા. ધીરે ધીરે તેમણે ગંભીર અને સામાજિક-રાજનૈતિક પ્રશ્નો વાચકો પૂછે તે રીતે તેમણે પ્રવૃત્ત કર્યા અને તે કૉલમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી.

અનેક પ્રગતિશીલ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા હતા. તેઓ મધ્યપ્રદેશ પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશનના પ્રમુખ પણ રહ્યા હતા. તેમને સાગર યુનિવર્સિટીની ‘મુક્તિબોધ ગેસ્ટ પ્રોફેસરશિપ’ મળી હતી. તેમની કૃતિઓમાં વાર્તાસંગ્રહ ‘હંસતે હૈં રોતે હૈં’ (1951); નવલકથા ‘તટ કી ખોજ’ (1954); નિબંધસંગ્રહ ‘તબ કી બાત ઔર થી’ (1956); નવલકથા ‘જ્વાલા ઔર જલ’ (1958); નવલકથા ‘રાની નાગફની કી કહાની’ (1962); વાર્તાસંગ્રહ ‘જૈસે ઉન કે દિન ફિરે’ (1963) તેમજ ‘સદાચાર કા તાવીજ’ અને ‘ઔર અંત મેં’ ઉલ્લેખનીય છે. તેમની સંખ્યાબંધ કૃતિઓનું વિવિધ કેન્દ્રીય ભાષાઓમાં ભાષાંતર પણ થયું છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘વિકલાંગ શ્રદ્ધા કા દૌર’ તમામ અમાનુષી તત્ત્વોનું નીડરતાપૂર્વક આલેખન, સૂક્ષ્મ અને અતિવેધક વ્યંગ્ય-વક્રોક્તિ. માનવસમુદાય માટેની ઊંડી સંવેદના અને સરળ છતાં અસરકારક શૈલી વગેરે કારણોથી હિંદી સાહિત્યમાં ગણનાપાત્ર છે.

બળદેવભાઈ કનીજિયા