પરવીઝ, નાતલ ખાનલરી (. 1914, તહેરાન; . 23 ઑગસ્ટ 1990, તહેરાન) : આધુનિક ફારસી ભાષાના કવિ તથા લેખક. ભારતનાં સાહિત્યિક તથા સાંસ્કૃતિક વર્તુળો સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતા. તેમણે ભારતમાં ફારસી ભાષાના શિક્ષણ તથા સંશોધનના વિકાસમાં ઊંડો રસ લઈને વિદ્વાનોને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ભારતમાં ઈરાનના દૂતાવાસ તરફથી દિલ્હીમાં સ્થપાયેલ ઈરાનની સાંસ્કૃતિક સંસ્થા ‘બુન્યાદે ફરહંગે ઈરાન’ સાથે તેઓ વર્ષો સુધી સંકળાયેલા રહ્યા હતા.

તેમણે ફારસી ભાષાસાહિત્યના ઇતિહાસના અભ્યાસી તરીકે ઘણી નામના મેળવી હતી. તેમણે મુખ્યત્વે ઈરાનના ઇતિહાસ તથા પ્રાચીન સાહિત્ય વિશે સંશોધન કર્યું હતું. તેમણે રશિયન, ફ્રેંચ તથા અંગ્રેજી ભાષામાંથી ફારસીમાં સારા અનુવાદો કર્યા હતા. તેમણે ‘સુખન’ નામના ફારસી સામયિકનો પ્રારંભ કરીને સાહિત્યિક વિવેચનનાં ઉચ્ચ ધોરણો કાયમ કર્યાં હતાં. ખાનલરી ફારસીના નવા કવિઓમાં આગવું સ્થાન ધરાવે છે. તેમની કવિતામાં કોમળ ભાવો, પ્રાસમય શબ્દો, નવીન શબ્દરચના અને સાદા અલંકારો જોવા મળે છે. કવિતામાં તેમણે ‘ખુરાસાની શૈલી’ તથા ‘હિન્દી શૈલી’નું અનુકરણ કર્યું હતું. ‘અકાબ’ તેમનું શ્રેષ્ઠ કાવ્ય ગણાય છે. અન્ય કાવ્યોમાં ‘નગમએ ગુમ શુદા’, ‘નાગુફતેહા’, ‘તન્હા’, ‘યગમાઈએ શબ’, ‘માહ દર સર્દાબ’ તથા ‘રૂઝહાઈ મુર્દા’ પણ જાણીતાં છે. તેમની ગદ્ય-કૃતિઓમાં ‘કિતાબે રવાન શનાસી’ અને ‘તારીખે ઝબાને ફારસી’ વધુ નોંધપાત્ર છે. તેમનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો નથી, પરંતુ ફારસીનાં પ્રખ્યાત સામયિકોમાં તેમની કાવ્યરચનાઓ છપાયેલી પડી છે. ઈરાનમાં 1980માં થયેલા ઇસ્લામી ઇન્કિલાબ પછી થોડા સમયે તેમનું અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી ખાનલરીની વિધવા બેગમે તેમનું ટૂંકું જીવનચરિત્ર પ્રગટ કર્યું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી

બટુક દીવાનજી