પરવેઝ, સલાહુદ્દીન (. 1950, અલ્લાહાબાદ) : ઉર્દૂ કવિ. તેમના ગ્રંથ ‘આઇડેન્ટિટી કાર્ડ’ને સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અનુસ્નાતક ડિગ્રી. અમેરિકામાં વહીવટ તેમજ વ્યવસ્થાપન વિશે અભ્યાસ કર્યો. અત્યારે કમ્પ્યૂટર-સલાહકાર તથા ફિલ્મ-સર્જક.

સલાહુદ્દીન પરવેઝ

9 વર્ષની વયે લખવાનો પ્રારંભ. યુનિવર્સિટી છોડી તે પહેલાં જ તેમને સાહિત્યક્ષેત્રે સ્વીકૃતિ મળી ચૂકી હતી. ‘ઝાઝ’, ‘નૅગેટિવ’ તથા ‘જંગલ’ જેવા પ્રારંભિક કાવ્યસંગ્રહોથી એક સાહસિક પ્રયોગવાદી તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. તે પછી તેમના 7 કાવ્યસંગ્રહોનું પ્રકાશન. તેમાં ‘ખુતૂત’ તથા ‘કન્ફેશન’નો સમાવેશ થાય છે. તે ઉપરાંત 4 નવલકથાઓનું પ્રકાશન. તેમાં ‘સારે દિન કા થકા હુઆ પુરુષ’ તથા પુરસ્કૃત કૃતિ ‘આઇડેન્ટિટી કાર્ડ’નો સમાવેશ થાય છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું આજીવન સભ્યપદ એ તેમને મળેલાં સન્માનમાં મુખ્ય છે.

તેમની પુરસ્કૃત નવલકથામાં ભારતમાં ઇસ્લામના આગમનથી માંડીને વર્તમાનકાળ સુધીની 4 પેઢીઓનાં 4 પાત્રોની કથા છે. શીર્ષકના રૂપક દ્વારા સૂચવાયેલ અસ્મિતાની કટોકટીના નિરાકરણ રૂપે, ભારતીય મૂળની પરંપરાનું તથા કથાનાં પાત્રોની ભારતીય સંસ્કૃતિ વિશેની શ્રદ્ધાનું સમર્થન કરતી ભૂમિકાનું આલેખન થયું છે. વિષય-વસ્તુની વ્યાપકતા, ઘટના-ફલકની સંપૂર્ણતા, વૃત્તાંતકથનમાં અભિનવ ટૅક્નિકનું આયોજન તથા અત્યંત મહત્ત્વના માનવીય કથાવસ્તુનું પ્રશિષ્ટ નિરૂપણ જેવી વિશેષતાઓને કારણે ભારતીય સાહિત્યમાં આ નવલકથા એક મહત્ત્વનું યોગદાન મનાય છે.

મહેશ ચોકસી