પરમાર વંશ : રજપૂતોનાં કુલ 36 કુળો પૈકીનું એક કુળ. અનુશ્રુતિ પ્રમાણે રજપૂતો મુખ્યત્વે સૂર્ય અને ચંદ્ર વંશના છે. પરમાર વંશના મૂળ પુરુષની ઉત્પત્તિ આબુ પર્વત ઉપર વસિષ્ઠે કરેલા યજ્ઞકુંડમાંથી થઈ હતી. તેથી આ વંશના રાજાઓ અગ્નિકુળના કહેવાય છે. આ કુળની વિગત માળવાના રાજા સિંધુરાજના રાજકવિ પદ્મગુપ્ત પરિમલના મહાકાવ્ય ‘નવસાહસાંકચરિત’માંથી મળે છે. આ ઉપરાંત ઈ. સ. 1050 પછી લખાયેલા કેટલાક ગ્રંથો અને અભિલેખોમાં પણ ‘અગ્નિકુળ’નો ઉલ્લેખ છે. ઉદયપુરપ્રશસ્તિ, નાગપુરનો શિલાલેખ, પૂર્ણપાલનો વસંતગઢનો લેખ, આબુનો લેખ 1 અને 3, અચલેશ્વર મહાદેવનો લેખ વગેરેમાં અગ્નિકુળનો ઉલ્લેખ છે. આ લેખો મુજબ વિશ્વામિત્ર વસિષ્ઠની ઇચ્છાવિરુદ્ધ તેમની કામધેનુ બળજબરીથી લઈ ગયા. વસિષ્ઠે કામધેનુ પાછી મેળવવા આબુ પર્વત ઉપર યજ્ઞ કર્યો. પરિણામે યજ્ઞકુંડમાંથી પરમાર, પ્રતિહાર, ચૌહાણ અને ચૌલુક્ય – એ રાજવંશના સ્થાપક વીર પુરુષો પ્રગટ થયા. પ્રથમ વીર પુરુષે વિશ્વામિત્રને હરાવીને વસિષ્ઠને કામધેનુ સોંપી. આ કાર્ય બદલ વસિષ્ઠે તેને ‘પરમાર’ બિરુદ આપ્યું. તેનો અર્થ શત્રુને મારનાર થાય છે. આ ઉપરાંત પદ્મગુપ્ત પૂર્વે 50 વરસ પહેલાંના હરસોલના શિલાલેખમાં પરમાર મૂળ, દક્ષિણના રાષ્ટ્રકૂટ વંશના હતા એવો ઉલ્લેખ પણ મળે છે.

કેટલાક વિદ્વાનો અગ્નિકુળના રજપૂતો મૂળ પરદેશી હતા અને તેમને યજ્ઞ દ્વારા હિંદુ ધર્મમાં પ્રવેશ અપાયો હતો એમ માને છે. પરમાર આમ પરદેશી હોવાનો સંભવ છે. ક. મા. મુનશી તેમનો મૂળ પુરુષ ચામુંડ છઠ્ઠી સદીમાં થઈ ગયો અને તે બ્રાહ્મણ હતો એમ જણાવે છે.

શિવપ્રસાદ રાજગોર