પરમાનંદદાસ : પુષ્ટિમાર્ગના અષ્ટછાપ કવિઓમાં સૂરદાસ પાછળ સૌથી અધિક પ્રતિભાસંપન્ન ભક્ત કવિ. તેઓ કનોજના વતની કાન્યકુબ્જી બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 1493માં, સંપ્રદાયમાં પ્રવેશ 1519માં અને દેહાવસાન 1583માં થયાનું મનાય છે. એમનાં માતા-પિતાની ઇચ્છા પુત્રને લગ્ન કરાવી ગૃહસ્થી બનાવવાની હતી, પરંતુ નિર્ધનતાને કારણે તેઓ પોતાનો મનોરથ પૂરો કરી શક્યાં નહિ. કુંભનદાસમાં બચપણથી જ વૈરાગ્યના ઊંડા સંસ્કાર પડેલા. પિતા દક્ષિણ ભારતમાં ધન કમાવા ગયા ત્યારે તેઓ સાથે ન જતાં ભગવદભક્તિમાં જ પોતાનું જીવન વ્યતીત કરતા રહ્યા. સાથોસાથ કીર્તનકાર અને પદરચયિતા તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ હવે પરમાનંદ સ્વામી તરીકે ઓળખાયા. અનેક લોકોએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. શિષ્યમંડળીનો વિસ્તાર વધતો ગયો. એક વાર મકરસ્નાન માટે તેઓ પ્રયાગ ગયા. ત્યાં તેમનાં કીર્તનોની ધૂમ મચી. નિકટમાં અડેલમાં રહેલા વલ્લભાચાર્યે એમની ખ્યાતિ સાંભળી. પરમાનંદસ્વામીને આચાર્યશ્રીની મુલાકાત કરવાની ઇચ્છા થઈ. વલ્લભાચાર્યને મળવા તેઓ અડેલ ગયા. ત્યાં આચાર્યશ્રીના આગ્રહથી વિરહનું એક પદ ગાયું. આચાર્યશ્રીએ એમને શ્રીકૃષ્ણની બાળલીલાનાં પદ ગાવા કહ્યું પરંતુ પોતે એનાથી અજ્ઞાત છે એમ જણાવતાં આચાર્યશ્રીએ એમને સ્નાન કરાવી મંત્ર આપી શરણમાં લીધા. આચાર્યશ્રી સાથે વ્રજયાત્રા કરી અને માર્ગમાં પોતાને વતન ગયા જ્યાં પોતે પરમાનંદ સ્વામી મટીને પરમાનંદદાસ થયા છે એમ જણાવ્યું. તેમના શિષ્યોએ પણ પુષ્ટિ માર્ગ અપનાવ્યો. આચાર્યશ્રીએ પરમાનંદદાસને શ્રીનાથજીના કીર્તનની સેવા સોંપી જેમાં તેઓ આજીવન સંલગ્ન રહ્યા.

અષ્ટછાપના કવિઓમાં સૂરદાસ સિવાય કેવળ પરમાનંદદાસે જ કૃષ્ણની સંપૂર્ણ બાળલીલાઓનાં વર્ણન પોતાનાં પદોમાં કર્યાં છે. ‘પરમાનંદસાગર’માં એમનાં 1101 જેટલાં પદો સંગૃહીત છે. આ ઉપરાંત ‘દાનલીલા’ અને ‘ધ્રુવચરિત’ નામના બે ગ્રંથો તેમણે રચ્યાનું કહેવાય છે.

પરમાનંદદાસનાં પદોમાં વાત્સલ્યભાવનું વિસ્તારથી ચિત્રણ થયું છે. એમણે મંદિર, શોભા, અક્ષયતૃતીયા, વર્ષાઋતુ, પવિત્રા, દશેરા, રક્ષાબંધન અને રથયાત્રા વગેરે વિષયો પર પણ પદરચના કરી છે. આ પદોની પ્રકૃતિ શુદ્ધ ધાર્મિક અને સાંપ્રદાયિક છે.

પ્રવીણચંદ્ર પરીખ