પરમાનંદ મેવારામ

February, 1998

પરમાનંદ મેવારામ (. 1865, હૈદરાબાદ, સિંધ; . 1938, હૈદરાબાદ) : અર્વાચીન સિંધી સાહિત્યના એક અગ્રણી લેખક. સિંધી ભાષાને સાહિત્યિક સ્વરૂપ આપવામાં અને તેના ગદ્યસાહિત્યનો પાયો નાખવામાં પરમાનંદ મેવારામનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમણે ખ્રિસ્તી શાળામાં અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે પછી સરકારી નોકરી ઉપરાંત શિક્ષક તરીકે પણ તેમણે સેવા આપી હતી.

બંગાળના બ્રહ્મોસમાજની સિંધ ઉપર પણ અસર થઈ હતી. સિંધમાં તે બ્રહ્મોસમાજની સાથે સંકળાયેલા રહ્યા હતા; તેમના ઉપર ખ્રિસ્તી ધર્મની પણ ઊંડી અસર રહી હતી.

1896માં તેમણે ‘જોત’ પાક્ષિકનો પ્રારંભ કર્યો હતો અને મૃત્યુ પર્યંત તેના તંત્રીપદે રહ્યા હતા. ‘જોત’ પાક્ષિક દ્વારા તેમણે વિભિન્ન વિષયો પર લેખો-નિબંધો લખ્યા હતા. તેમના અભ્યાસ-જ્ઞાનનું ફલક વિસ્તૃત હોવાના કારણે તેમણે ઇતિહાસ-ઐતિહાસિક સ્થળો, પ્રકૃતિ, સાહિત્ય, સામાજિક પ્રશ્નો, પ્રાણીજગત – શિકાર અને શિકારકથાઓ, પ્રવાસ, હાસ્ય-વ્યંગ્ય, શિક્ષણ, વિજ્ઞાન, દંતકથાઓ, જીવનમૂલ્યો, નીતિકથાઓ વગેરે વિષયો પર કલમ ચલાવી હતી.

આ અર્વાચીન સિંધી સાહિત્યકારને કોઈ પણ ભાષા પ્રત્યે સૂગ નહોતી. પોતાનાં લખાણોમાં તળપદી સિંધી ભાષાનો ઉપયોગ કરવાની સાથે તેમણે સંસ્કૃત, ફારસી, અરબી, અંગ્રેજી, હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓના પ્રચલિત શબ્દોનો છૂટથી ઉપયોગ કર્યો હતો. તેમની શૈલી સરળ, સરસ અને સચોટ હતી.

‘દિલબહાર’ (1912), ‘ગુલફૂલ’ (બે ભાગ : 1925, 1936) નામે પુસ્તકોમાં તેમના નિબંધો સંગૃહીત થયા છે. અંગ્રેજોએ સિંધ કબજે કર્યું ત્યારે મિયાણી ખાતે આરંભાયેલા યુદ્ધનો તેમણે આલેખેલ ઇતિહાસ મહત્ત્વનો દસ્તાવેજ બની રહેલ છે. ‘ક્રિસ્ત જી પેરવી’ પુસ્તકમાં તેમણે ખ્રિસ્તી ધર્મનાં આદર્શ તત્ત્વોનો સંદેશો આપ્યો હતો.

તેમણે ‘સિંધી અંગ્રેજી શબ્દકોશ’ (1910) તથા ‘અંગ્રેજી સિંધી શબ્દકોશ’ (1933) પ્રકાશિત કર્યા હતા. સિંધી ભાષા અને સાહિત્યમાં આ બંને શબ્દકોશ સર્વમાન્ય અને અધિકૃત ગણાય છે.

જયંત રેલવાણી