પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ)
February, 1998
પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ) (ઈ. સ.ની દસમી સદી) : અપભ્રંશ ભાષામાં જૈન અધ્યાત્મવિચાર વ્યક્ત કરતી જોઇન્દુ(યોગીન્દુ)ની સબળ કૃતિ. કૃતિમાંથી કર્તા વિશે વિશેષ માહિતી મળતી નથી. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી. ડૉ. એ. એન. ઉપાધ્યે તેમનો સમય ઈ. સ.ની છઠ્ઠી શતાબ્દી માને છે તો રાહુલ સાંકૃત્યાયન દસમી શતાબ્દી. દેવનાગરી અને કન્નડ લિપિમાં આ ગ્રંથની ઘણી હસ્તપ્રતો મળે છે. આ ગ્રંથની બે વાચનાઓમાં મોટી વાચનામાં 345 અને નાની વાચનામાં 233 દોહાઓ છે.
આધ્યાત્મિક ગૂઢવાદનું જૈન ધર્મમાં શું સ્થાન છે તેનો સ્પષ્ટ ખ્યાલ આ કૃતિ દ્વારા મળે છે. બે અધિકારમાં વિભાજિત, 345 દોહા ધરાવતી, પારિભાષિક શબ્દોની ભરમાર વગરની અને સરળ વર્ણન-શૈલીયુક્ત આ કૃતિની ભાષા અપભ્રંશ છે. ‘સંસારમાં રહેતાં રહેતાં અનંતકાળ વીતી ગયો પણ મેં કોઈ સુખ પ્રાપ્ત કર્યું નથી; ઘણું મોટું દુ:ખ જ પામ્યો છું. જીવોનાં ચતુર્ગતિ દુ:ખોનો નાશ કરનાર જે કોઈ પરમાત્મા હોય તેના વિશે આપ કહો. (1/8-10) આ પ્રકારની પોતાના શિષ્ય પ્રભાકર ભટ્ટની પૃચ્છાના પ્રત્યુત્તરમાં પ્રસ્તુત કૃતિનું સર્જન થયું છે. પ્રથમ અધિકારમાં મુખ્યત્વે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા સ્વરૂપનું કથન છે. તેમાં 13 અંતર અધિકારો છે. તેમાં વિકલ પરમાત્મા, સકલ પરમાત્મા, જીવનું સ્વશરીર પ્રમાણ, દ્રવ્ય, ગુણ, પર્યાય, કર્મ, નિશ્ચય, સમ્યગદૃ, મિથ્યાત્વ વગેરે વિષયોની ચર્ચા છે. બીજા અધિકારમાં મોક્ષસ્વરૂપ, મોક્ષફળ, નિશ્ચય અને વ્યવહાર, મોક્ષમાર્ગ, અભેદરત્નત્રયી, સમભાવ, પાપ-પુણ્યની સમાનતા અને શુદ્ધોપયોગના સ્વરૂપની ચર્ચા છે. અંતમાં, પરમ સમાધિનું વર્ણન છે. તેમાં નિર્વિકલ્પ સમાધિ, અરિહંતપદ, પરમાત્મપ્રકાશ, સિદ્ધપદ, પરમાત્મપ્રકાશના આરાધકો અને ફળપ્રાપ્તિ વિશે નિરૂપણ છે.
સુગમ ભાષા, અનેક ઉપમાઓ અને દૃષ્ટાંતોના પ્રયોગથી આ ગ્રંથ સુબોધક બન્યો છે. ઉપમાઓ અને દૃષ્ટાંતોમાં સામાન્ય જીવનની ઘટનાઓ અને એનાં દૃશ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં શાબ્દિક પુનરાવર્તન સપ્રયોજન છે. વિષયોની અસારતા અને ક્ષણભંગુરતા સમજાવતાં કવિ ક્યારેક કામિની, કાંચન અને ગૃહસ્થજીવન પરત્વે કટુતા દર્શાવે છે. વિષયના પ્રતિપાદનમાં ક્યાંય ધાર્મિક સંકીર્ણતા દૃષ્ટિગોચર થતી નથી.
પૂજ્યપાદના સમાધિશતક અને પરમાત્મપ્રકાશમાં ઘનિષ્ઠ સમાનતા જોવા મળે છે. રામસિંહકૃત દોહાપાહુડનો 1/5 ભાગ પરમાત્મપ્રકાશમાંથી લેવાયો છે. આચાર્ય હેમચંદ્રે પોતાના અપભ્રંશ વ્યાકરણમાં આ કૃતિમાંથી ઘણા દોહા ઉદાહરણ સ્વરૂપે આપ્યા છે. પરમાત્મપ્રકાશ પર તેરમી સદીમાં બ્રહ્મદેવે સંસ્કૃત ટીકા લખી છે તે અનુસાર આમાં પાંચ ગાથા ઉપરાંત એક સ્રગ્ધરા, એક માલિની અને એક ચતુષ્પદિકા છંદમાં રચાયેલ પદ્ય છે. બાકીનાં 337 પદ્ય અપભ્રંશ દોહામાં છે. આ ગ્રંથ પર મલધારી બાલચન્દ્રકૃત કન્નડ ટીકા, અન્ય એક અજ્ઞાત-કર્તૃક કન્નડ ટીકા અને પં. દોલતરામકૃત ભાષા-ટીકા મળે છે. ‘પરમપ્પપયાસુ’ ગ્રંથ જૈન મુનિઓમાં ખૂબ પ્રિય છે. આ ગ્રંથના તત્ત્વજ્ઞાન પર બૌદ્ધ અને શૈવ તત્ત્વજ્ઞાનની અસર પણ જોવા મળે છે. આ જ ગ્રંથના મુદ્દાઓની ચર્ચા આ જ લેખકે અપભ્રંશ ભાષામાં લખેલા ‘યોગસાર’ નામના ગ્રંથમાં પણ કરી છે.
સલોની નટવરલાલ જોશી