પરમર્દિદેવ (. .ની 12મી સદી) : બુંદેલખંડના ચંદેલ વંશનો પ્રતાપી રાજા. ઉત્તર-ભારતના પ્રખ્યાત રજપૂત શાસક વંશોમાં બુંદેલખંડના ચંદેલોનું આધિપત્ય હાલના મધ્યપ્રદેશ ઉપર હતું. ચંદેલ વંશનો નોંધપાત્ર રાજા પરમર્દિદેવ કે પરમાલ (ઈ. સ. 1165-1201) મદનવર્માનો પૌત્ર હતો. શરૂઆતના સમયની તેની લશ્કરી પ્રવૃત્તિઓ ઘણી સફળ હતી. તેણે ઈ. સ. 1173 પછી ચૌલુક્યો પાસેથી ભીલસા જીતી લીધું. પૃથ્વીરાજ ચૌહાણે પોતાની સંપૂર્ણ લશ્કરી તાકાતનો ઉપયોગ કરી, ઈ. સ. 1182માં તેને સખત પરાજય આપ્યો. ત્યારબાદ પૃથ્વીરાજે મહોબા અને બુંદેલખંડના બીજા કિલ્લા જીતી લીધા, પરન્તુ પરમર્દીની સત્તા નાબૂદ થઈ શકી નહિ. મુસલમાનોનાં સફળ આક્રમણોને કારણે ઉત્તર ભારતમાં જે રાજકીય પરિવર્તન આવ્યું, તેમાં ભારતની સ્વતંત્રતાના રક્ષણ માટે ઝૂઝનાર તરીકે માત્ર પરમર્દિદેવ રહ્યો હતો.

ઈ. સ. 1202માં શાહબુદ્દીન ઘોરીના સિપેહસાલાર કુત્બુદ્દીન અયબેકે કાલિંજરના કિલ્લાને ઘેરો ઘાલ્યો, ત્યારે તેણે તેનો સખત પ્રતિકાર કર્યો, પરન્તુ પરિસ્થિતિ બદલાઈ ગઈ. ગઢને તે પોતાના કબજામાં રાખી શક્યો નહિ. પરમર્દીએ તુર્કોનું આધિપત્ય સ્વીકારવાનો નિર્ણય કરી મંત્રણા શરૂ કરી. તે દરમિયાન તેનું અવસાન થયું. તે પછી તેના પ્રધાન અજયદેવે સંરક્ષણની જવાબદારી સ્વીકારી, પરન્તુ પાણી-પુરવઠો ખૂટી જવાથી તેણે શરણાગતિ સ્વીકારવી પડી.

જયકુમાર ર. શુક્લ