પન્નગચંપો : વનસ્પતિઓના એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઝિંજીબરેસી (આર્દ્રકાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alpinia zerumbet. (Pers.) Burtt & R. M. Smith syn. A. speciosa (Wendl.) K. Schum. A. natans Rosc. (ગુ., બં. પન્નગચંપા; ત. સીતારુથાઈ; પશ્ચિમ ભારત ચંપા, નાગદમણી; દિલ્હી-ઇલાયચી) છે.

વિતરણ : પન્નગચંપો ચીન, જાપાન, ઇન્ડો-ચાઇના, કંબોડિયા, થાઇલૅન્ડ, તાઇવાન, વિયેટનામ અને મલેશિયાની વતની વનસ્પતિ છે. તેનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે અને બ્રાઝિલ, પેરુ અને દક્ષિણ અમેરિકા સહિત ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધના પ્રદેશોમાં તેનું વિતરણ થયેલું છે. બ્રાઝિલમાં તે ‘કોલોનિયા’ તરીકે અને ઉષ્ણકટિબંધીય અમેરિકામાં તે ‘કોલોની’ તરીકે ઓળખાય છે. ભારતમાં તે પૂર્વ હિમાલયમાં પશ્ચિમ બંગાળની પૂર્વે થાય છે. તેના પર્ણસમૂહ અને સુંદર પુષ્પોને કારણે ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. તેને વાડમાં પણ ઉગાડવામાં આવે છે.

બાહ્ય લક્ષણો : તે સુંદર, સુગંધિત, ગાંઠામૂલીય (rhizomatous), બહુવર્ષાયુ લગભગ 3.0 મી. ઊંચી શાકીય વનસ્પતિ છે. તેની ગાંઠામૂળી તીવ્ર કડવી સુગંધ ધરાવતી ઘેરા નારંગી કે ભૂખરા રંગની હોય છે. પર્ણો સાદાં લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), અરોમિલ (glabrous), ચમકીલાં, લગભગ 60.0 સેમી. લાંબાં, સુગંધિત, લાંબું પર્ણતલવેષ્ટ (sheath) ધરાવતાં, જિહ્વિકા(ligule)યુક્ત અને સફેદ કિનારીવાળાં હોય છે. નિપત્રો (bracts) પર્ણપાતી (deciduous), મોટાં અને દંતૂશળ જેવાં સફેદ અને તેની ટોચ ગુલાબી હોય છે. પુષ્પો સુગંધિત, ગુલાબી કે જાંબલી રેખાવાળાં અને સફેદ હોય છે. ઓષ્ઠક (labellum) લાલ અને પીળો રંગ ધરાવતો બહુવર્ણી (variagated) હોય છે. પુષ્પો લગભગ 30 સેમી. લાંબા લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે અગ્રસ્થ (terminal) ગોઠવાયેલાં હોય છે. તે એક પુંકેસર ધરાવે છે. બીજાશય અધ:સ્થ, ત્રિકોટરીય, અને પરાગવાહિની પરાગાશયની ખાંચમાંથી પસાર થાય છે. ફળ લાલ, ગોળાકાર, 1.2 સેમી. જેટલું લાંબું અને પ્રાવર પ્રકારનું હોય છે. તે 3થી 6 બીજ ધરાવે છે.

રાસાયણિક બંધારણ : ગાંઠામૂળી ડાઇહાઇડ્રૉ-5, 6-ડીહાઇડ્રોકેવેઇન (ગ. બિં. 9697° સે.) અને 5, 6-ડીહાઇડ્રોકેવેઇન (ગ. બિં. 139-140° સે.) ધરાવે છે.  આ સંયોજનો ઉંદરોમાં જઠર અને પક્વાશયમાં થતી વિક્ષતિઓ (lesions) સામે અસરકારક જણાયાં છે. આ ઉપરાંત, ગાંઠામૂળીમાં કાર્ડેમોનિન અને આલ્પિનિયેટિન જેવાં ફીનૉલીય સંયોજનો હોય છે.

વનસ્પતિના બધા ભાગો બાષ્પશીલ તેલ ધરાવે છે. તેના વિવિધ ભાગોમાંથી બાષ્પનિસ્યંદન દ્વારા પ્રાપ્ત થતી બાષ્પશીલ તેલની માત્રા આ પ્રમાણે છે : પર્ણો 0.7-51.0 %, પુષ્પો 0.44 %, પ્રકાંડ 0.06 % અને મૂળ 0.44 %.

હવાઈ (aerial) ભાગોમાંથી પ્રાપ્ત થતા બાષ્પશીલ તેલમાં મોનોટર્પીનૉઇડો 85.7 % જેટલા હોય છે; જેમાં સેબિનીન (27.8 %), 1-8-સિનીઑલ (17.4 %), ટર્પિનેન-4-ઑલ (14.9%), p-સાયમીન (5.2 %), ↑³-ટર્પિનીન (5.1 %), સિસસૅબિનીન હાઇડ્રેટ (1.3 %) અને લિનેલૂલ (3.3 %) મુખ્ય ઘટકો તરીકે અને સાથે ↑²-કૅર્યોફાયલીન (3.9 %) અને કૅર્યોફાયલીન ઑક્સાઇડ (1.3 %) સૅસ્કિવટર્પીનૉઇડો તરીકે ઓળખવામાં આવ્યાં છે.

પર્ણના તેલમાં રહેલાં મુખ્ય બાષ્પશીલ ઘટકો આ પ્રમાણે છે : ટર્પિનીન4ઑલ 29.8 %, 1, 8સિનીઑલ 17.0 %, pસાયમીન 11.1 %, સેબિનીન 4.8 %, અને ϒ-ટર્પિનીન 3.4 %.

પુષ્પના તેલમાં રહેલાં મુખ્ય બાષ્પશીલ ઘટકો આ પ્રમાણે છે : ટર્પિનીન-4-ઑલ 25.1 %, 9-ટર્પિનીન 19.4 %, સેબિનીન 14.2 %, 1, 8-સિનીઑલ 10.8 %, લિનેલૂલ 1.6 % અને કૅર્યોફાયલીન ઑક્સાઇડ 1.0 %.

મૂળ, પ્રકાંડ અને પુષ્પનાં તેલમાં મૉનોટર્પીન હાઇડ્રૉકાર્બનોનો અભાવ હોય છે; પરંતુ તેઓ ટર્પીન આલ્કોહૉલ વિપુલ પ્રમાણમાં ધરાવે છે.

પન્નગચંપાના નિષ્કર્ષોમાંથી રુટિન, આઇસોક્વિર્સેટિન, કૅટેચિન, ઍપિકૅટેચિન, કૅમ્પ્ફેરૉલ, કૅમ્પ્ફેરૉલ-3-O-ગ્લુક્યુરોનાઇડ અને કૅમ્પ્ફેરૉલ-3-O-રુટિનોસાઇડ અલગ તારવવામાં આવ્યાં છે.

બાષ્પનિસ્યંદન દ્વારા પર્ણમાંથી આછા પીળા રંગનું બાષ્પશીલ તેલ (0.02 %) પ્રાપ્ત થાય છે. તેના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : ઘનત્વ(d 21° સે.) 0.0932; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [∝]D+14o 26´, વક્રીભવનાંક, nD19° 1.4858, ઍસિડ આંક 5.0 અને ઍસ્ટર આંક 20. તેલ ∝-પિનીન, β-પિનીન, બોર્નીઑલ, કૅમ્ફર અને સિનીઑલ ધરાવે છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : તે વેદનાહર (analgesic), પ્રતિશોથકારી (anti-inflammatory), હૃદ્-અવસાદક (cardiopressive), સ્મૃતિપોષક (nootropic), સ્નાયુવિશ્રાંતક (myorelaxant), ઉદ્વેષ્ટહર/તાણરોધી (antispa-modic), પ્રતિબિમ્બાણુ (anti-platelet), પ્રતિ-ઉપચાયી (anti-oxidant), પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial) અને જ્વરહર(anti-pyretic) ગુણધર્મો ધરાવે છે.

(1) વેદનાહર અને પ્રતિશોથકારી સક્રિયતા : પન્નગચંપાની ગાંઠામૂળીનું બાષ્પશીલ તેલ પ્રમાણિત ઔષધ, ઇન્ડોમેથાસીન સામે વેદનાહર, જ્વરહર અને પ્રતિશોથકારી સક્રિયતા દર્શાવે છે. આ સક્રિયતા ફ્લેવોનૉઇડોની હાજરીને કારણે હોઈ શકે છે. તેનું બાષ્પશીલ તેલ ઉંદરોમાં ત્રણ જુદાં જુદાં મૂલ્યાંકન દેહાનુસ્થાપન પ્રતિવર્ષ (righting reflex), ઉષ્ણપટ્ટિકા (hot plate) અને ફૉર્મેલિન કસોટી દ્વારા પીડાસંવેદનરોધી(antinociceptive) અસરો સાબિત કરવામાં આવી છે.

(2) હૃદ્અવસાદક સક્રિયતા : ચિકિત્સીય (clinical) અભ્યાસમાં જણાયું છે કે પન્નગચંપો પ્રકંચક (systolic), અનુશિથિલક (diastolic) અને સરેરાશ રુધિર-દાબ ઉપર મંદ નિમ્નીકરણ (lowering) દર્શાવે છે. તેના બાષ્પશીલ તેલમાં રહેલું મુખ્ય ઘટક 1, 8-સિનીઑલ મૂત્રલ (diuretic) અસર દર્શાવે છે.

(3) સ્મૃતિપોષક ગુણધર્મ : પન્નગચંપાનું બાષ્પશીલ તેલ અરેખિત સ્નાયુ જેવી ઉત્તેજનશીલ પેશીઓ ઉપર અત્યંત સક્રિય હોય છે. તે ઉંદરની નિતંબચેતા (sciatic nerve) ઉપર સક્ષમ ક્રિયા કરી શકે છે. પન્નગચંપાના બાષ્પશીલ તેલનો ઉપયોગ કરીને ઉંદરોમાં વર્તણૂક સંબંધી ફેરફારોનું પરીક્ષણ વર્તણૂકસંબંધી અવલોકનો અને ચિંતાનાશક (anxiolytic) જેવી વર્તણૂકોના મૂલ્યાંકન માટે વપરાતી પદ્ધતિ દ્વારા કરવામાં આવતાં પ્રમાણિત ફ્લુએક્સટિન સાથે તુલનીય સક્રિયતા દર્શાવે છે.

(4) સ્નાયુવિશ્રાંતક અને ઉદ્વેષ્ટહર સક્રિયતા : ઍસિટાઇલકોલીન દ્વારા પ્રેરિત-ઉપ-મહત્તમ (sub maximal) સંકોચનો ઉપર પન્નગચંપાનું બાષ્પશીલ તેલ સાંદ્રતા આધારિત પ્રતિરોધક અસર દર્શાવે છે.

(5) પ્રતિબિમ્બાણુ ગુણધર્મ : પન્નગચંપાની ગાંઠામૂળી 5, 6-ડીહાઇડ્રૉકૅવેઇન અને ડાઇહાઇડ્રૉકેવેઇન ધરાવે છે. આ બંને સંયોજનો અસલમાં એરેકિડોનિક ઍસિડ અને કોલેજન પ્રેરિત-બિમ્બાણુઓના સમ્મુચયન અને ATPની મુક્તિનો પ્રતિરોધ કરે છે.

(6) પ્રતિજીવાણુક સક્રિયતા : પન્નગચંપાનું બાષ્પશીલ તેલ Staphylococcus aureus, Mycobacterium smegmatis [બંનેની લઘુતમ પ્રતિરોધક સાંદ્રતા (minimum inhibitory concentration, MIC) – 2 મિગ્રા./મિલી.] અને Escherichia coli (MIC-4 મિગ્રા./મિલી.) સાથે પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે.

(7) ફૂગરોધી (antifungal) ગુણધર્મ : તેલ Candida albicans અને Sclerotinia sclerotiorum સામે ફૂગરોધી સક્રિયતા દાખવે છે.

અન્ય ઔષધગુણવિજ્ઞાનીય સક્રિયતાઓ : સંવર્ધિત માનવ શ્વેતકણોમાં હાઇડ્રૉજન પેરૉક્સાઇડ પ્રેરિત-DNAની હાનિ સામે પન્નગચંપાના બાષ્પશીલ તેલનું વિષવિજ્ઞાનીય (toxicological) મૂલ્યાંકન અને તેની રાસાયણિક સંરક્ષી (chemoprotective) અસરોનો અભ્યાસ થયો છે. પન્નગચંપાના બીજનો ઍસિટોન નિષ્કર્ષ, ગાંઠામૂળી, પ્રકાંડ, પર્ણો, પુષ્પો, ફલાવરણો (pericarps) અને બીજ પ્રતિ-મેદચક્તીજન્ય (antiatherogenic) ગુણધર્મ દર્શાવે છે.

પ્રતિઉપચાયી અને ત્વચાવિજ્ઞાનીય (dermatological) સક્રિયતાઓ : ગાંઠામૂળીનો જલીય નિષ્કર્ષ કોલેજનેઝ, કૅટાલેઝ, હાયલ્યુરોનિડેઝ અને ટાયરોસિનેઝની ઉત્સેચકીય સક્રિયતાઓ સામે પ્રતિરોધક અસરો દર્શાવે છે.

પન્નગચંપાની ગાંઠામૂળીના નિષ્કર્ષની મુક્ત મૂલક અપમાર્જન, કુલપ્રતિ-ઉપચાયી સક્રિયતા, સુપરઑક્સાઇડ અપમાર્જન, કુલ ફીનૉલીય સંયોજનો જેવી પ્રતિ-ઉપચાયી કસોટીઓ કરવામાં આવી હતી. તેની ગાંઠામૂળીમાં કુદરતી પ્રતિ-ઉપચાયકો તરીકે ફીનૉલીય સંયોજનોની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રણાલિકાગત ઉપયોગો : પન્નગચંપો શોભાની વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. તેનો મરીમસાલા, આહારયોગશીલ (additive) અને સુગંધ પ્રક્રિયક (flavouring agent) તરીકે તથા આહાર અને વનસ્પતિ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તેનો પાચક (digestive) તથા બરોળ અને યકૃતના પુદૃષ્ટિકર તરીકે તો ઉપયોગ થાય છે જ, ઉપરાંત દુષ્પચન (dyspepsia), જઠરાર્તિ (gastral-agia), દરિયાઈ બીમારી (sea sickness) અને આંતરડાના અપસામાન્ય દુખાવાઓમાં પણ ઉપયોગી છે. તેનાં પર્ણોનો ખોરાકના પરિવેષ્ટન (packing) માટે, તેની ગાંઠામૂળીનો આહારની બનાવટોમાં અને બીજનો સ્વાસ્થ્યની જાળવણી માટે ઉપયોગ થાય છે. ઉત્તરપૂર્વ બ્રાઝિલમાં તેના ક્વાથનો મૂત્રલ (diuretic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ગાંઠામૂળી આમવાત (rheumatism) અને પ્રતિશ્યાય પીડા (catarrhal affliction) માટે ઉપયોગી છે; ઉપરાંત, ગાંઠામૂળી વ્રણ (ulcar) મટાડવાનો ગુણધર્મ પણ ધરાવે છે.

બ્રાઝિલમાં તેનાં પર્ણોનું બાષ્પશીલ તેલ ઉચ્ચ રક્તદાબ માટે અને હૃદબલ્ય તરીકે વાપરવામાં આવે છે. તેનો ઉપયોગ શ્વસન સંબંધી રોગોમાં અને પીણાંઓ માટે સુગંધ પ્રક્રિયક તરીકે કરવામાં આવે છે. ઉંદરના નાના આંતરડામાં તે સ્નાયુવિશ્રાંતક અને ઉદ્વેષ્ટરોધી તરીકેનો ગુણધર્મ દર્શાવે છે. દુનિયાના બીજા ભાગોમાં પન્નગચંપો સુગંધિત (balsmic), ક્ષુધાપ્રેરક અને શરદી, ફ્લૂ, તાવ, આંતરડાના વિકારો, આધ્માન (flatulence), જઠરની સમસ્યાઓ અને અપચામાં પ્રણાલિકાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. પર્ણો, પુષ્પો અને બીજમાંથી પ્રાપ્ત થતું બાષ્પશીલ તેલ પ્રતિ-ઉપચાયી સક્રિયતા ધરાવે છે.

પન્નગચંપાનાં પર્ણોમાંથી પ્રાપ્ત થતું બાષ્પશીલ તેલ ચેતા-મનોવિકારી (neuropsychiatric) લક્ષણો જેવાં કે સ્ત્રીઓમાં હતાશા, પ્રતિબળ (stress), ચિંતા અને અન્ય દીર્ઘકાલી સમસ્યાઓ જેવી કે પ્રાજનનિક અંત:સ્રાવના અસંતુલન સામે ઉપયોગમાં લેવામાં આવે છે.

લોકઔષધિ તરીકે તેનો ઉપયોગ પ્રતિ-શોથકારી, જીવાણુસ્તંભક અને ફૂગસ્તંભક (fungistatic) ગુણધર્મો માટે થાય છે. પન્નગચંપો પીડાસંવેદનરોધી (antinociceptive), ચિંતાનાશક (anxiolytic) પ્રતિમનોવિક્ષિપ્ત (antipsychotic) અને પ્રતિ-ઉપચાયી સક્રિયતાઓ ધરાવે છે.

તેની ગાંઠામૂળી A. galanga (Linn.) Willd. આદુંની અવેજીમાં વપરાય છે. તે Candida albicansની સામે સક્રિયતા દર્શાવતું બાષ્પશીલ તેલ ધરાવે છે.

ભારતમાં આલ્પિનિયા પ્રજાતિની 12 જેટલી જાતિઓ થાય છે. તેઓ ફળદ્રૂપ ભૂમિમાં અને શીતળ છાંયાવાળી પરિસ્થિતિમાં થાય છે. તેનું પ્રસર્જન પ્રકંદ(root stock)ના ટુકડાઓ દ્વારા કરવામાં આવે છે અને ઉદ્યાનમાં અથવા કૂંડાંઓમાં એક મીટરના અંતરે ઉગાડાય છે. તેને છૂટથી પાણી મળે અને પ્રવાહી ખાતર આપવામાં આવે તો તેની ઝડપથી વૃદ્ધિ થાય છે. તેમનો આકાર જાળવવા અને નીચા રાખવા તેમનું કર્તન (clipping) કરવામાં આવે છે. A. bracteata Roxb., A. calcarata Rosc., A. malaccensis Rosc., A. mutica Roxb., A. nigra Burtt., A. sanderae Sand. અને A. zerumbet Burt & Smith જેવી જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

  1. galanga (Linn.) Willd (ગુ. કુલિંજન; અં. ધ ગ્રેટર ગલૅંગલ) ઇંડોનેશિયાની મૂલનિવાસી જાતિ છે અને ભારતના ઘણા ભાગોમાં કુદરતી રીતે થાય છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં છાયાવાળી પરિસ્થિતિમાં પુષ્કળ પ્રમાણમાં તેનું વાવેતર થાય છે. તે ખૂબ જાણીતું સ્થાનિક ઔષધ ગણાય છે. દક્ષિણ ભારતમાં ઘરગથ્થુ ઉપાય તરીકે તે પુષ્કળ પ્રમાણમાં વપરાય છે.

તેની શુષ્ક ગાંઠામૂળી ‘ગ્રેટર ગલૅંગલ’ (greater galangal) ઔષધ આપે છે. તે 2.5 સેમી.થી 10.0 સેમી. જાડી અને બહારની બાજુએથી રતાશ પડતી બદામી અને અંદરથી આછા નારંગી-બદામી રંગની તથા સખત રેસામય હોય છે અને તેજાના જેવો તીખો સ્વાદ ધરાવે છે. લેસર ગલૅંગલ(A. officinarum)ની સુગંધ અને સ્વાદ મંદ હોય છે. તેની છાલ ઘેરી નારંગી-બદામી હોય છે અને ગાંઠામૂળી નાની હોય છે. A. calcarata, A. conchigera, A. mutica, A. nigra, A. rafflesiana અને A. scabraની ગાંઠામૂળીઓ કેટલીક વાર ‘ગ્રેટર ગલૅંગલ’ની અવેજીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. નીચી ગુણવત્તાવાળું આદું અને વેખંડ(Acorus calamus)ની ગાંઠામૂળી અપમિશ્રક (adulterant) તરીકે વપરાય છે.

તાજી ગાંઠામૂળીનું બાષ્પનિસ્યંદન કરતાં 0.04 % બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે, જે ઉગ્ર અને તીખી વાસ ધરાવે છે. આ તેલમાં મિથાઇલ સિનામેટ (48 %), સિનીઑલ (20 %થી 30 %), કપૂર અને ડી-પિનેન હોય છે. તેમાં હાઇડ્રોઇર્બન(C15H30)ની હાજરી માલૂમ પડી છે. આ તેલ વાતહર (carminative) હોય છે અને માફકસરની માત્રામાં અનૈચ્છિક સ્નાયુઓ ઉપર પ્રતિઉદ્વેષ્ટ(antispasmodic)-પ્રક્રિયા દર્શાવે છે, અને આંતરડાના વધારે પડતા પરિસંકોચી (peristaltic) હલનચલનને અવરોધે છે. તે મધ્યસ્થ ચેતાતંત્ર માટે અવનમક (depressant) તરીકે કાર્ય કરે છે અને પ્રતિઍમ્ફિટેમાઇન [અનુકંપી અનુહારી (sympatho mimetic)] અને મૂત્રલ (diuretic) ગુણધર્મો ધરાવે છે. જઠરાંત્રીય મુશ્કેલીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે જીવાણુનાશક (bactericidal) ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ અત્તર-ઉદ્યોગમાં પણ થાય છે.

તે હૃદય ઉપરનું દબાણ ઘટાડે છે. સંધિવા અને શ્વાસનળીના સોજા ઉપર અને બાળકોની શ્વાસની તકલીફોમાં તે ઉપયોગી છે.

તેનો ઇંડોનેશિયા અને મલેશિયામાં મસાલા તરીકે ઉપયોગ થાય છે. તેનાં ફળ ઇલાયચીની અવેજીમાં વપરાય છે.

બળદેવભાઈ પટેલ

દિનેશ હરસુખરાય મંકોડી

સરોજા કોલાપ્પન