પન્ના : ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો એક જિલ્લો અને શહેર.

જિલ્લો : જિલ્લાનું ક્ષેત્રફળ 7,135 ચોકિમી. અને વસ્તી 10,16,028 (2011) છે. આ જિલ્લાની ઉત્તરમાં ઉત્તરપ્રદેશનો બાંદા જિલ્લો, પૂર્વમાં સતના જિલ્લો, અગ્નિમાં કટની, દક્ષિણમાં કટની, નૈર્ઋત્ય અને પશ્ચિમે દમોહ અને વાયવ્યમાં છતરપુર આવેલાં છે. આ જિલ્લાની રચના 1948માં જૂનાં રજવાડાં પન્ના અને અજયગઢના પ્રદેશોને જોડીને કરાયેલી છે. આ જિલ્લામાં વિંધ્ય પર્વતમાળાની પન્નાશ્રેણીનો વિસ્તાર આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ડુંગરાળ છે. કેન અહીંની મુખ્ય નદી છે. અહીંની આબોહવા પ્રમાણમાં ગરમ હોવા છતાં સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. સરાસરી વરસાદનું પ્રમાણ 1000 મિમી. જેટલું રહે છે. આ જિલ્લામાં મુખ્ય ધાન્યપાકોમાં ઘઉં, ડાંગર અને જુવાર; જ્યારે રોકડિયા પાકોમાં કપાસ, તેલીબિયાં અને સોયાબીન છે.

‘પન્ના’ નામ ત્યાંથી મળી આવતાં એ પ્રકારનાં રત્નો પરથી પડેલું છે; 17મી સદીથી ત્યાં રત્નોનું ખાણકાર્ય થતું આવ્યું છે. ભારતભરમાં પન્નાના ઉત્પાદન માટેનું આ એકમાત્ર સ્થળ છે; જોકે હવે તેનું ઉત્પાદન પ્રમાણમાં ઘટી ગયું છે.

શહેર : પન્ના જિલ્લાનું વહીવટી મથક અને પ્રમુખ નગર. સ્થાન : 24° 43´ ઉ. અ. અને 80° 12´  પૂ. રે.. તે નૌગાંવથી સતના માર્ગ પર આવેલું છે. આ શહેરથી છતરપુર 67 કિમી., નૌગાંવ 43 કિમી., અને સતના 70 કિમી.ને અંતરે આવેલાં છે. સમુદ્રસપાટીથી તે 240 મીટરની ઊંચાઈ પર અને આજુબાજુના પહાડોથી 90 મીટર નીચે ખીણમાં વસેલું છે. પન્નામાં પહેલાં ગોંડ લોકોની વસ્તી વધુ હતી, પરંતુ 13મી અને 14મી શતાબ્દીમાં રેવામાં વસતા બધેલ લોકોનું નિવાસસ્થાન બન્યું. 1675માં બુંદેલખંડના રાજા છત્રસાલે તેને પાટનગર બનાવ્યું ત્યારથી તેનું મહત્ત્વ વધ્યું છે.

આ શહેર જિલ્લાનું વેપારવણજનું મુખ્ય કેન્દ્ર છે. ખેતીની પેદાશો, લાકડું અને કાપડ માટેનું જિલ્લાનું મથક છે અને હાથસાળ વણાટનો ઉદ્યોગ વિકસ્યો છે. અહીં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં મંદિરો પૈકી હિન્દુ-મુસ્લિમ-ઐક્ય માટે 1795માં બંધાવેલ આરસના ગુંબજવાળું સ્વામી પ્રાણનાથનું મંદિર અને રાજા રુદ્રપ્રતાપે બંધાવેલ શ્રી બલદેવજીનું મંદિર મુખ્ય છે. 1921માં અહીં મ્યુનિસિપાલિટીની રચના કરવામાં આવેલી. પન્નામાં અવધેશ પ્રતાપસિંહ યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો આવેલી છે.

ગિરીશ ભટ્ટ