પનોતી : જ્યોતિષશાસ્ત્ર મુજબ ખરાબ ગ્રહદશા. પનોતીનો મૂળ સિદ્ધાંત શનિ-ચંદ્રના રાશિપ્રવેશ અને પરિભ્રમણ ઉપર રહેલો છે. જાતકની જન્મરાશિથી શનિ જ્યારે 12મી રાશિમાં આવે ત્યારે તે રાશિના જાતકના જીવનમાં મોટી ‘પનોતી’ બેઠી એમ કહેવાય છે. આ મોટી પનોતીનો સામાન્ય સમય સાડાસાત વર્ષનો ગણવામાં આવે છે. તેના ત્રણ તબક્કા પાડવામાં આવે છે. પ્રથમ અઢી વર્ષનો તબક્કો શરૂ થતાં તેને પનોતી માથા ઉપર બેઠી ગણાય, ત્યારબાદ તે શનિ જન્મની રાશિમાં પ્રવેશે, ત્યારે તેનો બીજો અઢી વર્ષનો તબક્કો શરૂ થાય. તે સમયે પનોતી છાતી ઉપર બેઠી કહેવાય. ત્યારબાદ તે શનિ જન્મથી બીજી રાશિમાં પ્રવેશે તે તબક્કો પણ અઢી વર્ષ ચાલે ત્યારે પનોતી પગ ઉપર બેઠી કહેવાય.

જન્મની રાશિથી શનિ ચોથે, કે આઠમે પ્રવેશે તે સમયને અઢી વર્ષની નાની પનોતી ગણવામાં આવે છે. પનોતી જે દિવસે શરૂ થાય તે દિવસે જન્મની રાશિથી બીજે, પાંચમે અથવા નવમે ગોચરનો ચંદ્ર હોય ત્યારે તે ચાંદી(રૂપા)ના પાયે; ચંદ્ર ત્રીજે, સાતમે કે દસમે હોય ત્યારે તાંબાના પાયે અને ચંદ્ર ચોથે, આઠમે કે બારમે હોય તો લોઢાના પાયે બેઠી કહેવાય. આ ત્રણ પ્રકારની નાની એટલે કે અઢી વર્ષની પનોતી હોય છે. ચાંદી કે રૂપાના પાયે બેઠેલી પનોતીનો સમય લક્ષ્મી અને સુખ આપે, તાંબાના પાયે બેઠેલી પનોતીનો સમય પણ સુખ, શાંતિ અને ધન આપે છે. લોખંડના પાયે બેઠેલી પનોતીનો સમય કષ્ટદાયક હોય છે.

એક બીજી પદ્ધતિ ચંદ્રને બદલે સૂર્યથી પનોતી ગણવાની છે, જે પ્રચલિત નથી. જન્મના ગ્રહોમાં જો શનિ-ચંદ્ર બળવાન અને એકબીજાથી શુભ યોગમાં હોય તો પનોતીનું અશુભ ફળ હળવું બને છે.

જન્મનો શનિ જો ઉચ્ચનો હોય, તેના અંશાદિ સારા હોય, સ્વગૃહી હોય, મિત્રક્ષેત્રી અને માર્ગી હોય તો પનોતીના સમયગાળા દરમિયાન શુભ ફળ દાતા બને છે, તેનાથી વિરુદ્ધ પરિસ્થિતિમાં અશુભ ફળ આપે છે.

જન્મના ગ્રહોમાં જો શનિ-ચંદ્રનો વિષયોગ થયો હોય તો તે સમય દરમિયાન અશુભ ફળ આપે છે. અલબત્ત, તેનો આધાર જન્માક્ષરમાં કયા સ્થાનમાં તે યોગ થયો છે તે પર નિર્ભર હોય છે.

જાતકના જીવનમાં પનોતી એકથી વધુ વાર આવે છે. પ્રત્યેક સમયે સારું કે ખરાબ એમ એકસરખું ફળ નથી મળતું. તે તે સમયના અન્ય ગ્રહોનાં ગોચર, દશા, મહાદશા વગેરેનો આધાર લઈ, શુભ-અશુભ ફળ કહેવાનું રહે છે.

બટુક દલીચા