પથરી, પિત્તજ (gall stones)

February, 1998

પથરી, પિત્તજ (gall stones)

પિત્તમાર્ગમાં ખાસ કરીને પિત્તાશય(gall bladder)માં બનતી પથરીઓનો રોગ. ખોરાકમાંના ઘી, તેલ અને ચરબીને પચાવવાનું કાર્ય પિત્ત કરે છે. તે યકૃત(liver)માં બને છે અને પિત્તમાર્ગની નળીઓ દ્વારા પિત્તાશયમાં સંગ્રહાય છે તથા સાંદ્રિત (concentrated) થાય છે. જો પિત્તાશયમાંનું પિત્ત (bile) કૉલેસ્ટીરોલ અને કૅલ્શિયમથી અતિસંતૃપ્ત (supersaturated) થાય તો તેઓ અલગ પડીને ઠરે છે. તેઓ ઠરીને એક નિકેન્દ્ર (nidus) બનાવે છે અને તેના પર વધુ અને વધુ સ્ફટિકો (crystals) જમા થાય છે. આ બધું પિત્તાશયની અંદરની દીવાલ પરના શ્લેષ્મ(mucin)ના સ્તરમાં બને છે. જ્યારે આ સ્ફટિકો એકબીજા સાથે ચોંટીને જોડાઈ જાય છે ત્યારે પથરી બને છે. ક્યારેક પિત્તાશય પૂરેપૂરું ખાલી ન થઈ શકે તેવા વિકારો થયા હોય ત્યારે પણ પથરી બને છે. પિત્તજ પથરીથી થતા રોગને પિત્તાશ્મરિતા (cholelithiasis) કહે છે.

પથરીના 3 પ્રકાર છે : મોટે ભાગે મિશ્ર (90 %), કૉલેસ્ટીરોલ પથરી (8 %) અને કૅલ્શિયમ (રંજક દ્રવ્ય, pigment) પથરી (2 %). કૉલેસ્ટીરોલ પથરી પીળી છીંકણી રંગની હોય છે અને તે થોડા મિમી.થી 2થી 3 સેમી. જેટલી હોય છે. તેમનું 50 %થી  90 % જેટલું પાણી વગરનું દ્રવ્ય કૉલેસ્ટીરોલ મૉનોહાઇડ્રેટના સ્ફટિકોથી બનેલું હોય છે. સામાન્ય રીતે કૉલેસ્ટીરોલ અને લેસિથિન પિત્તમાંના ક્ષારોમાં સંપૂર્ણપણે ઓગળે છે, પરંતુ જ્યારે પિત્ત કૉલેસ્ટીરોલથી અતિસાંદ્રિત થયું હોય ત્યારે તેના મોટા બહુપડળીય (multilamellar) પ્રવાહી સ્ફટિકો બને છે જે એકબીજા સાથે જોડાય છે, જેમાંથી ચકતી જેવા (platelike) કૉલેસ્ટીરોલ મૉનોહાઇડ્રેટના સ્ફટિકોનું અવક્ષેપન (precipitation) થાય છે. આમ પિત્તજ પથરી થવાનાં બે મુખ્ય કારણો હોય છે : (1) કૉલેસ્ટીરોલનું વધેલું પ્રમાણ અથવા (2) પિત્તક્ષારો(bile salts)નું ઘટેલું પ્રમાણ. પિત્તનું PH મૂલ્ય બદલાય ત્યારે પણ તેમાંનાં દ્રવ્યોનું અવક્ષેપન થાય છે.

આકૃતિ 1 : પિત્તાશયમાંથી મળતી પથરીઓ : (1) કૃત્રિમ મોતી જેની સાથે બીજી પથરીઓને સરખાવી શકાય

કૉલેસ્ટીરોલ પથરી ફક્ત કૉલેસ્ટીરોલના સ્ફટિકોની બનેલી હોય છે, જ્યારે રંજકદ્રવ્ય પથરી ફક્ત કૅલ્શિયમ બિલીરુનેટની બનેલી હોય છે. મિશ્ર પથરી આ બંને દ્રવ્યો ઉપરાંત કૅલ્શિયમના અન્ય ક્ષારો-ફૉસ્ફેટ, કાર્બોનેટ તથા પામિનેટ અને વિવિધ પ્રોટીનની બનેલી હોય છે. મિશ્ર પથરીઓ ઘણી હોય છે. તે પાસાદાર પણ હોય છે. રંજક પથરીઓ વિપુલ સંખ્યામાં જોવા મળે છે અને તે નાની કાળી અને કઠણ હોય છે. તે કોરલ જેવી દેખાય છે. કેટલીક રંજક દ્રવ્ય પથરીઓની નાની અશ્મરીકણિકાઓ (concretions) હોય છે અને તે રગડો (sludge) બનાવે છે.

કારણવિદ્યા (aetiology) : કૉલેસ્ટીરોલ કે મિશ્ર પથરી થવાનાં વિવિધ કારણો છે. તેમને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે : ચયાપચયી (metabolic), ચેપલક્ષી (infective) અને પિત્તસ્થાપિતા (bile stasis). કૉલેસ્ટીરોલ પાણીમાં અદ્રાવ્ય છે માટે તેને પિત્તક્ષારો અને ફૉસ્ફોલાઇપીડ્સ પાણીમાં સૂક્ષ્મકલિલ-કણિકા(micelle) રૂપે રાખે છે. સૂક્ષ્મકલિલ-કણિકા ગોળા જેવા આકારની હોય છે. તેના મધ્યભાગમાં કૉલેસ્ટીરોલનું બિન્દુ હોય છે અને તેની આસપાસ પિત્ત-ઍસિડના ડ્રમની દાંડી જેવા અણુઓ હોય છે. તેની જલ-અપાગમી (hydrophobic) પાતળી દાંડી તેના મધ્યભાગ તરફ કૉલેસ્ટીરોલના બિન્દુને જાળવી રાખે છે અને તેનો કંદુક જેવો ભાગ બહારની બાજુએ હોય છે, જે જલસમાગમી (hydrophilic) હોવાથી પિત્તમાં ભળીને રહે છે. આ જ રીતે સાબુ તથા ક્ષાલકો (detergents) તૈલી ડાઘને પાણીમાં ઓગાળીને દૂર કરે છે. માટે પિત્ત-ઍસિડની કૉલેસ્ટીરોલને પિત્તમાં ભેળવવાની ક્રિયાને ક્ષાલનક્રિયા (detergent action) કહે છે. જ્યારે કૉલેસ્ટીરોલનું પ્રમાણ પિત્ત-ઍસિડ તથા પિત્તક્ષારોથી વધુ હોય ત્યારે બધા જ કૉલેસ્ટીરોલને આ રીતે સૂક્ષ્મકલિલ-કણિકાઓમાં જાળવી રાખવાનું શક્ય થતું નથી. તેથી તે ઠરીને કૉલેસ્ટીરોલના સ્ફટિકો બનાવે છે, જે જોડાઈને પથરી સર્જે છે. આવા પિત્તને અતિસાંદ્રિત અથવા અશ્મરીજનક (lithogenic) પિત્ત કહે છે. વધતી જતી ઉંમર તથા ઇસ્ટ્રોજન પિત્તમાં કૉલેસ્ટીરોલનું પ્રમાણ વધારે છે. તેથી તે ગર્ભધારણશીલ સ્ત્રીઓમાં કે ગર્ભનિરોધ માટેની દવા લેતી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. શરીરમાં ચરબી વધુ હોય તેવી સ્થિતિને મેદસ્વિતા (obesity) કહે છે. તેમાં પણ કૉલેસ્ટીરોલ વધુ થાય છે. ક્લોફિબ્રેટ અને જેમ્ફ્રિબ્રીઝોલ જેવી કૉલેસ્ટીરોલ ઘટાડતી દવાઓ ખરેખર તો પિત્તમાં કૉલેસ્ટીરોલનું અધિસ્રવણ (secretion) કરાવીને કૉલેસ્ટીરોલ પથરીનું પ્રમાણ વધારે છે. જોકે કેટલીક વ્યક્તિઓના પિત્તમાં કૉલેસ્ટીરોલની અતિસાંદ્રિતા હોવા છતાં પથરી થતી નથી. તે માટે અન્ય કારણો મહત્ત્વનાં હોય છે.

ચેપને કારણે પથરી થવાનું સંપૂર્ણપણે સ્પષ્ટ થયેલું નથી. સામાન્ય રીતે પથરીવાળા પિત્તાશયમાંનું પિત્ત જીવાણુરહિત (sterile) હોય છે. જોકે પથરીના મધ્યભાગમાં જીવાણુઓ ક્યારેક હોય છે અને તેનું સંવર્ધન (culture) પણ કરી શકાય છે. ક્યારેક જીવાણુઓને રોકવા માટે તેમની આસપાસ શ્લેષ્મનું આવરણ બની ગયું હોય એમ કેટલીક પથરીના મધ્યભાગમાં શ્લેષ્મયુક્ત એક્સ-રે-પારદર્શી પદાર્થ હોય છે. તેથી મોહિયાને પથરીને જીવાણુઓની કબરના શિલાસ્તંભ (tombstone) તરીકે વર્ણવી હતી.

ઇસ્ટ્રોજનનું વધેલું પ્રમાણ, સગર્ભાવસ્થા તથા બહુવિસ્તારી ચેતા(vagus nerve)ને કાપી હોય તેવી સ્થિતિ  આ ત્રણમાં  પિત્તાશયનાં સંકોચનો ઘટે છે. તેથી પિત્તસ્થાયિતા (bile stasis) થાય છે. આ બધી જ સ્થિતિઓમાં પિત્તજ પથરીનું પ્રમાણ પણ વધે છે. જેમને મોંને બદલે લાંબા સમય સુધી નસ વાટે આહાર અપાતો હોય તેમનામાં પણ પિત્તાશયનાં સંકોચનો થતાં નથી. તેને કારણે તેમનામાં પણ પિત્તજ પથરીનું પ્રમાણ વધે છે.

રંજકદ્રવ્યવાળી પથરી થવાનું મુખ્ય કારણ રક્તકોષોનું તૂટવું છે. રક્તકોષો તૂટે ત્યારે હીમોગ્લોબિનમાંથી બિલીરુબિન નામનું રંજકદ્રવ્ય બને છે. મલેરિયામાં લોહીના રક્તકોષો તૂટે છે. વારંવાર થતો મલેરિયાનો રોગ રંજકદ્રવ્ય-પથરી કરે છે. તેવી જ રીતે હૃદયના કૃત્રિમ વાલ્વ સાથે અથડાવાથી કે રક્તકોષોના જન્મજાત વિકારોમાં રક્તકોષો સતત તૂટતા રહે છે, તેથી પણ બિલીરુબિનનું પ્રમાણ વધે છે અને તેથી રંજકદ્રવ્ય-પથરીઓ થાય છે. વારસાગત કંદુકરક્તકોષિતા (hereditary spherocytosis), દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia), ભૂમધ્યસમુદ્રી પાંડુતા (thalassaemia) વગેરે વિવિધ જન્મજાત રક્તકોષલયી (haemolytic) રોગો છે, જેમાં રક્તકોષોનું સતત ભંજન થતું રહે છે. પિત્તમાર્ગની નળીઓમાં અવરોધ થાય (દા.ત., કૅન્સરની ગાંઠ કે રજ્જુકૃમિ) તોપણ રંજકદ્રવ્ય-પથરીઓ થાય છે. આવા સમયે ઈ. કોલી જીવાણુઓનો ચેપ લાગે છે જે બિલીરુબિનને અદ્રાવ્ય રંજકદ્રવ્ય(pigment)માં ફેરવે છે. આવી સ્થિતિમાં રંજકદ્રવ્ય-પથરીઓ યકૃતની અંદરની પિત્તની લઘુનલિકાઓથી માંડીને સામાન્ય પિત્તનળી (common bile duct) સુધી બધે જ જોવા મળે છે.

લક્ષણો, ચિહ્નો અને નિદાન : મોટા ભાગના કિસ્સામાં પિત્તજ પથરી કોઈ તકલીફ કરતી નથી. તેમને શાંત પથરી (silent stone) કહે છે. તેમને કોઈ ખાસ સારવારની જરૂર ગણાતી નથી. એમ મનાય છે કે મોટી ઉંમરની 30 %થી વધુ સ્ત્રીઓના શરીરમાં પિત્તજ પથરી હોય છે, જેમાંથી ફકત 2 ભાગની સ્ત્રીઓમાં તેનાં લક્ષણો (symptoms) જોવા મળે છે. સામાન્ય રીતે જાડી, બાળકોવાળી, અને વાયુપ્રકોપની તકલીફની ફરિયાદ કરતી 50 વર્ષની સ્ત્રી(fat, fertile and flatulant  female of fifty)ને પિત્તજ પથરીની બીમારી હોય છે. જોકે પિત્તજ પથરી સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં થાય છે અને તે યુવાનવયે પણ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં આ પથરીનો ઉપદ્રવ ઓછો છે, પરંતુ ઉત્તર ભારતમાં પિત્તજ પથરી વધારે થાય છે. ક્યારેક પિત્તજ પથરીના દર્દીઓમાં થતી તકલીફ જેવી જ તકલીફો કરતા બીજા બે વિકારો પણ થાય છે, જે પણ અરુચિ અને જમ્યા પછીના અપચાનાં લક્ષણો ઉત્પન્ન કરે છે. એ છે : (1) મોટા આંતરડામાં અંધનાલિતા (diverticulosis of colon), જેમાં મોટા આંતરડાની દીવાલમાં નાના ફુગ્ગા જેવા પ્રવર્ધો (projections) બહારની તરફ નીકળે છે. તેમાં મળ અને જીવાણુ ભરાઈ રહે છે તથા (2) ઉરોદરપટલમાં છિદ્ર-સારણગાંઠ (hiatus hernia), જેમાં ઉરોદરપટલમાં કાણું હોય તો તેમાંથી જઠર અને ક્યારેક આંતરડું છાતીમાં ઉપરની તરફ સરકે છે.

પિત્તજ પથરીનું નિદાન અલ્ટ્રાસૉનોગ્રાફી (અશ્રાવ્ય ધ્વનિચિત્રણ) વડે થાય છે. તેમાં સામાન્ય પિત્તનળી પહોળી થયેલી છે કે નહિ, પિત્તાશય મોટું થયેલું છે કે નહિ તથા યકૃતમાંની પિત્તનલિકાઓ પહોળી થયેલી છે કે નહિ તે જાણીને અવરોધના અસ્તિત્વ તથા સ્થાન વિશે જાણકારી મેળવાય છે. 8 મિમી.થી વધુ પહોળી સામાન્ય પિત્તનળી હોય તો તેમાં અવરોધ સૂચવે છે.

પિત્તજ પથરીને કારણે કેટલીક આનુષંગિક તકલીફો (complications) થાય છે (જુઓ સારણી).

પિત્તજ પથરીથી થતી આનુષંગિક તકલીફો

પથરીનું સ્થાન             આનુષંગિક વિકાર
1. પિત્તાશય અ. લાંબા ગાળાનો પિત્તાશયશોથ (cholecystitis)
આ. ટૂંકા ગાળાનો (ઉગ્ર) પિત્તાશયશોથ
– પેશીનાશ (gangrene)
– પારછિદ્રણ (perforation)
– સપૂયતા (empyema)
ઇ. શ્લેષ્મકોષ્ઠ (mucocoele)
ઈ. કૅન્સર
2. પિત્તની નળીઓ અ. અવરોધજન્ય (obstructive) કમળો
આ. પિત્તનલિકાશોથ (cholangitis)
ઇ. ઉગ્ર સ્વાદુપિંડશોથ (pancreatitis)
3. નાનું આંતરડું અ. ઉગ્ર આંત્રીય અવરોધ (intestinal obstruction)

દીર્ઘકાલી પથરીજન્ય પિત્તાશયશોથ(cholecystitis) : પિત્તજ પથરીવાળા પિત્તાશયની દીવાલ જાડી હોય છે. તેમાંના પિત્તમાંથી 80 % કિસ્સામાં જીવાણુઓનું સંવર્ધન કરી શકાય છે. બાકીના કિસ્સાઓમાં રાસાયણિક ક્ષોભનને કારણે શોથ(inflammation)પ્રક્રિયા થાય છે. ઘણી વખત તેમાં કોઈ લક્ષણો કે ચિહ્નો થતાં નથી. ક્યારેક  પિત્તાશયની ગ્રીવા(neck)માં પથરી ભરાઈ જાય ત્યારે આવાં ચિહ્નો દેખાય છે : પેટના જમણા ઉપલા ભાગમાં ચૂંક જેવો દુખાવો થાય છે. સામાન્ય રીતે ચરબીવાળો ખોરાક દુખાવો શરૂ કરે છે. તે સમયે પેટના જમણા ઉપલા અને પાંસળીની નીચેના ભાગને અડતાં દુખાવો થાય છે. તેને સ્પર્શવેદના (tenderness) કહે છે. દર્દીને પાંસળીના નીચલા ભાગમાં સહેજ દબાવી રાખીને ઊંડો શ્વાસ લેવાનું કહેવામાં આવે તો તે દુખાવાને કારણે અટકી જાય છે. તેને મર્ફીનું ચિહ્ન કહે છે. 1903માં બર્નાર્ડ નોનિમે પણ તે ચિહ્ન વર્ણવ્યું હતું. જો લોહીના શ્વેતકોષો વધે અને તાવ આવ્યો હોય અથવા દુખાવો 12 કલાકથી વધુ રહે તો ઉગ્ર પિત્તાશયશોથનો વિકાર થયેલો ગણાય છે. જમ્યા પછી પેટમાં ભાર લાગે, છાતીની પાછળ બળતરા થાય કે ઓડકાર આવ્યા કરે તો તેને વાયુપ્રકોપી અપચો (flatulant dyspepsia) કહે છે. સામાન્ય રીતે ભારે ચરબીયુક્ત તૈલી કે ઘીવાળા ખોરાક પછી તે ખાસ થાય છે. કેટલાક દર્દીઓમાં પિત્તાશય કાઢી નાખવાથી આ તકલીફ દૂર થાય છે; પરંતુ તે ઘણા બીજા રોગોમાં પણ થતી તકલીફ છે; માટે પિત્તાશય દૂર કરવાની શસ્ત્રક્રિયા કરતા પહેલાં તે રોગોના હોવા  ન હોવાની જાણકારી મેળવવી જરૂરી છે; કેમ કે તેવી સ્થિતિમાં પિત્તાશય દૂર કર્યા પછી પણ તકલીફ યથાવત્ રહે છે. આ રોગોમાં ઉરોદરપટલની છિદ્રસારણગાંઠ, પેપ્ટિક વ્રણ (peptic ulcer) અને સ્વાદુપિંડશોથ(pancreatitis)નો સમાવેશ થાય છે.

સારવાર રૂપે પીડાનાશકો આપીને પિત્તજ ચૂંક(biliary colic)નું શૂળ ઘટાડાય છે. તે માટે જરૂર પડ્યે મૉર્ફિન અને હાયોસિન બંને અપાય છે. ડાઇક્લોફેન સોડિયમ પણ દુખાવો મટાડતી અગત્યની દવા છે. ઊલટી રોકતી દવા તથા ઓછા તેલ/ઘીવાળો ખોરાક સૂચવાય છે. યોગ્ય સમયે પિત્તાશયને શસ્ત્રક્રિયા કરીને કાઢી નંખાય છે. તેને પિત્તાશય-ઉચ્છેદન (cholecystectomy) કહે છે. પિત્તજ પથરીઓને પિત્તાશયમાંથી કાણું પાડીને બહાર કાઢી નાખવાની કે તેને ઓગાળવાની પદ્ધતિઓ હાલ અજમાવાતી નથી.

આકૃતિ 2 : પિત્તમાં કૉલેસ્ટીરોલને ભેળવવાની પ્રક્રિયા રૂપે બનતી સૂક્ષ્મકલિલ- કણિકા. તેના મધ્યભાગમાં કૉલેસ્ટીરોલ (તૈલી પદાર્થવાળો તૈલી પ્રદેશ) હોય છે, જ્યારે બહાર પાણીવાળું પિત્ત (જલીય પ્રદેશ) હોય છે. ડ્રમદાંડી જેવો પિત્તક્ષાર જેનો દાંડીભાગ તૈલસમાગમી (lipophilic) અથવા જલ-અપાગમી (hydrophobic) છે. તે તૈલી કૉલેસ્ટીરોલના બિંદુને જાળવે છે અને બહારનો કંદુક જેવો જલસમાગમી (hydrophilic) ભાગ પિત્તના પાણી સાથે મળી જાય છે.

ઉગ્ર પથરીજન્ય પિત્તાશયશોથ : મોટા ભાગના કિસ્સામાં દર્દીને દીર્ઘકાલીન પિત્તાશયશોથ હોય છે અને 95 % કિસ્સામાં પિત્તાશયની ડોક(ગ્રીવા)માં આવેલી હાર્ટમેનની કોથળીમાં કે પિત્તાશયનળી(cystic duct)માં પથરી ફસાયેલી હોય છે. દર્દીને 101o Fથી વધુ તાવ આવે છે. લોહીમાં શ્વેતકોષો વધે છે અને પેટના ઉપલા જમણા ભાગમાં દુખાવો થાય છે. તે સ્થળે અડવાથી સ્પર્શવેદના થાય છે. ત્યાંના સ્નાયુઓ અક્કડ થઈ જાય છે. ક્યારેક પિત્તાશય ફૂલેલું હોવાનું સ્પર્શથી નોંધી શકાય છે. જમણી બાજુ, સાતમીથી અગિયારમી પાંસળીઓના પાછલા છેડા પાસે અતિસંવેદના થાય છે. તેને બોઆસનું ચિહ્ન કહે છે. સામાન્ય રીતે ઈ.કોલી, ક્લેબિસીએલા કે સ્ટ્રોટોકોકસ ફિકાલિસ નામના જીવાણુઓનો ચેપ લાગેલો હોય છે. બૅક્ટેરૉઇડ્ઝ જેવા અજારક જીવાણુઓ કે વાતોત્પાદક (gas-forming) ક્લૉસ્ટ્રિડિયા પ્રકારના જીવાણુઓ ક્યારેક જ ચેપ કરે છે. વાયુ ઉત્પન્ન કરતા વાતોત્પાદક જીવાણુના ચેપમાં પિત્તાશયમાં વાયુ ભરાય છે. ક્યારેક ટાઇફૉઈડના જીવાણુનો ચેપ લાગે છે. તેમાં ક્યારેક પિત્તાશયમાં કાણું પડી જાય છે. તે ઘણો સંકટકારી ચેપ ગણાય છે. જ્યારે પિત્તાશયની ડોક કે નળીમાં પથરી ફસાઈ હોય ત્યારે પિત્તાશયમાં શ્લેષ્મ (mucous) જમા થાય છે, તેથી તેવા પિત્તાશયને શ્લેષ્મકોષ્ઠ (mucocoele) કહે છે. જો ફૂલેલા પિત્તાશયની ડોકમાંથી પથરી પાછી પિત્તાશયમાં ખસી જાય તો શ્લેષ્મ આંતરડામાં  વહી જાય છે. ક્યારેક પિત્તાશયમાં જમા થયેલા શ્લેષ્મમાં ચેપને કારણે પરુ બને છે. પરુ ભરેલા કોથળી જેવા પિત્તાશયને પૂયકોષ્ઠ (pyocoele) અથવા પિત્તાશયી સપૂયતા (empyema of gall bladder) કહે છે. ક્યારેક ફૂલેલી અને શોથને કારણે સૂજેલી દીવાલવાળા પિત્તાશયમાં કાણું પડે છે. દીર્ઘકાલીન પિત્તાશયશોથમાં દીવાલ જાડી થઈ ગયેલી હોવાથી તેમાં છિદ્ર પડતું નથી. જ્યારે છિદ્ર પડે ત્યારે તે સામાન્ય રીતે તેના ફૂલેલા ઘુમ્મટ જેવા અંતસ્તલ (fundus)માં જોવા મળે છે, કેમ કે તે સ્થળે લોહીનો પુરવઠો સૌથી ઓછો હોય છે. ક્યારેક ડોકમાં ફસાયેલી પથરીને કારણે ઘસારાથી કોષનાશ (necrosis) થાય છે અને તેથી ડોકમાં પણ ક્યારેક છિદ્ર પડે છે. પાસેનું ઉદરાગ્રપટલ (omentum) અને પરિતનકલાનો પરિઘીય ભાગ (parietal peritoneum) છિદ્રની આસપાસ ચોંટીને પરુનો ફેલાવો અટકાવે છે. તેથી ત્યાં ગૂમડું થઈ જાય છે. 0.5 % કિસ્સામાં ચેપ પરિતનગુહા (peritoneal cavity) નામના પેટના પોલાણમાં ફેલાય છે. તે સમયે પિત્તજ પરિતનશોથ(biliary peritonitis)નો વિકાર થાય છે, જેમાં મૃત્યુદર 50 % જેટલો થવા જાય છે.

આકૃતિ 3 : ઉદરનિરીક્ષા (laparoscopy) દ્વારા પિત્તાશય કાઢવાની શસ્ત્રક્રિયા. (અ) શસ્ત્રક્રિયા ખંડ, (આ) દર્દીના પેટ પર 4 છિદ્રો પાડીને સાધનોને પેટમાં પ્રવેશ અપાય છે, (ઇ) ડૂંટી પાસેના છિદ્રમાંથી પિત્તાશય કાઢીને તેમાંથી પથરીઓ પહેલી દૂર કરાય છે.

ઉગ્ર પિત્તાશયશોથને ઍપેન્ડિસાઇટિસ, સ્વાદુપિંડશોથ (pancreatitis) તથા પેપ્ટિક વર્ણમાંના છિદ્રણથી અલગ પાડવો પડે છે. સામાન્ય રીતે સારવાર બે તબક્કામાં વહેંચાય છે : બિનશસ્ત્રક્રિયાવાળી સારવાર અને શસ્ત્રક્રિયાવાળી સારવાર. બિનશસ્ત્રક્રિયાવાળી સારવાર(conservative therapy)માં નાકજઠરી નળી (nasogastric tube) નાંખવામાં આવે છે. મોં વાટે ખોરાક બંધ કરાય છે, નસ વાટે પાણી અને ક્ષાર અપાય છે તથા પીડાનાશક તેમજ ઍન્ટિબાયૉટિક દવાઓ અપાય છે. સામાન્ય રીતે સિફેલોસ્પિરિન અને એમાયનોગ્લાયકોસાઇડ જૂથની ઍન્ટિબાયૉટિક અપાય છે. કેટલાક અતિતીવ્ર કિસ્સાઓમાં ત્રીજી પેઢીની સિફેલોસ્પોરિન કે નવી પેનિસિલન જૂથની દવાઓ અપાય છે. 3થી 4 દિવસમાં તકલીફ શમે છે. તે પછી નાકજઠરી નળી કાઢી નાંખીને ચરબી વગરનો ખોરાક શરૂ કરાય છે. તબિયત સુધરે એટલે ત્રણેક અઠવાડિયાંમાં શસ્ત્રક્રિયા કરીને પિત્તાશય કાઢી નાંખવાનું સૂચવાય છે.

પિત્તાશયરુગ્ણતા (cholecytosis) : પિત્તાશયી કૉલેસ્ટીરોલિતા (cholesterosis), પિત્તાશયી મસાવિકાર (polyposis), ગ્રંથિસ્નાયુ-અર્બુદિતા (adenomyomatosis), અંત:દીવાલી અંધનાલિતા (intramural diverticulosis), તથા ગ્રંથિવૃદ્ધિવાન પિત્તાશયશોથ (chocystitis glandularis proliferans) નામના વિવિધ વિકારોના સમૂહને પિત્તાશયરુગ્ણતા કહે છે. પિત્તાશયનો અંદરનો દેખાવ સ્ટ્રૉબેરી જેવો હોય છે તેથી તેને સ્ટ્રૉબેરી પિત્તાશયતા (strawberry gall bladder) પણ કહે છે. પિત્તાશયની શ્લેષ્મકલાની નીચે કૉલેસ્ટીરોલના સ્ફટિકો અને ઈસ્ટર જાણે સ્ટ્રૉબેરીનાં બીજ હોય તેમ જામે છે. ક્યારેક કૉલેસ્ટીરોલ પથરી પણ થાય છે. ઘણી વખત મિશ્રપથરીઓ પણ થાય છે. જો અંધનાલિતા (diverticulosis) થયેલી હોય તો રંજકદ્રવ્ય-પથરીઓ થાય છે. ટાઇફૉઈડના રોગમાં થતા પિત્તાશયના વિકારમાં પથરી થાય છે. આવી પથરી ચેપી હોવાથી તે પથરીને કાઢી નાંખ્યા પછી દર્દી કે તેના સગાને તે અપાતી નથી. પિત્તાશયરુગ્ણતાની સારવાર રૂપે પિત્તાશય કાઢી નંખાય છે.

પથરી અંગેની શસ્ત્રક્રિયાઓ : પિત્તાશયને કાઢી નાંખવાની ક્રિયાને પિત્તાશય-ઉચ્છેદન (cholecystectomy) કહે છે; જ્યારે તેમાં છિદ્ર પાડવાની ક્રિયાને પિત્તાશયછિદ્રન (cholecystostomy) કહે છે. બીજી પેઢીની સિફેલોસ્પોરિન ઍન્ટિબાયૉટિક આપીને ઘામાં ચેપ ન લાગે તેવું અગાઉથી કરાય છે. જરૂર પડ્યે શસ્ત્રક્રિયા વખતે નસમાર્ગી પિત્તનલિકાચિત્રણ (cholangiography) કરી શકાય તેવા શસ્ત્રક્રિયામેજ પર જ શસ્ત્રક્રિયા કરાય છે. પિત્તાશય દૂર કરવા પેટ પર શસ્ત્રક્રિયા કરીને તેને ખોલવામાં આવે છે. તેને ઉદર-છેદન (laparotomy) કહે છે. પિત્તાશય-પથરીની સારવારમાં કેટલીક આધુનિક પદ્ધતિઓ વિકસી છે. અશ્રાવ્ય ધ્વનિના તરંગોના આઘાત વડે 1થી 3 પથરીવાળા ક્રિયાશીલ પિત્તાશયમાંની પથરીને શસ્ત્રક્રિયા કર્યા વગર તોડી શકાય છે. તેનો ભૂકો પિત્તનલિકાઓ દ્વારા આંતરડામાં વહી જાય છે. તેને અશ્મરીભંજન (lithotripsy) કહે છે. હાલ તે વપરાતી નથી પરંતુ તેને બદલે બીજી બે શસ્ત્રક્રિયાની પદ્ધતિઓ વિકસી છે : (1) પારત્વકીય પિત્તાશય-પથરી છેદન (percutaneous cholecystolithotomy) અને (2) ઉદર-નિરીક્ષાકીય પિત્તાશય-ઉચ્છેદન (laparoscopic cholecystectomy). પ્રથમ પદ્ધતિમાં અલ્ટ્રાસાઉન્ડની મદદથી પિત્તાશયનું સ્થાન નિશ્ચિત કરીને તેમાં એક નળી નંખાય છે અને મૂત્રપિંડ-અંત:દર્શક(nephroscope)ની મદદથી પથરીઓ કાઢી નંખાય છે, જ્યારે બીજી પદ્ધતિમાં પેટ પર 4 છિદ્રો કરીને સાધનો વડે દૂરદર્શી પડદા(TV screen) પર જોતાં જોતાં પિત્તાશયને છૂટું પડાય છે અને નાભિછિદ્ર (umbilical puncture)માંથી પિત્તાશયને બહાર કઢાય છે. જો તેમાં પથરીઓ હોય તો પહેલાં તે દૂર કરાય છે. 75 % કિસ્સામાં આ પદ્ધતિ સફળ રહે છે. તેમાં પાછળથી રૂઝ આવવાની અને તંદુરસ્તી પુન:પ્રાપ્ત કરવાની ઝડપ વધુ રહે છે. હાલ કેટલાક નિષ્ણાતો નાના છેદ દ્વારા ઉદરછેદનીય (laparotomic) પિત્તાશય-ઉચ્છેદન કરે છે. તેને લઘુછેદયુક્ત પિત્તાશય-ઉચ્છેદન (minimum access cholecystectomy) કહે છે. જો દર્દીની પિત્તની નળીઓમાં પથરી હોય, તેને તાવ તથા કમળાનો હુમલો થયેલો હોય, પિત્તનલિકાઓ 10 મિમી.થી વધુ પહોળી હોય અને લોહીમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝ વધેલું હોય તો પિત્તાશય દૂર કરતી વખતે સામાન્ય પિત્તનળીને પણ છેદ કરીને ખોલવામાં આવે છે અને તેમાંની પથરીને દૂર કરાય છે. તેને પિત્તનલિકાછેદન (choledoctomy) કહે છે.

પિત્તનલિકાઓમાં પથરી : યકૃતની અંદર અને બહારની પિત્તનલિકાઓ(bile ducts)માં પણ પથરીઓ જોવા મળે છે. આમ તો મોટે ભાગે તે પથરીઓ પિત્તાશયમાં બને છે; પરંતુ કેટલીક પિત્તનલિકાઓમાં પણ બને છે. તેમને પ્રાથમિક નલિકાપથરી (primary duct stones) કહે છે. સામાન્ય રીતે રજ્જુકૃમિ થયા હોય તો તે થાય છે. જો લાંબા સમય સુધી પિત્તવહન અટકે તોપણ આવી પથરી થાય છે. તેને કારણે પિત્તાશયશોથનો દુખાવો, ટાઢ વાઈને આવતો તાવ અને કમળો થાય છે. તેને ચાકૉર્ટના ત્રિલક્ષણ સમૂહ(Charcot’s triad)ના નામે ઓળખાય છે. પિત્તાશયનો ચેપ સામાન્ય રીતે પુષ્કળ ધ્રુજારી કરતો નથી, પણ પિત્તનલિકાનો ચેપ ધ્રુજારી સાથેનો તાવ લાવે છે. ટાઢ વાઈને આવતા તાવનાં મુખ્ય કારણોમાં મલેરિયા, પેશાબના માર્ગનો અને પિત્તમાર્ગનો ચેપ ગણાય છે. પેટના જમણા ઉપલા ભાગમાં સ્પર્શવેદના થાય છે. અવરોધજન્ય કમળામાં પિત્તાશય ફૂલીને સ્પર્શી શકાય એવું થયું હોય તો તે મોટે ભાગે સામાન્ય પિત્તનળીના નીચલા છેડે  કૅન્સર થયાનું સૂચવે છે. પિત્તનલિકાઓમાંની પથરીમાં વારંવાર ચેપ અને રૂઝને કારણે પિત્તાશય નાનું થઈ ગયેલું હોવાથી સ્પર્શી શકાતું નથી. તેને કૉવૉર્ઇઝરનો નિયમ (Courvoisier’s law) કહે છે. જોકે ક્યારેક પથરીના રોગમાં પણ પિત્તાશય ફૂલે છે. નિદાન માટે યકૃત-ક્રિયા-કસોટીઓ (liver function tests) ઉપરાંત અલ્ટ્રાસૉનોગ્રાફી, પિત્તનલિકાનું ચિત્રણ કે પિત્તનલિકાઓનું અંત:નિરીક્ષણ (endoscopy) કરાય છે. ચામડીમાંથી નંખાયેલી સોયને યકૃતમાં થઈને પહોળી થયેલી  પિત્તનલિકામાં પ્રવેશ કરાવાય છે અને તેના દ્વારા એક્સ-રે-રોધી પદાર્થ નંખાય છે. આમ પિત્તનલિકાઓનું ચિત્રણ મેળવાય છે. આ પદ્ધતિને પારત્વકીય પારયકૃતીય પિત્તનલિકાચિત્રણ (percutaneous trans-hepatic cholangiography, PTC) કહે છે. મોં વાટે દૂરબીન જેવો અંત:દર્શક (endoscope) નાંખીને નાના આંતરડાની અંદરનું દ્રવ્ય અવલોકાય છે. તેના પાશ્ર્વછિદ્ર(side view)માંથી સામાન્ય પિત્તનળી અને સ્વાદુપિંડનળી (pancreatic duct) જ્યાં ખૂલે છે તે વૉટરના વિપુટ(ampulla of Vater)નું અવલોકન કરાય છે. તેમાં સાધન વડે એક્સ-રે-રોધી પદાર્થ નાંખીને સ્વાદુપિંડનળી તથા પિત્તનળીનું વિપરીતમાર્ગી (retrograde) ચિત્રણ મેળવાય છે. આ પ્રક્રિયાને અંત:નિરીક્ષાકીય વિપરીતમાર્ગી પિત્તનળી અને સ્વાદુપિંડ-ચિત્રણ (endoscopic retrograde choledocho-pancreatography, ERCP) કહે છે. આ બંને પદ્ધતિઓ દ્વારા પિત્તની નળીમાંના અવરોધનું સ્થાન, પ્રકાર અને કારણ જાણી શકાય છે.

લાંબા સમયના અવરોધને કારણે યકૃતમાં તંતુકાઠિન્ય(cirrhosis)નો વિકાર થાય છે. તેને પિત્તસ્થાયી તંતુકાઠિન્ય (biliary cirrhosis) કહે છે. તેમાં શસ્ત્રક્રિયા સમયે સફેદ પિત્ત જોવા મળે છે. ક્યારેક અવરોધ પામેલી નળીઓમાં ચેપ ફેલાય તો યકૃતમાં ગૂમડું થાય છે અથવા લોહીમાં પરુ ફેલાય છે, જેને સપૂયરુધિરતા (septicaemia) કહે છે.

સારવાર કરતી વખતે સૌપ્રથમ યકૃતની કામગીરી નિષ્ફળ થઈ હોય તો તેની સારવાર અપાય છે. લોહીના ગંઠાવાની પ્રક્રિયા ઘટે છે અને તેથી પ્રૉથ્રૉમ્બિનકાળ વધે છે. તેવે સમયે ઇન્જેક્શન દ્વારા વિટામિન-કે અપાય છે. લોહીના કોષોની સંખ્યા જાણી લઈને તથા લોહીમાંના જીવાણુનું સંવર્ધન કરીને યોગ્ય ઍન્ટિબાયૉટિક અપાય છે. શસ્ત્રક્રિયા વખતે શરીરમાં પાણી પૂરતું હોય તે જોવાય છે; કેમ કે ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા થઈ આવે છે. ERCP વખતે જો પિત્તનળીના નીચલા છેડે પથરી હોય તો વૉટરના વિપુટના અંકુર(papilla)ને કાપીને પથરી કાઢી નંખાય છે તેને અંકુરછેદન (papillotomy) કહે છે. પિત્તાશય-ઉચ્છેદન વખતે જો પિત્તનળીમાં ‘T’ નળી નાંખી હોય તો તેના દ્વારા તેમાંની પથરી કાઢી નંખાય છે. PTC કર્યા પછી એક વધારાની પ્રક્રિયા રૂપે અવરોધાયેલું પિત્ત કાઢી શકાય છે. તેને પારત્વકીય પિત્ત નિષ્કાસન (percutaneous bile drainage) કહે છે. તેનાથી કમળાની તીવ્રતા ઘટે છે અને દર્દીની સ્થિતિ સુધરે છે. જો સામાન્ય પિત્તનળી 1.5 સેમી.થી મોટી હોય અને 2 થી 3 સેમી.નું છિદ્ર બનાવી શકાય તેમ હોય તો પિત્તનળીને ચીરીને તેને પક્વાશય સાથે સીધી જોડી દેવાય છે, જેથી તેમાંનું પિત્ત સીધું પક્વાશયમાં જઈ શકે. તેને પિત્તનળી પક્વાશય જોડાણ (choledochoduodeuostomy) કહે છે.

ક્યારેક પિત્તજ પથરી પિત્તાશયમાંથી છિદ્ર પાડીને જઠરમાં પક્વાશયમાં કે મોટા આંતરડામાં પ્રવેશે છે. તેનો પ્રવેશમાર્ગ એક સંયોગનળી (fistula) રૂપે રહી જાય છે. ત્યારે પિત્તાશયમાં હવા જોવા મળે છે. આ પ્રકારની સંયોગનળીને પિત્તજન્ય સંયોગનળી (biliary fistula) કહે છે. ક્યારેક આવી રીતે આવેલી મોટી પથરી નાના આંતરડામાં અવરોધ પણ કરે છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ  ત્રિવેદી