પથરી, મૂત્રમાર્ગીય

February, 1998

પથરી, મૂત્રમાર્ગીય : મૂત્રપિંડ, મૂત્રપિંડનલિકા, મૂત્રાશય વગેરેમાં પથરી થવી તે. શરીરમાં બનતી પથરીને શાસ્ત્રીય રીતે અશ્મરી (calculus) કહે છે અને તેનાથી થતા વિકારને અશ્મરિતા (lithiasis) કહે છે. મૂત્રમાર્ગમાં પથરી થવાના વિકારને મૂત્રપિંડી અશ્મરિતા (nephrolithiasis) કહે છે. તેનું ઘણું વ્યાપક પ્રમાણ જોવા મળે છે. યુ.એસ.માં 12 % વસ્તી તેનાથી કોક ને કોક સમયે પીડાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેનું પ્રમાણ વધારે રહ્યું છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં તે રોગ 2થી 3 ગણો વધારે જોવા મળે છે. સામાન્ય રીતે 30થી 50 વર્ષની વયમાં તે જોવા મળે છે.

કારણવિદ્યા (aetiology) : મૂત્રમાર્ગીય પથરી થવાનાં કારણો માટે વિવિધ વિચારણાઓ અસ્તિત્વમાં છે : (1) વિટામિન-એની ઊણપને કારણે મૂત્રમાર્ગોની અંદરની દીવાલના ઉપલા સ્તર(અધિચ્છદ, epithelium)ના કોષો ખરી પડે છે અને તેની આસપાસ ક્ષાર જામવાથી પથરી થાય છે. જોકે આ પદ્ધતિએ કદાચ મૂત્રાશય(urinary bladder)માં પથરી થતી હશે એવું મનાય છે. (2) પેશાબમાંના ઓગળેલા પદાર્થોમાં ફેરફાર થાય ત્યારે ક્યારેક તે ઠરીને પથરી બનાવે છે. આવું શરીરમાં જ્યારે પાણી ઘટી ગયું હોય ત્યારે ખાસ થઈ શકે. જો પેશાબમાંના કલિલીય (colloidal) પદાર્થો ઘટે તોપણ પેશાબમાંના ક્ષારો ઠરીને પથરી બનાવે છે. (3) પેશાબમાંનો સાઇટ્રિક ઍસિડ કૅલ્શિયમ ફૉસ્ફેટ અને કૅલ્શિયમ સાઇટ્રેટને ઓગાળેલા રાખે છે. ઋતુસ્રાવ કે અન્ય કારણોસર જો સાઇટ્રિક ઍસિડનું પ્રમાણ ઘટે તો આ લગભગ અદ્રાવ્ય ક્ષારો પેશાબના માર્ગમાં કણિકાઓ રૂપે જામે છે, જેમાંથી પથરી બને છે. (4) ઘણી પથરીના કેન્દ્રભાગમાં સ્ટેફાયલોકોકાઈ અને ઇ.કોલી નામના જીવાણુઓ જોવા મળે છે. તેથી એવું મનાય છે કે પેશાબમાર્ગના જીવાણુજન્ય ચેપ(bacterial infection)ને કારણે પથરી બને છે. અન્ય જીવાણુઓમાં સ્ટ્રેપ્ટોકોકાઇ અને પ્રોટિઅસનો પણ સમાવેશ થાય છે. (5) મૂત્રમાર્ગમાં અવરોધ ઉત્પન્ન થાય ત્યારે મૂત્રનો પ્રવાહ ઘટે છે. બંધિયાર પ્રવાહીમાંના ક્ષારો ઠરીને પથરી બનાવે છે. (6) બંને પગનો લકવો કે પગનું હાડકું ભાગે ત્યારે કે કોઈ અન્ય કારણોસર લાંબા સમય સુધી પથારીવશ રહેતી વ્યક્તિના હાડકામાંથી કૅલ્શિયમ નીકળવા માંડે છે. તે મૂત્રમાર્ગે બહાર જાય છે. પેશાબમાં વધેલું કૅલ્શિયમનું પ્રમાણ પથરી કરે છે. (7) પરાગલગ્રંથિઓ (parathyroid glands) નામની અંત:સ્રાવી ગ્રંથિઓ ગળામાં ગલગ્રંથિ(thyroid gland)ની પાછળ આવી છે. તે શરીરમાંના કૅલ્શિયમનું નિયમન કરે છે. તેનું કાર્ય વધે ત્યારે અતિપરાગલગ્રંથિતા (hyperparathyroidism) નામનો રોગ થાય છે. તેમાં લોહીમાં અને પેશાબમાં કૅલ્શિયમનું પ્રમાણ વધે છે અને મૂત્રમાર્ગમાં પથરી પણ થાય છે; તેથી મૂત્રમાર્ગની પથરી થઈ હોય ત્યારે પરાગલગ્રંથિમાં કોઈ ગ્રંથિ-અર્બુદ (adenoma) પ્રકારની ગાંઠ થઈ છે  કે નહિ તે ખાસ જોઈ લેવાય છે. (8) રૅન્ડલે સૂચવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં મૂત્રપિંડમાં આવેલા અંકુરો(papillae)ની ટોચ પર ઘસારો (erosion) થાય છે. તેથી તેના પર કૅલ્શિયમ જમા થાય છે. તેને રૅન્ડલની ચકતી (Randall’s plaque) કહે છે. મૂત્રપિંડની પ્રમુખપેશી(parenchyma)માં આવી નાની અશ્મરીકણિકાઓ (concretions) અથવા સૂક્ષ્મ અશ્મરીઓ (microliths) કાયમ બનતી હોય છે. મૂત્રપિંડમાંની લસિકાવાહિનીઓ (lymphatics) નામની પ્રવાહીનું વહન કરતી નાની નાની નલિકાઓ આવી અશ્મરીકણિકાઓને અંતછદ (endothelium) નીચે વહાવીને એકઠી કરે છે. તેને કારણે ઉપરના અધિચ્છદના આવરણમાં ચાંદું પડે છે. ત્યાં કૅલ્શિયમ જમા થઈને પથરી બનાવે છે. જોકે આ વિભાવના (hypothesis) કેટલી હદે સાચી છે તે નક્કી થયેલું નથી.

આકૃતિ 1 : મૂત્રમાર્ગમાંથી નીકળતી પથરીઓ

પથરીના પ્રકારો અને બંધારણ : કૅલ્શિયમ ઑક્ઝેલેટની પથરીને ઑક્ઝેલેટ પથરી કહે છે. તે અનિયમિત આકારવાળી અને તીક્ષ્ણ કંટકોવાળી સપાટી ધરાવે છે. તેથી તેમાં લોહી વહેવાનું વધુ બને છે. સપાટી પર જામેલા લોહીનાં રંજકદ્રવ્યોમાં ફેરફારો આવવાથી તે વિવિધરંગી સપાટી ધરાવે છે. તે પુષ્કળ કઠણ હોય છે અને એક્સ-રે-ચિત્રણોમાં સહેલાઈથી દેખાય છે.

આકૃતિ 2 : પેટના દુખાવાનાં સ્થાન : (અ) આગળનો દેખાવ, (આ) પીઠનો ભાગ. (1) પાંસળીઓ, (2) પેટ, (3) ડૂંટી, (4) જાંઘ, (5) કરોડના મણકા, (6) મૂત્રપિંડમાં પથરી હોય ત્યારે થતો ધીમો દુખાવો – ડૂંટીની બાજુમાં અથવા પાછળ પાંસળીઓની નીચે, (7) મૂત્રનલિકામાં ખસતી પથરીનો ચૂંક જેવો દુખાવો જે કેડથી શુક્રપિંડકોથળી તરફ ફેલાય.

ફૉસ્ફેટ પથરી કૅલ્શિયમ ફૉસ્ફેટની કે ક્યારેક એમોનિયમ-મૅગ્નેશિયમ ફૉસ્ફેટ(સ્ટ્રુબાઇટ)ની બનેલી હોય છે. તે લીલી અને ગંદા સફેદ રંગની હોય છે. જો પ્રોટિઅસ જીવાણુઓનો ચેપ લાગે તો તે એમોનિયા બનાવીને આલ્કેલાઇન માધ્યમ બનાવે છે, જેમાં ફૉસ્ફેટ પથરી મોટી થાય છે. તે મૂત્રપિંડકુંડ (renal pelvis) અને તેના મૂત્રસ્વીકારક તંત્રને પૂરેપૂરું ભરી દે છે અને તેથી વિચિત્ર આકારની મોટી પથરી બને છે, જેના પર જાણે અનેક શિંગડાં હોય છે. તેને સશૃંગી (staghorn) પથરી પણ કહે છે. મોટી સશૃંગી પથરી લાંબો સમય શાંત પડી રહે છે, પરંતુ તે વારંવાર પેશાબમાં પરુ અને લોહી વહેવાનો વિકાર કરે છે. તેને સાદાં એક્સ-રે-ચિત્રણોથી જોઈ શકાય છે.

યુરિક ઍસિડ કે યુરેટ પથરી કઠણ, લીસી અને ઘણી વખત એકથી વધુ હોય છે. તે પીળી કે લાલ છીંકણી રંગની હોય છે. ક્યારેક તે આકર્ષક અને પાસાદાર (faceted) હોય છે. શુદ્ધ યુરિક ઍસિડ પથરી એક્સ-રે-ચિત્રણોમાં જોઈ શકાતી નથી અને તેથી મોટી પથરી ક્યારેક IVP-માં એક ગાંઠ જેવો દેખાવ કરે છે. જોકે મોટાભાગની પથરીમાં થોડું કૅલ્શિયમ જમા થાય છે અને તેથી તે એક્સ-રે-ચિત્રણોમાં ઝાંખી છાયા પાડે છે. બાળકોમાં સોડિયમ અને એમોનિયમ યુરેટની મિશ્ર પથરીઓ થાય છે. તે પીળી, પોચી અને તૂટી જાય તેવી હોય છે. તે પણ એક્સ-રે-ચિત્રણોમાં દેખાતી નથી.

સિસ્ટિન પથરી ભાગ્યે જ થાય છે. જેઓમાં એક જન્મજાત ચયાપચયી વિકાર (congenital metabolic disorder) રૂપે સિસ્ટિન મૂત્રમેહ (cystinuria) થાય છે, તેઓમાં તે જોવા મળે છે. આવા દર્દીઓના પેશાબમાં સિસ્ટિન વિપુલ પ્રમાણમાં જાય છે. તેના સ્ફટિકો ષટ્પાસાયુક્ત (hexagonal), અર્ધપારદર્શક અને સફેદ હોય છે અને તે ઍસિડ pHવાળા પેશાબમાં જોવા મળે છે. સિસ્ટિન પથરીઓ વધુ સંખ્યામાં મૂત્રપિંડકુંડમાં હોય છે. હવામાં તે લીલો રંગ પકડે છે. તે કઠણ હોય છે અને તેમાંના સલ્ફરને કારણે તે એક્સ-રે-રોધી પણ હોય છે.

ઝેન્થિન પથરીઓ લીસી, ગોળ અને ઈંટ જેવા લાલ રંગની હોય છે. તે ભાગ્યે જ થાય છે. તેને કાપીએ ત્યારે તેમાં પડળો (lamellae) જોવા મળે છે.

લક્ષણો, ચિહ્નો અને નિદાન : પેટમાં ચૂંક આવવી એ તેનું મહત્ત્વનું લક્ષણ છે. તે 75 % કિસ્સાઓમાં જોવા મળે છે. તેને મૂત્રપિંડી ચૂંક (renal colic) કે મૂત્રપિંડનલિકાકીય (ureteric) ચૂંક કહે છે. તે અચાનક ઊપડે છે અને સહી ન શકાય તેવી તીવ્ર હોય છે. સાથે ઊબકા-ઊલટી થાય છે. સામાન્ય રીતે દુખાવો પેટના પડખા(flank)માંથી શરૂ થઈને નીચે અને આગળની તરફ ઊરુવિસ્તાર (inguinal region) – જ્યાં પેટ અને જાંઘ મળે છે તે ખૂણા (groin) તરફ – ખસે છે. તે સાથે વારંવાર પેશાબે જવાની હાજત થાય છે અને પેશાબ કરતી વખતે દુખાવો પણ થાય છે. તેને અતિમૂત્રતા (frequency of urination) અને દુર્મૂત્રતા (dysuria) કહે છે. આ સમયે નાની પથરી મૂત્રપિંડમાંથી મૂત્રપિંડનલિકા (ureter) દ્વારા મૂત્રાશયમાં જાય છે. પીડાનો ફેલાવો પથરીના વહનનો માર્ગ સૂચવે છે. જ્યારે પથરી મૂત્રાશયના વિશાળ વિસ્તારમાં પ્રવેશે ત્યારે દુખાવો શમે છે. આની સાથે પેશાબમાં લોહી પડે છે. તેને રુધિરમૂત્રમેહ (haematuria) કહે છે. ક્યારેક પેશાબમાં પરુ પણ થાય છે. ક્યારેક પથરીને કારણે મૂત્રમાર્ગમાં અવરોધ ઉત્પન્ન થાય ત્યારે મૂત્રપિંડનલિકા અને મૂત્રપિંડકુંડ(renal pelvis)માં પેશાબ ભરાઈ રહે છે અને તે ફૂલીને પહોળા થાય છે. તેને અવરોધજન્ય મૂત્રમાર્ગરોગ (obstructive uropathy) કહે છે. અવરોધને કારણે મૂત્રમાર્ગમાં ચેપ લાગે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં તે વધુ જોવા મળે છે. મૂત્રપિંડમાં પેશાબ ભરાવાથી તેનો કુંડ(pelvic)વિસ્તાર પહોળો થાય અને તેની પ્રમુખપેશી દબાઈ જાય છે. તેવી વિકૃતિને મૂત્રપિંડી સજલતા (hydronephrosis) કહે છે. પેશાબને કારણે પહોળી થયેલી મૂત્રપિંડનલિકાની વિકૃતિને મૂત્રપિંડનલિકાકીય સજલતા (hydroureter) કહે છે. ઘણી વખતે મૂત્રમાર્ગમાંની પથરી એનાં લક્ષણો બતાવ્યા વગર – દુખાવો કર્યા વગર – લાંબો સમય એમની એમ પડી પણ રહે છે. મૂત્રપિંડકુંડમાંની મોટી પથરીને કારણે ઘણી વખત પીઠમાં તથા પેટમાં પાંસળીઓની નીચે ધીમો દુખાવો થયા કરે છે.

સારણી : એક્સરેચિત્રણમાં મૂત્રમાર્ગની પથરી જેવી જ છાયા પાડતી અપારદર્શક વિકૃતિઓ

1. આંત્રપટ(mesentery)માંની કૅલ્શીકૃત લસિકાગ્રંથિ (calcified lymphnode)
2. પિત્તાશયમાં પથરી
3. આંત્રપુચ્છ(appendix)માં કણિકાઓ (concretions)
4. આંતરડામાં બાહ્ય પદાર્થ કે દવાની ગોળી
5. 12મી પાંસળીની કૅલ્શીકૃત ટોચ
6. મૂત્રપિંડમાં કૅલ્શિયમ જમા થયું હોય તેવો ક્ષયરોગવાળો વિસ્તાર
7. અધિવૃક્ક (adrenal) ગ્રંથિમાં કૅલ્શિયમ જમા થયું હોય.

એક્સ-રે-ચિત્રણો અને અલ્ટ્રાસૉનોગ્રાફી (અશ્રાવ્ય ધ્વનિચિત્રણ) વડે નિદાન કરાય છે. સાદું એક્સ-રે-ચિત્રણ એક્સ-રે-રોધી (radio-opaque) પથરીનાં સ્થાન, કદ અને પ્રકાર વિશે ઘણી માહિતી આપે છે. જરૂર પડ્યે નસ દ્વારા એક્સ-રે-રોધી  રસાયણને શરીરમાં પ્રવેશ આપીને તે જ્યારે પેશાબ દ્વારા બહાર નીકળે ત્યારે એક્સ-રે-ચિત્રણો લેવાય છે. તેને શિરામાર્ગી મૂત્રમાર્ગચિત્રણ (intravenous pyelography, IVP) કહે છે. મૂત્રમાર્ગનાં ચિત્રણો લેવા માટે નીચેથી મૂત્રાશયનલિકા દ્વારા પણ ઉપર તરફ એક્સ-રે-રોધી રસાયણ ચઢાવાય છે. તેને ઊર્ધ્વગામી (ascending) અથવા વિપરીતમાર્ગી (retrograde) મૂત્રમાર્ગચિત્રણ કહે છે. આવાં વિવિધ ચિત્રાંકનો (images) વડે મૂત્રમાર્ગમાં પથરી છે કે નહિ (સારણી) તે જાણી શકાય છે. કૅલ્શિયમ ફૉસ્ફેટ અને કૅલ્શિયમ ઑક્સેલેટની પથરી એક્સ-રે-રોધી હોવાથી તે સાદાં એક્સ-રે-ચિત્રણોમાં જોઈ શકાય છે. મૅગ્નેશિયમ-એમોનિયમ ફૉસ્ફેટવાળી સ્ટ્રુવાઇટ નામની પથરીમાં કૅલ્શિયમના કાર્બોનેટ અને ફૉસ્ફેટ ક્ષારો પણ હોય છે, તેથી તેમને સાદાં એક્સ-રે-ચિત્રણોથી દર્શાવી શકાય છે. સિસ્ટિનની પથરીઓને આ રીતે દર્શાવવી મુશ્કેલ બને છે અને યુરેટ પથરીઓ એક્સ-રે-પારદર્શી (radioluscent) હોય છે. તેથી તેમને દર્શાવવા IVP – સી.એ.ટી. સ્કૅન તથા અશ્રાવ્યધ્વનિચિત્રણ- (ultrasonography)ની જરૂર પડે છે.

આકૃતિ 3 : મૂત્રમાર્ગમાં પથરી : (અ) મૂત્રમાર્ગ, (આ) મૂત્રપિંડમાંની પથરી, (ઇ) મૂત્રપિંડનલિકામાંથી પથરી કાઢવાની ક્રિયા. (1) મૂત્રપિંડ, (2) મૂત્રપિંડકુંડ, (3) મૂત્રપિંડનલિકા, (4) મૂત્રાશય, (5) મૂત્રપિંડમાંની મોટી સશૃંગી પથરી, (6થી 10) મૂત્રપિંડનલિકામાં પથરી ફસાવાનાં કેટલાંક સ્થળો  (6) કુંડનલિકા જોડાણ, (7) નિતંબીય ધમની (iliac artery) જ્યાંથી પસાર થાય, (8, 9) મૂત્રાશયમાં પ્રવેશ પહેલાં, (10) મૂત્રાશયમાં ખૂલતા છિદ્ર પર, (11) મૂત્રપિંડનલિકામાં પથરી, (12) અંત:દર્શક (endoscope), (13) છત્રી (છાબડી) જેવી પથરી કાઢવાની સંયોજના.

IVP એક મહત્ત્વની તપાસ છે. તેના દ્વારા પથરીના સ્થાન અને કદ વિશે તથા તેને કારણે મૂત્રમાર્ગમાં ઉદ્ભવેલી વિકૃતિને દર્શાવી શકાય છે. વળી તેના દ્વારા જે મૂત્રપિંડની નળીમાં અવરોધ હોય તેનું કાર્ય હજુ જળવાઈ રહેલું છે કે નહિ તે પણ જાણી શકાય છે. જો મૂત્રપિંડનું કાર્ય બંધ થયું હોય તો ઊર્ધ્વગામી મૂત્રમાર્ગચિત્રણ વડે પથરીનું સ્થાન નક્કી કરાય છે. અલ્ટ્રાસૉનોગ્રાફી વડે મૂત્રપિંડ નલિકામાંની પથરીનું સ્થાન નિશ્ચિત કરી શકાતું નથી. જ્યારે દર્દીની IVPની તપાસ ન કરી શકાય તેમ હોય ત્યારે ઊર્ધ્વગામી મૂત્રમાર્ગી ચિત્રણ કરાય છે. તે માટે મૂત્રાશયની અંદર દૂરબીન જેવી નળીવાળું સાધન નાખવું પડે છે. તેને મૂત્રાશય-નિરીક્ષા (cystoscopy) કહે છે. સી.એ.ટી. સ્કૅન વડે પણ પથરીઓ સ્પષ્ટપણે દર્શાવી શકાય છે.

સારવાર : તેને બે ભાગમાં વહેંચી શકાય છે : (અ) મૂત્રપિંડી ચૂંકની સારવાર તથા (આ) મૂત્રમાર્ગની પથરીની સારવાર. મૂત્રપિંડની ચૂંકની સારવારમાં દુખાવો મટાડવાની પ્રક્રિયા તથા મૂત્રમાર્ગમાંનો અવરોધ દૂર કરવાની ક્રિયાઓ કરાય છે. તે માટે ચૂંકરોધી (antispasmodic) દવાઓ તથા નસ વાટે કે મુખ વાટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી (પાણી) અપાય છે. નાની પથરી આપોઆપ નીકળી જાય છે. અથવા મૂત્રપિંડનલિકામાંથી ખસીને મૂત્રાશયમાં આવી જાય છે. મૂત્રપિંડનલિકામાં ફસાયેલી પથરીને જરૂર પડ્યે અંત:નિરીક્ષા (endoscopy) વડે, દૂરબીન જેવી નળીવાળા સાધનની મદદથી, એક જાળીવાળી છાબડી(basket)ના સાધન વડે ખેંચી કઢાય છે. જરૂર પડ્યે તેને બહારથી અશ્રાવ્યધ્વનિતરંગો વડે આંચકા આપીને તોડી નંખાય છે, જેથી તેની નાની કરચો મૂત્રમાર્ગે બહાર આવી જાય. આ પ્રક્રિયાને અશ્મરીભંજન (lithotripsy) કહે છે. શરીર બહારથી આંચકા આપતા તરંગો વડે આ ક્રિયા થતી હોવાથી તેને શાસ્ત્રીય રીતે બહિર્દેહી આઘાતતરંગીય અશ્મરીભંજન (extracorporeal shock wave lithotripsy, ESWL) કહે છે. આ ઉપરાંત જરૂર પડ્યે શસ્ત્રક્રિયા કરીને પથરી કાઢી શકાય છે, જેને માટે કરાતી નાની શસ્ત્રક્રિયાને પારત્વકીય મૂત્રપિંડ અશ્મરીછેદન (percutaneous nephrolithotomy) કહે છે. બહાર કાઢેલી પથરીનું પ્રયોગશાળાકીય પૃથક્કરણ કરાય છે. તેનો પ્રકાર જાણી લઈને તેનો સંભવિત કારણરૂપ વિકાર શોધાય છે. તેને સંપૂર્ણ નિદાન કહે છે અને તેના વડે ફરીથી પથરી ન થાય તે માટેની સલાહ તથા સારવાર અપાય છે.

મૂત્રપિંડનલિકાના ઉપલા છેડા પાસેની પથરીને પાછી મૂત્રપિંડમાં ધકેલાય છે અને ESWLની સારવાર અપાય છે. પથરીને મૂત્રપિંડમાં ધકેલવા માટે મૂત્રાશયમાં અંત:દર્શક (endoscope) મૂકીને નજર હેઠળ મૂત્રપિંડનલિકામાં નળી નાંખવામાં આવે છે. જો પથરીને મૂત્રપિંડમાં ન મૂકી શકાય તો તેની બાજુમાં એક પોલી પસારનળી (stent) મૂકીને મૂત્રમાર્ગનો અવરોધ દૂર કરાય છે. ત્યારપછી મૂત્રપિંડનલિકાની અંદર જ તેનું ESWL વડે ભંજન કરાય છે. જો અશ્મરીભંજનની ક્રિયા નિષ્ફળ જાય તો શસ્ત્રક્રિયા વડે પથરી કાઢી નંખાય છે. સામાન્ય રીતે તે માટે મૂત્રપિંડ-અશ્મરી-છેદનની ક્રિયા કરાય છે. મૂત્રપિંડનલિકા પર શસ્ત્રક્રિયા કરીને પથરી કાઢવાની ક્રિયા હાલ ભાગ્યે જ થાય છે. તે ક્રિયાને મૂત્રપિંડનલિકા અશ્મરીચ્છેદન (ureterolithotomy) કહે છે. પશ્ચિમી દેશોમાં આ છેલ્લી શસ્ત્રક્રિયા હાલ થતી નથી. 5 મિમી.થી 2 સેમી. જેવડી પથરીને ESWLથી દૂર કરાય છે. 2 સેમી.થી વધુ મોટી પથરી અથવા મૂત્રપિંડના નીચલા છેડા પરની 1 સેમી.થી મોટી પથરીને શસ્ત્રક્રિયાથી દૂર કરાય છે; કેમ કે, 35 % થી 50 % કિસ્સામાં અશ્મરીભંજન પછી પણ પથરી કે તેના ટુકડા તૂટ્યા વગરના રહી જાય છે. 5 મિમી.થી નાની પથરીને પેશાબનું પ્રમાણ વધારીને દૂર કરવા પ્રયત્ન કરાય છે. સિસ્ટિનની પથરી ESWLથી તૂટતી નથી, માટે તેને શસ્ત્રક્રિયા વડે દૂર કરવી પડે છે.

જો પથરી ફક્ત મૂત્રપિંડકુંડમાં હોય તો મૂત્રપિંડકુંડમાં અશ્મરીછેદન (pyelolithotomy) કરાય છે. ક્યારેક અવરોધ અને ચેપને કારણે મૂત્રપિંડ કે તેનો ભાગ ઘણા પ્રમાણમાં નાશ પામ્યો હોય ત્યારે મૂત્રપિંડને પૂરેપૂરો કે તેના ભાગને કાપીને કાઢી નાંખવો પડે છે. તેને અનુક્રમે મૂત્રપિંડઉચ્છેદન (nephrectomy) કે આંશિક (partial) મૂત્રપિંડ-ઉચ્છેદન કહે છે. તે સમયે પાસેના મોટા આંતરડાને નુકસાન ન થાય તે ખાસ જોવામાં આવે છે. જો બે બાજુના મૂત્રપિંડમાં પથરી હોય તો પહેલાં સારી બાજુના મૂત્રપિંડની સારવાર કરાય છે. બીજુ બાજુની સારવાર માટે વચ્ચે 2થી 3 મહિનાનો ગાળો રખાય છે. જોકે ક્યારેક પરુથી ભરાયેલી કોથળી જેવો મૂત્રપિંડ થઈ ગયો હોય તો તેની શસ્ત્રક્રિયા પહેલી થાય છે. આવી સ્થિતિને મૂત્રપિંડસપૂયતા (pyonephrosis) કહે છે. તે સમયે ચામડીમાંથી સોય નાંખીને મૂત્રપિંડમાં છિદ્ર પાડી પરુ કાઢી નંખાય છે. તેને પારત્વકીય મૂત્રપિંડછિદ્રણ (percutaneous nephrostomy) કહે છે.

પથરીનું પૂર્વનિવારણ (prevention) : તેને માટે વિવિધ ચિકિત્સાકીય કસોટીઓ (therapeutic tests) કરાય છે. મહત્ત્વના કસોટીલક્ષી આહાર રૂપે એક અઠવાડિયા સુધી 1,700 ગ્રામ કૅલ્શિયમ આપતો ખોરાક અપાય છે અને ત્યારબાદ અતિકૅલ્શિયમવાન કસોટી (calcium challenge test) કરીને પેશાબમાં કૅલ્શિયમનું પ્રમાણ કેટલું વધે છે તે શોધી કઢાય છે. પેશાબની તે સમયની તપાસમાં તેનું કદ, pH મૂલ્ય તથા ક્રિયેટિનિન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, સાઇટ્રેટ અને ઑક્સેલેટનું પ્રમાણ શોધી કઢાય છે. એમોનિયા, ક્લૉરાઇડ અને સલ્ફેટ ઉમેરીને તેમની સાપેક્ષ અતિસાંદ્રતા (supersaturation) શોધી કઢાય છે. કૅલ્શિયમ ઑક્સેલેટ કે ફૉસ્ફેટ ઉમેરીને વિવિધ પ્રકારની સ્ફટિક-કેન્દ્રીકરણ(crystal-nucleation)ની ઘટનાઓ શોધી કઢાય છે. વધુ પડતી સાંદ્રતા(અતિસાંદ્રતા)વાળાં દ્રાવણોમાંથી ઠરતા સ્ફટિકો (crystals) પથરી બનાવવાનું એક નિકેન્દ્ર (nidus) બનાવે છે, જેની આસપાસ ક્ષારો જામીને પથરી બને છે. સ્ફટિકોનું નિકેન્દ્ર બનાવવાની ઘટનાને સ્ફટિકકેન્દ્રીકરણની ઘટના કહે છે. ઉપર દર્શાવેલી કસોટી કરવાથી તે દર્શાવી શકાય છે. આ ઉપરાંત પથરીના દરેક દર્દીમાં, લોહીમાંના ઇલેક્ટ્રૉલાઇટ્સનું, કૅલ્શિયમ તથા ફૉસ્ફરસનું, પરાગલગ્રંથિના અંત:સ્રાવનું તથા વિટામિન ડીના સક્રિય ઘટક 1, 25, ડિહાઇડ્રેક્સિકોલીકૅલ્શિફેરોલનું પ્રમાણ જાણવામાં આવે છે. વળી તેના માટે સિસ્ટિન માટેની તપાસકસોટીઓ પણ યોજવામાં આવે છે. જેને એક વખત પથરી થાય તેને ફરીથી વારંવાર પથરી થાય છે. માટે આ કસોટીઓ કરવી જરૂરી ગણાય છે.

અતિપરાગલગ્રંથિતા નથી તે જોવા માટે 3 દિવસ સવારે ભૂખ્યા પેટે કૅલ્શિયમનું લોહીમાંનું પ્રમાણ મપાય છે. 24 કલાકના પેશાબમાં કૅલ્શિયમ, યુરેટ અને ફૉસ્ફરસનું પ્રમાણ જાણીને તેનો પેશાબમાર્ગે વધેલો વ્યય જાણી લેવાય છે. બહાર કાઢેલી પથરીનું પૃથક્કરણ કરવું અને તેનું બંધારણ જાણવું ઘણું આવશ્યક ગણાય છે.

સામાન્ય રીતે આહાર અંગેની કોઈ ચોક્કસ સલાહથી લાભ થાય છે તેવું સાબિત થયેલું નથી. દૂધની પેદાશો, સ્ટ્રૉબરી, ઠળિયાવાળાં ફળો (plums), પાલક જેવી ભાજી (spinach) તથા શતાવરી(asparagus)નો કૅલ્શિયમની પથરીઓ – ખાસ કરીને ફૉસ્ફેટ અને ઓક્સેલેટ સાથે સંબંધ છે. લાલ માંસ, માછલી તથા ફણગાવેલા કઠોળમાં પ્યુરિન વધુ હોય છે. તે યુરેટ પથરી સાથે સંબંધિત આહાર છે. ઈંડાં, માંસ, અને માછલીમાંથી સલ્ફરવાળું પ્રોટીન મળે છે. તે સિસ્ટિન પથરી સાથે સંબંધિત રહે છે. તેથી જે પ્રકારની પથરી હોય તે પ્રમાણે ઉપર જણાવેલ આહાર ન લેવાનું સૂચવાય છે. થાયેઝાઇડ મૂત્રવર્ધક (diuretic) અને અલ્પ કૅલ્શિયમવાળા આહારથી પેશાબમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટાડાય છે. તેવી જ રીતે એલોપ્યુરિનોલ પેશાબમાં યુરેટનું પ્રમાણ ઘટાડે છે. મૂત્રપિંડના રીનલ ટ્યૂબ્યુલ ઍસિડોસિસ નામના રોગમાં તથા ઇલિયોસ્ટોમી નામની ઉપચાર-પદ્ધતિમાં થતી પથરીને રોકવા પોટૅશિયમ સાઇટ્રેટ અપાય છે. ઑક્સેલેટનું પેશાબમાં પ્રમાણ વધુ હોય તો તેના વગરનો આહાર, ઓછી ચરબીવાળો ખોરાક, કોલેસ્ટિએરેમાઇન તથા પાયરિડૉક્સિન અપાય છે. સિસ્ટિન પથરી રોકવા માટે પેનિસિલિમાઇનનો પ્રયોગ કરાય છે. વધુ પાણી પિવડાવવાથી, થાયેઝાઇડ મૂત્રવર્ધકોનો ઉપયોગ કરવાથી, એલોપ્યુરિનોલ નામની દવા તથા પોટૅશિયમ સાઇટ્રેટ આપવાથી ચોક્કસ કિસ્સામાં 50 % થી 90 % જેટલી સફળતા મળે છે.

મૂત્રપિંડનલિકા (ureteric) પથરી : તે હંમેશાં મૂત્રપિંડમાં બને છે. નાની પથરી સહેલાઈથી પસાર થઈ જાય છે, જ્યારે તે મૂત્રપિંડનલિકામાંથી પસાર થાય ત્યારે મૂત્રપિંડનલિકાકીય ચૂંક કરે છે. ક્યારેક તે પસાર થઈને મૂત્રાશયમાં જાય છે. અથવા તો તે મૂત્રપિંડનલિકામાં ફસાઈ જાય છે. તે મૂત્રપિંડનલિકામાં વિવિધ સ્થળે ફસાઈ શકે છે : મૂત્રપિંડકુંડ સાથેના તેના જોડાણને સ્થાને, જ્યાં તે ઇલાયક ધમનીને પસાર કરતી હોય ત્યાં, જ્યારે તે  શુક્રવાહિની(vasdeferens)ને પસાર કરતી હોય ત્યારે, મૂત્રાશયમાં પ્રવેશતા પહેલાં અને મૂત્રાશયમાં જે છિદ્રથી તે ખૂલતી હોય તે છિદ્ર પાસે. તે સમયે સતત દુખાવો રહે છે. ક્યારેક મૂત્રપિંડ નળીમાં છિદ્ર પડે છે અને તો પેટના પોલાણમાં પેશાબ પેસે છે. ઘણી વખતે પેશાબમાં પરુ આવે છે. પેટની તપાસમાં સ્પર્શવેદના (tenderness) અને સ્નાયુઓની અક્કડતા (rigidity) જોવા મળે છે. જમણી બાજુની પથરી હોય તો તેને ઍપેન્ડિસાઇટિસ(આંત્રપુચ્છશોથ)થી અલગ પાડવી જરૂરી બને છે. તેની એક્સ-રે-ચિત્રણોની તપાસ આગળ વર્ણવી છે. સારવાર માટે પીડાનાશકોનો ઉપયોગ કરાય છે અને તે સાથે પથરી દૂર કરવા માટેની પ્રક્રિયાઓના ભાગ રૂપે પથરીને તોડી નાંખવાની પ્રક્રિયા કરાય છે. વળી કેટલીક વાર પથરી દૂર કરવા અંત:દર્શકની મદદથી જાળીછત્રી (છાબડી) નંખાય છે અથવા તો શસ્ત્રક્રિયા કરીને મૂત્રપિંડનળીનું મૂત્રાશયમાંનું છિદ્ર પહોળું કરાય છે. તેને છિદ્રછેદન (metatomy) કહે છે. મૂત્રપિંડ નળીમાં ફસાયેલી પથરીને ત્યાં જ અશ્મરીભંજક વડે તોડી શકાય છે.

શિલીન નં. શુક્લ

કેતન દેસાઈ