પણ્ણવણા : ચોથું ઉપાંગ ગણાતો જૈન-આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના આગમ-ગ્રંથોને અંગ અને ઉપાંગ જેવા બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં રચાયેલા ‘પણ્ણવણા’ને (સં. પ્રજ્ઞાપના : ‘ગોઠવણી’, ‘વિતરણ’) ચોથા ઉપાંગ તરીકે સ્થાન આપ્યું છે. જૈન પરંપરામાં આગમોના અંગ-ઉપાંગ જેવા વિભાગોની પ્રક્રિયા પાછળ પણ પ્રાચીન બ્રાહ્મણ-પરંપરાનું અનુકરણ થયું છે. ‘પ્રજ્ઞાપના’ને કોઈ વાર ‘પ્રજ્ઞાપના-અધ્યયન’ પણ કહેવામાં આવે છે.

શ્વેતાંબર જૈનોની આવશ્યક-નિર્યુક્તિ સાથે સંકળાયેલા ‘નંદીસૂત્ર’માં (81) ‘પણ્ણવણા’ સાથે ‘મહાપણ્ણવણા’(સં. મહાપ્રજ્ઞાપના)નો પણ નિર્દેશ થયો છે. તે ઉપરથી પં. કાશીનાથ કુંતે, 1880-1881 દરમિયાન તપાસેલી કેટલીક સંસ્કૃત હસ્તપ્રતો પરના અહેવાલમાં જણાવે છે કે ‘મહાપણ્ણવણા’ નામે કોઈ જૈન ઉપાંગ સૂત્રગ્રંથ કદાચ પહેલાં અસ્તિત્વ ધરાવતો હશે, પણ તે હવે લુપ્ત થયો લાગે છે. ‘નંદીસૂત્ર’ પરની ચૂર્ણિ (ઈ. સ. 7મી સદી) કે તેની પરના મુખ્ય ટીકાકારોએ, દા. ત., હરિભદ્રે (8મી સદી) અથવા તો (હરિભદ્રની ટીકાના વ્યાખ્યાકાર) ચંદ્રસૂરિએ (12મી સદી) કે મલયગિરિએ (12મી સદી) ‘મહાપણ્ણવણા’ નામે બીજો કોઈ સૂત્રગ્રંથ હોય તેવું કાંઈ સૂચન પણ કર્યું નથી.

ઘણી હસ્તપ્રતોમાં ‘પ્રજ્ઞાપના’ની શરૂઆતમાં પંચ-નમસ્કાર મંત્ર આવે છે અને પછી પાંચ પ્રાકૃત આર્ય ગાથાઓ આપવામાં આવી છે. તેમાં ગાથા 3-4 જણાવે છે કે વાચક વંશના ધીર પુરુષ આર્ય શ્યામે તેમની પહેલાં રચાયેલા કોઈ સૂત્રગ્રંથના આધારે ‘પ્રજ્ઞાપના’ સૂત્રગ્રંથનું સંકલન કર્યું. જોકે ‘પ્રજ્ઞાપના’ના ટીકાકારોમાં હરિભદ્રે અને મલયગિરિએ આ બંને ગાથાઓને ‘પ્રજ્ઞાપના’માં ક્ષેપક ગણી છે, પરંતુ આર્ય શ્યામ ‘પ્રજ્ઞાપના’ના કર્તા છે તે બાબતે તો તેઓ સંમતિ ધરાવે છે. ‘નંદીસૂત્ર’ની પટ્ટાવલીમાં કાલકાચાર્યને આર્ય શ્યામ તરીકે ઓળખાવ્યા છે. પણ, તે જ આર્ય શ્યામ ‘પ્રજ્ઞાપના’ના કર્તા છે કે તે કોઈ બીજી વ્યક્તિ છે તે હજી નિશ્ચિત થયું નથી. વળી, પાંચમી ગાથા મુજબ ‘પ્રજ્ઞાપના’ દૃષ્ટિવાદમાંથી તારવી કાઢેલું એક અધ્યયન છે, એમ જૈન પરંપરા માને છે.

‘પ્રજ્ઞાપના’માં જૈન પ્રણાલી મુજબ શરીર, પરિમાણ, કષાય, ભાષા, ક્રિયા, કર્મબંધ, આહાર, ઉપયોગ, સંયમ, વેદના ઇત્યાદિ જેવાં વિવિધ દૃષ્ટિબિંદુઓની અપેક્ષાએ જીવ, અજીવ જેવાં તત્ત્વોનું વિશ્લેષણ કે વિવરણ કરવામાં આવ્યું છે. આવાં કુલ 36 દૃષ્ટિબિંદુઓ (પય., સં. પદ) હોવાથી ‘પ્રજ્ઞાપના’ને 36 પદમાં વિભક્ત કર્યું છે. કેટલાંક પદોને ઉદ્દેશો જેવા પેટાવિભાગો પણ છે.

જૈન વિચારધારામાં વિકસિત જીવ, અજીવ ઇત્યાદિ તત્ત્વોની વિવિધ વિવરણપ્રક્રિયાનું ‘પ્રજ્ઞાપના’માં સંકલન થયું છે. બેલ્જિયમના વિદ્વાન પ્રોફેસર જોઝેફ દલ્યૂએ (Jozef Deleu) પોતાના સંશોધનમાં સ્પષ્ટ કર્યું છે કે ‘વિયાહપન્નત્તિ’માં ‘પ્રજ્ઞાપના’ને, સંદર્ભ રૂપે લગભગ સંપૂર્ણત: સમાવી દીધું છે. આ રીતે ત્રીજા ઉપાંગ : જીવાજીવાભિગમમાં પણ પ્રજ્ઞાપનાનાં કેટલાંક પદોનો કે ગદ્યાંશોનો સમાવેશ થયો છે. આથી ઊલટું, ‘પ્રજ્ઞાપના’ના કેટલાય ગદ્યાંશો ‘વિયાહપન્નત્તિ’, જીવાજીવાભિગમ, પહેલું ઉપાંગ: ઓવવાઇય (સં. ઔપપાતિક), ઉપરાંત નંદીઅનુયોગદ્વાર (જુઓ અધિકરણ: ‘અણુઓગદ્દાર’) વગેરે સૂત્રગ્રંથોના ગદ્યાંશો સાથે સમાનતા ધરાવે છે; જ્યારે મૂળ સૂત્રમાં ગણાતા ‘ઉત્તરજ્ઝાયા સૂત્ર’ની, તથા જિનભદ્રગણિના (આશરે છઠ્ઠી સદી) ‘વસેસાવસ્સયભાસ’ની કેટલીક ગાથાઓના આધારે ‘પ્રજ્ઞાપના’ના ગદ્યમાં રૂપાંતર કે વિવરણ થયેલું જોવા મળે છે. પં. દ. માલવણિયાએ દિગંબર જૈનોના પ્રાચીન શાસ્ત્રગ્રંથ ‘ષટ્ ખંડાગમ’નાં અને ‘પ્રજ્ઞાપના’નાં વિષયવસ્તુની સમવિષમતા પર ધ્યાન દોર્યું છે.

‘પ્રજ્ઞાપના’નાં કેટલાંક પદોમાં પરંપરાગત 232 પ્રાકૃત ગાથાઓ જ્યાં ત્યાં આવશ્યકતા-અનુસાર વણી લેવામાં આવી છે. મૌખિક પરંપરામાં ચાલી આવતાં જૈન શાસ્ત્રોનાં વિષયવસ્તુનું આવી ગાથાઓમાં સંક્ષિપ્ત સંકલન કરવામાં આવતું. આ ગાથાઓ વિષય પરત્વે વિવિધ નામોથી ઓળખાતી; જેમ કે, વિષયવસ્તુના સંક્ષેપ રૂપે સંગ્રહણીગાથા, ગ્રંથ કે અધ્યયનના મુખ્ય મુદ્દાઓ કે નાના નાના મુદ્દાઓ રૂપે અધિકારગાથા અથવા દ્વારગાથા. સંશોધનની આગવી પ્રક્રિયાના (છંદ-પરીક્ષણ, વિચારધારા, શબ્દશાસ્ત્ર વગેરેના) આધારે ગાથાઓની પ્રાચીનતા વિશે નિર્ણય લેવાય છે. વળી, મૌખિક પરંપરામાં ચાલી આવતી આવી કેટલીક ગાથાઓ જેટલે અંશે પ્રાચીન છે, તેટલે અંશે જૈન પરંપરામાં તે તે ગાથાઓની સાથે સાથે તેમના વિવરણ રૂપે સમાંતર ચાલી આવતું ગદ્ય પણ પ્રાચીન સંભવી શકે છે અને તેની પણ એક આગવી સંશોધન-પ્રક્રિયા છે; જેમ કે, જર્મનીના પ્રોફેસર લૂડવીગ આલ્સદોર્ફના મતે ‘પ્રજ્ઞાપના’(પદ 1)માં ની રૂઇ (સં. રુચિ) પરની ઘણી ગાથાઓ અને ગદ્ય માટે ‘ઉત્તરજ્ઝાયા’(અધ્યાય 28)નો આધાર લેવાયો છે.

આ રીતે ‘પ્રજ્ઞાપના’ પદ 1ની ઘણી ગાથાઓ પ્રથમ અંગ : આયાર (સં. આચાર) ઉપરની નિર્યુક્તિની કેટલીક ગાથાઓ સાથે, તથા આવશ્યક નિર્યુક્તિની પણ કેટલીક ગાથાઓ સાથે મળતી આવે છે. ‘પ્રજ્ઞાપના’ પદ 2ની કેટલીક ગાથાઓ ઔપપાતિકના અંતે આવતી કે દસ પ્રકીર્ણક ગ્રંથોમાં મળતી કેટલીક ગાથાઓ સાથે મળતી આવે છે. ‘પ્રજ્ઞાપના’ના પહેલા પદની શરૂઆતમાં આવતી 1-3 ગાથાઓમાં ‘પ્રજ્ઞાપના’નાં 36 પદોનાં નામોનો નિર્દેશ કર્યો છે. ‘પ્રજ્ઞાપના’માં મળી આવતા ઘણા વિશિષ્ટ મુદ્દાઓ ભારતીય સંસ્કૃતિના અધ્યયન માટે નોંધપાત્ર છે; ઉદાહરણ તરીકે, ‘પ્રજ્ઞાપના’ 1.97માં જવણ, ચિલાય (કિરાત), બબ્બર, મુરુંડ, (સમુદ્રગુપ્તની અલ્લાહાબાદ-પ્રશસ્તિ મુજબ મુરંડી; પશ્ચિમ સરહદે ગંગા તટ પાસે), સિંહલ, પારસ, દમિલ, પુલિંદ, ડૉંબ, બહલિય (બૅક્ટ્રિયન ?), રોમ, પલ્હવ, ચીણા, હૂણ વગેરે જેવા 53 પ્રકારના મિલક્ખૂ (સં. મલેચ્છ) લોકોની ગણના કરવામાં આવી છે. આમાંનાં કેટલાંક નામો ‘વિયાહપન્નત્તિ’ (9.33), છઠ્ઠા અંગ : ‘નાયાધમ્મકહાઓ’માં (જુઓ, અધિકરણ : ‘નાયાધમ્મકહાઓ’માં  પં. બે. દોશી અને દેવેંદ્રમુનિ શાસ્ત્રી), દસમા અંગ : ‘પણ્હાવાગરણાઇં’(સં. પ્રશ્ન વ્યાકરણાનિ)માં ‘ઔપપાતિક’ અને ‘જંબુદ્દીવપન્નત્તિ’માં, તથા નેમિચંદ્રે (11મી સદી) પ્રાકૃતમાં રચેલા ‘પ્રવચનસારોદ્ધાર ગાથા’(15941597)માં પણ પુનરાવર્તન પામ્યાં છે. ‘પ્રજ્ઞાપના’ 1.102માં છ ગાથાઓ ઉદ્ધૃત કરીને તેમાં આરિય(સં. આર્ય)ના વસવાટનાં લગભગ 26 સ્થળો દર્શાવ્યાં છે; જેમ કે, તામલિત્તિ, વંગ, કંચણપુર, સાએય-કોસલ, અહિચ્છત્ત-જંગલા, બારવતી-સુરા, વઇરાડ-વરછ, અર્ધું કેકય વગેરે. સૂત્ર 107માં બંભી, યવણાલિયા, ખરોટ્ઠી, પહરાઈયા, અંક, ગણિત, ગંધવ્વ, દામિલી, પોલિંદી વગેરે 18 પ્રકારની લિપિઓનો ઉલ્લેખ થયો છે. ચોથા અંગ : ‘સમવાય’(18)માં તથા કલ્પસૂત્ર (ઋષભ-ચરિત) પરના ‘કલ્પાન્તરવાચ્યાનિ’માં પણ આ લિપિઓનું પુનરાવર્તન થયું છે. વળી, અહીં સર્વત્ર અદ્ધમાગહા ભાસા(સં. અર્ધમાગધા ભાષા!)ની લિપિ બ્રાહ્મી હોવાનું જણાવ્યું છે. આમાંથી બ્રાહ્મી, ખરોષ્ઠી, પુષ્કરસારિ (? પૌષ્કરસાદિ), દ્રાવિડ, ગાંધર્વ વગેરે નામો લલિતવિસ્તર(10.29)માં પણ આવે છે.

‘પ્રજ્ઞાપના’ પર હરિભદ્રની અને મલયગિરિની સંસ્કૃત ગદ્યમય ટીકાઓ ઉપરાંત બીજી નાનીમોટી 11-12 ટીકાઓ રચાઈ છે. અનુયોગદ્વાર પરની હરિભદ્રની વૃત્તિમાં આવતા ઉલ્લેખ મુજબ જિનભદ્રગણિએ ‘પ્રજ્ઞાપના’ના 12મા શરીર-પદ પર ચૂર્ણિ રચી હોય એમ લાગે છે. અભયદેવે (11મી સદી) પણ ‘પ્રજ્ઞાપના’ના ત્રીજા અલ્પ-બહુત્વ-પદના આધારે 133 પ્રાકૃત ગાથાઓ રચી છે. ‘પ્રજ્ઞાપના’ના પહેલા પદમાં આવતાં વનસ્પતિઓનાં નામોના આધારે ચંદ્રસૂરિએ પણ પ્રાકૃતમાં 71 ગાથાઓ રચી તેનું નામ ‘વનસ્પતિસપ્તતિકા’ આપ્યું છે. અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાના સંશોધન માટે ‘પ્રજ્ઞાપના’ પર રચાયેલા ટબાઓનું મહત્ત્વ પણ વધી જાય છે. તેમાં ધનવિમલ અને જીવવિજયના (18મી સદી) તથા પરમાનંદના (19મી સદી) ટબા મુખ્ય છે. પં. દ. માલવણિયા અને પં. અ. મો. ભોજકની પ્રજ્ઞાપનાના સૂત્રગ્રંથ સાથેની તેના વિશદ વિવરણયુક્ત એકમાત્ર આવકારદાયક આધારભૂત આવૃત્તિ જૈન આગમ ગ્રંથમાલા, મુંબઈથી (ભાગ 1-2, 1969-1971) પ્રસિદ્ધ થઈ છે, જેનો આધાર અહીં લેવાયો છે.

બંસીધર ભટ્ટ