પણ્યાવર્ત (turnover) : ઉદ્યોગ અને વેપાર ધંધામાં માલ અથવા સેવાના વેચાણથી પ્રાપ્ત થયેલી એકત્ર રકમ  વકરો. વિક્રય પરથી આવેલો ‘વકરો’ શબ્દ પણ વેચાણનો જ સંકેત કરે છે. મોટેભાગે વાર્ષિક ગાળા માટે ગણતરી કરાય છે.

વેપારમાં માલના વેચાણથી જ આવક થાય તેનું પરિમાણ વેપાર, વેચાણ અને આવકના પ્રમાણનો તેમજ લાભની માત્રા વગેરેનો નિર્દેશ કરે છે. શાસનની દૃષ્ટિએ પણ આ વિગતો ઉપયોગી છે. આ વિગતો પ્રાપ્ત કરી, તેમની ચકાસણી કરી વહીવટીતંત્ર વેપારધંધાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે છે. કુશળ નામું લખનારા ઘણી વાર સારો વેપાર થયો હોય છતાં નામાની આંટીઘૂંટીમાં ચોપડા એવી રીતે તૈયાર કરે છે કે નફાના બદલે ખોટ દેખાય અથવા સારો એવો નફો થયો હોય તોપણ નજીવો નફો દેખાય ! વહીવટી તંત્રને અને લેણદારોને અવળા માર્ગે દોરવા માટે લોકો આવું કરવા પ્રેરાય છે. આની સામેના ઉપાય તરીકે નફા ઉપર વેરો લેવાને બદલે વકરા ઉપર વેરો લેવામાં આવે છે. આવા કરને પણ્યાવર્ત કર (turnover tax) કહે છે. વકરાનો આંકડો બીજી કેટલીક તંત્રવિષયક બાબતોમાં પણ મહત્ત્વ ધરાવે છે; જેમ કે, લઘુઉદ્યોગના વ્યાપનું નિર્ધારણ, આયકર હેતુ માટે વ્યવસાયીની આવકનું નિર્ધારણ, વિદેશ-વેપાર માટે વેપારીને માન્યતા માટે યોગ્યતા-નિર્ધારણ.

પણ્યાવર્તના આધારે પણ્યાવર્ત-ગુણોત્તર શોધવાનું તથા આર્થિક મૂલ્યાંકનો કરવાનું શક્ય બને છે. કાચા નફાને વકરા વડે ભાગીને 100 વડે ગુણવાથી મળતો આંક કાચા નફાનો ગુણોત્તર કહેવાય છે. એક મહત્ત્વનો ગુણોત્તર માલની સિલક-પણ્યાવર્ત ગુણોત્તર (stock turnover ratio) છે.

આ આંક વડે વેચાણનીતિની પ્રભાવકતા જાણી શકાય છે. સ્થાયી સંપત્તિ અને પણ્યાવર્તનો ગુણોત્તર પણ મહત્ત્વનો છે. તે પણ્યાવર્તની ખર્ચાળતા છતી કરે છે.

બૅન્કના વ્યવસાયમાં સંજોગો સાવ ભિન્ન હોય છે. અહીં માલનાં ખરીદવેચાણ થતાં નથી. નાણાંની આપલેનો એ ધંધો છે. અહીં માલની ઊઘડતી કે બંધ સિલક હોતી નથી. બૅન્કના સંદર્ભમાં પણ્યાવર્ત એટલે ધંધાનો સરવાળો એવો અર્થ કરાય છે. ધિરાણનાં નાણાં એ વેચાણ સમકક્ષ છે, કારણ કે તે નફાનું સાધન છે. વર્ષાન્તે સરવૈયામાંથી એકત્ર ધિરાણ જાણી શકાતું નથી. કારણ, વચગાળામાં ટૂંકી અવધિની લેવડદેવડો થાય છે. સરવૈયામાં તેની માહિતી મળતી નથી. શાખપત્રો, ડિબેન્ચર, તિજોરીપત્ર આદિમાં કરેલું રોકાણ પણ ધંધાનો અંશ છે. રોકડશાખ, બિલવટાવ જેવાં કાર્યો પણ ધંધો જ છે. વર્ષ દરમિયાન બૅન્કે આમ વિવિધ રીતે જે નાણાં ધીર્યાં હોય તે બધાં તેના પણ્યાવર્ત માટે ધ્યાનમાં લેવામાં આવે છે. આમ, વર્ષારંભે ધિરાણની ઊઘડતી સિલકો તથા વર્ષ દરમિયાન આપેલાં નવાં ધિરાણો પરથી બૅન્કની એકત્ર સિલકના પણ્યાવર્તનો આંકડો મેળવી શકાય છે.

બૅન્કના વ્યવહારો સંબંધી પણ્યાવર્તના વિશેષ અર્થને કારણે કોઈ વાર તેનો દુરુપયોગ પણ થાય છે. મન ફાવે તે રીતે તેની ગણતરી કરીને બૅન્કની હોય તેના કરતાં વધારે રૂડું ચિત્ર ઉપસાવવામાં આવે છે. લેખાના નિયમો પ્રમાણે ઉચિત હોય તેવા વ્યવહાર ધંધાની નૈતિકતાની દૃષ્ટિએ અનુચિત હોય એવું બને.

બંસીધર શુક્લ