પણજી : ભારતને પશ્ચિમ કિનારે આવેલા ગોવા રાજ્યની રાજધાની, તેનું સૌથી મોટું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 15° 29´ ઉ. અ. અને 73° 50´ પૂ. રે. પર તે માંડોવી નદીના મુખ પર દક્ષિણ કાંઠે વસેલું છે. મુંબઈથી દક્ષિણે તે 360 કિમી. અંતરે આવેલું છે. બંદરના ઉતરાણ સ્થળને ‘પાણ’ કહેવાતું હોવાથી આ શહેરનું નામ ‘પાણજી’ અથવા ‘પણજી’ પડેલું છે. અંગ્રેજો અને ફિરંગીઓ તેને પંજીમ તરીકે ઓળખતા.

પણજી ઉષ્ણકટિબંધમાં પરંતુ અરબી સમદ્રને કિનારે આવેલું હોવાથી તેની આબોહવા માફકસરની અને ભેજવાળી રહે છે. તેનું સરેરાશ વાર્ષિક ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 27.8° સે. અને 24.8° સે. જેટલું રહે છે. નૈર્ઋત્યના મોસમી પવનો જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ આપે છે, સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં પડે છે; વરસાદનું પ્રમાણ 3,000 મિમી. જેટલું રહે છે.

પણજી બંદર

ભારે વરસાદને કારણે અહીંના વિસ્તારમાં સાગ, વાંસ, તાડ, નાળિયેરી, આંબા, કાજુ વગેરેનાં વૃક્ષો તથા કેળ, ફણસ,  અનનાસ, ચીકુ જેવાં ફળઝાડ જોવા મળે છે. રાજ્યનો મુખ્ય પાક ડાંગર છે. અન્ય પાકોમાં શેરડી, સોપારી, રાગી વગેરે થાય છે. કિનારા નજીક  પહાડી ભાગોમાં લોહઅયસ્ક્ધાી ખાણો આવેલી છે. તે ઉપરાંત મૅંગેનીઝ, બૉક્સાઇટ જેવાં અન્ય ખનિજો પણ મેળવવામાં આવે છે.

મુંબઈથી કન્યાકુમારી જતો કંઠાર ધોરીમાર્ગ પણજી થઈને પસાર થાય છે. પુણે-બૅંગાલુરુ રેલવે પણજીને દેશના અન્ય ભાગો સાથે જોડે છે. નવો કોંકણ રેલમાર્ગ પણજી નજીકથી પસાર થાય છે. વાસ્કોદ-ગામા અને મડગાંવ નજીકનાં રેલમથકો છે. મુંબઈ, બૅંગાલુરુ, બેળગામ, હુબલી, મૅંગલોર, મિરજ, મૈસૂર અને પુણેથી પણજી આવવા-જવા માટે નિયમિત લક્ઝરી તેમજ સામાન્ય બસોની સુવિધા છે. વિમાનમાર્ગે અન્યત્ર જવા માટે નજીકનું હવાઈ મથક ડેબોલીમ (દાભોલી) પણજીથી 29 કિમી. અંતરે આવેલું છે. તે મુંબઈ, બૅંગાલુરુ, કોચીન, દિલ્હી, ચેન્નાઈ અને તિરુવનંતપુરમ્ સાથે હવાઈ માર્ગે જોડાયેલું છે. ગોવામાં આવેલા માર્માગોવાના કુદરતી બારા ઉપરાંત પણજી પણ લઘુબંદર તરીકે સેવા આપે છે. અહીં બંદરની નાળ (ચૅનલ) એક કેબલ (180 મીટર) કરતાં વધુ પહોળી છે. લંગર-સ્થાને 4થી 5 ફૅધમ (7.560થી 9.150 મીટર) પાણી રહે છે. તેના પીઠપ્રદેશ (hinterland) તરીકે ગોવા રાજ્ય તથા તેની ઉત્તર તરફ મહારાષ્ટ્ર અને પૂર્વ તરફ કર્ણાટકના પ્રદેશો આવેલા છે.

પણજી ખાતે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન વગેરેની કૉલેજો ઉપરાંત નૅશનલ ઓશનોગ્રાફી અને મરીન આર્કિયૉલૉજીની સંસ્થાઓ આવેલી છે. મધ્યસ્થ ગ્રંથાલય તથા ‘ઇમ્પ્રેસિયા નાસિયોનાલ’ નામનાં દુર્લભ પુસ્તકો ધરાવતાં બે પુસ્તકાલયો છે. ગોવા દેશ-પરદેશના પ્રવાસીઓ માટેનું મોટું કેન્દ્ર હોવાથી પણજીમાં એકતારકથી માંડીને પંચતારક સુધીની વૈભવી હોટલોની સુવિધા છે. આ ઉપરાંત અહીં મધ્યમથી નીચા દરની હોટલો, પ્રવાસી-નિવાસસ્થાનો, કુટિરો વગેરેની સગવડો પૂરતી સંખ્યામાં ગોવા પ્રવાસન દ્વારા આપવામાં આવે છે. સ્થાનિક પરિભ્રમણ માટે અહીં બસો, ટૅક્સીઓ, ઑટોરિક્ષાઓ તેમજ મોટરસાઇકલોની સેવા ઉપલબ્ધ છે. પણજી-માર્માગોવા વચ્ચેના જળમાર્ગ પર જવાઆવવા માટે મોટરબોટ, લૉંચ તથા ફેરી-સેવા મળી રહે છે.

ગોવામાં સંખ્યાબંધ જોવાલાયક સ્થળો આવેલાં હોવાથી પણજી પ્રવાસીઓની અવરજવર માટેનું મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. માપુસા, મડગાંવ, માર્માગોવા અને વાસ્કો-દ-ગામા જાણીતાં સ્થળો છે. કોલવા અને કાલાન્ગુટ બીચ તથા ડોનાપૌલા, માંડોવી-જુઆરી નદી તેમના કુદરતી સૌંદર્ય માટે વખણાય છે. સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, સેન્ટ કેજેટન ચર્ચ, અવર લેડી ઑવ્ રોઝરી ચર્ચ, રીસ માર્ગોસ ચર્ચ, બેસિલિકા ઑવ બોમ જિસસ, સે કેથીડ્રલ, સાધ્વીઓ માટેનો સેન્ટ મૉનિકા મઠ, સેન્ટ ઑગસ્ટિન ટાવર વગેરે જાણીતાં ખ્રિસ્તી ધાર્મિક સ્થળો છે. શ્રી મંગેશ મંદિર, મોહિનીસ્વરૂપ શ્રી વિષ્ણુનું શ્રી મહાલ્સા મંદિર, શ્રી ગોપાલ ગણપતિ મંદિર, શ્રી નાગેશ મંદિર, શ્રી રામનાથ મંદિર, શ્રી દત્ત મંદિર, શ્રી વિઠ્ઠલ મંદિર, શ્રી સપ્તકોટેશ્વર મંદિર, શ્રી મહાલક્ષ્મી મંદિર, શ્રી કાલિકાદેવી મંદિર જેવાં હિન્દુ ધાર્મિક સ્થળો જોવાલાયક છે. અહીંથી 18 કિમી. અંતરે આવેલો અગ્વાડા કિલ્લો, 35 કિમી. અંતરે આવેલું માયેમ સરોવર, 55 કિમી. અંતરે આવેલું બોન્ડલા વન, 60 કિમી. અંતરે આવેલો દૂધસાગર ધોધ તેમજ અનુક્રમે 240 ચોકિમી. અને 105 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલાં ભગવાન મહાવીર વન્ય જીવન અભયારણ્ય તથા કોટિગાંવ વન્ય જીવન અભયારણ્ય પ્રવાસીઓના આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે. માંડોવી નદીને કાંઠે ‘એવન્યૂ દ બ્રાઝિલા’ અને પણજી રાજમાર્ગ પર ગોવાનાં સરકારી કાર્યાલયો તથા શ્રીમંતોનાં આલીશાન મહાલયો આવેલાં છે. ફારિયા જેવી સુંદર પ્રતિમાઓ તથા વિવિધ ઉદ્યાનો પણજીના કુદરતી સૌંદર્યમાં ઉમેરો કરે છે. સુલતાન આદિલશાહનો મહેલ, સચિવાલય તથા ચોપાટી દેશપરદેશના પ્રવાસીઓને આકર્ષે છે. પણજી ગોવાનું એક એવું મથક છે જ્યાં પ્રવાસીઓ બારે માસ અવરજવર કરે છે. માંડોવી-જુઆરી નદીઓ ગોવાની વિશિષ્ટતા બની રહી છે, અહીંનાં આભઊંચાં વૃક્ષો અને લીલાંછમ ખેતરો રાજ્યની રમણીયતામાં ઉમેરો કરે છે.

1510માં વિજયનગરના રાજ્યની સહાયથી પોર્ટુગીઝોએ બીજાપુરના બહ્મની સુલતાન પાસેથી આ પ્રદેશ કબજે કરેલો. 18મી સદીના મધ્યકાળ સુધી તો પણજી માત્ર એક નાનકડું ગામ હતું. ત્યારે જૂનું ગોવા-વેલ્હા ગોવા અથવા એલા પ્રાદેશિક વહીવટી મથક હતું. પણજીમાં વારંવાર પ્લેગ થયા કરતો હતો, તેથી ત્યાં વસાહત સ્થપાઈ ન હતી. 1843માં તે ગોવાનું રાજધાની-મથક બન્યું. નજીકમાં પૉર્ટુગીઝો અને મરાઠાઓની સંસ્કૃતિનાં ઘણાં ખંડિયેરો આજે પણ જોવા મળે છે. આ શહેર આજે નદીકાંઠે અર્ધચન્દ્રાકારે વસ્યું અને વિકસ્યું છે. 1970ના દસકા દરમિયાન તેનો વધુ ઔદ્યોગિક વિકાસ થયો છે. રાયબંદર, મેર્સી અને ચિંચલ તેનાં ઉપનગરો છે. 2011માં બૃહદ શહેરની વસ્તી 1,14,759 જેટલી હતી.

શિવપ્રસાદ રાજગોર