પણ લક્ષાંત કોણ ઘેતો (1890થી 1893) : પ્રસિદ્ધ મરાઠી લેખક હરિનારાયણ આપટે(1860થી 1911)ની નવલકથા. આ કૃતિ મરાઠી સાહિત્યની પહેલી નવલકથા છે, જેમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, હિન્દુ સ્ત્રી ત્રસ્ત અવસ્થામાં બંદિની હોય એ રીતે જીવતી હતી અને રૂઢિગ્રસ્ત રીતરિવાજો એનું જીવન ઝેર કરી દેતા હતા તે પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્રણ છે. નવલકથાની નાયિકા યમુના છોકરી હોવાથી એને ભણવાનો અધિકાર નથી મળતો, એથી એ ચોરીછૂપીથી થોડું વાંચતાં-લખતાં શીખે છે. એના બાપ અને એની મા વચ્ચે સતત ઝઘડો ચાલ્યા કરતો હોય છે. એનો બાપ એની મા જોડે ઘણી કઠોરતાથી વર્તતો છતાં એના પ્રત્યે મા સદ્વર્તન રાખતી તેથી તેને પસ્તાવો થાય છે. મા અચાનક માંદી પડી મૃત્યુ પામે છે. ત્યારે થોડા દિવસમાં જ એ એની પુત્રીથી બેત્રણ વર્ષે મોટી છોકરી જોડે લગ્ન કરે છે અને બધાં સગાંવહાલાં ધામધૂમથી તેના લગ્નની ઉજવણી કરે છે.

યમુનાનાં લગ્ન રઘુનાથરાવ સાથે થાય છે. પતિ યમુના જોડે માયાળુપણે વર્તે છે; પણ એના સસરાનું મૃત્યુ થયું હોવાથી, એની સાસુ તથા વર એના મામાજી શંકરને ત્યાં જ રહે છે. એ અત્યંત દુષ્ટ અને સ્વાર્થી છે. યમુના પાસેથી એના ભાઈઓએ બળેવના મોકલેલા પૈસા છીનવી લે છે અને સાસુ-વહુ વચ્ચે વૈમનસ્ય કરાવવા પ્રયત્ન કરે છે. યમુનાના વરને મુંબઈમાં નોકરી મળે છે ત્યારે યમુના એના વરની જોડે ન રહે તે હેતુથી રઘુનાથરાવને એકલા જ મુંબઈ જવા દે છે. પણ રઘુનાથરાવ કુશળ રીતે મા અને પત્નીને મુંબઈ બોલાવે છે. યમુના ત્યાં પડોશીઓની સહાયથી સારી એવી પ્રગતિ કરે છે. સ્ત્રીમંડળમાં ચર્ચા કરે છે. સ્ત્રીમુક્તિના લેખો લખે છે. આથી એની વિરુદ્ધ પ્રચાર થાય છે. શંકરમામા સંબંધ તોડી નાખી અવળો પ્રચાર કરે છે; પણ સકુટુંબ દિવાળી ઊજવવા મુંબઈ જાય છે અને ખૂબ ખરીદી કરી, રઘુનાથને નિચોવી નાખે છે.

રઘુનાથરાવ એકાએક માંદો પડે છે ને મરી જાય છે. શંકરમામા યમુનાનું કેશમુંડન કરાવવા તનતોડ પ્રયત્ન કરે છે ને આખરે છળથી યમુનાને બેભાન કરી એનું મુંડન કરાવે છે. આ રીતે યમુનાના પાત્ર દ્વારા લેખકે સ્ત્રીઓ પર જે પારાવાર અત્યાચાર ગુજરે છે તેનું દર્શન કરાવ્યું છે.

આખી કથા આત્મકથનની શૈલીમાં યમુનાની ડાયરી રૂપે છપાઈ છે અને યમુનાનું મૃત્યુ થતાં અધૂરી રહેલી કડીઓ એનો ભાઈ ગણપતરાવ પૂરી કરીને ડાયરીને આખરી સ્વરૂપ આપે છે. આમ કથાનક તેમજ શૈલી બંને દૃષ્ટિએ મરાઠીની આ નવલકથા પછીની પેઢીને સ્પષ્ટ માર્ગદર્શન કરાવે છે.

અરુંધતી દેવસ્થળે