પઢિયાર, અમૃતલાલ સુંદરજી (. 3 એપ્રિલ 1870, ચોરવાડ, જિ. જૂનાગઢ; . 2 જુલાઈ 1919, મુંબઈ) : વિચારપ્રધાન ગદ્યના લેખક. માત્ર ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ અને 19 વર્ષની ઉંમરે મુંબઈ આવી નોકરીમાં જોડાયા તે વચ્ચે થોડો થોડો સમય વતન ચોરવાડમાં આવતા રહ્યા, જ્યાં વૈદ્ય તરીકેની કારકિર્દી આરંભી; પણ મુખ્યત્વે એક સમાજસુધારક તરીકે કામ કરતા રહ્યા અને છેલ્લે કૉલેરાથી મુંબઈમાં અવસાન પામ્યા.

કૌટુમ્બિક જીવનની વિષમતાનો અનુભવ કરીને બહુ નાની ઉંમરે તેમણે સંસારસુધારાનું જીવનધ્યેય નક્કી કર્યું. આ માટે તેમણે ‘મનુષ્ય-જીવનનું કર્તવ્ય શું ?’ એ પ્રશ્નને અગ્રસ્થાન આપીને સાહિત્યસર્જન આરંભ્યું. ‘આર્ય વિધવા’ (1881) અને ‘અમૃતવચનો’ (1900) જેવી આરંભની કૃતિઓ પછી ‘સંસારમાં સ્વર્ગ’ (1902) નામની, ‘સરસ્વતીચંદ્ર’ ભાગ ત્રીજા-ચોથાને અનુસરતી, કથા અલ્પ અને વિચારસામગ્રી ઝાઝી એવી, નવલકથા આપી; જેનાથી સાહિત્યકાર તરીકેની એમની કારકિર્દી બંધાઈ.

આ પછી ‘સ્વર્ગની કૂંચી’ (1903), ‘સ્વર્ગનો ખજાનો’ (1906), ‘સ્વર્ગની સીડી’ (1909), ‘સ્વર્ગનાં રત્નો’ (1912) વગેરે ‘સ્વર્ગ’ નામધારી સંખ્યાબંધ કૃતિઓ તેમણે આપી, જેમાં ધર્મસામાન્યની ભૂમિકા પર રહી નીતિમત્તાદિ મૂલ્યપ્રધાન જીવનનો મહિમા સ્થાપિત કરવાનો યત્ન તેમણે કર્યો છે. માણસ ઈશ્વરનિષ્ઠ રહીને પ્રામાણિકપણે પોતાની ફરજ બજાવે એ જ સ્વર્ગ – આવો સૂર પ્રધાનપણે તેમના સર્જનમાં રહેલો છે. ઉત્તરાવસ્થામાં, નર્મદાકિનારાના વ્યાસતીર્થવાળા, મૂળશંકર વ્યાસના પરિચયમાં આવી, ભાગવતભક્તિ તરફ ઢળ્યા હતા. ‘શ્રીમદ્ ભાગવતનો ટૂંકસાર’ તથા ‘ પ્રેમ પ્રેમ ને પ્રેમ’ એમની, ભક્તિપ્રધાન બનેલા જીવનની રચનાઓ છે. અમૃતલાલ પઢિયાર ગુજરાતી ભાષામાં વિચારનિરૂપણ કરતી પ્રૌઢ ગદ્યશૈલીના પંડિતયુગના એક ગણનાપાત્ર સર્જક હતા.

નરોત્તમ પલાણ