પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ (. 29 મે 1926, વડોદરા ; અ. 10 માર્ચ 2023 અમદાવાદ) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા.

માતાનું નામ ગંગાબહેન. વતન ધર્મજ, પણ ઉછેર મુંબઈમાં. માતા ગંગાબહેન માત્ર દોઢ ચોપડીનું શિક્ષણ પામેલાં અને ત્રણ વર્ષની વયે તો પરણી ગયેલાં; પણ પતિની છત્રછાયામાં રહી તેમણે ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો અને પ્રભાવક વક્તા બન્યાં. સ્વાતંત્ર્યસંગ્રામનાં વર્ષો દરમિયાન ગંગાબહેન ગાંધીભાવનાથી રંગાયેલાં. સત્યાગ્રહી તરીકે છ વાર કારાવાસ ભોગવેલો. તેઓ લેખિકા પણ હતાં. ધીરુબહેનના પિતા અંગ્રેજી અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય હતા. આવાં માતા-પિતાનો શિક્ષણ-સંસ્કાર અને સાહિત્યલેખનનો સમૃદ્ધ વારસો ધીરુબહેનને ગળથૂથીમાંથી સાંપડ્યો હતો અને તેમણે તે સવાયો કરીને આપ્યો. તેમણે શાળાશિક્ષણ સાન્તાક્રૂઝની પોદ્દાર હાઈસ્કૂલમાં અને ઉચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધેલું. 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. થયાં. 1948માં એમ.એ. થઈ અંધેરીની ભવન્સ કૉલેજમાં (1949થી 1963 સુધી) અને દહીંસરની કૉલેજમાં (1963-64) અંગ્રેજીનાં અધ્યાપિકા તરીકે કામ કરેલું. થોડાં વર્ષો પ્રકાશન સંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન પણ સંભાળેલું. 1963-64થી પોતાનું ‘કલ્કિ પ્રકાશન’ પણ શરૂ કરેલું. 1975 સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રીપદે રહેલાં. લેખનનો પ્રારંભ તેમણે અંગ્રેજીમાં કરેલો; પછી ગુજરાતીમાં કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદનાં મંત્રી તરીકે તેમણે બજાવેલી કામગીરી નોંધપાત્ર છે. ઈ. સ. 2004ના વર્ષનાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ હતાં.

ધીરુબહેન ગોરધનભાઈ પટેલ

ધીરુબહેન પ્રકૃતિપ્રેમી છે. તેમનું સાહિત્ય વિપુલ અને વૈવિધ્યસભર છે. ‘અધૂરો કૉલ’ (1955), ‘એક લહર’ (1957), ‘વિશ્રંભકથા’ (1966)  ‘જાવલ’ (2001), ‘ચોરસ ટીપું’ (2018) વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન અને માનવમનના ઊંડાણને તાગવાની મથામણ એ તેમની વાર્તાઓની વિશેષતા છે. પણ એમને યશ આપ્યો લઘુનવલો અને નવલકથાઓએ. ‘વડવાનલ’ (1963), ‘વાવંટોળ’ (1970), ‘શીમળાનાં ફૂલ’ (1976), ‘વમળ’ (1979), ‘કાદંબરીની મા’, ‘એક ફૂલગુલાબી વાત’, ‘પેઇંગ ગેસ્ટ’ ‘અતીતરાગ’  વગેરે તેમની નવલકથાઓ છે. આ પૈકીની ‘વાવંટોળ’ એમની વધુ સફળ થયેલી સુદીર્ઘ અને પ્રભાવક નવલકથા છે. સમાજજીવન અને નારીજીવનની એ સંઘર્ષકથા છે. ‘શીમળાનાં ફૂલ’માં સ્ત્રી-પુરુષ સંબંધોનું ચારુતર નિરૂપણ છે. ‘પરદુ:ખભંજન પેસ્તનજી’ (1978) કૃતિ દૉન કિહોતેનું સ્મરણ કરાવે તેવી કૃતિ છે. ‘ગગનનાં લગન’માં નરવું હાસ્ય પીરસ્યું છે. એમની લઘુનવલો વધુ ધ્યાનાર્હ ઠરી છે. ‘વાંસનો અંકુર’ (1968), ‘એક ભલો માણસ’ (1979), ‘આંધળી ગલી’, ‘હુતાશન’, ‘અનુસંધાન’, ‘આગન્તુક’ (1995) વગેરે તેમની લઘુનવલો છે. ‘વાંસનો અંકુર’માં કિશોર નાયક દાદાનો લાડકો અને લાગણીશીલ છે. દાદાનું પિતા પ્રત્યેનું આચરણ તથા પોતાને રૂંધવા મથતી રસમો સામે નાયક કેશવ વિદ્રોહ કરે છે. ‘આંધળી ગલી’માં નાયિકા કુંદનના કુંવારા અને સ્થગિત જીવનને આલેખ્યું છે. ‘એક ભલો માણસ’ મધ્યમકક્ષાની કૃતિ છે. પણ ‘આગન્તુક’ લઘુનવલ, ઘર-કુટુંબ-સંસાર તજનાર નાયકનું મનોજગત આલેખતી, એના વિરોધમાં એના ભાઈઓની સંસારી જીવોની ક્ષુદ્રતાને ઉપસાવતી ઉત્તમ કૃતિ છે. આ કૃતિને કેન્દ્રમાં રાખીને 1995નો ‘દર્શક ઍવૉર્ડ’ તેમને એનાયત થયો હતો. તેમજ ઇ. સ. 2001માં આ જ કૃતિ માટે દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો હતો. આ કૃતિની વિશેષતા એ છે કે 1996માં પૂરી થયેલી. આ કૃતિનો ઉત્તરાર્ધ તેમણે પચીસ વર્ષ પછી લખ્યો અને 2022માં ‘હવે સંપૂર્ણ’ એવા ઉપશીર્ષક સાથે તે સળંગ કૃતિ બહાર પડી.

‘પહેલું ઇનામ’ (1955), ‘પંખીનો માળો’ (1956 : અન્ય સાથે), ‘વિનાશને પંથે’ (1961) વગેરે એમનાં નાટકો છે. ‘મનનો માનેલો’ જેવું રેડિયો-નાટક, ‘નમણી નાગરવેલ’ (1961) જેવો એકાંકીસંગ્રહ મળ્યાં છે.

બાળસાહિત્યક્ષેત્રે તેમનું વિશિષ્ટ પ્રદાન છે. ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’ (1966) અને ‘સૂતરફેણી’ તેમનાં ભજવાયેલાં બાળનાટકો છે. ‘ગગનચાંદનું ગધેડું’ અને ‘ગોરો આવ્યો’  એ બાળનાટકો પણ તેમની પાસેથી મળ્યાં છે. ‘બતકનું બચ્ચું’ (1982) બાળવાર્તાઓનો સંગ્રહ છે. આ વાર્તાઓમાં પ્રયોજાયેલી પદ્યકંડિકાઓથી તેની બાળભોગ્યતા વધી છે. તેમની પાસેથી ‘મિત્રાનાં જોડકણાં’ (1973) મળ્યાં છે. માર્ક ટ્વેઇનની પ્રશિષ્ટ અને પ્રસિદ્ધ કૃતિ ‘ટૉમ સૉયર’ (ભાગ 1-2, 1960, 1966) અને ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ (1967)  અનુવાદ રૂપે આપેલ છે. ‘ભવની ભવાઈ’ નામક કેતન મહેતાની ફિલ્મની પટકથા તેમણે લખી હતી. ‘હારૂન, અરુણ’ ચલચિત્ર પણ તેમની બાળકથાને આધારે થયું છે. ‘મમ્મી, તું આવી કેવી ?’, ‘લખોટીનો મહેલ’, ‘છબીલના છબરડા’ વગેરે તેમનાં સુંદર બાળનાટકો છે. તેમની પાસેથી ‘કીચન પોએમ્સ’ (2011) નામે કાવ્યસંગ્રહ અંગ્રેજીમાં અને ‘કીચન પોએમ્સ’ ગુજરાતીમાં 2018માં મળ્યા છે, જેમાં રસોડામાં રહેલી નારીની સમગ્ર વિશ્વ સાથેની તેના અનુસંધાનની ભાવનાઓ વ્યક્ત થઈ છે.

તેમને અનેક પુરસ્કારો-ચંદ્રકો મળ્યા છે. 1980માં તેમને ગુજરાત સાહિત્ય સભાનો પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો. તેમને ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદેમી તરફથી 2001નો ઍવૉર્ડ ‘આગન્તુક’ માટે, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી 2002નો ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’, દિલ્હી સાહિત્ય અકાદેમી તરફથી 2015નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ અને એ પછી ‘કાવ્યમુદ્રા ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા છે. તેમને 2006માં સાહિત્ય અકાદેમી દિલ્હી દ્વારા યોજાતા ‘મિટ્ ધ ઓથર’માં સ્થાન મળેલું. 2000-2002માં ‘જાવલ’ વાર્તાસંગ્રહ માટે ધૂમકેતુ નવલિકા પુરસ્કાર, 2008માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી જીવન ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.

એક ઉત્તમ કોટિના કથાસર્જક તરીકે અને બાળસાહિત્યકાર તરીકે તેઓ હંમેશ યાદ રહેશે.

મણિલાલ હ. પટેલ

શ્રદ્ધા ત્રિવેદી